કિંગ ઓફ રોમાન્સ, બાદશાહ, કિંગ ખાન અને હવે રઇશમાં લગભગ અઢી દાયકાથી ભારતીય સિનેમામાં રાજ કરનારા આ દિલવાલે બાઝીગરે આ 25 વર્ષોમાં અનેક ઉતાર ચડાવ આવ્યા હોવા છતાંય પોતાનું સ્ટારડમ જાળવી રાખ્યું છે. દર્શકોને પોતાની એક્ટીંગથી જકડી રાખ્યા છે અને આજેપણ તેમની ફિમેલ ફેન્સ ફોલોઇંગ વધારે જોવા મળે છે. 50 ની ઉંમર વટાવી ચૂક્યા હોવા છતાંય આજેપણ તે પોતાની કલાથી લોકોની અને ખાસ કરીને ફિમેલ્સ ફેનની ઊંઘ ઊડાડી દે છે. તેનામા સ્ટારડમનું અભિમાન નથી. તેથી પોતાની એક અલગ જ દુનિયામાં દર્શકોની ચાહના તેણે જાળવી રાખી છે. છેલ્લા થોડા સમયથી ફિલ્મોમાં નિષ્ફળતા મળી હોવા છતાંય ઋતિક રોશનની કાબિલ ફિલ્મની સાથે પોતાની ફિલ્મને રજૂ કરી, કમાણી નહીં થાય તેના ડરને પાછળ મૂકી દીધો છે. તે ફરીથી પોતાની સાબિત કરવા માંગે છે કે હારીને જીતી જનારને જ બાઝીગર કહેવામાં આવે છે. ફિલ્મ રઇશ તો રીલીઝ થઇ ચૂકી છે, પણ ફિલ્મ બાદ અમદાવાદમાં પ્રમોશન માટે આવેલા શાહરૂખ ખાને સાથે રૂબરૂ મુલાકાત થઇ. તેની પાસેથી જાણીયે કે રઇશ ફિલ્મ દ્વારા તેના પાત્રને કેટલી ઊંચાઇઓ પ્રાપ્ત થઇ, સાથે જ આ વિવાદાસ્પદ પાત્ર સાથે જોડાયેલી અફવાઓ અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા સાથે કામ કરવાના અનુભવની વાત જાણીયે.

— રઇશ ફિલ્મન પાત્રની ખાસ બાબત કઇ રહી જેના કારણે આ પાત્ર પસંદ કર્યું.

પહેલી બાબત તો એ હતી કે હું આ દુનિયાનો નથી. હું થોડો અર્બન છું. હું દિલ્હી અને મુંબઇથી છું તેથી આ દુનિયા અલગ છે. તેમની વાત કરવાની સ્ટાઇલ અલગ હોય છે. ગેંગસ્ટરની દુનિયા જ આખી અલગ પ્રકારની છે. તે ખૂબ આકર્ષણ રહ્યું હતું. ઘણા ઓછા કલાકારોએ આ પ્રકારના રોલ પ્લે કર્યા છે. હું કઇક એવું કરવા માગતો હતો જેના વિશે હું કઇ જાણતો ન હોઉં. બીજી વાત એ કે જે રીતે રાહુલે આ પાત્ર લખ્યું છે તે થોડું મુશ્કેલ રહ્યું કારણકે આ એવું પાત્ર છે જે બધી જ રીતે સંપૂર્ણ છે. હું પોતે એવું માનું છું કે એવા પાત્ર પસંદ કરવા જોઇએ જેની સાથે દર્શકો તરત રીલેટ કરી શકે. દીલથી જોડાઇ શકે. જોકે દરેક નેગેટીવ પાત્ર ભજવવું ખૂબ મુશ્કેલ હોય છે. ઘણીવાર આપણને જીવનમાં આશાનું કિરણ દેખાય છે, તેવું આ પાત્ર છે. કાદવમાં કમળ ખીલવા જેવી ઘટના છે. ઘણીવાર લોકોને મનમાં હોય છે કે મોટા સ્ટાર આ પ્રકારની ફિલ્મો કરશે નહીં. ઇમેજને તકલીફ પહોંચશે. પણ લોકો ખરાબ પાત્રને ભજવવાથી કલાકારને ખરાબ માની લે છે. તેઓ ભૂલી જાય છે કે 25 વર્ષમાં  હું 70 ફિલ્મો કરી ચૂક્યો છું અને તેમાં મને બધાએ પસંદ કર્યો છે. મારા પાત્ર સારા રહ્યા છે. અને અચાનક હવે હું ખરાબ બની ગયો છું.

— નેગેટીવ પાત્ર ભજવવું તે કલાકાર માટે એક્સપરીમેન્ટ હોય છે.

હું મારા પાત્રને એક કલાકાર તરીકે જ ભજવું છું. કલાકાર માટે પાત્ર સારું કે ખરાબ હોતું નથી. પ્રાણ સાહેબને લોકો સૌથી ખરાબ માનતા હતા. સ્વ. અમરિષપુરી જેવા કોઇ કલાકાર હવે તમને જોવા નહીં મળે. મોગેમ્બોને આજેપણ લોકો યાદ કરે છે. ગબ્બરસિંહનું પાત્ર આજેપણ લોકોની જીભ પર છે. આજેપણ આપણે અમજદ ભાઇને યાદ કરીયે છીએ. તો પણ આપણે બધા તેમને પ્રેમ કહીએ છીએ. પસંદ કરીયે છીએ કારણકે તેમણે પોતાનું કામ સરસ રીતે કર્યું છે. યાદ રહી જાય તેવું કામ કર્યું છે. કોઇપણ રોલ કરવાથી ઇમેજનો ફરક પણ પડતો નથી. હું એક કલાકાર છું અને મારું કામ કરું છું. કોઇ ખરાબ પાત્ર ભજવવાથી કોઇ વ્યક્તિ ખરાબ બની જતું નથી અને કોઇ સારું પાત્ર ભજવવાથી તે વ્યક્તિ સારી જ હોય તેવું પણ હોતું નથી.

— ગુજરાતના અબ્દુલ લતીફના નામ અને તેના જીવન સાથે ફિલ્મને અને પાત્રને જોડવામાં આવે છે. ક્રાઇમને વધારે મહત્વ આપી રહ્યા હો તેવું લાગતું નથી.

(હસીને) શું કહું હવે તો દરેકને શાહરૂખ ખાન બનવું છે. જોકે આ ફિમ પહેલા મને બે-ત્રણ ગેંગસ્ટર પરની ફિલ્મો ઓફર થઇ હતી જે બાયોપિક હતી પણ મેં તે સ્વીકારી નહોતી. તેનું કારણ એ કે ખોટી વ્યક્તિના ખોટા કામોને મારે વધારે મહત્વ આપવું નહોતું. ફિલ્મના પાત્રની વાત કરું તો તે એક કાલ્પનિક પાત્ર છે. તેથી તેને ભજવવામાં મને સરળતા રહી. બાકી દુનિયામાં કોઇ એવી વ્યક્તિ ન હોય કે જે ડેઝર્ટમાં આવા પ્રકારના કપડા પહેરીને ઝાલીમા ગીત ગાતો હોય. કેટલીક સમાનતાઓ હોય તો તેને બાયોપિકનું નામ દેવું ખોટું ગણાશે. ફિલ્મમાં મેં પાત્રને ભજવ્યું છે. બાકી ક્રાઇમને મહત્વ આપતી હોય તેવી અનેક ફિલ્મો આ પહેલા પણ બોલિવૂડમાં બની જ છે. આવી કોઇ ફિલ્મ બને ત્યારે ભૂતકાળમાં આવી કોઇ વ્યક્તિ હોય તો તેના નામ સાથે ફિલ્મના પાત્રને જોડી દેવામાં આવે છે. જોકે આવી કોઇ વ્યક્તિની બાયોપિક ક્યારેય બની નથી. અને આ ફિલ્મ પણ એક કાલ્પનિક પાત્ર પર આધારિત છે. જો ક્રાઇમને વધારે મહત્વ આપવાની બાબત લાગતી હોય તો એવું કહેવું ખોટું છે કે કોઇ ધંધા છોટા યા બડા નહીં હોતા, પણ અપરાધના ભયાનક પરિણામો પણ ફિલ્મનો મહત્વનો ભાગ છે.

— જો ક્યારેય બાયોપિક ફિલ્મ કરવાની ઇચ્છા થાય તો કોની બાયોપિક કરીશ.

મને ગુરુદત્ત સાહેબજીની બાયોપિક કરવી ગમશે. અથવા કોઇ એવા ફ્રીડમ ફાઇટરની બાયોપિક કરવાની ઇચ્છા છે, જેણે નેશનલ લેવલે સારું કામ કર્યું હોય પણ હજી સુધી તેને દુનિયા જાણતી નથી.

— ફિલ્મમાં બોલિવૂડની કોઇપણ અભિનેત્રી હોઇ શકત. માહિરા ખાન કેમ.

પહેલા તો એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે એક એભિનેતા તરીકે હું ક્યારેય મારી હિરોઇનની પસંદગી કરતો નથી. નિર્દેશક રાહુલ ઢોશકીયાને લાગ્યું કે જો કોઇ જાણીતો ચહેરો લેશું તો સ્ટારડમ છવાઇ જશે. આ પહેલા પણ ઓમ શાંતિ ઓમમાં આવી જ સમસ્યા હતી, જેના કારણે દિપીકાને બ્રેક આપવામાં આવ્યો હતો. રઇશમાં પણ કોઇપણ જાતની ઇમેજ ધરાવતી હિરોઇનની જરૂર હતી તેથી માહિરા આ પાત્રમાં યોગ્ય લાગી.

— આજે પણ તમારી ફિમેલ ફેન્સની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તે વિશે શું કહેશો.

મને દરેક મહિલાઓ પસંદ કરે છે. તે પછી પત્ની હોય, માતા હોય કે બહેન હોય. તેમને મારું કામ ગમે છે.  દુનિયામાં આ બધી મહિલા ચાહકોના લીધે જ હું આજે કિંગ ઓફ રોમાન્સ બન્યો છું. મારા પિતાના મૃત્યુ પછી હું મારી અમ્મી અને તેમના કુટુંબ સાથે મહિલાઓની વચ્ચે વધારે સમય રહ્યો હતો. તે સામાન્ય માતાઓની જેમ આત્મસંતોષી બનવાના બદલે મહત્વકાંક્ષી બનવાની પ્રેરણા પૂરી પાડતી હતી. તેમના કારણે જ સંઘર્ષના સમયમાં પણ હું ક્યારેય ભાંગી પડ્યો નથી. મારી હિંમત જળવાઇ રહી છે.

— શાહરૂખ તમે પચ્ચીસ વર્ષથી બોલિવૂડમાં છો, તો પહેલાના શાહરૂખમાં અને અત્યારના શાહરૂખમાં પોતે કેટલો ફરક અનુભવો છો.

હું થોડો શરીફ થઇ ગયો છું. વધારે સહનશીલ અને સ્વીકાર્ય બની ગયો છું. એક એક્ટર તરીકે થોડો મર્યાદીત બની ગયો છું કારણકે સ્ટારડમ ખૂબ મોટી છે. થોડી રોલ માટે ચોઇસીસ કરવા લાગ્યો છું અને લોકો પણ સીલેક્ટેડ રોલની જ ઓફર લઇને આવે છે.

— શાહરૂખને જ શાહરૂખની કઇ ફિલ્મ પસંદ નથી.

ડર, બાઝીગર મેં કરી હતી , જે મને થોડી ગમી છે પણ અંજામને હું આજેપણ વિચારું તો મેં તે ફિલ્મ કેમ કરી તે પ્રશ્ન થાય છે. મારું ખૂબ જ ખરાબ પાત્ર તે ફિલ્મમાં હતું. એક મહિલાને હું મારું છું. તેની સાથે ખરાબ વર્તન કરું છું. સારું થયું કે તે ફિલ્મ વધારે ચાલી નહીં.

— અત્યાર સુધીમાં તમારું પોતાનું કોઇ એવું પાત્ર રહ્યું કે જેનાથી શાહરૂખમાં બદલાવ આવ્યો હોય.

હું જે પણ પાત્ર ભજવું છું તે દીલથી ભજવું છું. પાત્ર સાથેના ઇમોશન્સ મારા જીવનમાં ક્યારેક ને ક્યારે બન્યા હોય તેવું થાય છે. પાત્રમાં જે ઇમોશન્સ હોય છે, તે મારા પોતાના હોય છે, અનુભવના કારણે આવ્યા હોય છે. મારા અત્યાર સુધીના કોઇપણ પાત્રએ મારી જીંદગી બદલી નથી. હું પાત્રને ક્રિએટ કરું છું પાત્ર મને ક્રિએટ કરતું નથી અને આ જ મારું કામ છે.

— તમારા પરિવારને બોલિવૂડમાં ખુશહાલ પરિવાર તરીકે ગણવામાં આવે છે. તે માટે શું કહેશો.

પતિ – પત્ની વચ્ચે ઝગડાઓ થાય તેનાથી તો બંને વચ્ચેનો પ્રેમ વધે છે. ગૌરીએ 35 વર્ષમાં મારા પરિવારને, ઘરને અને ખાસ કરીને બાળકોને જે રીતે સંભાળ્યા છે, તેના માટે હું તેનો આભારી રહીશ. સ્ટારડમના કારણે હું તેમને ક્યારે એક સામાન્ય પિતા કે પતિવાળો પ્રેમ તેમને આપી શક્યો નથી. મારો પરિવાર, બાળકો અને પત્ની ગૌરી આ બાબતને ખૂબ સારી રીતે સમજે છે, બસ નાનકડો અબરામ તેને સમજી શકતો નથી.

— બોલિવૂડમાં હવે ખાન દોસ્તીની પણ ચર્ચા છે. તો હવે આમિર-સલમાન અને શાહરૂખની જોડી ક્યારે પરદા પર જોવા મળશે.

અમે ત્રણેય ભલે અલગ અલગ ફિલ્મો કરીએ છીએ પણ ફિલ્મની વાર્તાની અને પાત્રની પસંદગી પર ખાસ ભાર આપીયે છીએ. જ્યાં સુધી એવી કોઇ જોરદાર સ્ટોરી ન મળી જાય જેમાં અણારા ત્રણેયનું પાત્ર ફીટ બેસે ત્યાં સુધી કશું કહી શકીયે નહીં. કોઇ સ્ટોરી સારી મળશે તો જરૂર સાથે કામ કરીશું પણ તેમાં અમારા સ્ટેટ્સ પણ મેચ થવા જોઇએ.

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment