ટાઇગર ઝીંદા હૈ ફિલ્મને લઇને દર્શકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળે છે. બજરંગી ભાઇજાન અને સુલતાનની સફળતા પછી સલમાન પાસેથી લોકોને આશા વધી ગઇ છે. એક થા ટાઇગરની સ્ટોરીલાઇન ખૂબ સરસ હતી જેનો ફાયદો સિક્વલને મળશે. જે આજે રીલીઝ થઇ રહી છે. બોલિવૂડની ખૂબ લોકપ્રિય રહેલી ધાસૂ ફિલ્મ એક થા ટાઇગર 2012માં રીલીઝ થઇ હતી અને ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. સલમાન ખાન અને કૈટરીના કૈફની જોડીએ આ ફિલ્મમાં ખૂબ સારી કેમેસ્ટ્રી દર્શાવી હતી. દર્શકોએ તે જોડીને ખૂબ પસંદ પણ કરી હતી. તે ફિલ્મમાં સલમાન એક જાસૂસના પાત્રમાં જોવા મળ્યા હતા અને કૈટરીના તેની પ્રેમીકાના પાત્રમાં હતી. હવે ફરીથી એકવાર આ જોડી ટાઇગર ઝીંદા હૈમાં જોવા મળી છે. આ ફિલ્મ એક થા ટાઇગરની સિક્વલ છે. આ ફિલ્મની વાર્તા ત્યાંથી જ શરૂ થશે, જ્યાંથી એક થા ટાઇગરની વાર્તા પૂરી થઇ હતી. તેથી ફરીથી દર્શકોને ટાઇગર અને ઝોયાનો રોમાન્સ જોવા મળશે.
ફિલ્મમાં એક ફરક એ છે કે એક થા ટાઇગરને કબીર ખાને ડિરેક્ટ કરી હતી જ્યારે ટાઇગર ઝીંદા હૈ સુલતાન ફેમ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે બનાવી છે. તેના પોસ્ટર રીલીઝની સાથે જ દર્શકોમાં ફિલ્મને લઇને ઉત્સાહ વધી ગયો હતો. આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન જોવા મળવાની છે. જેમાં હોલિવૂડના ફાઇટ માસ્ટર ટોમ સ્ટૂદર્સે કમાન સંભાળી છે અને અનોખા પ્રકારના એક્શન સીન ફિલ્મમાં ઉમેર્યા છે. જેના માટે ફિલ્મના કલાકારોએ ખૂબ મહેનત કરી છે. ફિલ્મમાં સલમાન ખાન ઘોડેસવારી કરતા પણ જોવા મળશે.
આ ફિલ્મમાં કૈટરીના અલગ જોવા મળશે. તે એક્શનની સાથે પોતાના ડાન્સનો પણ જાદુ વિખેરશે. સલમાન ફિલ્મને લઇને કોઇ કસર બાકી રાખવા માગતા નથી. આ ફિલ્મથી દબંગ ખાનને ઘણી આશા રહેલી છે. ફિલ્મના છેલ્લા ગીતનું શૂટીંગ ગ્રીસમાં થયેલું છે. ફિલ્મમાં કૈટરીનાનો અનોખો માદક અંદાજ જોવા મળશે. આ ફિલ્મમાં કૈટરીના કૈફ એક ખાસ પ્રકારનો ડાન્સ કરતી જોવા મળશે. કહેવાય છે કે કૈટરીનાનો આ સૌથી ધમાકેદાર ડાન્સ હશે. આ ડાન્સ પછી લોકો તેના ચીકની ચમેલી, શીલા કી જવાની, કમલી, કાલા ચશ્મા…જેવા દરેક ગીતોને ભૂલી જશે. થોડા સમય પહેલા જ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો અને લખ્યું હતુ કે – ગ્રીસમાં સવારની ઠંડીમાં ફિલ્મના છેલ્લા ગીતનું શૂટીગ શરૂ.
