જે રીતે પ્રસંગ પ્રમાણે આપણે સૌ આઉટફીટની પસંદગી કરીયે છીએ તે જ રીતે હવે લોકો 26 જાન્યુઆરી અને 15મી ઓગષ્ટના દિવસે ખાસ ત્રિરંગા રંગના વસ્ત્રો પરીધાન કરવાનું પસંદ કરે છે. શાળા કોલેજોમાં પણ યોજાનારી સ્પર્ધાઓમાં ત્રિરંગા કલરના વસ્ત્રોનો ખાસ ઉપયોગ કરાતો હોય છે. દેશના ઝંડાનો જે કલર છે તેને વસ્ત્રોની ડિઝાઇનમાં હવે અલગ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણીવાર બોલિવૂડ સેલિબ્રીટી પણ આ પ્રકારના પોશાકનો ઉપયોગ કરતા હોય છે. મોટાભાગે આ ત્રિરંગી વસ્ત્રોમાં સાડીનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં થતો જોવા મળે છે. જોકે સાડીમાં આ રંગોનો સમાવેશ પણ સરળતાથી અને વ્યવસ્થિત રીતે તેને શોભે તે રીતે કરી શકાય છે. જોકે ઘણી યુવતીઓ તો કુર્તા અને સલવારમાં પણ આ પ્રકારનું કોમ્બિનેશન કરી લેતી હોય છે. નાના બાળકો માટે પણ ત્રણ રંગોના મિશ્રણવાળા આઉટફીટ હોય છે.

ત્રિરંગી કલરમાં અને ધ્વજને ધ્યાનમાં રાખીને તે ડિઝાઇનની પ્રિન્ટ સાડી માટે પસંદ કરવામાં આવે છે, તેમાં મોટાભાગે તો સાડીની બોર્ડર પર ત્રિરંગનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. જે સાડીની બોર્ડર પર રંગો હોય તે સાડી સફેદ રંગની રાખવામાં આવે છે અને તેમાં બ્લોક પ્રિન્ટમાં ભારતના નકશાની ડિઝાઇન અને અશોક ચક્ર હોય છે. આ એક ખાસ પ્રકારની ડિઝાઇન તૈયાર કરાતી હોય છે. તે સિવાય સાડીના પાલવમાં પણ કેસરી અને લીલા રંગનો ઉપયોગ કરાતો હોય છે અને આખી સાડી સફેદ હોય છે. ફક્ત કેસરી અને લીલા રંગની આખી સાડી હોય છે, તો તેમાં સફેદ રંગના બ્લાઉઝનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ત્રણેય રંગોનો પહેરવેશ જળવાઇ રહે છે.

 

કોલેજ ગોઇંગ ગર્લ્સ એકસાથે ત્રણેય કલર હોય તેવો પહેરવેશ વધારે પસંદ કરતી નથી પણ ત્રણેય રંગોને અલગ અલગ રીતે પહેરીને ત્રિરંગી ધ્વજનો કલર બનાવી દેતી હોય છે. જોકે તે કુર્તા-પાયજામા, સલવાર-કુર્તા-દુપટ્ટા, જીન્સ-ટોપ-કેપ, ટી-શર્ટ્સ-સ્કર્ટ-સ્ટોલ આ પ્રકારના વિવિધ કોમ્બિનેશન કરીને પહેરતી હોય છે. નાના બાળકોમાં તો વધારે ચોઇસ હોતી નથી. તેમના એક જ આઉટફિટમાં ત્રણેય રંગોનો સમાવેશ કરી દેવામાં આવતો હોય છે. જોકે ફક્ત આઉટફીટની જ વાત ન કરીયે તો ત્રિરંગી જ્વેલરી પણ એટલી જ ડિમાન્ડમાં છે અને તે ત્રણ કલરની જ્વેલરી પણ ખાસ બનાવવામાં આવતી હોય છે. જોકે જ્વેલરીની એક ખાસિયત એ છે કે તે રંગોની સિક્વલ પ્રમાણે જ સેટ કરવામાં આવે છે. જેથી પહેલી નજરે જોતા જ તે ધ્વજના રંગોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, તે સ્પષ્ટ થઇ જાય છે.

ધ્વજના રંગોનું કોમ્બિનેશન કરીને આઉટફીટ પહેરવા અને ધ્વજના જેવા જ આઉટફીટ પહેરવા બંને ખૂબ અલગ બાબત છે. જેના કારણે ઘણીવાર વિવાદ પણ જોવા મળ્યા છે. તેથી જ હવે ડિઝાઇનરો પણ આ ત્રણ રંગોનો સુમેળ કરવામાં ખૂબ ધ્યાન રાખે છે. ત્રણેય રંગોની ડિઝાઇનને કોઇપણ રીતે ભેગી તો કરે છે અને આઉટફીટ પર એપ્લાય કરે છે પણ તે ડિઝાઇન્સ વિવાદ સર્જે તે પ્રકારની હોતી નથી. તેથી ત્રિરંગી આઉટફીટ પહેરવાનો લોકોનો શોખ પણ પૂરો થાય છે અને વિવાદથી પણ બચી જવાય છે.

સફેદ રંગનું મહત્વ હંમેશા વધારે રહ્યું છે કારણકે તેની સાથે તમે કોઇપણ પ્રકારનો ડાર્ક રંગ ભળી જતો હોય છે. ઘણીવાર તો ફક્ત સફેદ ચિકનના ડ્રેસની સાથે કેસરી અને લીલા રંગની ઓઢણી પણ પહેરાતી જોવા મળે છે. આ સૌથી સાદુ અને આકર્ષણ કોમ્બિનેશન હોય છે. જોકે ત્રિરંગી આઉટફીટમાં સૌથી વધારે કોટર્ન અને સેમી કોટન કાપડનો ઉપયોગ થાય છે. ખાદીના કાપડમાંથી મોટાભાગે સફેદ આઉટફીટ બનતા હોય છે, જેમાં સાડી કે કુર્તાની બોર્ડર પર કેસરી કે લીલા રંગની બોર્ડર કરવામાં આવે છે. હવેના સમયમાં તો બ્રોકેટ, સિલ્ક, શિફોન અને મલ મટીરીયલમાં પણ આ રંગોનો ઉપયોગ જોવા મળે છે. જોકે આધુનિકતાની સાથે હવે મોટાભાગે દરેક પ્રકારના કાપડના મટીરીયલ પર આ રંગો ચમકી ઊઠે છે.

 

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment