મિથુન ચક્રવર્તી ડાન્સની દુનિયાનું એક એવું નામ છે, જેને ક્યારેય ભૂલી શકાય નહીં. લોકપ્રિય એક્ટરની સાથે ગ્રેટ ડાન્સર તરીકે પણ તેમણે પોતાનું નામ આજેપણ જાળવી રાખ્યું છે. ઝી ટીવી પર આવતા રીયાલીટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સની દરેક સિઝનમાં તેઓ ગ્રાન્ડ માસ્ટર તરીકે જોવા મળે છે. સાથે જ ફિલ્મી કરિયરને તો તેઓ આજેપણ કલાકાર તરીકે ન્યાય આપી રહ્યા છે. ડાન્સનું નામ આવે એટલે બોલિવૂડમાં સૌના મોઢે પહેલું નામ મિથુન ચક્રવર્તીનું આવે છે. તેમણે પોતાની ફિલ્મી કરીયરમાં જે લોકપ્રિય ફિલ્મો અને પોતાના ડાન્સનો જાદુ પાથર્યો છે, તેના કારણે આજેપણ તેમને ગ્રાન્ડ માસ્ટર કે ડાન્સના માસ્ટર ઓફ કિંગડમ તરીકે ઓળખવામાં આવે છે. દાદાના હુલામણા નામથી તેમને સંબોધવામાં આવે છે. જે મિથુનજીને ખૂબ પસંદ પણ પડે છે. ચહેરા પરથી કડક પણ વાત કરવામાં નરમ તેમજ અતિશય લાગણીશીલ પ્રતિભા ધરાવતા મિથુનજી ડાન્સ ઇન્ડિયાન ડાન્સના રીયાલીટી શો દ્વારા અનેક કલાકારોને નવી દિશા તરફ પણ આગળ લઇ જાય છે. ડાન્સના રીયાલીટી શો બાદ જે પણ પ્રતિભાશાળી કલાકારો છે, તેમને તેઓ જીવનમાં તેમની ડાન્સની કરિયરમાં આગળ વધવામાં પૂરતો સપોર્ટ કરે છે. હવે ઝી ટીવી પર ડાન્સ ઇન્ડિયા ડાન્સની છઠ્ઠી સિઝન શરૂ થવા જઇ રહી છે. મિથૂન દા ને આપણે તેમાં ગ્રાન્ડ માસ્ટર તરીકે જોતા આવ્યા છીએ. તેમના તખીયા કલામ ક્યા બાત,,,ક્યા બાત,,,,ક્યા બાતને લોકો ખૂબ પસંદ કરે છે. આ પ્રતિભા પાસેથી આજના સમયના ડાન્સ, રીયાલીટી શો અને તેમના જીવનની કેટલીક વાતો વિશે જાણીયે.

ડાન્સ ઇન્ડિયા ડાન્સની શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં કેટલી સામ્યતાઓ અને કેટલા બદલાવનો અનુભવ કર્યો છે.

જ્યારથી શો શરૂ થયો ત્યારથી લઇને જેટલા પણ સ્ટાર્સ અમે બનાવ્યા છે તે દરેક જણે આજે પોતાનું એક સ્થાન બનાવી લીધુ છે. ઘણા લોકોએ પોતાની મંઝીલ મેળવી લીધી છે. તેમના ડાન્સિંગ પરર્ફોમન્સ પણ ક્યારેક જોવા મળે છે. તેઓએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક જગ્યા અને ઓળખ બનાવી લીધી છે. સમય સાથે ડાન્સમાં નવીનતા જોવા મળી છે કારણકે અમે હંમેશા પ્રયત્ન કર્યો છે કે નવું ડાન્સમાં શું આપી શકીયે છીએ. સાથે જ કલાકારો નવું શું આપી શકે છે, તેમાં પણ ખાસ ધ્યાન રાખ્યું છે. ડાન્સ દરેક લોકો કરે છે. 50 વ્યક્તિ ડાન્સ કરતી હોય પણ તેમાંથી તમારી નજર કોઇના ડાન્સ પર જ અટકી જતી હોય છે. તે ખાસ છે, તેને એક્સ ફેક્ટર કહેવામાં આવે છે. જે બધા કરતા અલગ ડાન્સ કરીને દેખાઇ આવે, જૂદુ લાગે, તે અમે આટલા વર્ષોમાં આપ્યું છે.

