નવા વર્ષની શરૂઆતની સાથે જ ટીવી ચેનલ્સ પર નવી સિરિયલો અને રીયાલીટી શોની શરૂઆત થઇ ચૂકી છે. નવી સિરિયલોની શરૂઆત અને જૂની સિરિયલોમાં ફેરફાર તમને વધારે સારી વાર્તા જોવા માટે મનોરંજન પૂરું પાડી રહ્યા છે. ચેનલ્સ પોતાના નવા અવતાર અને નવી સિરિયલ્સ સાથે દર્શકો સમક્ષ આવી ગઇ છે ત્યારે કેટલાક નવા ફેરફારો થયા છે. હાલમાં જ ઝી ટીવીએ ટેલિવિઝનની દુનિયામાં પોતાના 25 વર્ષ પૂરા કર્યા છે. જેના ભાગરૂપે હવે ચેનલે પોતાનો નવો લોગો બદલ્યો છે. દર્શકો માટે નવી વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં તેઓ ભારતના મધ્યમવર્ગને પ્રેરીત કરી રહ્યા છે. જેને લઇને તેઓ નવા ભવિષ્ય તરફ પોતાની નવી ઓળખાણ ઊભી કરી શકે. તો લાઇફ ઓકે નામની સૌથી લોકપ્રિય ચેનલ હવે સ્ટાર ભારતના નામે આવી રહી છે. લાઇફ ઓકે પર આવતા તમામ શો સ્ટાર ભારતના શો બની ગયા છે. તે ઉપરાંત અનેક નવા શોની પણ શરૂઆત થઇ ચૂકી છે. જોકે નામ બદલવાથી કે લોગો બદલવાથી દર્શકોના મન કેટલા બદલાય છે અને દર્શકો સિરિયલ્સ જોવા કેટલી હદે પ્રેરાય છે, તે તેમની પસંદગીની અંગત બાબત છે.

જોકે સિરિયલો તો નવી નવી શરૂ થતી જ રહે છે પણ હવે તો દરેક ચેનલ પર એક પછી એક રીયાલીટી શો પણ ચાલું જ રહેતા જોવા મળે છે. સંગીતનો શો પતે એટલે ડાન્સનો શો શરૂ થઇ જાય છે. ડાન્સના, કોમેડીના, સંગીતના શો તો હવે તમને દરેક ચેનલ પર જોવા મળી રહ્યા છે. સારેગામાપા જેવા શો એ 20 વર્ષ પૂરા કરી દીધા છે. તો હવે રીયાલીટી શોમાં કોમેડી શોનો ઉમેરો થયો છે. કલર્સ પર એકવાર કપિલ શર્માનો શો કોમેડી નાઇટ્સ વિથ કપિલ શરૂ થયો અને સફળ થયો તો તેને જોઇને હવે દરેક ચેનલ પર તમને એક કોમેડી શો તો તે પ્રકારનો જોવા મળે જ છે. હાલમાં જ ઝી ટીવી અને સોની ટીવી પર તે પ્રકારના નવા શોની શરૂઆત થઇ છે. સોની ટીવી પરના શોમાં મિથુન ચક્રવર્તી અને અન્ય કોમેડી કલાકારો છે. આ શોનું નામ ધ ડ્રામા કંપની છે. તે ઉપરાંત ઝી ટીવી પર પણ એન્ટરટેઇનમેન્ટ કી રાત નામનો શો શરૂ થયો છે. જેમાં રવિ દૂબે, કોમેડિયન મુબિન, સિંગર આદિત્ય નારાયણ જેવા અનેક કલાકારોને લેવામાં આવ્યા છે. જોકે કોમેડી, સંગીત અને ડાન્સનો કબજો દરેક ચેનલ પર થઇ ગયો છે. હજી સુધી ખતરો કે ખિલાડી અને બિગ બોસ જેવા શો ફક્ત કલર્સ ચેનલ પર જ જોવા મળી રહ્યા છે પણ જો ભવિષ્યમાં બીજી ચેનલ્સ પર પણ જોવા મળે તો તેમાં નવાઇ પામવા જેવું નથી. જોકે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને નચ બલિયે, ઝલખ દિખલા જા જેવા શો કલર્સ પર જોવા મળે છે.

હાલમાં ઝી ચેનલ પરથી પ્રસારિત થઇ રહેલા શો હોય કે આવનારા નવા શો આ બધા કાર્યક્રમો દ્વારા દર્શકોની અંદર એક નવી ચિંગારી પેટાવવાનો પ્રયત્ન કરાયો છે. જેથી કરીને તેઓ પોતાના આંતરિક અને સામાજીક સંઘર્ષો તરફ આગળ વધે અને પોતાના માટે એક નવા ભવિષ્યની શરૂઆત કરે. આ નવા બ્રાન્ડની સાથે ઝી ટીવી એક સાથે ચાર નવા શોની પણ શરૂઆત કરી ચૂક્યું છે. આ સિરિયલોના નામ ‘રાજા બેટા’, ‘સુભાન અલ્લાહ’, ‘આપ કે આ જાને સે’ અને ‘કલીરેં’ છે. આ તમામ સિરિયલો નવા જ વિષયને લઇને આવી છે. જેમાં કલાકારો પણ નવા જોવા મળશે. ઝી ટીવી પર આ સિવાય ‘ડીઆઇડી સિઝન 6’ પણ શરૂ થઇ છે. જેમાં લોકપ્રિય અભિનેતા મિથુન દાને ફરીથી દર્શકો જજના રૂપમાં જોઇ શકશે. જોકે તે સંગીતનો શો સારેગામાપા પૂરો થવા બાદ શરૂ થયું છે. તેથી રીયાલીટી શોનો ચાલું રહેવાનો ક્રમ જળવાઇ રહે છે.

સોની ટીવી પર પણ હવે નવા શો જેવા કે ‘પૃથ્વીવલ્લભ’ અને ‘પોરસ’ શરૂ થઇ ચૂક્યા છે. બંને ભારતીય ઇતિહાસ સાથે જોડાયેલી વાર્તા છે. ‘પૃથ્વીવલ્લભ’ શો બાહુબલી ફિલ્મની સફળતાથી પ્રેરીત થઇને બનાવાયેલી સિરિયલ છે. આશિષ શર્મા અને સોનારિકા ભડોરીયા તેમાં મુખ્ય પાત્રમાં જોવા મળી રહ્યા છે. ‘પોરસ’ સિરિયલમાં મોહિત એબરોલ અને રતિ પાંડે મુખ્ય પાત્રમાં છે. દર્શકો ઐતિહાસિક સિરિયલો વધારે જોવાનું પસંદ કરે છે તેથી દર્શકોમા આ બંને શોના ટ્રેઇલર જોયા બાદ ખૂબ ઉત્સાહ વધ્યો છે. તે સિવાય સોની ટીવી પર આન્ય એક શો ‘હાસિલ’ પણ શરૂ થયો છે. જેમાં બોલિવૂડના બે કલાકાર જાયેદ ખાન અને વત્સલ શેઠ જોવા મળશે. ‘બંધે એક દોરી સે’ નામનો શો પણ જલ્દી શરૂ થશે. તે ઉપરાંત સલમાન ખાન ગામા પહેલવાન નામનો શો પણ પ્રોડ્યુસ કરવા જઇ રહ્યા છે.

સ્ટાર પ્લસ પર પણ આગામી સમયમાં ‘કહી તો હોગા – 2’ બીજી સિઝન શરૂ થશે. ‘ક્યા તું મેરી લાગે’માં પ્રિતિકા રાવ, કેઇથ સિક્વેરા અને સંજીદા શેખ  તેમજ ‘મીનુ માસી સિરિયલમાં સનાયા ઇરાની અને આદિત્ય રેડીજ છે. ઉપરાંત ‘ચેમ્પિયન્સ ઓફ ચેમ્પિયન’ નામનો રીયાલીટી શો પહેલીવાર શરૂ થયો છે. જેમાં રેમો ડિસૂઝા, જેકલીન ફર્નાન્ડિસ અને શાહિદ કપૂર જોવા મળી રહ્યા છે. નચ બલિયે અને ડાન્સ પ્લસ બાદ આ ત્રીજો ડાન્સ રીયાલીટી શો છે.

કલર્સ ચેનલ પર નવા વર્ષમાં ચાર નવા શો શરૂ થવાના છે. ‘અધૂરા અલવિદા’ શોમાં જેનિફર વિન્ગેટ અને હર્ષદ ચોપરા લીડ રોલમાં છે. ‘બેલનવાલી બહુ’ સિરિયમાં ક્રિસ્ટલ ડિસૂઝા , ધીરજ શર્મા મુખ્ય પાત્રમાં જોવા મળશે. ઉપરાંત ‘લાડો-2’ નામની સિરિયલ પણ શરૂ થઇ છે જેમાં મુખ્ય પાત્ર માટે હાલમાં શશાંક વ્યાસ અને અવિકા ગોર પર પસંદગી ઉતારવામાં આવી છે. જોકે લાડો સિરિયલ પહેલા પણ કલર્સ પર ધૂમ મચાવી ચૂકી હતી. મેધના મલીકના અમ્માજીના પાત્રએ લોકોને આજે પણ જકડી રાખ્યા છે. લાઇફ ઓકેમાંથી સ્ટાર ભારત થયેલી ચેનલ પર લોગો બદલાતા અનેક નવા શોની શરૂઆત થઇ છે. જેમાં ચેસ – મરતે દમ તક, જીજી મા, સિદ્ધી વિનાયક મુખ્ય છે. તે અગાઉ  ઓમ શાંતિ ઓમ, ક્યા હાલ મિસ્ટર પાંચાલ, નિમકી મુખિયા, શામ દામ દંડ ભેદ, આયુષ્યમાન ભવ શરૂ થયા છે. જે તેમની અલગ પ્રકારની વાર્તા અને પ્લોટના કારણે વધારે લોકપ્રિય બની રહ્યા છે.

નવા વર્ષમાં હવે તમે પણ પોતાની મનગમતી ચેનલ પર નવી સિરિયલો અને રીયાલીટી શોનો આનંદ માણો અને ટેલિવિઝનની દુનિયાના આવનારા નવા સમયમાં નવી વાર્તા અને નવા પાત્રોને કુટુંબ સાથે મળીને એન્જોય કરો.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment