સમય અને વર્ષ બદલાવાની સાથેસાથે ફેશન અને ટ્રેન્ડ પણ બદલાય છે. તમે જો ટ્રેન્ડ અનુસાર ફેશનેબલ દેખાવા ઇચ્છતાં હો તો નવા વર્ષના ડ્રેસઅપ ટ્રેન્ડને ફોલો કરો. જાણીએ, આ વર્ષમાં ફેશન ટ્રેન્ડ કેવો રહેશે તે અંગે…
નવા વર્ષની શરૂઆતની સાથે જ નવી ફેશન કેવી રહેશે અને તેને કઇ રીતે ફોલો કરી શકાય તે દરેકની મનગમતી બાબત છે. તમે પોતે પણ નવા વર્ષમાં કઇ રીતે અલગ દેખાઇ શકો તે માટે વિચારતા હો છો. તમારા કોલેજ ગ્રૂપ કે ઓફિસ કલીગ્સમાં તમે સૌથી વધારે ફેશનેબલ અને ટ્રેન્ડી લાગો તે તમને પોતાને પણ ગમશે. તે માટે તમારે આ વખતે વોર્ડરોબમાં એવા કેટલાક નવા ડ્રેસીસ સામેલ કરવા પડશે, જે પહેર્યાં પછી તમારો લુક સૌથી અલગ અને સ્પેશિયલ લાગે. જોકે એ માટે તમારે પણ થોડું ધ્યાન રાખવું પડશે કે આ વર્ષમાં ફેશન ટ્રેન્ડ કયો છે અને તે અનુસાર તમારા માટે એ પ્રકારના ડ્રેસીસનું સિલેક્શન કરવાનું રહેશે. ફએશન ટ્રેન્ડને ફોલો કરીને તેમાં તમને કેવા આઉટફીટ વધારે અનુકૂળ આવે છે, તે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ડ્રેસીસને ટીમઅપ કરતી વખતે પણ જો તમે કેટલીક બાબતોનો ખ્યાલ રાખશો તો ચોક્કસ તમે ફેશનેબલ અને ટ્રેન્ડી લાગશો. આ વર્ષે નવા અનેક આઉટફીટની ફેશન જોવા મળે છે, તો તે વિશે થોડી જાણકારી મેળવી લઇએ.
પોકેટ ડ્રેસીસઃ
આ વર્ષે ફેશનમાં એક મોટું પરિવર્તન અને નવીનતા એ જોવા મળશે કે મોટા ભાગના ડ્રેસીસમાં આ વર્ષે પોકેટ્સની ફેશન ઇન રહેવાની છે. આ ફેશન ડ્રેસમાં, કુર્તી કે શર્ટ અથવા ફ્રોકમાં તમને જરૂરથી જોવા મળશે. લગભગ દરેક ડ્રેસીસમાં પોકેટ્સ જોવા મળશે. આવા પોકેટ સાઇડમાં લગાવેલા હોય કે પછી ફ્રન્ટમાં લગાવેલા પણ હોઇ શકે. કેટલાક ફ્રોક કે ગાઉનમાં તમને આ પોકેટ્સ આઉટફીટ કરતા એકદમ અલગ જ પેટર્નના જોવા મળશે. પોકેટનો ટ્રેન્ડ એટલો લોકપ્રિય બની રહ્યો છે કે કોઇ કોઇ ફેશનેબલ યુવતીઓ તો સ્કર્ટમાં પણ પોકેટ રખાવે એવો ટ્રેન્ડ પણ જોવા મળે, તો નવાઇ નહીં. જોકે હવે તો પ્લાઝો પેન્ટમાં અને કોટર્ન પેન્ટમાં પણ પોકેટ્સની સ્ટાઇસ આ ફેશનનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. કોટર્ન ટોપમાં અને સ્રગમાં પણ પોકેટની ફેશન જોવા મળી રહી છે. તેથી આ વર્ષે તમારા નવા આઉટફીટમાં પોકેટની ફેશન વર્ષ દરમિયાન સૌથી વધારે લોકપ્રિય રહેશે.
ડિફરન્ટ સ્લીવ્સઃ
ડ્રેસીસ કે ટોપની કે ટી શર્ટ્સની સાથે નવા વર્ષમાં હવે સ્લીવ્સમાં પણ નવો ટ્રેન્ડ જોવા મળશે. ટોપ કે અપર ડ્રેસની સ્લીવ્સની વાત કરીએ, તો સ્લીવ્સમાં આ વર્ષે બેલ સ્લીવ્સ, બેટવિંગ સ્લીવ્સનો ટ્રેન્ડ વધારે જોવા મળશે. આવી સ્લીવ્સ તમારા ડ્રેસને અલગ જ લુક આપશે. ખાસ કરીને ઇવનિંગ પાર્ટીમાં પહેરવા માટેનો બ્લિંગ ડ્રેસ હોય કે પછી શોર્ટ બ્લેક વનપીસ, દરેકમાં આવી સ્લીવ્સનો ટ્રેન્ડ વધારે જોવા મળશે. હવે વેડિંગ સિઝન શરૂ થઇ ગઇ છે, ત્યારે ચણિયા-ચોલીમાં વોલ્યૂમ સ્લીવ્સ ધરાવતી ચોલી કે ટોપ જેને આપણે દેશી ભાષામાં કાપડું કહીએ છીએ તેવી ચોલીનો ટ્રેન્ડ જોવા મળશે. આવી સ્લીવ્સનો એક લાભ એ છે કે તમારા હાથ ભરાવદાર હશે તો પણ તે વધારે જાડાં કે સ્થૂળ નહીં દેખાય. તેમજ એલિગન્ટ લુક આપશે.
કલર કોમ્બિનેશનઃ
આ વર્ષમાં ટુ-કલર્સ કોમ્બિનેસનની ફેશનમાં વધારે મહત્વ ધરાવતી બની રહેશે. જેમ કે, રેડની સાથે ગ્રીન, બ્લુ સાથે યલ્લો, મિંટી બ્લુ સાથે બેબી પિંક કલરનું આકર્ષક અને મનમોહક કોમ્બિનેશન તમારા લુકને ઓર અટ્રેક્ટિવ બનાવશે. દરેક પ્રકારના આઉટફીટમાં આ કલર્સ અને સાથે જ મેટ કલરનું કોમ્બિનેશન જોવા મળશે. સામાજિક કે લગ્ન પ્રસંગે તમે ટ્રેડિશનલ વેર પહેરવાનાં હો અને તેના કલર્સની વાત કરીએ તો વેડિંગ સિઝનમાં આ વર્ષે પેસ્ટલ કલર્સના શેડ્સ ધરાવતા ચણિયા-ચોલીનો ટ્રેન્ડ વધારે જોવા મળશે.
ફ્રિંજનો ઉપયોગઃ
સિત્તેરના દાયકામાં લોકપ્રિય બનેલી ફ્રિંજ (ઝાલર પેટર્ન) આ વર્ષે અલગ અલગ ડ્રેસીસથી લઇને હેન્ડબેગ, શૂઝ જેવી એક્સેસરીઝ તેમ જ ટ્રાઉઝર્સ અને ટી-શર્ટમાં જોવા મળશે. સિત્તેરના દાયકામાં ફ્રિંજ ડ્રેસીસનો ક્રેઝ ખૂબ જ ચાલ્યો હતો અને તમે તો જાણો જ છો કે ફેશનનું સમયની સાથે પુનરાવર્તન થતું હોય છે. આથી તમારા વોર્ડરોબમાં ફ્રિંજવાળા ડ્રેસીસને પણ સામેલ કરી દો તે ખાસ જરૂરી છે.