ફિલ્મ રેસ 3 બાદ બોબી દેઓલ ફરીથી લાઇમ લાઇટમાં આવી ગયા છે. તેના માટે તે સલમાનને આભારી છે. બોબીએ પોતાની કરીયરમાં એક લાંબા સમય સુધીની અસફળતા જોઇ છે. કરિયરની શરૂઆતમાં બોબી દેઓલને દર્શકોનો સારો સપોર્ટ મળ્યો. પરંતુ ધીમે ધીમે તેમનો કરીયર ગ્રાફ નીચે આવવા લાગ્યો. ફિલ્મ રેસ 3થી તેમણે નવી શરૂઆત કરી છે અને દર્શકોએ તેમના અભિનયને ફરીથી વખાણ્યો છે. તેનાથી બોબી પોતે પણ ખુશ છે. તેને આ અસફળતામાંથી શું શીખવા મળ્યું, જીવનની રેસમાં તે પોતાને ક્યા સ્થાને જુએ છે, અને આગળ કેવા પ્રકારના રોલ અને ફિલ્મ કરવાનું તેઓ ઇચ્છે છે, તે વિશે થયેલી વાતચિત.
રેસ 3 થી થયેલી ધમાકેદાર એન્ટ્રી વિશે શું કહેશો.
હું તો એક્ટીંગની રેસમાંથી ક્યારેય દૂર થયો નથી. સતત એક્ટીંગ સાથે જોડાયેલો રહ્યો જ છું. મારી થોડીક ફિલ્મોને જ સફળતા મળી છે. જોકે તમે કહી શકો છો કે રેસ 3થી ધમાકેદાર એન્ટ્રી થઇ છે.
જીવનની રેસમાં તમે પોતાને ક્યા સ્થાને જુઓ છો.
જીંદગીની કોઇ રેસ હોતી જ નથી. તમારે પરિવારની સાથે આનંદ અને પ્રેમથી રહેવું જોઇએ.
પરિવાર કેટલો મહત્વનો છે.
મારા માટે પરિવાર જ બધુ છે. હું મારા પરિવાર વિના રહી શકતો નથી. હું મારા પિતા ધર્મેન્દ્ર અને ભાઇ સનીને ખૂબ જ પ્રેમ કરું છું.
એક્ટીંગ સાથે કેટલો પ્રેમ છે.
મને એક્ટીંગ સાથે પણ ખૂબ પ્રેમ છે. તે ઉપરાંત હું ફિલ્મોની પસંદગીને લઇને પણ હંમેશા ખૂબ જ સાવચેતી રાખું છું. હું ફક્ત કામ કરવા માટે કોઇપણ પ્રકારનો રોલ સ્વીકારી શકતો નથી.
તમે એક્ટીંગ કરીયરમાં સારો-નરસો બંને સમય જોયો છે.
મેં નિષ્ફળતાનો લાંબો સમય જોયો છે. તે સમયે મારો પરિવાર, મારી પત્ની મારી સાથે જ રહ્યા. તેમના કારણે મને ખબર જ નથી પડી કે મારો ખરાબ સમય ક્યારે જતો રહ્યો. આના પરથી મને શીખવા મળ્યું કે ગમે તેવી પરિસ્થીતી હોય તમારો પરિવાર જ તમારી સાથે ઊભો રહે છે, અન્ય કોઇ નહીં.
રેસ 3માં સલમાન ખાનની સાથે કામ કર્યું છે, તેમના વિશે શું કહેશો.
સલમાન યારોના યાર છે. સત્યને અને સાચી વ્યક્તિના પારખી છે. જ્યારે તેમણે રેસ 3 માટે મને ઓફર કરી ત્યારે હું ખૂબ જ એક્સાઇટેડ થયો હતો. શૂટીંગ દરમિયાન પણ અમે ખૂબ જ એન્જોય કર્યું હતું. રેસ 3ની સફર ખૂબ જ સરસ રહી. હું સાચા અર્થમાં સલમાનનો આભારી છું કે તેમણે મને આ ફિલ્મનો ભાગ બનવાની તક પૂરી પાડી.
હાલમાં લોકોની કામ કરવાની પદ્ધતીને કેટલી અલગ અનુભવો છો.
હવં તો બધુ જ ઓર્ગેનાઇઝ્ડ છે. અમારા સમયમાં આવું નહોતું. અમારે દરેક સીન માટે ખૂબ જ મહેનત કરવી પડતી હતી. હવે તો સેટ પર જાઓ એટલે પહેલેથી જ બધુ તૈયાર હોય છે.
તમને વિલનનો રોલ ભજવવાની તક મળે તો શું કરશો.
હું એક કલાકાર છું અને મને અલગ પ્રકારનો રોલ ભજવવાની તક મળે તો હું તે જરૂર કરવાનું પસંદ કરીશ. તે પાત્ર મારી પર્સનાલીટી સાથે મેચ થવું જોઇએ.