ફિલ્મ ‘ડિયર જીંદગી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર રોહિત શરાફ ખૂબ લકી બોય છે. તેણે કરિયરની શરૂઆતથી જ બોલિવૂડના લોકપ્રિય કલાકારો સાથે કામ કર્યું છે. ‘ડિયર જીંદગીમાં’ આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાન, ફિલ્મ મર્દાનીમાં ‘રાની મુખર્જી’ અને હવે ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પીંક’માં પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સાથે તે જોવા મળશે. બોલિવૂડમાં ચમકેલા પોતાના નસીબને તે પોતાના પિતા અને દાદીના આર્શીવાદ ગણે છે. પિતાના સપનાને પૂરા કરવા તે એક્ટર બન્યો અને તેના નસીબે તેને પૂરતો સાથ આપ્યો છે. ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પીંક’ વિશે અને રોહિત વિશે તેની પાસેથી જ જાણીયે.

ફિલ્મમાં તમારા પાત્ર વિશે જણાવો.

ફિલ્મમાં મારા પાત્રને જીરાફ નામથી બોલાવવામાં આવે છે. આયશા મને જીરાફ નામથી સંબોધે છે. આમ મારું નામ ફિલ્મમાં ઇશાન ચૌધરી છે. હું આયશાનો ભાઇ છું. નિરેન ચૌધરી, અદિતી ચૌધરી, આયશા ચૌધરી અને ઇશાન ચૌધરીની ફરતે વાર્તા ફરે છે. હું ફિલ્મમાં એક મ્યુઝીક કમ્પોઝર છું અને આયશાની ખૂબ નજીક છું.

મોટાભાગે સ્કાય ઇઝ બ્લ્યૂ કહેવામાં આવે છે. આ ફિલ્મમાં કેમ પીંક છે.

આ ફિલ્મમાં તેની ખૂબ સુંદર ફિલોસફી દર્શાવાઇ છે. ફિલ્મમાં એક સીન છે કે મારું જે નાનું વર્ઝન છે, તે રડતા રડતા તેની મમ્મીને ફોન કરે છે. તેની મમ્મી તે વખતે લંડનમાં આયશાની ટ્રીટમેન્ટ માટે ગયેલી હોય છે. તે ફરીયાદ કરે છે કે મને આજે ટીચર્સ ખીજાય કારણકે મેં સ્કાયનો કલર પીંક કર્યો હતો. ટીચર્સે સ્કાયનો કલર બ્લ્યૂ કરવા કહ્યો. તે સમયે તેની મમ્મી જવાબ આપે છે કે તારા માટે તારા સ્કાયનો કલર પીંક હોય તો તે જ રાખજે. કોઇને ક્યારેક કહેવાની તક ન આપવી કે તારા સ્કાયનો કલર શું હોવો જોઇએ. તેનો અર્થ હું એમ સમજું છું કે તમારી જે પસંદ હોય છે, તે તમારી પોતાની હોય છે. બીજા લોકોને ક્યારેય એ નક્કી ન કરવા દો કે તમારે શું પસંદ કરવું જોઇએ. મારા મતે દરેકના જીવનમાં તેના આકાશના રંગો નક્કી હોય છે. બસ તેને ડીસ્કવર કરવાની જરૂર હોય છે. અમે હાલમાં અમારા સ્કાયનો રંગ પીંક રજૂ કર્યો છે.

ફિલ્મ અને તમારા પાત્ર વિશે જાણ્યા પછી કેવો અનુભવ થયો.

મેં જે વિચાર્યું હતું તેનાથી વધારે સુંદર ફિલ્મ બની છે. મને જ્યારે ફિલ્મની વાર્તા વિશે ખબર પડી તો હું ખૂબ ખુશ થયો હતો. કારણકે આ ફિલ્મમાં ખૂબ જ અસરકારક વિષય લેવામાં આવ્યો છે. તેને ખૂબ જ સરળ, આનંદિત અને ઉત્સાહિત રીતે દર્શાવવામાં આવ્યો છે. જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી અને મારા પાત્ર વિશે વાંચ્યું તો ઇશાન ચૌધરીના પાત્ર વિશે મારે જાણવાની જરૂર હતી. કલાકાર તરીકે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. જ્યારે પાત્ર વિશે જાણ્યું તો તેમાંથી હું ઘણું શીખ્યો અને ઘણુબધુ જાણવા પણ મળ્યું.

