આલિયા કૂલ છે. એના વિશે એવું કહેવાય છે કે એ તમારી આસપાસ કૂલ વાતાવરણ ઊભુ કરી દે છે. થોડી મસ્તીખોર અને નટખટ હોવાની સાથે પોતાના કામ અંગે તે ક્યારેય ટેન્સન લેતી નથી. કદાચ એટલે જ તે હંમેશા રીલેક્સ રહી શકે છે. તે હંમેશા કહે છે કે લોકો તમારા વિશે શું કહે છે એની પરવા ન કરો. તેનાથી તમારો આનંદ ખોવાઇ જાય છે. તે ઘણીવાર પલ્બિક પ્લેસમાં પોતાની બુદ્ધીનું પ્રદર્શન કરતા પણ જોવા મળી છે. લોકો જ્યારે આલિયાના સામાન્ય જ્ઞાનની મજાક ઉડાવતાં હસે છે ત્યારે એ શાંત રહે છે. એ પોતાની જાત પર હસે છે. અલબત્ત, એ પોતાની જાત પર કઇ રીતે હસે છે એ વાત અલગ છે. નાનપણથી જ એની ઇચ્છા અભિનેત્રી બનવાની હતી. અત્યારે પણ એ સ્વીકારે છે કે એને દરરોજ સારા દેખાવાનું ગમતું નથી. મુશ્કેલીમાં મુકાયેલી પળોન પળો વિશે વાત કરવામાં તેને કોઇ પ્રકારનો સંકોચ નથી. તે પોતાના દેખાવ વિશેની વાસ્તવિકતાને ક્યારેય નકારતી નથી. પોતાના કિસિંગ સીન માટે એ ક્યારેય માફી માગવાનો દંભ નથી કરતી કે એણે કિસ કરી અને તે બાબતનો એને અફસોસ છે. હા, સાચા અર્થમાં એ કૂલ યુવતી છે. કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર બાદ તેના ફાળે અનેક સારા રોલ અને ફિલ્મો આવી જેમાં તેણે પોતાની અભિનય ક્ષમતાને લોકો સમક્ષ રજૂ કરી અને દર્શકોએ પણ તેને વખાણી છે. વરુણ ધવન અને અર્જુન કપૂર સાથે તેની જોડી વધારે જામે છે, તેવું તેની ફિલ્મોની સફળતા દર્શાવે છે. આવી જ સફળ અભિનેત્રી આલીયા સાથે કેટલીક ફિલ્મી અને નોનફિલ્મી વાતો.

કેવી રીતે તને લાગ્યું કે તારામાં આભિનેત્રી છૂપાયેલી છે.

મને નવાઇ લાગે છે કે હું કેમ અભિનેત્રી બનવા માગતી હતી. મને યાદ છે હું મારા રૂમમાં ભરાઇને ટીવી પર કરિશ્મા અને ગોવિંદાજીને કોઇ ગાર્ડનમાં ડાન્સ કરતાં જોતી અને મારું માથું ડોલાવતી અને મનમાં કહેતી હા, આમાં જ ખરો આનંદ છે. મને એક વાત યાદ છે, દર રવિવારે હું મારા નાના-નાની સામે પરફોર્મ કરતી. મને તે સમયના કેટલાક ફિલ્મી ગીતો પર ડાન્સ કરવાની ખૂબ મજા આવતી અને તેઓ તાળીઓ પાડતાં. મેં બર્થડે પાર્ટીઓમાં, ક્રિસમસ પાર્ટીઓમાં પણ પરફોર્મ કર્યું છે.  નાની હતી ત્યારે પણ મને લોકો મને જોઇ રહેતા એ ગમતું અને આજેપણ ગમે છે. મને લાગે છે કે એના પરથી જ હું કલાકાર બનવા માગતી હતી તેનો ખ્યાલ આવે છે. આથી જ મારામાં લોકો સમક્ષ ડાન્સ કરવાનો આટલો ક્રેઝ છે.

તું કયા ડાયરેક્ટર્સ સાથે કામ કરવા માગે છે.

રાજકુમાર હિરાની, અયાન મુખર્જી અને ઝોયા અખ્તર.

અત્યારના યુવક-યુવતીઓને તું શી સલાહ આપીશ.

