નવરાત્રીનો તહેવાર સૌથી મહત્વનો અને આખુ વર્ષ રાહ જોવાતી હોય તેવો તહેવાર છે. જેમાં ગરબે ઘૂમતી ગોરીને કેવા પરિધાન અને ઘરેણા પહેરવા તેની તૈયારી નવરાત્રીના છ મહિના પહેલાથી જ થવા લાગે છે. નવરાત્રીમા ચણિયા-ચોળીના અનોખા પ્રકારના પહેરવેશનું ખાસ મહત્વ યુવાવર્ગમાં રહ્યું છે. ચણિયા-ચોળી અને ઘરેણાની ખાસ તૈયારીઓ પણ થવા લાગે છે. સાથે જ ટ્રેન્ડ પ્રમાણે લેટેસ્ટ ફેશનના ચણિયા- ચોળી ખરીદવા, મનગમતા તૈયાર કરાવવા કે પછી અલગ જ ડિઝાઇનવાળા બનાવડાવવાની શરૂઆત થઇ જતી હોય છે. કેટલીક યુવતીઓ તો પોતાના જૂના ચણિયા-ચોળીને જ નવી સ્ટાઇલથી સજાવવાની તૈયારી કરવા લાગે છે. દર વર્ષે ચણિયા-ચોળીમાં નવી ફેશન અને ડિઝાઇન જોવા મળે જ છે. આ વર્ષે પણ ફેશનેબલ ચણિયા-ચોળીની ડિઝાઇન્સ યુવતીઓને વધારે આકર્ષી રહી છે. જોકે સંપૂર્ણ ટ્રેડિશનલની સાથે થોડા બોલ્ડ લુક આપતા ચણિયા-ચોળી પણ હવે યુવતીઓની પસંદગીમાં સ્થાન પામી ચૂક્યા છે. સમય પ્રમાણે બદલાતી ફેશનને અપનાવવામાં યુવતીઓને સંકોચ થતો નથી. શોર્ટ ચણિયો અને તેની સાથે સ્લીવલેસ, બેકલેસ ચોળી અને તેમા પણ ચળકાટવાળું કાપડ હોવાથી રાત્રિના સમયે તેનો વધારે ગેટઅપ આવે છે.

વર્ષોથી ફેશનમાં સદાબહાર એવા બાંધણીના ચણિયા-ચોળીમાં પણ આ વખતે ચણિયામાં બોતેર કળીના ચણિયાની ફેશન છે. આ ચણિયા-ચોળી કોટનની સાથે સાથે સિલ્કના મટિરીયલમાં પણ જોવા મળે છે. સિલ્કના ચણિયા-ચોળીમાં કરવામાં આવતું બાદલા વર્ક પણ ખૂબ લોકપ્રિય છે. કોટન સિલ્ક બાંધણી અને કોટનમાં આરીવર્ક પણ કરવામાં આવે છે. તેમાં ખાસ તો બાંધેલી બાંધણીનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. સિંગલ દાણા બાંધણીના ચણિયાનો ઉપયોગ યુવતીઓ સ્કર્ટ તરીકે પણ કરી શકે છે. આ પ્રકારના સ્કર્ટ સ્ટાઇલ ચણિયા જોશભેર ગરબા રમવામાં પણ ખૂબ જ અનુકૂળ રહે છે. વળી તેમાં જો થોડી સજાવટ કરવી હોય તો કમરના અને છેવાડાના ભાગમાં પેચવર્ક બોર્ડર મૂકીને તેને વધારે આકર્ષક બનાવી શકાય છે. બજારમાં મળતા ચણિયા-ચોળીથી કઇક અલગ પ્રકારના જ તરી આવતા બાંધણીના ચણિયા-ચોળી યુવતીઓની હંમેશા પહેલી પસંદ હોય છે. જેમાં હવે તો દરેક રંગને પ્રાધાન્ય આપવામાં આવે છે. એક સમયે ફક્ત લાલ, લીલા, કાળા અને મરૂન રંગોમાં જ મળતા ચણિયા-ચોળીના બદલે હવે કેસરી, લાલ, લીલો, પીળો, ભૂરો, વાદળી તેમજ અનેક અંગ્રેજી રંગોનો પણ સમાવેશ થયો છે. તે સાથે જ ઓઢણીમાં લગાવેલા રંગબેરંગી ગોટાથી અલગ જ લુક મેળવી શકાય છે. હવે તો ચણિયા-ચોળીમાં પેચવર્ક વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગામઠી લુક સૌને આકર્ષે છે. ઓઢણી અને ચણિયા-ચોળી બંને હેવી પેચવર્ક બોર્ડરના કારણે આકર્ષક લાગે છે.

આ તો થઇ તમારા નવા ચણિયા-ચોળી ખરીદવાની વાત, પણ જો તમે તમારા જૂના ચણિયા-ચોળીને જ નવો લુક આપવા માંગતા હો તો એ ચણિયા-ચોળીમાં નવી સ્ટાઇલના આભલા, ગોટા, બુટ્ટા, મોતી, પેચવર્ક કરીને કે અન્ય પ્રકારે આકર્ષણ ઊભુ કરી શકે તેવી વસ્તુઓ ટાંકીને તેને અલગ જ લુક પ્રદાન કરી શકો છો. પહેલાના જમાનામાં જે ચાકળા વર્ક કરવામાં આવતું હતું તે પણ ચણિયા-ચોળીને વધારે આકર્ષક બનાવે છે. તમે ઇચ્છો તો ચણિયામાં ઊનના ગોટા કે ઊનની દોરીવાળા મિરરની લટકણ પણ લગાવી શકો છો. તે સિવાય તેમાં સિકવન્સ પ્રમાણે ટીકા, તોઇ , મોતી વગેરે લગાવીને તેને ચમકદાર બનાવી શકો છો. સ્લીવલેસ ચોળીમાં આજની ફેશન પ્રમાણે તમે તેની કિનારી પર લટકણ, મોતીની સેર કે ઊનના ફૂમતા મોતીની લટકણમાં ટાંકી શકો છો. કઇક અલગ લાગે તે માટે ચણિયા-ચોળીને બદલે ઓઢણીમાં પણ હેવી વર્ક કરી શકાય. પ્લેઇન કલરની કે બાંધણીની ઓઢણીમાં આ પ્રકારનું હેવી વર્ક કે પેચ વર્ક વધારે સારું લાગે છે. તમે ઇચ્છો તો ઓઢણીની કિનારી પર ગામઠી વર્કની બોર્ડર પણ મૂકી શકો છો. હવે તો બજારમાં તૈયાર પેચ પણ મળે છે. જેને તમે તમારા ચણિયા-ચોળી પર સરળતાથી ટાંકી શકો છો. તેના પણ અનેક અવનવા આકાર હોય છે. ઓઢણીની બોર્ડર પર ગોટા વર્કની પણ ફેશન ખૂબ જૂની અને જાણીતી છે. તે સિવાય સિલ્વર અને ગોલ્ડન બોર્ડર પણ ખાસ પસંદગીમાં છે. તેના પર ટીકા વર્ક કરીને તેને સજાવી શકાય છે.

આ તો થઇ ચણિયા-ચોળીની વાત પણ તમે સાથે કેવા પ્રકારના ઘરેણા પહેરવા પસંદ કરો છો, તે પણ કોઇની નજરમાંથી બાકાત રહેતું નથી. પહેરવેશની સાથે આભુષણો પણ એટલા જ મહત્વના છે. અલગ ડિઝાઇનવાળા ભરચક લાગે તેવા મોતી, બિડ્સ, નંગ લગાવીને બનાવવામાં આવતી વિવિધ પ્રકારની વીંટી, હાથમાં પહેરવામાં આવતા રંગીન, ઘૂઘરીવાળા, જાડા-પાતળા પહોળાઇવાળા કડા, હાથમાં કાંડાથી લઇને કોણી સુધી અને આખા બાવડા પર પહેરાતા સફેદ અને મલ્ટીકલરના બલોયા, લટકણીયા, માથાનો ટીકો, દામણી પગના ઝાંઝર, કમરબંધ વગેરેથી સજજ યુવતી આકર્ષક લાગે છે.

પહેલાની જેમ ફક્ત ઓક્સોડાઇડ્ઝડના જ નહીં પણ અનેક પ્રકારના આભુષણો બજારમાં જોવા મળે છે. તેમાં પણ આ વખતે તો કાપડના અને ગોટાના આભુષણો વધારે આકર્ષણ જમાવી રહ્યા છે. ઉપરાંત મોતીના, કોડીના, કુંદન વર્કવાલા, રજવાડી આભુષણો પણ ઘણી યુવતીઓ પસંદ કરતી હોય છે. સાથે જ હવે તો કાપડમાંથી બનાવવામાં આવતા આભુષણોની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે.

ઓક્સોડાઇઝ્ડના આભુષણોની માંગ તો આજદિન સુધી યથાવત છે. જેમાં મોતીના પરોવેલા પેન્ડન્ટ, ઘૂઘરી, ઝૂમકા, લટકણ, રંગબેરંગી બિડ્સ, નંગ, છીપલા અને કોડી લગાવેલા હોય તેવા પણ વિશિષ્ટ આકર્ષણ ઊભુ કરે છે. રંગબેરંગી કાચના નોચી અને બિડ્સ લગાવેલા આભુષણોની ખૂબ જ બોલબાલા છે. કોડીના આભુષણો પણ ઘણી યુવતીઓ અને બાળકીઓ પહેરેલી જોવા મળતી હોય છે. ઓક્સોડાઇઝ્ડ અને કોડીના આભુષણો પણ હોય છે અને કોડીની સાથે આભલાના આભુષણો પણ વધારે ડિમાન્ડમાં છે. તે પહેરવામાં ઓક્સાઇડ્ઝ્ડના આભુષણોની જેમ ભારે હોય છે પણ આકર્ષણ પણ ઊભુ કરે છે.

છેલ્લા કેટલાક સમયથી કાપડના આભુષણો, મિરરવર્કવાળા તેમજ મોતીના આભુષણો અને રજવાડી તેમજ કુંદન વર્કના આભુષણોની ડિમાન્ડ પણ વધી છે. કાપડ, મિરર અને મોતીના આભુષણોમાં ટીકી, આભલા અને ઘૂઘરીનું મિશ્રણ જોવા મળે છે. જેને મેટલ અને ઓક્સોડાઇડ્ઝના આભુષણોની એલર્જી હોય તે આ આભુષણો પસંદ કરે છે. કાપડના આભુષણો સૌથી વધારે આકર્ષણ જમાવી રહ્યા છે તેનું કારણ એ કે તે પહેરવામાં સૌથી હળવા છે. જેમાં પગ અને હાથમાં પહેરવાના પોંચા અને બલોયામાં પણ હવે તમે નવી ડિઝાઇન જોવા મળી શકે છે.

માથાના ટીકાથી લઇને પગની આંગળીમાં માછલી સુધી, ઓઢણીથી લઇને મોજડી સુધી યુવતીઓ નવરાત્રીના નવ દિવસ નવી ડિઝાઇનના આભુષણો અને ઘરેણાથી સજ્જ થયેલી જોવા મળે છે. તો હવે આકર્ષક ચણિયા-ચોળી સાથે મેંચિગ જ્વેલરી પહેરીને ગરબે ઘૂમવા માટે સજજ થઇ જાવ.

કેડીયુ અને શર્ટ્સ આ વખતે ડિમાન્ડમાં

આ વર્ષે યુવતીઓમાં રેગ્યુલર ચણિયા-ચોળી કરતા નવીન પ્રકારની ડિઝાઇન વધારે ડિમાન્ડમાં છે. આ વર્ષની ફેશન અંગે ડિઝાઇનર તિથી શાહ કહે છે કે, પટીયાલા, ધોતી સ્ટાઇલ જેમાં વધારે ઘેરાવો હોય તે પણ ડિમાન્ડમાં છે. જેની ઉપર કેડીયા સ્ટાઇલ યુવતીઓ પસંદ કરી રહી છે. જેની પેટર્ન રેગ્યુલર કુર્તી કરતા થોડી લાંબી હશે. તેમાં ફક્ત કચ્છી વર્ક નહીં પણ હેન્ડવર્ક તેમજ ઇખત વર્ક પણ જોવા મળશે. તે સિવાય સ્કર્ટ્સ અને જેકેટ સ્ટાઇલ પણ લોકપ્રિય છે. ગામઠી ચણિયા-ચોળીમાં પણ લો વેસ્ટની પેટર્ન, હાઇ અને લોની પેટર્ન આવી ગઇ છે. કચ્છી વર્ક લોકો ઓછુ પસંદ કરે છે. કચ્છી સિલ્કમાં ગામઠી પ્રિન્ટ અને તેમાં પણ આગળના ભાગમાં કાપડા સ્ટાઇલમાં હેન્ડવર્ક અને પાછળથી બ્લાઉઝની પેટર્ન યુવતીઓને ગમે છે. આ વખતે સ્કર્ટની સાથે શર્ટ્સ પહેરવાની ફેશન પણ છે. જેમાં દુપટ્ટો જોવા મળશે નહીં. શર્ટના કોલરમાં મિરર વર્ક, આભલા અને રેશમી દોરાનું ખાટ વર્ક તેમજ સ્કર્ટમાં ઇખત પ્રિન્ટ અને હેવી બોર્ડર જોવા મળશે.

 

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment