પોતાની પહેલી ફિલ્મ સાંવરીયા દ્વારા જ તેની તુલના વહીદા રહેમાન અને રેખા સાથે થવા લાગી હતી. તે પછી ફેશન આઇકોન તરીકે તેણે પોતાની નામના મેળવી. રાંઝણા અને નિરજા જેવી ફિલ્મો કર્યા બાદ એક સશક્ત અભિનેત્રી તરીકેની તેણે ઓળખાણ મેળવી લીધી. આ બધુ સોનમ કપૂર માટે સહેલું રહ્યું નથી. પિતા અનિલ કપૂર એક સફળ અભિનેતા છે તેમછતાંય તેમના પ્રભુત્વ અને વર્ચસ્વ હેઠળ પોતાને બોનસાઇના રૂપમાં આગળ લાવવું તેને મંજૂર નહોતું. તેને અભિનય વિરાસતમાં મળ્યો છે અને તેણે પોતાની જાતને પોતાની રીતે આગળ લાવવામાં તેનો ઉપયોગ કર્યો. જેના કારણે તે આજે પોતાની આગવી ઓળખ બનાવી ચૂકી છે. તેણે પોતાની બહેન રીયાની સાથે આઇશા, ખૂબસુરત અને હવે આવનારી ફિલ્મ વિરે દી વેડિંગ ફિલ્મના પ્રોડક્શનમાં પણ ધ્યાન આપ્યું છે. દેશની અડધી આબાદીમાં પણ સળગતા વિષયોનું હંમેશા સમર્થન કરતી આ અભિનેત્રી હવે ફિલ્મ પૈડમેનમાં અક્ષય કુમારની પ્રેરણાસ્ત્રોત બનીને ખૂબ ખુશ છે. તે પોતે પણ ઇચ્છે છે કે માસિકધર્મ જેવા સંવેદનશીલ મુદ્દાઓ રૂઢીચુસ્ત પરંપરાઓમાંથી બહાર નીકળીને સ્વસ્થ જાગૃતતાનું પૂરજોશમાં સમર્થન કરતા જોવા મળે.
આ ફિલ્મના અણસ્પર્ષ્યા વિષય સાથે જોડાવાની અને તેનો પ્રચાર કરવાનું કોઇ ખાસ કારણ.
મારા ઘરનું વાતાવરણ ખૂબ જ નિખાલસ રહ્યું છે. અમે રોજ સાંજે જમવાના ટેબલ પર દરેક પ્રકારના વિષયની ચર્ચા એકબીજા સાથે કરીયે છીએ. આ ફિલ્મનો વિષય લઇને જ્યારે ટીના (ટ્વીંકલ ખન્ના) મારી પાસે આવી તો તે જ સમયે છૂટા પડતી વખતે મેં હા પાડી દીધી હતી. આટલો સંવેદનશીલ વિષય અને તેની સાથે જોડાયેલી વાતો ફક્ત અમને સ્પર્શી જ નથી પણ અમને રડાવી પણ દીધા છે. અમને જ્યારે રીસર્ચ કરતા જાણવા મળ્યું કે દૂરદૂરના ગામની મહિલાઓ ગરીબીના કારણે રાખ, સૂકા પાંદડાઓ, ઘાસ, માટી કે પછી ખરાબ રૂનો ઉપયોગ કરવા માટે મજબૂર છે, અને તેના કારણે સર્વાઇકલ કેન્સર જેવી બીમારીયોનો ભોગ બનવું પડે છે. આપણા સૌથી વધારે આબાદી વાળા દેશમાં ફક્ત 12 ટકા મહિલાઓ જ ફક્ત સેનેટરી નેપકીનનો ઉપયોગ કરે છે, તો આશ્ચર્યની સાથે ગુસ્સો પણ આવ્યો. તેમના આ વિચારોના કારણે જ અમે આ વિષયને અને પરીસ્થીતીઓને ઘરેઘરે પહોંચાડવા માગીયે છીએ.
જેમની પાસે પેડ ખરીદવાના પૈસા નથી તે સ્ત્રીઓ આ ફિલ્મ કઇ રીતે જોઇ શકશે.
હું પ્રોડ્યુસર તો નથી પણ તેના માટે એક રીકવેસ્ટ કરી શકું કે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરાવી દેવામાં આવે. જેના કારણે આ ફિલ્મ વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે. ફક્ત સ્ત્રીઓ જ નહીં પણ પુરુષો પણ આ ફિલ્મ જુવે અને સેનેટરી નેપકીનનું શું મહત્વ છે, તે સમજી શકે. તમને સાચું કહું તો મુંબઇ જેવા પ્રગતિશીલ ગણાતા શહેરમાં પણ આ ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક ટેક્નિશિયન ફિલ્મ છોડીને ફક્ત એટલા માટે જતા રહ્યા કે અમે આ ફિલ્મમાં માસિકધર્મના મુદ્દાને લોકો સમક્ષ લઇને આવી રહ્યા છીએ. અમે જેટલા પણ પછાત વિસ્તારોમાં ગયા છીએ ત્યાંની સ્ત્રીઓએ અમારી વાતનું સમર્થન જ કર્યું હતું તેનો આનંદ છે.
અંગત જીવનમાં પહેલીવાર માસિકધર્મનો અનુભવ કેવો રહ્યો હતો.