આ વખતના છઠ્ઠા સિઝનમાં નવું શું હશે, શું નવી વસ્તુ દર્શકોને જોવા મળશે.

હું તમને મારી વાત કહીને જણાવીશ કે હું ક્યારેય કોઇ પ્લાનિંગ કરતો નથી કે આ વખતે હું આ રીતે કરીશ. અમે બધા કહીયે છીએ કે અમે બધા કરતા કઇક અલગ લઇને આવીશું, કઇક અલગ પ્રકારના ડાન્સ જોવા મળશે. હું આ જે હટકે (અલગ) છે ને તે ત્યાં બેસીને જોતો હોઉં છું. તેમાંથી કોઇ એકને હું પસંદ કરું છું. આ રીતે જેટલા લોકો પસંદ કરું છું તેમને અલગ કરતો નથી પણ તે બધામાં મારી નજર અટકી જાય છે. જો તે પસંદ કરેલા લોકોને સારી રીતે ટ્રેઇન કરવામાં આવે તો તે ભવિષ્યના સ્ટાર હોય છે. અલગ તો હશે જ પણ હાલમાં શું અલગ હશે તે હું કહી નહીં શકું. જે અલગ હશે તે જોયા પછી જ ખબર પડે છે.

ડાન્સ કલાકારોની પસંદગી માટે કઇ બાબતો ખાસ જોવામાં આવે છે.

કલાકારોના લેગ મુવમેન્ટ, બોડી મુવમેન્ટ, તેમનું પોતાને સ્ટેજ પર કઇ રીતે પ્રેઝન્ટેશન છે, ડાન્સ પરર્ફોમન્સ, સ્ટેજને કઇ રીતે કવર કરવામાં આવે છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે.

ઘણા સારા ડાન્સર્સને આગળ વધવાનો ચાન્સ રીયાલટી શોમાં મળતો નથી. એ બાબતે શું કહેશો.

તમે જે વાત કરી રહ્યા છો, તેની ચોખવટ કરીશ કે મને ચેનલવાળાઓએ એટલી છૂટ આપી છે કે જો કોઇ પ્રતિભાશાળી જાતે ડાન્સ શીખનાર, સારા કલાકારની જગ્યાએ કોઇ ડાન્સ સ્કુલના બાળકને લઇ લેવામાં આવે તો હું તેને ડીલીટ કરી શકું છું. ચેનલવાળા જાણે છે કે દાદા આ ક્યારેય ચલાવી લેશે નહીં. તેનું કારણ એ છે કે હું પોતે ખૂબ મહેનત કરીને આગળ આવ્યો છું. હું આવી મુશ્કેલ પરિસ્થિતીમાંથી પસાર થઇ ચૂક્યો છું. તેથી હું ક્યારેય કોઇ સારા કલાકાર સાથે અન્યાય થવા દઇશ નહીં. પ્રતિભાની સામે અન્ય કોઇ વસ્તુ મારા માટે મહત્વની નથી. હું જે તકલીફમાથી પસાર થઇને આગળ આવ્યો છું તેવું અન્ય કોઇને સહન કરવું પડે તે ક્યારેય ઇચ્છીશ નહીં. અહીં કોઇ ભલામણ થતી નથી અને થાય છે, તો તે સ્ટેજ પર્ફોમન્સ બાદ જ પસંદગી કરવામાં આવે છે.

આ વખતની સિઝનમાં શું બેન્ચમાર્ક હશે.

આ શો નો બડીને સમ બડી બનાવે છે. આજે આ શોમાંથી ગયેલા ઘણા કલાકારો મળે છે અને કહે છે કે દાદા આજે હું સ્ટાર બની ગયો છું, આ કામ કરી રહ્યો છું. હું એટલું કહીશ કે ડાન્સ ઇન્ડિયા ડાન્સ ડાન્સર નથી બનાવતા પણ ડાન્સિંગ સ્ટાર્સ બનાવે છે. આ વખતે ડાન્સિંગ સુપર સ્ટાર પણ જોવા મળે.

