દિવાળી આવવાની છે એટલે સૌને લાગે છે કે ઘરની સફાઇ વખતે કોઇપણ ખૂણો રહી જવો ન જોઇએ. સફાઇ માટે થોડી પ્લાનિંગ કરવી જરૂરી છે. તેના માટે કેટલીક ટીપ્સ જરૂરી છે. જેનાથી ઘરની સફાઇ કરવી ખૂબ સરળ બની જશે. એક જ દિવસમાં બધા જ કામ શક્ય હોતા નથી. તેથી ધીમે ધીમે કામને વહેચી લો, તો ઘરની સારી રીતે સફાઇ કરી શકશો.
સફાઇની શરૂઆત
- સફાઇ અભિયાન શરૂ કરતા પહેલા કેટલાક સાધનો લઇ લો. જેમાં ગ્લવ્સ, જૂના ટૂથબ્રશ, જાળા પાડવાનું સાધન, સાવરણી, કોટન કાપડના કટકા, પેપર, સ્પંજ, કેમિકલ ક્લીનર્સ, ડીટર્જન્ટ, વિનેગર વગેરે
- સફાઇ પહેલા વાળને સ્કાર્ફથી બાંધી લો અને ચહેરાને પણ ઢાંકી લો. જેથી માટી અને ધૂળથી તમારા વાળ અને ચહેરાની ત્વચાને નૂકસાન ન થાય.
- કેમિકલ સોલ્યૂશનનો ઉપયોગ કરતા પહેલા હાથમાં ગ્લવ્સ પહેરવાના ભૂલશો નહીં.
- સૌથી પહેલા પડદા, કુશન, કારપેટ અને રગ્સને દૂર કરો. જેથી સફાઇ વખતે તે વધારે ખરાબ ન થાય. સોફા અને બેડ પર જૂની ચાદર પાથરીને સફાઇ શરૂ કરો.
- ઇલેકટ્રોનિક્સની સફાઇ કરતા પહેલા મેઇન સ્વીચ બંધ કરી દેવી.
- જાળા પાડવાના સાધનથી શરૂઆત કરો અને કોટનના કપડાંથી દિવાલો પરની ધૂળને સાફ કરી શકો છો.
- પંખાને પહેલા કોરા કપડાં વડે સાફ કરો પછી ડિટર્જન્ટ લગાવેલા બીજા કપડાંથી પંખા સાફ કરો. પછીથી કોરા કપડાં વડે લૂછી લો.
- બારી અને બારણાને પહેલા કોરા કપડાં વડે સાફ કરી લો જેથી તેના પરની ધૂળ સાફ થઇ જાય. તે પછી ડિટર્જન્ટવાળા પાણીના કપડાંથી સાફ કરીને લૂછી શકો છો.
- ડોરબેલ અને દરેક સ્વીચબોર્ડ પણ સાફ કરો. તેને સાફ કરવા માટે સ્પંજનો ઉપયોગ કરી શકો છો. ડિટરર્જન્ટથી સાફ કરતી વખતે મેઇન સ્વીચ બંધ કરવાનું ભૂલવું નહીં.
- કાચને સાફ કરવા માટે કોલિન જેવા સ્ટેન રીમૂવરનો ઉપયોગ કરી શકો છો. પાણીનો છંટકાવ કરીને પેપરથી સાફ કરવાથી કાચને સ્વચ્છ કરવામાં સરળતા રહેશે.
- ડેલીકેટ શોપીસ, આર્ટીફિશિયલ ફ્લાવર્સ અને લાઇટ્સને ફેધર ડસ્ટરની મદદથી સાફ કરો. જો તો પણ ધૂળ ન દૂર થાય તો તેના પર કમ્પ્રેસ્ડ એરનો સ્પ્રે કરો.
નકામો સામાન દૂર કરો
જે સામાનનો ઉપયોગ ન કરતા હો, જેમકે જૂના ડ્રેસીસ, બુક્સ, બાળકોના રમકડાં, એકસ્ટ્રા વાસણો, શોપીસ કે ગીફ્ટ આઇટમ, તેને તમારા કબાટ, બેડ કે ખોખામાંથી કાઢીને બાય બાય કહી દો. વસ્તુઓની લાલચ રાખ્યા વિના ગરીબોમાં તે વહેંચીને દિવાળીને વધારે સુંદર બનાવવાનો પ્રયત્ન કરો.
જીદ્દી ડાઘ માટે
- ગ્રીલ કે વિન્ડોની સફાઇ માટે પહેલા ટૂથબ્રશથી ખૂણામાં જામેલી ધૂળને દૂર કરો. પાણીમાં વ્હાઇટ વિનેગર ભેળવીને મિશ્રણને એક સ્પ્રે બોટલની મદદથી છાંટો અને સાફ કપડાંથી લૂંછો.
- બાથરૂમમાં સાવર, બાથટબ, નળ વગેરે પર જામેલા લાઇમસ્કેલની સફાઇ માટે માર્કેટમાં લાઇમસ્કેલ રીમૂવર આવે છે. તેના પર સરકો લગાવીને લગભર અડધો કલાક રહેવા દો. તેનાથી પણ ઘણા ડાધ દૂર થઇ જશે.
- બાથરૂમના ડાધ દૂર કરવા માટે ટર્પેન્ટાઇનમાં મીઠું ભેળવીને સાફ કરો. તેથાથી બાથરૂમ ચમકી ઊઠશે.
રસોડાની સફાઇ
- ઘરની સફાઇમાં સૌથી મુશ્કેલ કામ રસોડાની સફાઇનું છે. રસોડાના વાસણ અને ડબ્બાઓને દૂર કરીને સૌથી પહેલા સ્ટેન્ડ કે મોડ્યુલર શેલ્ફ સાફ કરો. પાતળા રોડ્સને સાફ કરવા માટે હાથમાં જૂના મોજા પહેરીને ખૂણાઓ સાફ કરી શકો છો.
- વાસણોને 15-20 મિનિટ માટે પાંચ કે છ ચમચી બ્લીચ અને થોડા ડિર્ટજન્ટવાળા અડધી ડોલ ગરમ પાણીમાં પલાળીને રાખો. પછી તેને સાફ કરો.
- 1 લીટર પાણીમાં 1 લીટર બેકિંગ સોડા નાખીને ચાંદીના વાસણોને તેમાં રાખો. થોડા સમય પછી ફોઇલ પેપરથી તેને સાફ કરો. ફરીથી ચમકી ઊઠશે.
- પીત્તળના વાસણો કે બીજી વસ્તુઓને સાફ કરવા માટે આમલી, મીઠું, લીંબુ કે સરકો લઇ શકો છો.
- નળ અને સિંકની સફાઇ કરવાનું પણ ભૂલશો નહીં. સોડામાં પાણી ભેળવીને પેસ્ટ બનાવીને તેના પર ઘસવાથી ડાઘ દૂર થઇ જશે.
ઓનલાઇન મદદ
જો તમે પોતે ઘરની સફાઇ કરવા ન ઇચ્છતા હો કે કરી શકો તેવી પરિસ્થિતી ન હોય તો ઓનલાઇન પણ મદદ મેળવી શકો છો. જોકે તેનો ખર્ચો વધારે હોય છે તેમ છતાંય તમે સંપર્ક કરી શકો છો. જેના માટે urbanclap.com, housejoy.in અને mrright.in પર સંપર્ક કરી શકો છો.