મેં જેમ પહેલા કહ્યું તેમ અમારા ઘરમાં જૂનવાણી વાતાવરણ નથી. મને મારી મમ્મીએ પહેલા જ દરેક બાબત સમજાવી હતી પણ મને 15 વર્ષની ઉંમરે માસિકધર્મ આવ્યું હતું. મારી બધી ફ્રેન્ડ્સ જ્યારે આ વિષય પર વાતો કરે ત્યારે મને સાઇડ કરી દેતી હતી. મને તે સમયે ડર લાગ્યો હતો કે મારામાં કોઇ ખામી તો નથીને પણ પછી મને પણ તે શરૂ થઇ ગયું. સ્કુલમાં પણ અમારા ટીચર્સ અમને તે બાબતને લઇને ક્યારે શરમજનક પરીસ્થિતીમાં મૂકતા નહીં. તે સમય દરમિયાન ઘણા બધા લોકો નિતી નિયમો બનાવે છે. મારી મમ્મી કે નાનીએ મને ક્યારેય કોઇ બાબતમાં ના નથી પાડી. આવા સમયે રસોઇમાં ન જવું, અથાણાને અડવાથી ખરાબ થઇ જાય, મારા માટે તો એટલી હદે સ્વતંત્રતા રહી કે જમવાના ટેબલ પર હું આ અંગે મારા પિતા અને ભાઇ સાથે પણ વાત કરી શકતી હતી. તે બંને મને આ બાબત અંગે હંમેશા સલાહ પણ આપતા રહ્યા છે. મારા ઘરના આ પ્રોગ્રેસિવ દ્રષ્ટિકોણને લીધે જ હું અભિનેત્રી પણ બની શકી છું નહીંતર આજે આ સ્થાને પહોચી શકી ન હોત. મને શરૂઆતમાં થોડું અજુગતું લાગ્યું પણ આ વિષય સાથે જોડાયેલા કોઇપણ મુદ્દાઓ પર વાત કરવાથી લઇને ચર્ચાના મુદ્દાઓ પર ક્યારેય મુશ્કેલી થઇ નથી.
તમે ક્યારેય પોતાને પ્રમોટ કર્યા નથી તેમછતાંય મોટા ડિરેક્ટર સાથે કામ કર્યું છે.
મારી મહેનત અને કાબેલિયતના કારણે મને તક મળતી રહી છે નહીંતર ઇન્ડસ્ટ્રીએ અત્યાર સુધીમાં ઘણાબધા સ્ટાર્સ સંતાનોને નકારી કાઢ્યા છે. રાકેશ સર મને તેમની દરેક ફિલ્મમાં કાસ્ટ કરવા ઇચ્છે છે અને સંજય લીલા ભણસાલી સર તો મારા ગુરૂ છે. આનંદ રાયજીની ફિલ્મની વાર્તા ખૂબ જોરદાર હતી અને સુરજ બડજાત્યા સરે તો મૈથલીનું પાત્ર જ મને જોઇને લખ્યું હતું. જો બલ્કી સરની ફિલ્મની વાત કરું તો તેમની સિવાય ટ્વીન્કલજી પોતે પણ ઇચ્છતા હતા કે હું આ ફિલ્મમાં કામ કરું અને મારા પાત્રને ભજવું.
ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતમાં એન્ટ્રી કરવી સરળ રહી હતી કે મુશ્કેલ બની હતી.
જરાપણ સરળ રહી નહોતી. સ્ટારડમ સુધી પહોંચવા માટે ઘણી બધી મહેનત કરવી પડી છે. પહેલા અન્સારી સરને આસિસ્ટ કર્યા હતા. પપ્પાએ ક્યારેય મારી ભલામણ કરી નથી. રાંઝણા પછી લોકો મને ગંભીરતાથી સમજવા લાગ્યા અને નિરજાએ મારી કરિયરમાં અને એક્ટીંગને સાબિત કરવામાં ખૂબ મોટો ફાળો ભજવ્યો. ફિલ્મ પ્રોડક્શન કંપની માટે પણ મેં અને રીયાએ પપ્પાને જણાવ્યા વિના જ ફાઇનાન્સ માટે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. સ્ક્રીપ્ટ પસંદ કરી અને ફિલ્મો બનાવી. જેમાં રીયા પ્રોડક્શનનું કામ સંભાળે છે. ક્રિએટીવ ઇનપુટ્સ હું પણ આપતી રહું છું. હું એમ કહી શકુ કે પપ્પાએ હંમેશા અમને સંલ્ફમેડ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
કેટલીક ખાસ વાત
- સોનમ કપૂરનો જન્મ મુંબઇમાં થયો છે. પિતા જાણીતા અભિનેતા અનિલ કપૂર છે અને માતાનું નામ સુનિતા કપૂર છે. એક બહેન રીયા અને ભાઇ હર્ષવર્ધન છે.
- અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીની ફિલ્મ બ્લેકમાં સોનમ કપૂરે સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું.
- સોનમને મોટો બ્રેક સંજય લીલા ભણસાલીએ પોતાની ફિલ્મ સાંવરીયામાં આપ્યો હતો. આ ફિલ્મ દ્વારા તે પહેલીવાર પડદા પર આવી અને ટીવી ચેનલ્સ અને સમાચારપત્રોમાં ખૂબ ચમકી હતી.
- નવી અભિનેત્રી તરીકે તેને આ ફિલ્મ માટે બ્સેટ એક્ટ્રેસનો ડેબ્યૂટ એવોર્ડ પણ મળ્યો હતો.
- સાંવરીયા પછી. દિલ્હી 6, રાંઝણા, નિરજા, ખૂબસુરત અને બીજી અનેક ફિલ્મોમાં જોવા મળી.
- સલમાન ખાન સાથે રાજશ્રી પ્રોડક્શનનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં પણ કામ કર્યું.
- હાલમાં તે ફિલ્મ વીરે દી વેડિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ મહિલા પ્રધાન ફિલ્મ છે. જેમાં સોનમની સાથે કરીના કપૂર ખાન, સ્વરા ભાષ્કર અને શીખા તલ્સાનિયા પણ જોવા મળશે.
મેધા પંડ્યા ભટ્ટ