નવા વર્ષમાં ઘરને નવું રૂપ આપવું દરેક વ્યક્તિ પસંદ કરતું હોય છે. ઘરને જ્યારે રંગ કરાવવામાં આવે છે, ત્યારે દરેક રૂમ માટે અલગ પ્રકારના રંગની પસંદગી કરવામાં આવતી હોય છે. કહેવાય છે કે દરેક રંગ દરેક રૂમમાં યોગ્ય લાગતો નથી. દિવાલોના રંગો તમારા મૂડને નક્કી કરે છે. વાદળી રંગને શાંત, લાલ રંગને ભડકીલો અને પીળા રંગને મગજના તરંગોને વધારવા માટેનો માનવામાં આવે છે. જો દરેક દિવાલ પર એક જ સરખા રંગ હોય તો રંગોનો પ્રભાવ પણ જળવાઇ રહે છે. રૂમમાં રંગ કેવી રીતે કાર્ય કરે છે, તે તેની તીવ્રતા અને સંતુલન પર નિર્ભર કરે છે.
દરેક રંગની પોતાની ઓળખ
રંગ વ્યક્તિના મૂડને અસર કરતા હોય છે. એવું કહેવાય છે કે તેનાથી વ્યક્તિની ઊર્જા અને સહનશીલતા પર પણ પ્રભાવ પડે છે. જાણકારોનું કહેવું છે કે દરેક રંગ દરેક રૂમમાં યોગ્ય લાગે જ તેવું જરૂરી હોતું નથી અને એટલા માટે જ કેટલાક રંગોને તો ખૂબ જ સૂઝબૂઝથી ઉપયોગમાં લેવા જોઇએ.
રંગની કાળજી અને પસંદગી
રંગ અને તેની વ્યાખ્યા અને માનવ સ્વભાવમાં વધારે વિરોધાભાસ રહ્યો નથી. કોઇપણ વ્યક્તિ લાલ રંગને ઠંડો રંગ સમજશે નહીં. લાલ રંગને ગતિશીલ, ઉત્તેજક અને તાકતવર રંગ ગણવામાં આવે છે. જ્યારે વાદળી રંગ શાંત અને સંતુલિત ગણાય છે. દરેક ઓરડામાં એક સરખો જ રંગ કરાવો જોઇએ. રૂમનો બે તૃતિયાંસ ભાગ શાંતિ આપી શકે તે પ્રકારનો હોવો જોઇએ. તેના માટે લાઇટ રંગ ખૂબ સારી ચોઇસ બની રહે છે. જેમકે લાઇટ ઓરેન્જ, લિનન અથવા શરબતી શેડ્સ પણ વધારે સુંદર લાગે છે. બીજા વધારાના એક તૃતિયાંસ ભાગમાં લાઇટ કલર્સથી વધારે બ્રાઇટનેસ મેળવી શકાય છે. પડદાના કાપડ કે બુક્સ અથવા ફોટોગ્રાફ્સ જેવી વસ્તુઓથી પણ કલર્સને વધારે ઊઠાવ મળી શકે તેવું કરી શકાય છે. જો વધારે પ્રમાણમાં ડાર્ક કલર્સનું સિલેક્શન કરશો તો તેનાથી રૂમ વધારે બોરીંગ બની જાય છે.
રૂમમાં ડિઝાઇન અને કલર
તમે તમારા દરેક રૂમ માટે કેવા પ્રકારના કલર્સનું સિલેક્શન કરો છો, તે ખૂબ જ જરૂરી છે. આખા રૂમનો પ્રભાવ રંગના વજનના કારણે પડતો હોય છે. લાઇટ રંગનું વજન ઓછું લાગે છે, જ્યારે ડાર્ક રંગ ખૂબ ભારે લાગે છે. તેનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવો જોઇએ. રૂમમાં ત્રણથી વધારે રંગોનો ઉપયોગ ક્યારેય કરવો જોઇએ નહીં, કારણકે તેમાં ભટકી જવાનો અનુભવ થઇ શકે છે. રંગોની પસંદગીની સાથે લાઇટની પસંદગી પણ રૂમની શોભા વધારવા માટે ઉપયોગી બની રહે છે. રંગો અજવાળામાં વધારે ઊજાસ પાથરે છે અને લાઇટ દ્વારા તેના પ્રભાવમાં તેનો ઉપયોગ કરી શકાય છે. આરામદાયક અનુભવ કરવા માટે ખૂણામાં હળવો પ્રકાશ પાથરતી લાઇટનો જ ઉપયોગ કરવો જોઇએ. એક ખાસ પ્રકારનું વાતાવરણ ઊભુ કરવા માટે પણ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. ઓફિસમાં મોટાભાગે પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કર્મચારીઓને ઊર્જાનો અનુભવ થતો રહે. લોકોને આકર્ષવા માટે દુકાનો અને સ્ટોર્સમાં લાલ રંગ, બ્લ્યૂ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. કિંડરગાર્ડન માટે આ રંગ યોગ્ય ગણાતો નથી કારણકે તે આક્રમક અને તેજ ગણાય છે.
રંગોની સાથે વોલ ડેકોર
આખા ઘરની સજાવટ કરી હોય પણ દિવાલોને ખાલી છોડી દઇએ તો ઘર ખાલી ખાલી લાગવા લાગે છે. હવે રંગોની સાથે ઘરની દિવાલને પણ સુંદર બનાવી શકાય છે. જો તમે ઇચ્છો તો દિવાલો પર વોલપેપર લગાવીને પછી સુંદર ડિઝાઇન બનાવી શકો છો.
જૂની ક્રોકરીથી કરો સજાવટ
દિવાલો પર લાઇટ કલર કરાવ્યો હોય, તો તેના પર દરેક પ્રકારની પ્રાચીન કે પછી નવા જમાનાની ક્રોકરીથી એટલે કે સિરામીક પ્લેટોથી દિવાલોને સજાવી શકો છો. ક્રોકરીની સજાવટથી દિવાલોનો રંગ ઊભરીને બહાર આવશે. જો દિવાલો પર ડાર્ક કલર્સ કર્યા હોય તો લાઇટ કલરની ક્રોકરીની પસંદગી કરી શકો છો.
મિરરનો જાદુ
આ સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે. મિરરથી તમે તમારી દિવાલને એક પરફેક્ટ લુક આપી શકો છો. પણ એક વાત યાદ રાખો કે દિવાલ પર જે પણ કોઇ એક્સેસરીઝ લગાવો તે વધારે પ્રમાણમાં ન હોવી જોઇએ. દરેક વસ્તુમાં સ્પેસનું માપ પણ જળવાઇ રહેવું જોઇએ.
વૃક્ષની ડિઝાઇન
આજકાલ દિવાલો પર વૃક્ષની ડિઝાઇન કરાવવાનું ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. જ્યાં મોટા શહેરોમાં ફ્લેટમાં લોકો રહેતા હોય છે, તેઓ મોટાભાગે છોડવાઓ પણ ઘરમાં રાખી શકતા હોતા નથી. પણ તેનાથી નિરાસ થવાના બદલે દિવાલો પર વૃક્ષની ડિઝાઇન કરાવીને શોખને પૂરો કરી શકો છો.