સાસરું યુવતીઓ માટે તદ્દન નવું સ્થળ અને વાતાવરણવાળી જગ્યા હોય છે. અહીં તેને કૌટુંબિક જવાબદારીઓ અદા કરવાની હોય છે. જ્યારે લગ્ન પહેલાં તે પોતાના માતા-પિતાને ત્યાં જે રહેતી હતી, તેની તે રોજિંદી જિંદગી બિલકુલ અલગ જ હતી. તેનો મોટા ભાગનો સમય કોલેજમાં પસાર થતો હોય છે, તેમજ ઘરમાં પણ તે અભ્યાસમાં જ વ્યસ્ત રહેતી હોય છે. બહેનપણીઓનો સાથ હોય છે. સાસરીમાં જઈને શરૂઆતમાં તેની વ્યવસ્તતાનું એક માત્ર સાધન રસોડું જ હોય છે, ત્યારબાદ તેને ખાલીપો લાગતો હોય છે. દિવસના સમય દરમિયાન બાકીનાં સભ્યો શાળા, કોલેજ, ઓફિસ અથવા પોતપોતાનાં કામ પર ચાલ્યાં જતાં હોય છે. ઘરમાં બાકી રહી જાય છે સાસુ અને વહુ.

નવું વાતાવરણ અને ઘર હોય એટલે શું કરવું અને ન કરવું તે સતત વિચાર આવતો રહે છે. તેવામાં એકલતા ચિંતા અને નિરાશાને જન્મ આપે છે એટલા માટે નવા વાતાવરણમાં પણ વ્યસ્ત રહેવાના પ્રયત્ન કરવો જોઈએ. રચનાત્મક કાર્યો એકલતાને દૂર રાખે છે. ભણેલી ગણેલી વહુઓની પાસે વ્યસ્ત રહેવા માટેનાં અનેક સાધનો હોય છે. ઘરે બેસીને ટ્યૂશન કરી શકે, સારાં પુસ્તકો વાંચી શકે, નાના-મોટા મહત્વના કોર્સ કરીને, સિલાઈકામ, ભરતકામ અથવા બુટીક ખોલીને પણ સરળતાથી સમય કાઢી શકાય છે. જો અભ્યાસ અધૂરો રહી ગયો હોય તો તે પણ પૂર્ણ કરી શકાય છે.

નોકરી કરતી યુવતીઓને લગ્ન પછી એકલતાનો સામનો કરવો પડતો નથી. બહાર નીકળવાથી વાતાવરણ બદલાઈ જતું હોય છે અને જીવનમાં એકરસતા આવતી નથી, જેથી માનસિક તેમજ શારીરિક ચુસ્તતા જળવાઈ રહેતી હોય છે. વ્યસ્ત મહિલાઓની સાથે એક સારી ઘટના એ ઘટતી હોય છે કે કૌટુંબિક ઝઘડામાં ભાગીદાર બનવાની તક ઓછી રહે છે. વ્યસ્તતા માટે નોકરી જરૂરી નથી. તમારે લાયક ઘણાં બધાં કામ શોધી શકાય છે. સક્રિય મગજ ક્રિયાશીલતાને બળ આપે છે.

જો તમને એકલતા ખૂંચતી હોય તો વારંવાર એ વાત વિચારીને દુઃખી ન બનશો. કારણ કે તે બાકી રહેલા ઉત્સાહનો પણ નાશ કરી દે છે. એકલતાનું કારણ ગમે તે હોય, તેના વિશે વિચારને બદલે તેનું સમાધાન શોધો. સંગીત એકલતા માટેનો ખૂબ જ સારો સાથી છે. મધુર સંગીત સાંભળવાથી, ગાવાથી કે વગાડવાથી મનની તાણ દૂર થાય છે. જો તમે તેમાં રસ દાખવતાં હોય તો આ ઉંમરમાં પણ સંગીતનું શિક્ષણ લઈ શકો છો. તેના પ્રાઈવેટ ક્લાસ પણ ચાલે છે. અનુકૂળતા મુજબ સમયની પસંદગી કરી શકાય છે. તે સિવાય તમારા રોજિંદાં કાર્યોમાં રેડિયો તેમજ ટીવીના પસંદગીના કાર્યક્રમોનો સમાવેશ કરી શકો છો.

કૌટુંબિક કારણોસર અથવા તમારી પોતાની ઈચ્છાથી જો તમે નોકરી કરવા ન ઈચ્છતા હો તો વ્યસ્ત રહેવા માટે પાડોશીને ત્યાં જઈ સમાચારોનું આદાનપ્રદાન કયારેય ન કરશો. તેના બદલે સારા સ્તરનાં મહિલાપ્રધાન સામયિકોને તમારાં સાથી બનાવો. આ સામયિકો દ્વારા તમને ઘરે બેઠાં કંઈક કરવાની પ્રેરણા મળશે. સિલાઈ, ભરતકામ, ગૂંથણ તેમજ વાનગીઓ શીખવા પાછળ તમે બહાર આટલા પૈસા ખર્ચો છો તેના બદલે તેને ઘરમાં જ શીખવાનો પ્રયત્ન કરો. જેથી તમારા સમયનો પણ સદુપયોગ થશે અને પૈસાની પણ બચત થશે.

બાહ્ય દુનિયા સાથે સંપર્ક જાળવી રાખવાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ છાપું છે. દિવસમાં નવરા પડો ત્યારે છાપું વાંચવાની ટેવ પાડો. તેમાં સમાચાર અને જ્ઞાનવિજ્ઞાન ઉપરાંત મહિલાઓ સંબંધિત વિષયો પરની ઢગલાબંધ જાણકારી મળશે. સરકાર તરફથી મહિલાઓ માટે અનેક નિઃશુલ્ક કોર્સ અને તાલીમકેન્દ્રો ચલાવવામાં આવતાં હોય છે, જેની જાણકારીના અભાવે મહિલાઓ તેનો લાભ ઉઠાવી શકતી નથી. તમે ઓછા બજેટમાં સરકારી સહાયતાથી કુટીર ઉદ્યોગનાં માધ્યમ વડે પૈસા અને નામ બંને પ્રાપ્ત કરી શકો છો.

હા, એટલું અવશ્ય ધ્યાનમાં રાખો કે લગ્ન પછી તરત જ સાસરિયાંમાં તમારી પસંદગીનું ક્ષેત્ર પસંદ કરી વ્યસ્ત થઈ જવું શક્ય નથી હોતું. ઘરની વહુ પાસે ઘરના બધા જ સભ્યોને થોડીઘણી અપેક્ષાઓ રહેલી હોય છે. જો દહેજની લેવડદેવડ, પ્રેમલગ્ન અથવા આંતરજ્ઞાતીય વિવાહને લીધે ઘરનું વાતાવરણ તંગ હોય ત્યારે આ કામ વધુ મુશ્કેલ થઈ પડે છે. આટલા તંગ વાતાવરણમાં રચનાત્મક અથવા કલાત્મક કાર્ય કરવું શક્ય પણ હોતું નથી. એટલા માટે થોડો સમય સુધી તમારી ઈચ્છાઓને રોકીને બધાં કૌટુંબિક સભ્યોને ઓળખીને સમજવાની કોશિશ કરો. જો તેમને સમજી લેશો તો તમારા માટે રસ્તો કાઢવો સરળ બની જશે.

નવરાશના સમયનો સદુપયોગ કરતી વખતે એટલું અવશ્ય ધ્યાનમાં રાખો કે તમારી વ્યસ્તતા બીજાઓને માટે અડચણરૂપ ન બની જાય, તેનાથી કોઈનું પણ નુકસાન ન થાય. તમારો ઉદ્દેશ માત્ર રચનાત્મકતા છે, કોઈની પરેશાની બનવાનો નથી. ઘરની બહાર નીકળવા ઈચ્છતા હો તો તમે તમારા શિક્ષણ અનુસાર નોકરીની પસંદગી કરી શકો છો. આખા દિવસ બહાર ન રહી શકતા હોય તો પાર્ટટાઈમ નોકરીની પસંદગી કરો. આર્થિક આત્મનિર્ભરતા મનમાં આત્મવિશ્વાસ જગાડે છે. સંયુક્ત કુટુંબમાં હિસાબકિતાબની જવાબદારી મોટે ભાગે વૃદ્ધ વડીલોના હાથમાં હોય છે, જ્યારે તેમની પાસેથી પૈસા મળવામાં મુશ્કેલી આવે અથવા આર્થિક તંગીની સ્થિતિ હોય તેવા સંજોગોમાં વહુને પોતાની નોકરીનું મહત્વ સમજાય છે. જો તે પોતે કમાતી હોય તો પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે તેમજ ઘરના ખર્ચામાં પણ સહયોગ આપી શકે છે.

એકલતા દૂર કરવામાં પતિની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તે આખો દિવસ કામ છોડીને ઘરમાં જ બેસી રહે એ સંભવ નથી, પરંતુ કુટુંબમાં પત્ની તેમજ અન્ય સભ્યોની વચ્ચે સંપર્ક સૂત્રનું કામ પતિ સિવાય અન્ય કોઈ સારી રીતે કરી શકે નહીં. વહુને મળતો સહયોગ મોટે ભાગે એ વાત પર આધાર રાખતો હોય છે કે તેના પતિની સ્થિતિ કેવી છે. જો પતિના વિચારોની કદર નહીં થતી હોય તો પત્નીની સાથે પણ તેવો જ વ્યવહાર થશે અને સ્વાભાવિક છે કે તે અલગ પડી જશે. એટલા માટે સાસરીમાં વ્યસ્ત રહેવાનાં પગલાં સાચવીને ભરવાં હિતાવહ છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment