બોલિવૂડની લવ સ્ટોરીના બાદશાહ અને કિંગ ઓફ રોમાન્સ ગણાતા શાહરૂખ ખાન ફરીથી એક અલગ પ્રકારની લવ સ્ટોરીમાં જોવા મળ્યો. ફિલ્મ હેરી મેટ્સ સેજલમાં તે ફરી એક વાર અનુષ્કા શર્મા સાથે દેખાયો. અનુષ્કા શર્મા આજના સમયની ટોચની અભિનેત્રીઓમાંની એક છે, તેણે પોતાની કરિયની પહેલી ફિલ્મ રબને બનાદી જોડી દ્વારા જ ડેબ્યુ કર્યુ હતું. જેનો હિરો શાહરૂખ ખાન હતો. તે ફિલ્મને અને બંનેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ફરીથી આ જોડી એક નવી જ લવસ્ટોરી સાથે જોવા મળી. શાહરૂખ ફિલ્મમાં એક ગાઇડની ભૂમિકામાં છે. તે એક પંજાબી યુવક છે. શાહરૂખનું પોતાનું માનવું છે કે તેણે ઘણા લાંબા સમય પછી એક રસપ્રદ લવ સ્ટોરીવાળી ફિલ્મ કરી છે. અનુષ્કા આ ફિલ્મમાં એક ગુજરાતી યુવતીના પાત્રમાં છે અને તેનું નામ સેજલ છે. તેથી જ પોતાની સેજલને શોધવા શાહરૂખ અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. તે સમય દરમિયાન તેની સાથે થયેલી ફિલ્મ અંગેની વાતચિત.

કિંગ ઓફ રોમાન્સ શાહરૂખની આ ફિલ્મમાં શું નવું જોવા મળશે. 

ફિલ્મમાં એક સામાન્ય લવ સ્ટોરી જ જોવા મળશે. મિલન થાય છે, તકરાર થાય છે, પ્રેમ થાય છે, ફરી લડાઇ થાય છે અને તે પછી પ્રેમ થાય છે કે નથી થતો તે જોવાનું છે. મને એવું લાગે છે કે ઘણા વર્ષો પછી એક સરસ મજાની લવ સ્ટોરી જોવા મળશે. જે ખરેખર વાસ્તવિક હોય તેવું લાગશે. આવું ઘણા લોકો સાથે થયું હોય તેવું પણ બની શકે છે. આ ફિલ્મ જોઇને લાગશે કે આવી કોઇ વ્યક્તિને આપણે પણ ઓળખીયે છીએ. સારા સ્થળો પર શૂટીંગ થયું છે. આ ફિલ્મ અને તેની વાર્તા વાસ્તવિકતાની ખૂબ જ નજીક છે. ફિલ્મ જોઇને લોકોને લાગવું જોઇએ કે તેઓ એક હરેન્દ્રને અને સેજલને ઓળખે છે. ફિલ્મમાં ગુજરાતી યુવતી અને પંજાબી યુવક બતાવાયા છે પણ રીયલ લાઇફમાં આવી વ્યક્તિ કોઇપણ પ્રદેશની હોઇ શકે છે.

ઇમ્તિઆઝની ફિલ્મમાં શું અલગ લાગે છે.

ઇમ્તિઆઝની ફિલ્મમાં ખાસ અલગ બાબત એ હોય છે કે તેના પાત્ર હંમેશા નવા હોય છે. તેની ફિલ્મની વાર્તામાં જ અલગ પ્રકારની પ્રેમકહાણી જોવા મળતી હોય છે. દરેક ફિલ્મમાં દેશ-દુનિયાના સ્થળો લોકોને જોવા મળે છે. તેની ફિલ્મમાં હંમેશા એક અલગ જ પ્રકારની રોમેન્ટિક લવ સ્ટોરી જોવા મળતી હોય છે. ફિલ્મના જે ઇમોશનલ ઉતાર-ચઢાવ જોવા મળે છે તે સૌથી વધારે આકર્ષક અને અલગ હોય છે. મજેદાર, ઇમોશનલ અને કોમિક હોય છે. ફિલ્મ પૂરી થાય તો એક સારી ફિલ્મ કર્યાનું દિલથી અનુભવી શકો છો અને તમને લાગે છે કે આવું જીવનમાં થઇ ચૂક્યું છે કે હવે પછી થવાનું છે. ઇમ્તિયાઝ જ્યારે પણ વાર્તા લખે છે ત્યારે ફિલ્મના પાત્રની જે કેમેસ્ટ્રી છે, તે ખૂબ આકર્ષક હોય છે. તેમની ફિલ્મો સ્પોકન ફિલ્મો હોય છે, જેમાં રોજબરોજ વપરાતા ડાયલોગ્સનો પણ ઉપયોગ થતો હોય છે. તેથી તેના માટે અનુષ્કા જેવી નેચરલ એક્ટ્રેસ યોગ્ય છે.

ફિલ્મની થોડી વાત જણાવશો.

ફિલ્મમાં બે અલગ રાજ્યના લોકો એકબીજાને મળે છે. યુવતી ગુજરાતની છે. યુવક પંજાબી છે. બંનેના અનુભવો અલગ છે. યુવક વિદેશમાં રહ્યો છે, તેથી બંનેની લાઇફ પણ અલગ છે કારણકે યુવકની જીંદગીની પરિસ્થીતીઓ અલગ રહી છે. યુવતીની લાઇફ અલગ છે, પ્રોટેક્ટેડ છે. હું ટુરિસ્ટ ગાઇડ છું. યુરોપમાં એક ગ્રુપ ફરવા આવ્યું છે. જે ગુજરાતથી છે, જેમાં સેજલ છે. બીજી ખાસ વાત કહીશ કે ઇમ્તિઆઝની ફિલ્મોમાં યુવતીઓનું જે પાત્ર હોય છે, તે ખૂબ બોલ્ડ હોય છે, ઓનેસ્ટ હોય છે. સુંદર હોય છે. તેની ફિલ્મો જેટલી પણ યુવતીઓ જુએ છે, તે દરેક ફિલ્મના યુવતીના પાત્રની જે સેન્સેટીવીટી હોય તે સમજી શકે છે. તેમને પોતાની સાથે કનેક્ટ કરી શકે છે. તે એકદમ અલગ અને નવી બાબત છે.

ગુજરાતની સેજલ્સને મળીને કેવો અનુભવ થયો.

મને ખૂબ જ આનંદ થયો. મારી લાઇફમાં સ્કુલ કે કોલેજના સમયમાં કે અત્યાર સુધીના જીવનમાં હું ક્યારેય કોઇ સેજલ નામની યુવતીને ઓળખતો જ નહોતો. આ નામ મેં પહેલીવાર સાંભળ્યું. એક વાતની નવાઇ પણ લાગી કે મને જ્યાં સુધી જાણકારી હતી કે સેજલ ફક્ત યુવતીઓનું જ નામ હોય છે. અહીં આવીને ખબર પડી કે સેજલ યુવકનું નામ પણ હોય છે.

શાહરૂખની ફિલ્મના પ્રમોશનનું કોન્સેપ્ટ હંમેશા અલગ પ્રકારનું હોય છે, તમારા વિચાર હોય છે કે ટીમ વિચારે છે.

હું હંમેશાથી એક વાત કહેતો આવ્યો છું કે દરેક ફિલ્મની પાછળ એક નવા પ્રકારના વિચારો જોડાયેલા હોય છે. તેમાં કોઇપણ ફિલ્મ હોય, લવસ્ટોરી હોય કે એક્શન કે થ્રિલર ફિલ્મ હોય શકે છે. ફિલ્મ જ્યારે રીલીઝ કરવાનો સમય આવે ત્યારે જે વિચારથી ફિલ્મ શરૂ કરવામાં આવી હોય છે, તે ભૂલી જવાતું હોય છે. તેથી ટ્રેલર લોન્ચ, ગીત લોન્ચિંગ વગેરે થતું રહેતું હોય છે. જો તેમાં ફિલ્મના વિચારો પ્રમાણે ચાલીયે તો આ ફિલ્મની વાર્તાની અમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે મને અને ઇમ્તિઆઝને લાગ્યું હતુ કે યુવતીનું જે પાત્ર છે, તે વધારે મહત્વનું, રસપ્રદ અને અલગ પ્રકારનું છે. જ્યારે પણ ફિલ્મ રીલીઝ કરવાની હશે ત્યારે એક વાત મનમાં રાખવાની રહેશે કે સેજલ જે છે, તે ખૂબ જ મહત્વની છે. તો માર્કેટીંગ એ જ રીતે કરવું જોઇએ. લવસ્ટોરી બધી એક સરખી જ હોય છે, તેથી આ ફિલ્મમાં અમે મીની ટ્રેલર્સ દેખાડ્યા. જેથી લોકોને ઉત્સુકતા રહે. જે રીતે ધીમે ધીમે ફિલ્મની વાર્તા આગળ વધે છે, તે રીતે અમે ટ્રેલર લોન્ચ કર્યા.

અનુષ્કા સાથે ત્રીજી ફિલ્મ છે, તેનામાં શું ખાસિયત છે.

અનુષ્કાની કરિયરની શરૂઆત મારી સાથે જ થઇ હતી તો તે જ ખાસ વાત કહી શકાય. તે સિવાય દિપીકા, પ્રીતી ઝીંટા આ બધાની શરૂઆત પણ મારી સાથે જ થઇ હતી. તેથી એક પોતાનાપણુ જેવું લાગે છે. એક દોસ્તી છે. ફેમીલી રીલેશન જેવું બની જતું હોય છે. તેની વિશે બીજી વાત કરું તો તે એક અલગ પ્રકારની એક્ટ્રેસ છે. મેં એને એવી ઘણી ફિલ્મો કહી છે, પણ તેને જ્યાં સુધી વિશ્વાસ ન આવે ત્યાં સુધી તે ફિલ્મ માટે હા પાડતી નથી. તે પોતાની વાત કહેવામાં ખૂબ જ સ્પષ્ટ અને પ્રામાણિક છે. આ પ્રકારની પ્રામાણિકતા ઘણીવાર સ્ટાર બન્યા પછી લોકોમાં ખોવાઇ જતી હોય છે, જે અનુષ્કામાં હજી પણ જળવાઇ રહી છે. તે તેના માટેની ખૂબ મહત્વની બાબત છે. સેજલનું પાત્ર જમીન સાથે જોડાયેલું પાત્ર છે, તેથી તેના માટે ખૂબ જરૂરી હતું કે સ્ટારડમને છોડીને પ્રામાણિકતા સ્વીકારે અને પાત્રને ન્યાય આપે.

કિંગ ઓફ રોમાન્સનું સ્થાન આટલા વર્ષોથી કેવી રીતે જાળવી શક્યા છો.

હું થોડા સમય પહેલા જ મારી પત્ની અને બાળકો સાથે બેઠો હતો. બાળકો લંડન અમેરીકાથી આવ્યા હતા. હું વાત કરી રહ્યો હતો કે જો હું મારા ફિલ્મી પાત્રો ગણવા બેસું તો હંમેશા અલગ પ્રકારના જ પાત્ર કર્યા છે. એક એક્ટર તરીકે હું ક્યારેય વિચારતો નથી કે હું રોમેન્ટિક હિરો છું કે એક્શન હિરો છું. મારી જે રોમેન્ટિક ફિલ્મો હતી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને કુછ કુછ હોતા હૈ એટલી બધી ચાલી કે તે જોઇને લોકોએ મને રોમેન્ટિક હિરોનું નામ આપી દીધુ. હાલમાં જ આદિ ચોપરા સાથે વાત કરી તો તેમણે પણ કહ્યું કે તું વર્ષો પછી આ લવસ્ટોરી ફિલ્મ કરી રહ્યો છો. સાચું કહું તો એક પ્યોર લવસ્ટોરી હું ઘણા વર્ષો પછી કરી રહ્યો છું. મને તેમાં ફિલ્મના ડિરેક્ટર અને આખી ટીમ હેલ્પ કરે છે. ફિલ્મમાં જ્યારે કોઇ ગીત રાખવામાં આવે તો મ્યુઝીક ડિરેક્ટર પણ ખાસ વિચારે છે કે ગીત શાહરૂખ ખાન કરે છે, તો રોમેન્ટિક જ હોવું જોઇએ. મારા રોમેન્ટિક ગીતો જ લોકો વધારે પસંદ કરે છે. રઇશ ફિલ્મ અલગ હતી પણ લોકોને તેનું ઝાલીમા… ગીત જ ખૂબ પસંદ પડ્યું હતું.

રઇશ અને હેરી મેટ્સ સેજલ બંને ફિલ્મો ગુજરાત સાથે સાંકળવામાં આવી છે. ગુજરાત સાથે બોન્ડિંગ સ્ટ્રોંગ બનતું જાય તેવું લાગે છે.

એક આકસ્મિકતા કહી શકાય કારણકે રઇશનું શૂટીંગ અઢી વર્ષ પહેલા થયું હતું. તે ધીમે ધીમે પાછળ ઠેલાતું રહ્યું હતું. આ ફિલ્મ માટે ઇમ્તિઆઝનું ખાસ કનેક્શન રહેલું છે કારણકે મુંબઇમાં જે ગુજરાતી યુવતીઓ છે, તેમાં કોઇ નામ સાથે રીલેટ કરે છે. તે સિવાય ગુજરાતીઓ સૌથી વધારે વર્લ્ડ ટ્રાવેલ કરતા જોવા મળે છે. તે સિવાય ગુજરાતમાં એક કલ્ચરલ ક્રિએટીવીટી જોવા મળે છે. લોકો ખાવાના પણ શોખીન છે. અહીંની ઘણી વાનગીઓ દેશ-વિદેશમાં વખણાય છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment