પોતાના વખાણ સાંભળવા કોને ગમતા નથી. તેમાં પણ પ્રિય પાત્ર દ્વારા જ્યારે વખાણ કરવામાં આવે ત્યારે ખુશીમાં બે ગણો વધારો થઇ જાય છે. પ્રિય પાત્ર દ્વારા કરવામાં આવેલા વખાણના કારણે કોઇપણ કાર્ય બે ગણી મહેનત સાથે પૂર્ણ કરવામાં અને સફળતાના રસ્તે આગળ વધવામાં પ્રેરણા પૂરું પાડનાર બને છે. જીવનસાથી જ્યારે આ પ્રકારના વખાણ કરે ત્યારે દાંમ્પત્યજીવનની મધુરતામાં વધારો થાય છે. અહીં એક વાત દરેક પત્નીએ વિચારવી જોઇએ કે તે હંમેશા પોતાના પતિ પાસેથી તેના દ્વારા કરાયેલા કામના વખાણ, કે પોતાના વખાણ સાંભળવાની અપેક્ષા રાખતી હોય છે, તો તેણે પતિના પણ વખાણ કરવામાં ખચકાટ રાખવો જોઇએ નહીં. જીવનસાથીએ જીવનના દરેક માર્ગ પર એકબીજા થકી મળેલી સફળતાને જાહેર કરતા રહીને પ્રેમની આંતરમુખી અનુભૂતિ કરાવતા રહેવી જોઇએ.

હું પોતે કેટલી સુંદર છું તેનો અહેસાસ તમે મને કરાવ્યો છે. તમારા આ શબ્દો પતિ માટે બેસ્ટ કોમ્પલીમેન્ટ બની જશે. તમારે એ વાત પણ સ્પષ્ટ કરવી કે આ વાક્ય દ્વારા તમે એમ પણ કહેવા માગો છો કે તેમણે તમારા માટે જે પણ કઇ કર્યું છે તેના કારણે તમને આવો અનુભવ થઇ રહ્યો છે.

જે પ્રકારથી તમે પરિસ્થિતીને સાચવી છે, તેની હું દિલથી પ્રશંસા કરું છું, આં સાંભળવું પુરુષોને ગમે છે. કારણકે જ્યારે તેમના નિર્ણયો અને ક્ષમતાના વખાણ કરવામાં આવે ત્યારે તેમને દિલથી રાજીપો થાય છે. તેનાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

તમે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે. પતિ દેવ જ્યારે ક્યારેક તમારા માટે મહેનત કરીને રસોડામાં પગ મૂકે ત્યારે તેમણે કરેલા પ્રયત્નને બિરદાવવો જોઇએ. ક્યારેક બનાવાયેલા ભોજન અને તેમા પણ દિલથી બનાવાયેલા ભોજનના તો ખાસ વખાણ કરવા જોઇએ. તે તમને ખુશ રાખવા માટે આ કરી રહ્યા છે, તો તમારે પણ તેમને ખુશી આપવી જોઇએ.

મારા મિત્રો અને કુટુંબના લોકોને તમારી સાથે ખૂબ ગમે છે. સંબંધમાં તો જ તજગી બની રહે છે જ્યારે તમે એકબીજાને પોતાના સમજવા લાગો છો. તેમને એ વાત જાણીને ખૂબ આનંદ થશે કે જે મિત્રો અને પરિવારના લોકોને તમે ખાસ ગણો છો. તેઓ બધા એક વાતને સમજે છે કે તમારા જીવનમાં તમારા પતિ ખૂબ ખાસ છે અને તમે એમને કેટલો પ્રેમ કરો છો.

તમે ખૂબ ખુસમિજાજ છો. જીવનસાથીની કોઇ વાત પર તમે ખિલખિલાટ હસી દો તો તે વાત સ્પષ્ટ કરી દે છે કે તેમના સાથના કારણે તમે ખૂબ ખુશ છો, પણ આ વાતને શબ્દોમાં પણ વ્યક્ત કરવી જરૂરી છે. યુવકો જાણે છે કે વિનોદપ્રિયતા યુવતીઓને આકર્ષે છે. જ્યારે તમે તમારા જીવનસાથીને જણાવશો કે તેમનામાં આ પ્રકારનો ગુણ રહેલો છે, તો તેમના આનંદની કોઇ સીમા રહેશે નહીં.

તમારી સાથે હું પોતાને સુરક્ષિત અનુભવુ છું. પુરુષોને લાગે છે કે તેમના સાથીની સુરક્ષા કરવી અને તેને દરેક રીતે સુરક્ષિત રાખવું તે તેમની ફરજ છે. જ્યારે તમે આ પ્રકારના વાક્ય તેમને કહેશો તો તેમને લાગશે કે તે તેમના પ્રયત્નમાં સફળ રહ્યા છે.

તમે ખૂબ આકર્ષક છો. આવા પ્રકારની કોમ્પલીમેન્ટ ખાસ કરીને યુવતીઓને વધારે આપવામાં આવે છે. યુવકોને તેમના લુક્સના કારણે કોમ્પલીમેન્ટ મળે તેવું ઘણુ ઓછું બન્યું છે. જેના કારણે પોતાના લુક્સને લઇને તેઓ અસુરક્ષિત અનુભવતા હોય છે. તેવામાં જો તમે આવી કોમ્પલીમેન્ટ આપશો તો તેમના માટે તે મહત્વની બની રહેશે.

મને તમારી સલાહની જરૂર છે. આવું કહીને તમે તેમને અહેસાસ કરાવી શકો છો, કે તમને તમારા પતિની કેટલી જરૂરીયાત છે. તેમની સલાહને તમે કેટલું વધારે મહત્વ આપો છો. આ જાણીને તેમને ખૂબ જ આનંદ થશે.

તમે ખૂબ નિડર છો. આવી કોમ્પલીમેન્ટ મેળવીને પતિનો તેમના પોતા પરનો વિશ્વાસ હંમેશા માટે મજબૂત બની જશે.

તમે ખૂબ સારા પિતા/ભાઇ/દોસ્ત/દિકરા છો. જીવનસાથીને હંમેશા એ વાતનો અહેસાસ કરાવતા રહો કે તમે તેમને તમારા સંબંધ ઉપરાંત બીજા સંબંધો માટે પણ મહત્વપૂર્ણ સમજો છો. કેટલાક સંબંધો તેમના માટે સ્પેશિયલ છે અને તે સંબંધોની જવાબદારી તે જે રીતે પૂરી કરે છે તેનો અનુભવ તમે પોતે પણ કરો છો, તે તેમને શાબ્દીક રીતે જાણ કરતા રહો. તેમને આનંદ થશે અને તેમની વાતોને કોઇ નોટીસ કર્યાનો અહેસાસ થશે.

મને તમારા પ્રત્યે ખૂબ માન છે. જ્યારે આ પ્રકારની વાત તમે કહેશો ત્યારે તેમને અહેસાસ થશે કે તમારા દિલમાં એમના માટે કેટલું માન છે અને તમે એને તે જેવા છે તેવા જ રૂપમાં પસંદ કરો છો. તેમને આ વાત જાણવાની ખૂબ આતુરતા હશે કે તમે એમને જીવનમાં પ્રાથમિકતા ગણો છો કે એમનો આદર કરો છો કે નહીં.

પતિને હંમેશાથી એકવાત ખટકતી હોય છે કે તેની પત્નીના મનમાં તેના માટે કેવા પ્રકારના વિચારો હશે. ઘરમાં પણ નાના નાના કામોમાં તેમની મદદ લો, જેમકે કિચનમાં કોઇ ડબ્બો ખૂલતો ન હોય તો તેમને કહો. જેનાથી તેમને લાગશે કે નાની નાની બાબતોમાં પણ તમને તેમની વગર ચાલી શકે તેમ નથી. ક્યારેય કોઇ યુવતી તમારા પતિને જોતી હોય તો ઇર્ષ્યાભાવ રાખ્યા વગર તેમને જાણ કરો અને આના દ્વારા તેમને અહેસાસ કરાવો કે તમારા બે જણાની વચ્ચે તમે ક્યારેય કોઇને આવવા દેશો નહીં. તમને તમારા પતિ પર પૂરતો વિશ્વાસ છે તે શાબ્દિક રીતે કહો. તમારો આ પતિ પરનો વિશ્વાસ તેમને ખૂબ જ આનંદિત કરી દેશે. તમારા પતિ જો ફિટનેસ માટે એક્સરસાઇઝ કરી રહ્યા હોય તો તેમનો ઉત્સાહ વધારો. તમારી કોમ્પલીમેન્ટ ખૂબ ફાયદાકારક સાબિત થશે.

એકબીજાના પર્યાય ગણાતા પતિ-પત્નીએ એકબીજાની સારી બાબતોને શાબ્દિક રીતે રજૂ કરીને એકબીજા પ્રત્યેના સાચા પ્રેમને દર્શાવવાનું ક્યારેય ચૂકવું જોઇએ નહીં.

 

મેધા પંડ્યા ભટ્ટ

 

 

Loading

Spread the love

Leave a Comment