ડાન્સના શો દ્વારા દેશની પ્રતિભાઓ બહાર આવી રહી છે પણ તેનાથી બાળકો પર એક પ્રેશર પણ વધી રહ્યું છે તેવું લાગે છે.

આ બાબત પસંદગી પર રહેલી છે. જો તમે ઇચ્છો કે તમારા બાળકના અંદર રહેલી પ્રતિભા બહાર આવે, તેનામાં છૂપાયેલો ડાન્સર બહાર આવે તો તેના માટે આ શો છે. માતા-પિતા પર આધારિત છે કારણકે અમે કોઇ બાળકને પકડીને લાવતા નથી. દરેક પેરન્ટ્સ ઇચ્છે છે કે તેમના બાળકની પ્રતિભા દેશની સામે આવે, તો તે પસંદગીની બાબત ગણાય છે. તેમાં માતાપિતાએ પ્રેશર નહીં પણ મેનેજ કરવું પડશે. હું તેના માટે પ્રેશર શબ્દ નહીં પણ મેનેજ શબ્દનો ઉપયોગ કરીશ. જેથી ભણતર અને ટેલેન્ટ બન્નેને મેનેજ કરી શકાય. કોઇ નાના બાળક માટે લોકો, દેશ, દુનિયા તાળી પાસે તો તે પ્રાઉડ ફિલ કરવા જેવી વાત છે. હા, તેના ભણતર અને પ્રતિભા વચ્ચે માતા-પિતાએ મેનેજ કરવું પડે છે.

તમારી પ્રતિભાને તમે કઇ રીતે મેનેજ કરી છે.

હું કોલેજ પણ જતો હતો અને સાથે સાથે ડાન્સ પણ કરતો હતો. હું તે સમયે વિચારતો હતો કે એક સમય એવો આવશે કે હું સુપરસ્ટાર બનીશ. હું ફક્ત ડાન્સ એટલા માટે કરતો હતો કે કોઇ મારી પ્રતિભાને, મારા ડાન્સને જોશે. તે સમયે ક્લબમાં ડાન્સ કરતો, કોઇ ફંક્શનમાં ડાન્સ કરતો જેથી કોઇની નજરમાં આવું તેવું વિચારતો હતો. જો હું તે સમયે જ અટકી ગયો હોત તો આજે તમારી સામે બેઠો ન હોત. આ બધુ તમારી પસંદગી અને તમારા મનની અંદરની વાત છે. માતા-પિતાના વિચારોની વાત છે. કોઇની પ્રતિભા બહાર આવે તેમા ખોટું પણ શું છે.

પહેલા રીયાલીટી શો નહોતા તો તે માટે શું કહેશો.

હવે દરેક બાબત સરળ થઇ ગઇ છે. સ્ટેજ પર આવવું અને લોકોની સમક્ષ આવવું સરળ બની ગયું છે. બીજી બાજુ એટલું સરળ પણ નથી કારણકે સ્પર્ધા વધી ગઇ છે. અમારા સમયમાં અમે પણ ડાન્સ કરતા હતા. કોલેજ ફંક્શનમાં પૂજાના પ્રંસંગોમાં ડાન્સ કરતો હતો, તેમાં પણ લોકોને ખબર પડે કે જોરાબગાન (કોલકત્તા)નો છોકરો મિથુન ડાન્સ કરવા માટે આવે છે, તો લોકો ઘરની બારીએ, અગાશીમાં, બાલ્કનીમાં ડાન્સ જોવા માટે બહાર આવી જતા. કોલેજમાં પણ જ્યારે ફંક્શન હોય ત્યારે લોકો બહાર ફરતા પણ જેવી ખબર પડે કે મિથુન ડાન્સ કરવાનો છે, તો બધા સ્ટુડન્ટ્સ જોવા ભેગા થઇ જતા. તો મને પણ ક્યાંકને ક્યાંક ડાન્સ દેખાડવાની તક મળી જતી હતી.

ફિલ્મી દુનિયામાં કઇ રીતે ચાન્સ મળ્યો.

મુંબઇમાં પણ પાર્ટીમાં જઇને ડાન્સ કરતો હતો. પાર્ટીમાં ઘણા ફિલ્મી દુનિયાના લોકો આવતા હતા. લોકો વાતો કરતા થયા કે પાર્ટીમાં એક છોકરો ખૂબ સરસ ડાન્સ કરે છે, તેને ચાન્સ મળવો જોઇએ. આ રીતે પછી ધીમે ધીમે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ ગયો અને ત્યાંથી પાસઆઉટ થયો. તે પછી પણ ડાન્સ કરતો જ રહ્યો. આ રીતે જ મને તક મળી અને દર્શકોનો એટલો પ્રેમ મળ્યો કે હું ડિસ્કો કિંગ બની ગયો.

રીયાલીટી શોના ડાન્સરની કરીયર શું હોય.

અત્યાર સુધીમાં ડાન્સ ઇન્ડિયા ડાન્સમાંથી જેટલા પણ કલાકારો નીકળ્યા છે, તેઓ બોલિવૂડમાં અને ટીવી શોમાં લીડ ડાન્સ કરતા જોવા મળે છે. તે સિવાય જેટલા પણ એવોર્ડ કે શો થાય છે, તેમાં પાછળ પણ તે કલાકારો ડાન્સ કરતા જોવા મળે છે. તેઓ કોરીયોગ્રાફ કરતા હોય છે. તેઓ બોલિવૂડમાં જ છે. હવે બોલિવૂડમાં મોટું નામ થઇ જવું તે કિસ્મતની વાત છે.

તમારા સમયના ડાન્સ અને અત્યારના સમયના ડાન્સમાં કેટલો ફરક તમે જુઓ છો.

સમયની સાથે દરેક વસ્તુ બદલાય છે. પહેલા આપણે બાજુવાળાના ઘરે જઇને પૂછતા હતા કે કેમ છો, હવે ફોનથી મેસેજ કરીને પૂછી લઇએ છીએ કે વોટ્સ અપ. એટલો બધો બદલાવ આવ્યો છે કે આપણે સંબંધોને પણ ભૂલી ગયા છીએ. ડાન્સ પણ બદલાશે. કેવો હશે તે મને ખબર નથી. ડાન્સનો જે બેઝીક છે તે ક્યારેય બદલાશે નહીં. જેમની ડાન્સમાં એક ઓળખ બની ગઇ છે, તે ક્યારેય બદલાશે નહીં.

એક પરફેક્ટ ડાન્સરની વ્યાખ્યા તમારા મતે શું હોઇ શકે.

જે બીટથી જ ડાન્સને પડકે, જે પોતાની બોડીની લેગ્વેજને બીટની સાથે જ લઇને ચાલે, ચહેરાથી લઇને બોડી લેંગ્વેજ અને બીટ એ બેઝીક વસ્તુ છે. તેમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ થઇ શકે નહીં. બીજી વાત છે સ્ટાઇલની જે ક્યારેક પોતાની હોય છે, એક ઓળખ ઊભી કરી દે છે. જે રીતે હું મારી એક સ્ટાઇલમાં ડાન્સ કરું છું. ગ્રીસ મારા પ્રમાણએ ઉમેરું છું. પણ બેઝીક જે બાબત છે તે ત્રણ બાબતો દરેક માટે જરૂરી છે.

ડાન્સમાં ગમે તેટલા ફોર્મ્સ આવે પણ આપની, ગોવિંદાજીની, જીતેન્દ્રજીની ડાન્સ સ્ટાઇલ આઇકોન બની ગઇ છે.

તેનું કારણ એ છે કે તે પોતાનો ડાન્સ છે. જો તમે બહારથી ચોરી કરીને લાવશો તો તરત પકડાઇ જશો. તમારી પોતાની વસ્તુ તમારી જ રહે છે. તેમા પોતાનાપણું હોય છે. તે દિલથી નીકળતી હોય છે.

બોલિવૂડમાં ક્યો હિરો પરફેક્ટ ડાન્સર લાગે છે.

ડાન્સર તો બધા જ છે અને દરેક સારો ડાન્સ કરે છે પણ ઋતિક પરફેક્ટ ડાન્સર છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment