મેક્સ પ્લેયર પર આવેલી પ્રકાશ ઝા નિર્મિત અને બોબી દેઓલ અભિનિત આશ્રમ સિરિઝ હાલમાં ખૂબ લોકપ્રિયતા મેળવી રહી છે. બોબી દેઓલનો એક અલગ પ્રકારનો રોલ આમાં જોવા મળી રહ્યો છે. શો ને એક હરિયાણવી રાજનૈતિક વ્યંગ કહેવામાં આવી રહ્યો છે. જે ગુરમિત રામ રહીમના જીવન પર આધારીત છે. જે હાલમાં બળાત્કાર અને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આશ્રમમાં બોબી દેઓલ મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે.

પ્રકાશ ઝા રાજકીય પૃષ્ઠભૂમિ પરની ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમણે આરક્ષણ, ગંગાજળ, રાજનીતિ અને સત્યાગ્રહ જેવા વિષયોને લઇને ફિલ્મો બનાવી છે. આ શૈલીમાં તેમણે પોતાની વિશેષતા સાબિત કરી દીધી છે. તેઓ પોતાની પહેલી વેબ સિરિઝ આશ્રમ લઇને આવ્યા છે. જે ગુરમીત રામ રહીમના જીવન પર આધારીત છે. ફરીથી પોતાના ક્ષેત્રમાં કંઇક અલગ રજૂ કરીને નવો ચિલો ચાતરવાનો પ્રયત્ન છે. પ્રકાશ ઝા સાથે થયેલી વેબિનાર વાતચિત.

— આશ્રમ સિરિઝ માટે બોબી દેઓલ ને ખાસ પસંદ કરવાનું કારણ.

બોબી દેઓલ પોતાનામાં ખૂબ સ્માર્ટ, ગુડલુકીંગ અને સારી પર્સનાલીટી ધરાવતા કલાકાર છે. તેમની આ ખૂબીની સાથે એક વાત એ પણ હતી કે અમે બંને ઘણા લાંબા સમયથી એકબીજાની સાથે કામ કરવાનું વિચારી રહ્યા હતા. આશ્રમનો લીડ રોલ એવા પ્રકારનો છે, જેમાં દરેક પ્રકારના શેડ્સ જોવા મળે છે. જ્યારે બોબીને આ રોલ સંભળાવ્યો તો તેમને ખૂબ પસંદ આવ્યો અને સાથે કામ કરવાની અમારી ઇચ્છા પૂરી થઇ.

— બોબીને રોલ માટે ક્યા વિચાર સાથે પસંદ કરવામાં આવ્યા કારણકે તમે એવા પ્રકારના ફિલ્મ મેકર રહ્યા છો, જે પોતાની ફિલ્મમાં વિચાર્યા વિના ક્યારેક કોઇને પસંદ કરતા નથી.

રોલની પસંદગી માટે ઘણી બધી બાબતોની જરૂર હોય છે. તેમાં એક તો શારિરીક બાંધો, બીજુ રોલ માટે કલાકારની સંમતિ, ત્રીજુ કે તે પાત્ર માટે કલાકારનું રીએક્શન કેવું જોવા મળે છે અને આ કેટલીક બાબતો બોબીમાં મને સ્પષ્ટ અને પૂરતી જોવા મળી. તે ફિઝીકલી આ પાત્ર માટે એકદમ પરફેક્ટ હતા. તેમને જોઇને પહેલીવારમાં એવો વિશ્વાસ ન આવે કે તે ચાલબાઝ હશે. પાત્રની વાત કરું તો તે જે દેખાય છે, તેવી વ્યક્તિ નથી. તેની ખરાબ આદતો અને કાર્યો છૂપાયેલા રહે અને લોકોની સમક્ષ તે સારી વ્યક્તિ તરીકે સાબિત થતો રહે તેવું પાત્ર જરૂરી હતું. જે બોબીમાં મને દેખાયું. બોબીને ટ્રેલરમાં તમે બાબા તરીકે જોશો તો તમને જોઇને વિશ્વાસ ન આવે કે તે કંઇ ખોટું કરી શકે છે. તેથી તેની જાળમાં લોકો ફસાઇ જ જશે.

— તમને લાગે છે કે બોબી જે પ્રકારના એક્ટર છે, તો તેમની આવડતને આજ સુધી નજરઅંદાજ કરવામાં આવી હતી અને હવે તે બહાર આવી રહી છે.

આના ઉપર મેં રીસર્ચ કર્યું નથી.

— દર્શકો પ્રકાશ ઝાની ફિલ્મો જોવા જાય ત્યારે તેમાંથી કોઇને કોઇ મેસેજ તેમને મળે જ છે. આશ્રમમાં પણ તે જોવા મળશે.

હા, જરૂર. મારી દરેક ફિલ્મો અલગ પ્રકારની અને ક્યાંકને ક્યાંક સમાજમાં છૂપાયેલા સત્યને દર્શાવતી રહી છે. લોકોએ તેથી જ તેને વધારે પસંદ કરી છે. આશ્રમમાં પણ દર્શકોને અનેક બાબતોનો ખ્યાલ આવશે અને સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા ક્યાંક ને ક્યાંક ઓછી થાય તેવો પ્રયત્ન છે.

— આસ્થા અને ધર્મ આપણા દેશના લોકોની લાગણી સાથે જોડાયેલ છે. તો આવા વિષયો પર જ્યારે પણ કંઇ જોવા મળ્યું છે તો તે કોન્ટ્રોવર્સીનો ભોગ બન્યું છે. તે અંગે શું કહેશો.

હું પોતે હિંદુ છું. હિંદુ ધર્મની મહાનતાને સમજું છું. આપણા ધર્મગુરૂઓ, સંતો, ઇશ્વર, દેવી-દેવતા બધાની મહાનતાને હું જાણું છું. તે આપણી શક્તિ છે. તેમના પર આપણને વિશ્વાસ છે અને તે જ આપણા સમાજ અને માનસિકતાને ચલાવે છે. તેથી જ્યારે પણ હિંદુ ધર્મને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે મને ખૂબ ખરાબ લાગે છે. તેથી જ્યારે પણ કોઇ વ્યક્તિ ધર્મને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, તો સમાજને તેના વિશે જણાવવું જોઇએ. સમાજને કહેવું જોઇએ કે ધર્મ માટે થઇને ક્યારેય શોર્ટ કટનો ઉપયોગ કરવો નહીં. ક્યારેય આ પ્રકારના ક્રિમિનલ્સ કે ઢોંગી પર વિશ્વાસ કરવો નહીં. વિશ્વાસ અને આસ્થાનો સહારો લઇને આવા લોકો જે ભોળા ભક્તો સાથે રમત રમે છે, તો તેમનું નામ અને કામને સામે લાવવાનો પ્રયત્ન જરૂરથી થવો જોઇએ. ધર્મને બદનામ કરવાનું જે કામ કરવામાં આવે છે, તેના પર આ સિરિઝ છે.

— ઓટીટી પ્લેટફોર્મ પર કન્ટેન્ટને લઇને ફ્રિડમ રહેલું છે. હવે તેમાં પણ સેન્સરશીપની વાતો ચાલી રહી છે, તે અંગે શું કહેશો.

મેં હંમેશા મારી આઝાદીને જવાબદારી સાથે જીવવાનો પ્રયત્ન કર્યો છે અને જવાબદારી સાથે જ કામ કર્યું છે. પોતાનામાં વિશ્વાસ રાખુ છું. હું હંમેશાથી કહેતો રહ્યો છું કે સેન્સરશીપ આપણે પોતાનામાં લાવવી જરૂરી છે. એવી વસ્તુ ક્યારેય ન બનાવો જેનાથી બીજા લોકોને દુખ થાય.

— બોલિવૂડમાં ઘણા બધા ફેરફારોની વાતો ચાલી રહી છે અને ખાસ કરીને સુશાંતસિંહના મૃત્યુ પછી ઘણું બધુ અલગ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તમે હંમેશા તમારી ફિલ્મોમાં સમાજની સાચી ઘટનાઓને દર્શાવી છે, તો આ અંગે શું કહેશો.

સોશિયલ મિડીયા સૌને પોતાના વિચારો રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. તેમાં ઘણી વાર સાચી વાતો થાય છે, તો ઘણીવાર ગંદી વાતો પણ થાય છે. ક્યારેક મૂરખાઇ વાળી વાતો પણ થતી જોવા મળે છે. જોકે સામાન્ય જનતા પોતાના એક્સપ્રેશન જણાવતી હોય છે. સુશાંતની મૃત્યુની વાત વિશે કહું તો ખૂબ જ દુખની વાત છે. મને સૌથી વધારે દુખ તેમના પિતા માટે થયું કારણકે સુશાંતના મૃત્યુને તેમના પિતાએ રોજ જીવવું પડશે. હું ક્યારેય સુશાંતને મળ્યો નહોતો કે તેમની સાથે વ્યક્તિગત કોઇ સંબંધ રહ્યો નહોતો પણ તે એક યુવા કલાકાર અને ખૂબ શ્રેષ્ઠ કલાકાર હતો. તેમણે ખૂબ સારું કામ કર્યું હતું. મને એવું લાગતું હતું કે તેમનું ભવિષ્ય ખૂબ ઊજ્જવળ હતું. લોકોએ પોતાના મનમાં આવેલી આશંકાઓ વ્યક્ત કરી છે અને સારી વાત છે કે સીબીઆઇને ઇન્કવાયરી આપવામાં આવી છે.

Loading

Spread the love

Leave a Comment