ગયા વર્ષે 2018માં આયુષમાન ખુરાનાની ફિલ્મ ‘અંધાધૂન’ અને ‘બધાઇ હો’ એ ખૂબ લોકપ્રિયતા મેળવી. બંને ફિલ્મોમાં તેના કામના ખૂબ વખાણ થયા. હવે તે પોતાની આવનારી ફિલ્મ ‘આર્ટીકલ 15’ ને લઇને ખૂબ ચર્ચામાં છે. જોકે ફિલ્મને લઇને થોડી કોન્ટ્રોવર્સી પણ થઇ છે, જેમાં ઉત્તરપ્રદેશના બ્રાહ્મણોને તકલીફ ઊભી થઇ છે. ફિલ્મનું શૂટીંગ લખનૌ અને તેના આજુબાજુના વિસ્તારોમાં થયું છે. તેના ટ્રેલરમાં સામાજીક ભેદભાવની વિરુદ્ધમાં અવાજ ઊઠાવનાર સંવિધાન સભાના પ્રણેતા ડો. બાબા સાહેબ આંબેડકરની જે ઝલક જોવા મળે છે, તેણે દર્શકોમાં ઉત્સુકતા જગાવી છે. ફિલ્મની વાર્તા વાસ્તવિક જીવનની ઘટના સાથે જોડાયેલી છે. આ ફિલ્મમાં તે એક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યો છે. આયુષમાનનું કહેવું છે કે ફિલ્મમાં તેનું પાત્ર ફિલ્મી નથી પણ એકદમ વાસ્તવિક છે. આયુષમાન સાથે ફિલ્મ અને કરીયરને લઇને થયેલી કેટલીક ટેલિફોનિક વાત.

ફિલ્મ ‘આર્ટીકલ 15’ કેવા પ્રકારની ફિલ્મ છે. તેનો વિષય શું છે.

સૌથી પહેલા તો હું એક વાત સ્પષ્ટ કરીશ કે આ ફિલ્મ ખૂબ જ અશુદ્ધ રીતે બનાવવામાં આવી છે, જે ખુલ્લી રીતે સમાજની કાસ્ટ સિસ્ટમ પર સવાલ ઉઠાવી રહી છે. ફિલ્મમાં જાતિવાદથી લઇને નાબાલિક પર થતા રેપ અને ઓનર કિલિંગ પર પણ ફોકસ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સમાજનો સાચો અરીસો છે, તે સમાજને એક સ્પષ્ટ અને સચોટ મેસેજ પૂરો પાડશે તેવી મને આશા છે. તેની સ્ક્રિપ્ટ ખૂબ જ રસપ્રદ છે. સમાજના લોકોની આંખ ખોલી નાખશે તેવી ફિલ્મ છે. લોકોને લાગે છે કે આજે જાતિવાદ રહ્યો નથી પણ એવું નથી. 2019 આવી ગયો તો પણ આપણી સોસાયટીમાં આજેપણ જાતિવાદ જોવા મળે છે.

ફિલ્મના તમારા પાત્ર વિશે શું કહેશો.

ફિલ્મમાં હું એક પોલીસ ઓફિસરના પાત્રમાં છું. જે યુપીના એક નાનકડા ગામમાં ઓનરકિલિંગના કેસને સોલ્વ કરવા માટે જાય છે. તે ત્યાંના જાતિવાદને જોઇને દંગ રહી જાય છે. આ ફિલ્મમાં હું ફિલ્મી પોલીસ ઓફિસર બન્યો નથી. મારો રોલ કોઇ બોલિવૂડ કે હોલિવૂડ એક્ટરથી પ્રેરીત થયો નથી. આ એક વાસ્તવિક પાત્ર છે.

પાત્ર માટે કોઇ ખાસ તૈયારીઓ કરવી પડી.

પોલીસ ઓફિસરના પાત્ર માટે હું રીયલ ઓફિસરને મળ્યો હતો. કલકત્તા અને દિલ્હીમાં રહેતા એક જાણીતા આઇપીએસ અધિકારી મનોજ માલવીય મારા ખૂબ સારા મિત્ર છે. તેમને ઘણીવાર મળ્યો અને બોડી લેંગ્વેજ સમજવાનો પ્રયત્ન કર્યો. તે ઉપરાંત લખનૌના કેટલાક ઇપીએસ અધિકારીને મળ્યો અને તેમની રોજીંદી દિનચર્યા જાણી. તેઓ કઇ રીતે સેલ્યુટ કરે છે, તે પણ શીખ્યો. પાત્ર માટે મેં કોઇની નકલ કરી નથી. હું તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માંગુ છું.

જાતિવાદ સાથે જોડાયેલી કઇ બાબતો ફિલ્મ કર્યા પછી જાણવા મળી.

મને આ ફિલ્મ દ્વારા જાણવા મળ્યું કે આજેપણ ઘણા ગામડાંઓમાં પછાતવર્ગના લોકો બ્રાહ્મણોના ગામમાંથી ખુલ્લાપગે પસાર થતા હોય છે. તો ઘણા સ્થળોએ આજેપણ પછાતવર્ગના અને ઠાકુરોના પાણીના કુવા અલગ જોવા મળે છે. તેમના વાસણો પણ અલગ હોય છે.

વાસ્તવિક જીવનમાં જાતિવાદ વિશે તમારા શું વિચારો છે.

આ ફિલ્મ કરતા પહેલા મેં પોતે જાતિવાદની સિસ્ટમને ખૂબ જીણવટપૂર્વક સમજવાનો પ્રયત્ન કર્યો. મેં પછાતવર્ગ પર લખાયેલા પુસ્તકો વાચ્યા. સાચું કહું તો હું પોતે જાતિવાદનો વિરોધી છું. મને એવું લાગે છે કે શા માટે આજેપણ આપણને શાળામાં ચારવર્ણો વિશે ભણાવવામાં આવે છે. ત્યાંથી જ આપણા મનમાં આ બધી બાબતોનું સિંચન થાય છે. જો આ ભણાવવામાં ન આવે તો તેનાથી શો ફરક પડે છે. આ ફક્ત આપણા દેશમાં જ જોવા મળે છે. બહારના દેશોમાં આ પ્રકારનું નથી. સારું છે કે મુંબઇ શહેર આ બધાથી દૂર છે, અહીં ફક્ત આવડતને મહત્વ આપવામાં આવે છે. કાશ, બધા જ શહેર આવા બની જાય.

સતત ફિલ્મોની સફળતાથી કેટલો ફાયદો થાય છે.

મારો સૌથી મોટો ફાયદો એ છે કે હવે હું લોકપ્રિય ડિરેક્ટર્સ સાથે કામ કરી રહ્યો છું, તો કેટલાકની સાથે કામ કરવાનો છું. બીજો ફાયદો એ છે કે હવે દર્શકો મારા નામને કારણે ફિલ્મો જોવા જઇ રહ્યા છે. મેં તેમનો વિશ્વાસ અને પ્રેમ બંને જીતી લીધા છે. તેનાથી મોટી વાત મારા માટે શું હોઇ શકે.

આવનારી ફિલ્મો કઇ છે.

હાલમાં કેટલીક ફિલ્મો સાઇન કરી છે. જેમાં ‘ડ્રીમ ગર્લ’, ‘ગુલાબો સિતાબો’, ‘બાલા’ અને ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ છે. જેમાંથી ‘ગુલાબો સિતાબો’ અને ‘ડ્રીમ ગર્લ’ આ વર્ષે જ રીલીઝ થશે. બાકીની બે ફિલ્મો ‘બાલા’ અને ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ આવતા વર્ષે રીલીઝ થશે.

Loading

Spread the love

Leave a Comment