દરેકને સલાહ આપવા માટે હું યોગ્ય વ્યક્તિ નથી. હું દરેક યુવતીને કહીશ કે બીજા કોઇને પ્રેમ કરવા કરતાં પોતાની જાતને પ્રેમ કરો. જેના કારણે કોઇ વ્યક્તિ તેમના દિલને ઠેસ નહીં પહોંચાડી શકે. છોકરાઓએ પ્રમાણિક અને સ્ટ્રેટફોરવર્ડ થવાની જરૂર છે. કેટલીક વાર યુવતીઓ યુવાનો ઇચ્છે તેના કરતાં ઝડપથી તેમની સાથે અટેચ થઇ જાય છે. આથી જો યુવાનોને આવું કંઇ લાગે તો તેમણે યુવતીને થોડી ધીરજ ધરવાનું કહેવું જોઇએ. યુવતીઓ વધારે સંવેદનશીલ હોય છે અને એટલે જ હું કહું છું કે તમારી જાતને વધારે પ્રેમ કરો. તમે બીજાને પ્રેમ કરશો તો તમારી જાતને ભૂલી જશો. પછી તમારી કિંમત કંઇ નહીં રહે અને કોઇ પણ વ્યક્તિ તમને દુઃખ પહોંચાડી શકશે. તમે તમારી જાતની કાળજી લેવાનું બંધ કરી દેશો. આવું ન થવા દો.

બે અભિનેત્રીઓ વચ્ચે મૈત્રી હોઇ શકે.

હા, હોઇ શકે. મારે શ્રદ્ધા અને પરિણીતિ સાથે મૈત્રી છે અને તેઓ કૂલ છે. મેં એ નથી જોયું કે તમે જ્યારે એકબીજાના સ્પર્ધક હો તો એવું કહે કે ઓહ, અમે આ રીતે રહીએ છીએ. મને જો કોઇની સાથે ફાવે તો હું એની મિત્ર બની શકું છું.

 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મૈત્રી ઉપયોગી થતી નથી એવું કહેવાય છે.

એ વાત સાચી નથી. મેં જેમની સાથે કામ કર્યું છે એ લોકો મારા સારા મિત્રો છે. ભલે તે સિદ્ધાર્થ મલહોત્રા હોય, વરુણ ધવન, અર્જુન કપૂર કે રણદીપ હુડા જ કેમ ન હોય. વરુણ અને સિદ્ધાર્થ સાથે મારે અતૂટ મૈત્રી છે. રણબીર સિંહ અને અર્જુન મારા મિત્રો છે. ખાસ મિત્રો રોજ મળે કે ન મળે પણ તેમની વચ્ચે એટલી સમજદારી તો હોવી જ જોઇએ. કારણ કે તેઓ પરિપક્વ છે, સ્માર્ટ છે. એ તેમણે જ્યારે ટુ સ્ટેટ્સનું પ્રમોશન કરતા હતા ત્યારે તે સમજદારી દાખવી જ છે. મેં પણ એક વિલન અને મૈં તેરા હીરોને પ્રમોટ કર્યાં છે.

તને લાગે છે કે ચિલ આઉટ રહેવા માટે તું ઘણી નાની છો.

મને આ પ્રશ્ન અનેક વાર પૂછાયો છે. મને નથી ખબર કે મારે કેટલા મોટા થવું જોઇએ. હું એટલું જાણું છું કે મારા સારા ફ્રેન્ડ્સ મારી સાથે બધી વાતો શેર કરે છે. આથી મને ખરેખર નથી ખબર કે આનાથી વધારે ચિલ આઉટ કઇ રીતે રહી શકાય.

ઇન્ડસ્ટ્રીની કઇ એકટ્રેસીસથી તું ઇન્સપાયર થઇ છો.

કાજોલ, કરીના, કરીશ્મા કપૂરની એક્ટીંગ મને ગમે છે. તે સિવાય હું માનું છું કે દરેક કેરેક્ટર ક્યારેક તો ઇન્સ્પાયર કરતા જ હોય છે.

તને બીજી કરીના પણ કહેવામાં આવે છે, તેના વિશે શું કહીશ.

મને એવું લાગે છે કે આ તુલના કરવામાં ખૂબ ઉતાવળ કરવામાં આવી રહી છે. હું કરીનાની ખૂબ મોટી ફેન છું પણ હાલમાં તેમની સાથે તુલના કરવી મને યોગ્ય લાગતી નથી. હજી હું ફક્ત તેમને ફોલો કરી રહી છું.

તો તારી તુલના કોની સાથે થવી જોઇએ.

