આપણે જાણીયે છીએ કે મોટાભાગે ઘરની દિવાલોના રંગો પર વધારે ચર્ચા કરવામાં આવતી નથી કે ખાસ ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ જો તેના પર ધ્યાન આપવામાં આવે તો દિવાલો અને તેના પરના રંગ ખીલી ઊઠશે.
જો તમે ઘરમાં રંગ કરાવ્યો હોય તેમ છતાંય તમને દિવાલો અને તમારા રૂમ નિસ્તેજ દેખાતા હોય તેના માટે કઇક વિચારવું જરૂરી છે. ઘણીવાર દિવાલો પર રંગ કરાવ્યા પછી તે નાની દેખાવા લાગે છે, તેવું પણ બનતું હોય છે. તમે રસોડા માટે જે પ્રકારનો રંગ પસંદ કર્યો તેનાથી રસોડું વધારે સારું દેખાતું નથી તેવું અનુભવી રહ્યા છો.જો તમને દિવાલો પર કરાવેલા રંગોને લઇને આવી ફિલિંગ થતી હોય તો તમારે સ્વીકારી લેવું જોઇએ કે તમે જે પ્રકારના રંગોની પસંદગી ઘરના અલગ અલગ રૂમો માટે કરી છે, તે યોગ્ય નથી. તમારા ઘરની દિવાલો માટે યોગ્ય રંગોની પસંદગીની જરૂર છે. જેને લઇને તમે ઘરના રંગોમાં જાદૂ કરીને ઊજાસ પાથરી શકો છો.
રસોડું
રસોડાની દિવાલો માટે હંમેશા એવા રંગોની પસંદગી કરવી જોઇએ જે ચિયરફુલ હોવાની સાથે સાથે આકર્ષક પણ હોય. રસોડા માટે મોટાભાગે પીળા રંગ પર જ પસંદગી ઊતારવી જોઇએ, જે ખૂબ સુંદર લાગે છે. તેમાં ઘણા બધા શેડ્સ હોય છે. લાઇટ લેમન યલો આંખને ઠંડક આપે છે. રસોડામાં રસોઇ કરતી વખતે જે ધૂમાડો થતો હોય છે, તેના કારણે લોકો ડાર્ક રંગ પસંદ કરતા હોય છે, જેમાં બ્લ્યૂ પર વધારે પસંદગી ઊતારવામાં આવે છે. જોકે પીળો રંગ જ બેસ્ટ ગણાય છે.
સ્ટડી રૂમ
ઘરમાં જો લાઇબ્રેરી હોય કે સ્ટડી રૂમ હોય તો તેના માટે ગ્રીન રંગ વધારે યોગ્ય ગણાય છે. આ એક જ એવો રંગ છે, જે આપણા રેટીના પર સીધી અસર કરે છે. તેમાં કઇપણ જોવું ખૂબ સરળ હોય છે. તેથી સ્ટડી રૂમમાં ગ્રીન રંગ હોવો જરૂરી છે, અથવા જે રૂમમાં સ્ટડી ટેબલ હોય ત્યાં ધ્યાન અને એકાગ્રતા જળવાઇ રહે તે માટે આ રંગ પર પસંદગી ઊતારવી જોઇએ. ગ્રીનમાં પણ એપ્પલ ગ્રીન કે મિન્ટ ગ્રીનના બદલે ડાર્ક ગ્રીન રંગનો ઉપયોગ કરવો જોઇએ.
ઘરની સિલિંગ
દિવાલોની તુલનામાં સિલિંગ માટે હળવા રંગ પસંદ કરવા જોઇએ. સિલિંગ વધારે ઊંચી દેખાય તેના માટે આછા રંગો હોય છે. જોકે તેના માટે એ જરૂરી નથી કે તેને ફક્ત સફેદ રંગથી જ રંગાવી દેવી જોઇએ.
રૂમની દિવાલો
જે રૂમમાં ઓછો પ્રકાશ આવે છે, તે રૂમની દિવાલો એકબીજાને વધારે રીફલેક્ટ કરે છે. જેના કારણે તે ડાર્ક લાગે છે. આવા રૂમમાં વધારેમાં વધારે આછા રંગોનો ઉપયોગ કરો. લાઇટ રંગના પેઇન્ટ સૂકાયા પછી ગાઢા થઇ જાય છે. સૂરજનો પ્રકાશ અને લાઇટ્સનો પ્રકાશ બંને દિવાલોના રંગોને બદલી નાખે છે. આંખને ઠંડક આપતા રંગો રૂમને વધારે મોટા દેખાડે છે. જ્યારે હૂફ આપે તેવા રંગો (વાર્મ કલર્સ) થી રૂમ નાના દેખાય છે. કૂલ કલર્સમાં વાયલેટ, ગ્રીન અને બ્લ્યૂ હોય છે.
રંગની પસંદગી
રંગો આપણા મૂડ અને એનર્જી પર સીધા અસર કરનાર હોય છે. આપણે આ રંગોવાળી દિવાલોની વચ્ચે જ રહેવાનું હોય છે. તેવામાં ઘરની દિવાલો માટે રંગોની પસંદગી કરતી વખતે વ્હાઇટ પીસના કાર્ડબોર્ડ પર મનગમતા રંગોને એકવાર ટ્રાય કરીને તેને દિવાલો પર લગાવીને જોઇ લો. તેને આખો દિવસ અનેકવાર જુઓ અને તે પછી જ દિવાલો પર ક્યા રંગની પસંદગી કરવી તે નક્કી કરો.