આઇએસનો પણ ઉલ્લેખ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. આ ફિલ્મની વાર્તાને લઇને કેટલાક ખુલાસા કરવામાં આવ્યા છે. ફિલ્મની વાર્તા ઇરાક અને સીરિયામાં આંતક ફેલાવનાર સંગઠન આઇએસ સાથે જોડાયેલ છે. આ આતંકી સંગઠને થોડા સમય પહેલા ઇરાકમાં રહેતી 46 ભારતીય નર્સોને બંદી બનાવી હતી. તે સમયે ભારતીય રાજદૂત બીબી ત્યાગી એક હિરો તરીકે મદદમાં આવ્યા હતા. તેમણે પોતાની કૂટનિતી સૂજબૂઝ દ્વારા નર્સોને છોડાવી હતી. જોકે આ ફિલ્મમાં સૌથી મહત્વની વાત એ પણ છે કે ફિલ્મમાં અનેક દેશો દર્શકોને જોવા મળશે. મોરોક્કો અને ગ્રીસની સાથે સાથે આબુદાબી, ઇરાક અને સીરીયા જેવા દેશોમાં પણ શૂટીંગ કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક સ્થળોએ ખૂબ ઠંડી હતી તો કેટલીક જગ્યાએ ગરમી હતી. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરનું કહેવું છે કે આ ફિલ્મ એક્સથી ભરપૂર ફિલ્મ છે.
જોકે આ વર્ષની વાત કરીયે તો ટાઇગર ઝીંદા હૈ પાસે એનેક આશાઓ રાખવામાં આવી રહી છે કારણકે આ વર્ષે બાહુબલી અને ગોમાલને છોડીને દરેક ફિલ્મ થોડોઘણો બિઝનેસ કરી શકી છે. સલમાનની ટ્યૂબલાઇટ ફિલ્મ ફ્લોપ રહી તેનું કારણ તે પોતાની એક્શન ઇમેજને છોડીને સીદાસાધા પાત્રને માને છે. જોકે તે સમયે તેમણે કહ્યું હતું કે ટ્યૂબલાઇટ પછી ટાઇગર પણ આવી જ રહી છે. ટાઇગર અભી ઝીંદા હૈ ફિલ્મ એટલા માટે વધારે મહત્વની બની છે કે પદ્માવતીની ફિલ્મની રીલીઝ ડેટ હવે ફેબ્રુઆરી સુધી લંબાઇ ગઇ છે. જોકે સુલતાન પછી એક સારી ફિલ્મ માટે યશરાજ પોતે પણ પરેશાન છે. જેના કારણે આ ફિલ્મનું પ્રમોશન ખૂબ જ જોરપૂર્વક કરવામાં આવી રહ્યું છે.
વોન્ટેડની સફળતા પછી કદાચ ટ્યૂબલાઇટ એકમાત્ર એવી ફિલ્મ છે, જેમાં દર્શકોએ સલમાનને તેના પાત્રને લઇને પસંદ કર્યો નહીં. જોકે સલમાનને ટ્યૂબલાઇટ ફિલ્મથી વધારે પ્રમાણમાં આશા હતી. જે આશાઓ પર ખરી ઊતરી નહીં. તે સમય દરમિયાન સલમાનની કંપનીના સીઇઓ અમર ભૂટાલાના રાજીનામાના સમાચાર પણ આવ્યા. આટલી બધી પરેશાનીયો વચ્ચે ઘેરાયેલા સલમાન પોતાની પહેલા જેવી ઇમેજ પાછી મેળવવા ઇચ્છતા હતા. તો બીજી બાજુ કૈટરીના પણ પોતાની ફ્લોપ ફિલ્મો બાર બાર દેખો, જગ્ગા જાસૂસ થી લઇને ફિતૂરથી શરૂ થયેલી અને અત્યાર સુધીની દરેક નિષ્ફળતા અને અંગત જીવનની બાબતને ભૂલી જઇને પોતાનો પહેલા જેવો જાદુ વિખેરવા માટે તૈયાર છે. સલમાન અને કૈટરીનાને સાથે કબીરની ફિલ્મ ફૈંટમ અને સલમાનની સાથે ટયૂબલાઇટ નિષ્ફળ રહી હતી. તેથી દેખીતી વાત છે કે યશરાજ આ ત્રણ જણાને ફરીવાર ભેગા કરવા માટે સો વાર વિચારશે. તેથી કબીરની જગ્યાએ ટાઇગર ઝીંદા હૈમાં અલી ઝફરને લીધા જેમણે સુલતાનમાં ખૂબ જ ફાયદાકારક કમાણી કરાવી છે. જોકે અલી આમપણ એક્શન ફિલ્મોમાં માસ્ટરમાઇન્ડ ગણાય છે અને આદિત્ય ચોપરા તેમના પર સંપૂર્ણ વિશ્વાસ પણ કરે છે. હવે જોવાનું એ છે કે આ તિકડી શું કરી દેખાડે છે.
મેધા પંડ્યા ભટ્ટ