મને તો ફક્ત મારી સાથે જ મારી તુલના કરશો તો વધારે ગમશે. પહેલાના લોકોની તુલનામાં હાલમાં નવા નવા ટેલેન્ટ ઘણાબધા આવી રહ્યા છે. વળી, એ તો ઓડિયન્સ પર ડિપેન્ડ હોય છે કે તેઓ કોને પસંદ કરે છે અને કોને ન કરે. એટલે દરેક એક્ટરે પોતાની અલગ છાપ છોડવી પડે છે.

તું તો ખૂબ મેચ્યોર વાતો કરવા લાગી છો.

મેચ્યોર રોલ પ્લે કરતા કરતા થોડી મેચ્યોરીટી તો આવી જ જાય છે. સમજદાર પિતાની સમજદાર દિકરી છું, મેચ્યોરીટી તો મારા લોહીમાં જ છે. નકામી વાતો કરવાનું મને જરાપણ પસંદ નથી. એટલે જ કો-સ્ટારની સાથે કોમ્પિટીશનની વાત ક્યારેય મારા મગજમાં આવતી નથી. મને હંમેશા મારા કામમાં વ્યસ્ત રહેવું જ પસંદ છે.

તારા પિતા તારા માટે ક્યારે ફિલ્મ બનાવશે.

તેમણે મને ક્યારેય ફિલ્મની ઓફર કરી નથી. મને એમ પણ કહ્યું છે કે તેઓ મારી સાથે ફિલ્મ નહીં બનાવે. મને નથી લાગતું કે પપ્પા હવે ક્યારેય ડાયરેક્શનમાં પાછા ફરશે.

તારા પિતાએ ફિલ્મોને લઇને ક્યારેય કોઇ ટીપ્સ આપી છે.

તેમને મારી મહેનત જોઇને આનંદ થાય છે. તેઓ ફિલ્મો વિશેની ટીપ્સ ક્યારેય આપતા નથી પણ જીવન અંગેની ટીપ્સ આપે છે. મારી પહેલી ફિલ્મ રીલીઝ થઇ તે પહેલા મેં તેમને એક કાગળમાં લખીને આપ્યું હતું કે તમે મને હેલ્પ નથી કરી તે માટે થેન્ક્યૂ.

તારા પિતાની કઇ બાબતથી તુ ઇન્સ્પાયર છો.

તે ખૂબ જ એનર્જેટીક છે.  આ ઉંમરે પણ તેઓ મારા કરતા વધારે એનર્જી ધરાવે છે અને તેમની આ જ બાબત મને વધારે ગમે છે. કોઇપણ ફિલ્મના શૂટીંગ વખતે હું જ્યારે તેમને ઘરે આવીને કહું કે આજે હું ખૂબ જ થાકી ગઇ છું તો તેમને મારી મહેનત જોઇને આનંદ થાય છે.

મહેશ ભટ્ટની કઇ ફિલ્મ તને વધારે પસંદ છે.

મને પપ્પાની સારાંશ અને ડેડી ફિલ્મ ખૂબ જ ગમે છે.

તને તારા પિતાના ડાયરેક્શનમાં કામ કરવાની ઇચ્છા છે. શું આ વાત સાચી છે.

પપ્પાએ હવે ડાયરેક્શન કરવાનું બંધ કરી દીધું છે પણ જ્યારે પણ કોઇ બીજા એક્ટર પાસે તેમના ડાયરેક્શનના વખાણ સાંભળું છું તો મને તેમની સાથે કામ કરવાની ઇચ્છા થઇ આવે છે. તેથી જ હવે હું સતત પપ્પાને કહી રહી છું કે તેઓ મારા માટે થઇને પણ કમબેક કરે.

એવું તો તું તારા કરિયરની શરૂઆતમાં પણ કહી શકી હોત ને.

સાચું કહું તો હું ક્યારેય નહોતી ઇચ્છતી કે પપ્પા દ્વારા મને બ્રેક મળે. હું શરૂઆતથી જ પોતાની રીતે કંઇક કરવા માગતી હતી. એટલે જ સ્ટુડન્ટ ઓફ ધ યર માટે મેં સ્ક્રીન ટેસ્ટ પણ આપ્યા હતા. 400 જેટલી યુવતીઓને રીજેક્ટ કર્યા પછી તેમાં મારી પસંદગી કરવામાં આવી હતી.

તો હવે તો તારામાં અલગ જ પ્રકારનો જુસ્સો જોવા મળી રહ્યો છે.

તેને તમે મારામાં છૂપાયેલો સેલ્ફ કોન્ફિડન્સ કહી શકો છો.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment