સોની સબ નવો ક્રાઈમ આધારિત કોમેડી શો પાર્ટનર્સ- ટ્રબલ હો ગઈ ડબલ લઈને આવી છે, જે ચર્ચાને ચકડોળે ચઢ્યો છે. આ શોમાં પહેલીવાર જોની લીવર ટીવીના પડદા પર જોવા મળશે. આ શોમાં કિકુ શારદા શારીરિક રીતે એકદમ અનફિટ પોલીસ અધિકારી માનવ અનંગ દેસાઈની ભૂમિકા ભજવી રહ્યો છે. અનફિટ છતાં તે પોતાને સૌથી ઉત્તમ અને પરફેક્ટ પોલીસ માને છે. સિનિયર ઈન્સ્પેક્ટર માનવ સાથે આ વિશે કરેલી ગપ્પાગોષ્ઠિ –
પાર્ટનર્સ- ટ્રબલ હો ગઈ ડબલ પસંદ કરવાનું શું કારણ હતું?
ફિકશન કોમેડી હું વર્ષોથી કરતો આવ્યો છું. મેં એફ.આઈ.આર. સાત વર્ષ સુધી કરી છે. ફિકશનથી હવે હું એકદમ કમ્ફર્ટેબલ છું. પરિતોષ મારો સારો મિત્ર છે અને અમે લાંબા સમયથી સાથે કામ કરવા માટે સિરીઝનું આયોજન કરી રહ્યા હતા. આ પછી તે પાર્ટનર્સની આ વાર્તા લઈને આવ્યો અને મને ખબર પડી કે શોમાં જોની લીવર પણ છે ત્યારે હું તેમની સાથે કામ કરવા માટે ના પાડી શકું જ નહીં. હું કોમેડીના આ દિગ્ગજ જોડે કામ કરવા માગતો હતો. આથી મેં આ શો તરત પસંદ કર્યો.
તમે અગાઉ પણ પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યા છો, ત્યારે હવે ફરી પોલીસ અધિકારી એ શું પસંદગીથી બન્યા છો?
આ યોગાનુયોગ છે. મારી શારીરિક તંદુરસ્તી અને આરોગ્ય જોતાં મને પોલીસ અધિકારીની ભૂમિકામાં લોકો કઈ રીતે વિચારશે તે વિશે હું જાણતો નથી. જોકે મને ખુશી છે કે સ્ક્રીન પર મને પોલીસ અધિકારી બનવા મળ્યું છે.
કોમેડી સિવાય કઈ ભૂમિકા ભજવવાનું ગમશે?
આમાં પ્રકારનો કોઈ સવાલ નથી. મને જે રોલ ભજવવો ગમે તે કરું છું. મારો દિવસ કંટાળાજનક નીવડે એવું હું કશું જ કરવા માગતો નથી. કોમેડીમાં તમને ક્યારેય કંટાળો આવતો નથી. તમારો દિવસ મોજ મસ્તીભર્યો રહે છે અને કામ કરવાની મજા પણ આવે છે. જો મને ફિલ્મોમાં કોમેડીનું પાત્ર નહીં મળે અને અન્ય પસંદ કરવાનું હોય તો હું તેના પર વિચાર કરી શકું છું.
તારા પાત્રનું વિવરણ તું કઈ રીતે કરશે?
માનવ અનંગ દેસાઈ એમ.એ.ડી. તરીકે ઓળખાય છે. તે જાડો, આળસુ અને પોલીસ વિભાગમાં એકદમ મિસફિટ છે. તેના જીજાજી ડીજીપી હોવાથી તેને નોકરી મળી છે. જોકે તે પોતાને બીજાને મોહિત કરનાર, બુદ્ધિશાળી અને ઉચ્ચ પ્રકારની વ્યક્તિ સમજે છે, જે દેખીતી રીતે જ ખોટું છે. તે આદિત્ય સાથે સતત બાખડતો રહે છે.
જોની લીવર સાથે કામ કરવાનું કેવું લાગે છે?
હું જોની લીવરજીનો ખૂબ મોટો ચાહક છું. તેને માટે બહુ આદર છે. તે દરેકને ખૂબ આદર આપે છે અને અનુકૂળ અભિનેતા છે. હું કોલેજના દિવસોથી તેમને જાણું છું. ઉત્તમ અભિનેતા ઉપરાંત વ્યક્તિ તરીકે પણ તે બહુ સારા છે. તેમની પાસેથી ઘણું શીખવા મળે છે. તેમની જોડે કામ કરવાનું સન્માનજનક લાગે છે.
અસલ જીવનમાં ગુનામાં તારા ભાગીદાર કોણ છે?
મારા મિત્રો છે, પરંતુ હું કહીશ કે મારા બે પુત્ર ગુનામાં મારા ભાગીદાર છે. મારો મોટો પુત્ર ખાસ કરીને વિચિત્ર આઈડિયા લઈને આવે છે. પિતા તરીકે તેને રોકવાનું મન થાય છે, પરંતુ અમુક વાર હું પણ તેમની જોડે બાળક જેવો બની જાઉં છું અને તેમના જેવી હરકતો કરું છું.
મેધા પંડ્યા ભટ્ટ