— તમે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો અને ઘણા સમયથી આ ક્ષેત્રમાં છો. તો તમને શું ફરક જણાયો છે?
ફરક તો ઘણો જોવા મળ્યો છે. હું એકવીસ વર્ષનો હતો ત્યારથી આ ક્ષેત્રમાં છું. ઓગણીસ વર્ષથી બિઝનેસ સંભાળું છું અને હવે જ્યારે પ્રોડક્શન હાઉસ પણ સંભાળું છું તો ઘણો ફરક આવ્યો છે. પરિવર્તન અને સંઘર્ષ તો હાઉસીસમાં થયા જ કરતાં હોય છે. મેં જ્યારે આમાં આગમન કર્યું ત્યારે હું સાવ નવો હતો, મારા પિતા આવ્યા તે પછી ઘણા ન્યૂકમર્સને જોયા છે. ગણતરી કરવા બેસું તો કલાકો લાગી જાય, પણ ફરક તો ઘણો આવ્યો છે.
— અત્યારે મ્યુઝિકમાં જે ચેન્જ આવ્યો છે, તે અંગે તમે શું કહેશો? તમે અંગત રીતે માનો છો કે પહેલાં જે સંગીત હતું તે સારું હતું કે પછી અત્યારના જમાનામાં સ્પર્ધા વધી ગઇ છે?
બધુ એકસમાન જ છે. તમારે શ્રોતાઓ માટે સારાં અને મધુર, કર્ણપ્રિય ગીતો બનાવવાનાં છે. એ મધુર ગીતોમાં તમે ડાન્સનો ઉમેરો કરો તો એ ડાન્સ ટ્રેક બની જાય છે. સેડ લિરિક્સ અને સેડ બીટ્સ નાખી દો તો એ સેડ સોંગ બની જાય છે. જેટલા વર્ષોથી મ્યુઝિક છે એટલા સમયથી લોકોને સંગીત, મધુર સંગીત ગમે છે. એવું સંગીત જે હું તમને સંભળાવું અને તમે તરત ગણગણવા લાગો એવું મ્યુઝિક લોકોને ગમે છે. તેથી અમે તેના પર જ ધ્યાન આપીએ છીએ. સ્પર્ધાની વાત કરું તો સ્પર્ધાથી હું ક્યારેય ડરતો નથી. ઘણા વર્ષોથી અમારી સામે ઘણી સ્પર્ધા આવી એ બધાનો અમે સામનો કર્યો અને આજે અમે આ સ્થાને છીએ. આજે અમારી ચેનલ વર્લ્ડ નંબર વન મ્યુઝિક ચેનલ છે. તે એટલા માટે કે અમે સારું મ્યુઝિક આપીએ છીએ, જે યંગસ્ટર્સને તથા અન્ય લોકોને પસંદ આવે છે.
હું મારા ટેસ્ટને ધ્યાનમાં રાખીને ક્યારેય મ્યુઝિક નથી બનાવતો. શ્રોતાઓના ટેસ્ટને ધ્યાનમાં રાખીને મ્યુઝિક બનાવું છું. હું મારા પિતા અને ઇશ્વરનો આભારી છું કે જે સેન્સિટિબિલિટી મને મારા પિતા પાસેથી આશીર્વાદરૂપે મળી છે કે શ્રોતાઓને શું ગમે છે, તેનો ખ્યાલ મને આવી જાય છે. આ બાબત અમારા કામમાં ઘણી ઉપયોગી થાય છે અને આ જ કારણ છે કે અમારું મોટા ભાગનું કામ હિટ થાય છે. એક રીતે જોઇએ તો ઘણા લોકો ગીતો બનાવે છે. એમ કહી શકીએ કે રોજ એક ગીત બનાવવામાં આવે છે, સિંગર્સ પણ પોતાના ગીતો બનાવી યુ-ટ્યૂબ પર મૂકે છે. એ એટલું સરળ નથી, પણ હું સૌને પ્રોત્સાહન આપું છું કે તેઓ ઘણું સારું કરે છે અને ખરેખર કેટલાકના ગીતો ઘણા સારા પણ હોય છે. અમારી પાસે એક પ્લેટફોર્મ છે, બ્રાન્ડ છે. તેથી કોઇ સ્વતંત્ર રીતે બનાવે તો અમુક હદ સુધી જ પહોંચે છે, જ્યારે અમારી સાથે કરે તો તે વધારે પ્રગતિ કરી શકે છે. તેથી ઘણી વાર લોકો અમારી પાસે આવે છે.
— આજકાલ ટીવી પર અનેક રિયાલિટી શો આવે છે અને તેમાં ઘણા સિંગર્સ સફળ થાય છે. તમારું શું માનવું છે તેઓ એટલા સફળ થઇ શકે છે?
એ વિશે કંઇ કહી શકાય નહીં. ઘણા લોકો સફળ નથી થઇ શકતા અને એ વાત સાચી છે કે આટલા બધાને એકસાથે કંપની સમાવી શકે નહીં. અલબત્ત, તેમાં ઘણા સારા અને ટેલેન્ટેડ પણ હોય છે. તમે નેહા કક્કડને જ જુઓ ને. એ પણ રિયાલિટી શોમાંથી જ આવ્યાં છે અને એમનાં જેવા ઘણા લોકો રિયાલિટી શોમાંથી આવ્યાં છે. હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. ઘણા લોકો ટ્વિટર કે ફેસબુક દ્વારા અમારા સુધી પહોંચે છે. એમનો ઓડિયો, એમનો સ્વર અમારા સુધી પહોંચાડે છે. એ રિયાલિટી શોનાં હોય કે અન્ય, અમને પોતાના ઓડિયો મોકલે છે, તેમાંથી કેટલાક અમને ગમે છે. અમે તેમને બોલાવીએ છીએ, તેમની પાસે ગીત ગવડાવીએ છીએ. આવા તો ઘણા સિંગર્સ છે.
— પહેલાં તો એવું બનતું હતું કે ટેલેન્ટ શોધવા જવું પડતું હતું. જ્યારે હવે સામેથી તમારી પાસે આવે છે. તો તમે માનો છો કે આવા રિયાલિટી શોમાં આવવાથી કે ગ્લેમર વર્લ્ડ સાથે જોડાવાની ઇચ્છાથી આવે છે?
જે રિયાલિટી શોમાં આવે છે, તે કુદરતી ટેલેન્ટ નથી ધરાવતાં હોતાં એવું નથી. એમાં ઘણી સારી કુદરતી ટેલેન્ટ મળી આવે છે. તમે અરિજિતને સાંભળો, નેહા કક્કડને જ જુઓ, એમનામાં ઘણી ટેલેન્ટ છે. અરિજિત સિંહ તો રિયાલિટી શોમાંથી આવ્યા, નેહા કક્કડ પણ રિયાલિટી શોમાંથી આવ્યાં, તો એમનામાં ટેલેન્ટ ઘણી છે. એવું નથી કે રિયાલિટી શોમાંથી આવ્યા હોવાથી તેમનામાં ટેલેન્ટ છે અને તમે એમને સિંગર બનાવી દો. તેમનામાં પણ થોડી આગવી લાક્ષણિકતા હોવી જોઇએ. સ્વરમાં ઓવરથ્રો હોવો જોઇએ, તેમના સ્વરમાં જે લોકોને ગમે તેવું દર્દ હોવું જોઇએ. એમનામાં એક સ્કેલ હોવો જોઇએ. આવી ઘણી બાબતો છે, જે મહત્વ ધરાવે છે.
— તમે કોઇ એવા સિંગર વિશે જણાવશો, જેમની સાથે કામ કરવાની તમને મજા આવી હોય?
મને દરેક સાથે મજા આવે છે, સૌ મને ગમે છે, મારા પ્રિય છે, મિત્રો છે. સૌની સાથે હું કામ કરું છું, તો કોઇ એકનું નામ હું નહીં આપું કેમ કે સૌ મારા સારા મિત્રો છે. સૌમાં કંઇ ને કંઇ આગવી લાક્ષણિકતા છે. બધા જ મારા પ્રિય છે, મને ગમે છે અને બધા સિંગર્સ દિલથી ગાય છે. ગીતમાં પણ પેશન હોય છે. એમણે ગીત અંગે વિચારવું પડે છે, એના ઊંડાણમાં જવું પડે છે ત્યારે તેઓ ગીત સારી રીતે ગાઇ શકે છે. બધા ખૂબ મહેનતુ છે અને હું બધાને એકસમાન ચાહું છું.
— જૂના ગીતોની આજકાલ જે રીમેક બને છે, તેના વિશે તમે શું કહેશો?
જૂના ગીતોના રીમેકમાં ઘણી વાર ખૂબ ક્રિટિસિઝમ હોય છે, પણ એમાં દરેકના અલગ અલગ મત હોઇ શકે છે. હું આજની પેઢી માટે ગીત બનાવું છું. માની લો કે કોઇ વીસ વર્ષનો છોકરો કે છોકરી હોય, તો એણે આજથી પચીસ વર્ષ પહેલાં જે ગીત બન્યું છે, તે નથી સાંભળ્યું. તેઓ આજની શૈલીમાં, તેમને ગમતા સિંગર્સની રીતે ગાય છે. જો હું કોઇ ગીત રીક્રિએટ કરું તો એ લોકોને પસંદ પડવું જોઇએ. અલબત્ત, નેવું ટકા લોકોને તે ગમે છે, તો હું એ શ્રોતાઓ માટેથી જ કરું છું. હું એક બિઝનેસમેન છું અને જો લોકોને ન ગમે તો હું શા માટે એ કરું. હું એ લોકો માટે કરવા ઇચ્છું છું, જે લોકો સાંભળવા ઇચ્છે છે. મેં જ્યારે ગીત તમ્મા તમ્મા બનાવ્યું હતું, તો ઘણા લોકોએ તમ્મા તમ્મા ગીત સાંભળ્યું નહોતું.
— આજની પેઢી છે, જેમણે નેવુંના દાયકાના ગીતો નથી સાંભળ્યા તેમને માટે શું કહેશો?
હા, તેમણે નેવુંના દાયકાના ગીતો નથી સાંભળ્યા, તો હું આ રીક્રિએશન એમના માટે જ કરું છું, જેમણે આ ગીતો નથી સાંભળ્યા. એ પેઢીના જે લોકો છે, જેમણે એ ગીતો સાંભળ્યા છે, તેમને લાગે છે કે આમણે એ ગીતને બગાડી નાખ્યું. તો તેમણે ન સાંભળવું જોઇએ. તમને નથી પસંદ તો ન સાંભળો. અમે તમારા માટે બીજા ગીતો બનાવીએ છીએ, તમે તે સાંભળો પણ આજની જનરેશનને તે ગમે છે, તો મને લાગે છે કે આ રીતે ગીત બનાવવામાં કઁઇ ખોટું નથી લાગતુ.