સાહિલ ઉપ્પલ ખૂબ દ્રઢ નિશ્ચયી કલાકાર છે અને સખત પરિશ્રમમાં વિશ્વાસ રાખે છે. સ્વાભિમાન અને શક્તિ…અસ્તિત્ત્વ કે એહસાસ કિ માં પ્રભાવશાળી રોલ કરીને પોતાનું સ્થાન બનાવ્યા પછી કલાકાર સાહિલ ઉપ્પલ કલર્સના આગામી શો પિંજરા ખૂબસુરતી કા માં નાયકની ભૂમિકા ભજવવા તૈયાર છે. એની સાથે થયેલી ટેલિફોનિક વાતચીતના અંશ:

— તમે કલાકાર બનવાનું કેમ પસંદ કર્યું.

તમે માનશો નહિ, પણ શાળામાં હું ખૂબ અંતર્મુખી હતો. મેં થિયેટર કે એવું કશું કર્યું નહોતું. હું ખૂબ શરમાળ છોકરો હતો. પણ જેમ જેમ મોટો થતો ગયો તેમ મારી આસપાસના બધા લોકો મને કહેતા હતાં કે હું દેખાવે સુંદર છું અને મારે એક્ટિંગ કરવી જોઈએ. મારા પિતાજીએ એક વાર કહ્યું કે મારે આ ક્ષેત્રમાં પ્રયત્ન કરવો જોઈએ. તે વખતે મેં ક્યારેય આ વાત ગંભીરતાથી લીધી નહોતી.  હું 21 કે 22 વર્ષનો હતો ત્યારે, મોડેલીંગ માટે એક સ્પર્ધા હતી, અને મેં એમાં ભાગ લીધો. હું ફાઈનલમાં પસંદ થઇ ગયો. મને ખૂબ નવાઇ લાગી અને સાથે જ મનમાં ગૌરવ અનુભવ્યું. એનાથી મને વિશ્વાસ મળ્યો અને હા, હું આ ક્ષેત્રમાં કામ કરી શક્યો. મેં કલાકાર તરીકે કામ કરવાનો નિર્ણય લીધો અને મુંબઈ તરફ પ્રયાણ કર્યું.  

— મુંબઈમાં શરૂઆતનો સમય કેવો હતો ? પહેલો શો કેવી રીતે મળ્યો ?

મારા પિતાજીએ મને ટેકો આપ્યો, તેમણે મને બે વર્ષની મોહલત આપી. જેમાં મારે શ્રેષ્ઠ પ્રયત્ને કલાકાર બનવાનું હતું. શરૂઆતમાં ખૂબ સંકોચ થતો હતો, પણ મનમાં વિચાર્યું કે મારે તો માત્ર પ્રયત્ન જ કરવાનો છે. આમ શરૂઆતમાં જ્યારે હું મુંબઈ પહોંચ્યો ત્યારે થોડો સમય મુશ્કેલ હતો. એક જ દિવસમાં ઘણાં ઓડીશન થતા, અને એક યુવા કલાકારને જે સહન કરવું પડે તે બધા દુખ મેં ભોગવ્યા હતાં. હું સંખ્યાબંધ ટેસ્ટ-શૂટ માં જતો હતો. એટલી બધી વાર એવું બન્યું કે મારી પસંદગી થવાની જ હોય અને છેલ્લી ઘડીએ ચિત્ર પલટાઈ જાય અને કામ બરાબર જામ્યું નહિ. પણ હું દ્રઢ નિશ્ચય કરીને બેઠો હતો. આખરે મારા સતત પ્રયત્નોનો બદલો મળ્યો, ટેલિવિઝનના એક શોમાં મને તક મળી અને એ પછી મેં પાછું વાળીને જોયું જ નથી. 

— તમને પિંજરા ખૂબસુરતી કા માં કેવી રીતે રોલ મળ્યો ?

પિંજરા ખૂબસુરતી કા માટે મેં લોક ડાઉન પહેલાં ઓડીશન આપ્યું હતું અને આ રોલ મળ્યા પહેલાં દેખાવ માટે 6 થી 7 ટેસ્ટ આપ્યા હતાં. નવાઈની વાત એ છે કે જ્યારે મને ટૂંકમાં આ ચરિત્ર વિષે જણાવાયું. ત્યારે મને લાગતું હતું કે હું આને પૂરો ન્યાય આપી શકીશ. મને ખબર હતી કે પિંજરા મને મળવાનું છે. આ માન્યતા સાથે મેં ટેસ્ટ શૂટ આપવાનું ચાલુ રાખ્યું, આ પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલી, આખરે મારી પસંદગી થઇ, અને હવે રાહત નો શ્વાસ લીધો છે. વાત એમ છે કે ટેલીવિઝન શોમાં આવતાં પહેલાં મેં બે વર્ષ ઘણો સંઘર્ષ કર્યો છે. હું મારા જ અનુભવોમાંથી શીખ્યો છું અને આગળ વધતો રહ્યો છું.

— પિંજરા ખૂબસુરતી કામાં તમારા રોલ વિષે જણાવો.

હું ઓમકારનો રોલ કરું છું. એ ગરીબીમાં ઊછર્યો છે પણ આજે એ લાખોપતિ છે. એ પોતાની મહેનતથી આગળ આવ્યો છે, એને કોઈ હલકી, ઉતરતી કક્ષાની ચીજ પસંદ નથી. એને સૌંદર્ય ખૂબ પસંદ છે. એનામાં પોતાનામાં કઈક કમી છે, પણ પોતાની આસપાસ રહેલા લોકો માટે એ ખૂબ કાળજી લે છે. એની અંતરની દ્રઢ ઈચ્છા છે કે પોતાને માટે સૌંદર્ય હાસલ કરે. અને જ્યારે મયુરા નામની એક સુંદર યુવતી એની સામે આવે છે ત્યારે એને પરણવાની ઝંખના જાગે છે. ભારતીય ટેલીવિઝન પર આવું ચરિત્ર મેં આજ પહેલાં જોયું નથી અને આથી જ ઓમકારનું પાત્ર કરવાની મજા આવશે.

— ઓમકારના રોલ માટે તમે કેવી તૈયારી કરી?

મેં જ્યારે પહેલી વાર આ પાત્રની વિગતો સાંભળી, ત્યારે મેં નિશ્ચય કર્યો હતો કે હું થોડો અલગ દેખાઉં અને ટેલીવિઝન પરના તમામ પાત્રો કરતાં વધુ અપીલ કરતો હોઉં. મેં મારા ડીરેક્ટર અને પ્રોડ્યુસર પાસેથી ઝીણામાં ઝીણી વિગતો સમજવાની કોશિશ કરી. ઓમકાર એક બહુ જ ગંભીર અને ગહન વ્યક્તિત્વ છે. આથી મારે જુદી જ રીતે સંવાદો બોલવાની તૈયારી કરવાની હતી. આ પાત્ર તદ્દન નકારાત્મક નથી. એના પાત્રનું એક સુંદર પાસું પણ છે અને મારો પડકાર એ પાસાને બહાર લાવવાનો હતો.

— આ શોમાંથી તમારી શી અપેક્ષા છે?

મને વિશ્વાસ છે કે દર્શકોને પિંજરા ખૂબસુરતી કા ખૂબ ગમશે. એમાં આશ્ચર્ય પમાડે તેવા પાત્રો છે, અનોખી વાર્તા છે અને ઘણાં લોકો એની સાથે પોતાને સરખાવી શકશે. સમગ્ર ટીમે દરેક કેરેક્ટર પોતાની રીતે આગવું દેખાય તેના માટે ખૂબ મહેનત કરી છે. આ સફરના સાથી બનાવામાં દર્શકોને આનંદ થશે અને કેટલીક અસામાન્ય પળો તેઓ જોઈ શકશે. તેઓ મયુરાની સફર સાથે જોડાશે, તો સાથે જ ઓમકારના સ્વભાવની ગહનતા સાથે જોડાશે. અને પિયુષના દ્રઢ નિર્ધાર સાથે જોડાશે. આમ ઘણું બધું આ શોમાં છે જેની તમે રાહ જોશો. હું એના માટે ખૂબ ઉત્સાહિત છું.

— તમે માનો છો કે સુંદર હોવું એ વ્યક્તિને જીંદગીમાં આગળ વધવામાં મદદરૂપ બને છે?

હું દ્રઢ પણે માનું છું કે દેખાવ બદલાઈ જાય છે, રૂપ ઢળી જાય છે, પણ તમારું ચારિત્ર્ય મરતાં સુધી તમારી સાથે રહે છે. આજે પણ લોકો વ્યક્તિની કુશળતા અને લાક્ષણીકતાઓને અવગણીને, બહારનાં દેખાવ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. મારા મત મુજબ એમાં ફેરફાર લાવવાની જરૂર છે. 

— નવા કલાકારોને શું કહેશો?

જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે, અનુકુળ રોલ મળવા અને નોંધપાત્ર કામ મળવું મુશ્કેલ હતું. દરેકે સમજવું જોઈએ કે પોતાની કુશળતા પર પણ સતત નવું સંશોધન કરી, કામ કરતાં રહેવું પડે. ફિલ્મો જુઓ, અને તે જોઇને એક્ટિંગને બરાબર સમજો. તે અંગે વાંચો. પોતાની કુશળતા વધારવા માટે એ ખૂબ ઉપયોગી થઇ પડશે. તમારું કામ ના ચાલતું હોય કે મંદી હોય તો પણ આ બાબતે તમારે ધ્યાન કેન્દ્રિત કરવું જ જોઈએ. સતત નવું શીખો અને નવી તરકીબો અજમાવો. લાંબા ગાળે એ ચોક્કસ મદદરૂપ થશે.

Loading

Spread the love

Leave a Comment