ઘણા સમય પછી ગુજરાતી ફિલ્મના પ્રિમિયર શો પછી તરત જ ફિલ્મ વિશે લખવાની ઇચ્છા થઇ છે. તેનું કારણ છે એક ખરેખરી ગુજરાતી ફિલ્મ.

ગુજરાતી નહીં બોલિવૂડની ફિલ્મ જોતા હોય તેવો અનુભવ કરાવશે ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ. દરેક જાતના ટેન્શનમાંથી રીલેક્શ થવું હોય તો આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે.

જ્યારે કોઇ ફિલ્મ જોવા જઇએ તો શરૂઆતથી લઇને અંત સુધી તેની મન પર પકડ રહે અને ફિલ્મ તમારા દિલો દિમાગને તરોતાજા બનાવી દે, તે જ સાચી ફિલ્મ છે. ફિલ્મ મનોરંજન માટે બને છે અને જો સંપૂર્ણ મનોરંજન ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ જેવી ફિલ્મમાં મળી રહે તો અન્ય કોઇ ફિલ્મ જોવી જ ન જોઇએ. ફિલ્મ જોયા બાદ પણ ફિલ્મની કોમેડી તમારા મન પર છવાયેલી રહે તે જ સાચી ફિલ્મ છે. વારંવાર જોવાની ઇચ્છા થાય તેવી ફિલ્મ છે.

ગુજરાતી ફિલ્મ ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ આજે રીલીઝ થઇ રહી છે. ફિલ્મની વાર્તા, સ્ક્રિપ્ટ, ડાયલોગ, સંગીત અને તમામ કલાકારો તમને ફિલ્મની શરૂઆતથી લઇને છેલ્લે સુધી બાંધી રાખશે.

ફિલ્મની શરૂઆત એજન્ટ વિક્રાંત વાઘમારે (જયેશ મોરે)ના એક્શન સીનથી થાય છે. ફિલ્મમાં બે અલગ અલગ વાર્તાઓ એકમેકમાં ભેગી થાય છે. બીજી તરફ અમદાવાદમાં રહેતા અરવિંદ દિવેટીયા (સિદ્ધાર્થ રાંદેરીયા) અને તેમના દિકરા ખગેશ ઉર્ફે કે.ડી (જીમીત ત્રિવેદી), પત્ની ઇંદુ (તેજલ વ્યાસ) અને સાસુ ચંદ્રીકા (પૂર્વી વ્યાસ) શા કારણથી કચ્છ પહોચે છે અને ત્યાંથી બાપ-દિકરો કઇ રીતે પાકિસ્તાન પહોંચી જાય છે, તે રહસ્ય છે. આ ફિલ્મમાં ગુજરાતી કહેવતોનો ભરપૂર સમય પ્રમાણેનો ઉપયોગ, પરફેક્ટ કોમિક ટાઇમિંગ, કોમેડીની સાથે હળવો રોમાન્સ, ફાઇન્ટિંગ સીન, મા-દિકરીની જુગલબંધીમાં સર્જાતી કોમેડી, ક્યાંક ને ક્યાંક અન્ય પાત્રો જોડાઇ જવાથી સર્જાતી કોમેડી, ક્યાંક એક્શન સાથેની કોમેડી ખરેખર અઢી કલાક હાસ્યની છોળો વરસાવી દે છે. પિતા – પુત્રની દરેક પરિસ્થીમાં એક બીજાને તારો વારો -તમારો વારો કહીને એકબીજા પર વાત ઢોળી દેવાનું ફિલ્મની શરૂઆતથી લઇને છેલ્લે સુધીનું કનેક્શન ખરેખર અદ્ભૂત છે. સિદ્ધાર્થ રાંદેરીયા અને જીમિત ત્રિવેદી તો જાણીતા અને એક્ટીંગમાં મોખરાના કલાકારો તો છે જ સાથે જ જયેશ મોરેને તમે આ ફિલ્મમાં એક અલગ જ પાત્રમાં જોશો. ખરેખર કોઇ બોલિવૂડના પાત્રને તમે ફિલ્મમાં જોઇ રહ્યા હો તેવું તેની એક્ટિંગ પરથી લાગે છે. હું ક્યારેય કોઇ કલાકારને કોઇ અન્ય કલાકાર સાથે કમ્પેર કરતી નથી પણ ખરેખર જયેશ મોરેની એક્ટીંગ અને તેના એક્સપ્રેશન તમને બોલિવૂડના કેટકેટલાય હિરોની યાદ અપાવશે.

ફિલ્મમાં અન્ય કલાકારોમાં વ્યોમાં નંદી, સુનિલ વિસરાણી, રાગી જાની, અનિલ માંગે, આલોક ગેગડેકર, શફીક અંસારી અને ફિરોઝ ઇરાની પણ છે.

અંતે ફિલ્મમાં દેશ માટે એક નાગરીકની શું ફરજ છે, તે સંદેશો આપવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા કે પાત્રોનું સંપૂર્ણ વર્ણન કરી દઇશ તો તમે ફિલ્મને થિયેટરમાં માણી શકશો નહીં. સંપૂર્ણ વિગત આપીશ નહીં, તેના માટે ફિલ્મ જોઇ આવો.

ફિલ્મની વાર્તા કે કેટલીક બાબતોની સંપૂર્ણ માહિતી આપતી નથી કારણકે હું અત્યારે ક્રિટીકની રીતે નથી લખી રહી. એક સામાન્ય દર્શક તરીકે ફક્ત મને યોગ્ય લાગતી માહિતી આપને આપી રહી છું. ફક્ત એટલું જ કહીશ કે ખરેખર જો હાસ્યની જીવનમાં જરૂર હોય અને દિલ ખોલીને પેટ પકડીને હસવાની ઇચ્છા હોય તો સમય બગાડ્યા વિના ગુજ્જુભાઇ મોસ્ટ વોન્ટેડ જોઇ આવવામાં મજા છે. ફિલ્મ જોયા પછી મને તમારા અભિપ્રાય જરૂરથી જણાવશો.

Loading

Spread the love

Leave a Comment