તમે પહેલા પણ મોટા કલાકારો સાથે કાર્ય કર્યું છે. કેવો અનુભવ રહ્યો. શું શીખવા મળ્યું.

મને દરેક સારા અને લોકપ્રિય કલાકારો સાથે કામ કરવાની તક મળી છે. ફિલ્મ ડિયર જીંદગીમાં આલિયા ભટ્ટ અને શાહરૂખ સર, ફિલ્મ હિચકીમાં રાની મુખર્જી મેમ અને હવે પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને ઝાઇરા વસીમ સાથે તક મળી. મને એવું લાગે છે કે જો તમે મહેનત કરો તો કંઇપણ મુશ્કેલ હોતું નથી. તમે જો સાચા દિલથી ઇચ્છો તો તમને દરેક સારી વસ્તુઓ મળી રહે છે. મારા પિતાજી ઇચ્છતા હતા કે હું એક્ટર બનું અને તેના માટે મેં ઘણી મહેનત કરી છે. ઘણાબધા ઓડિશન આપ્યા છે, રીજેક્શન પણ ફેસ કર્યાં છે. મને ત્રણ વર્ષ પછી પહેલો બ્રેક ડિયર જીંદગીમાં મળ્યો. મારું નસીબ છે કે મારી ત્રણેય ફિલ્મોમાં મને મોટા કલાકારો સાથે ચાન્સ મળ્યો. તેમની પાસેથી એક્ટિંગ શીખી છે, ડિસીપ્લીન શીખવા મળ્યું. એક્ટિંગનો કોઇ કોર્ષ કર્યો નથી. જે પણ શીખવા મળ્યું તે સેટ પર જ શીખ્યો છું.

ઝાઇરા વસીમ પણ ફિલ્મમાં છે. તે સારી કલાકારા છે, તેણે લીધેલા નિર્ણય વિશે શું કહેશો.

હું એટલું જ કહીશ કે તે એક સારી કલાકારા છે, તે લોકોને ઇન્સપાયર કરે છે. તેને દુખ હતું કે તેણે પોતાનું કાર્ય છોડી દીધું. તેણએ પોતાની પોસ્ટમાં ખૂબ સ્પષ્ટ કારણો આપ્યા છે, તેથી તેના વિચારને અમે ટીમ તરીકે ખૂબ સપોર્ટ કરીએ છીએ. આખી દુનિયા તેની વિરુદ્ધમાં છે પણ તે ખૂબ મહેનતું અને લોકોને ઇન્સપાયર કરે તેવી વ્યક્તિ છે. તે જો લાઇફમાં ફિલ્મો નહીં કરે તો પણ જે પણ પ્રવૃત્તિ કરશે તેનાથી લોકોને ઇન્સપાયર કરશે.

જો એક્ટર ન બન્યા હોત તો શું બનવાની ઇચ્છા હતી.

મને ડાન્સર બનવાની ઇચ્છા હતી. મને તેમાં ખૂબ રસ હતો. હું મારા સ્કૂલમાં થિયેટર ગ્રુપમાં પરર્ફોમ કરતો હતો, તેથી મને ખબર હતી કે મારે આગળ જતા આ ફિલ્ડમાં જ આવવાનું છે. હું 11 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું મૃત્યું થયું હતું. 15 વર્ષનો થયો ત્યારે મમ્મીએ મને પૂછ્યું કે શું તને એક્ટિંગમાં આગળ વધવું છે. તે પછી મેં ફોટોશૂટ કરાવ્યા. તે પછી કાસ્ટિંગ ડિરેક્ટર્સને ફોટોઝ મોકલ્યા અને પછી મને ફોન આવવાના શરૂ થયા. આ રીતે કોન્ફિનન્ટ પણ વધ્યો. ઘણાબઘા ઓડિશન આપ્યા અને હાલમાં અહીં છું.

હવે પછી કઇ ફિલ્મો કરી રહ્યા છો.

હું અનુરાગ બસુનું ફિલ્મ લૂડોમાં છું. તેમાં પણ અનેક કલાકારો છે. તેનું શૂટીંગ ચાલું છે.

Spread the love

Leave a Comment