ગુજરાતી ફિલ્મ જીથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર ચિરાગ જાની સાઉથની ફિલ્મોમાં નેગેટીવ રોલમાં ખૂબ નામના મેળવી ચૂક્યા છે. સાઉથની તેલૂગૂ અને તમિલ ફિલ્મોના મોટા કલાકારો સાથે પણ અનેક ફિલ્મો કરી છે. સાઉથના લોકપ્રિય એક્ટર રજનીકાંતે પોતે તેમની એક્ટિંગના વખાણ કર્યા છે અને ભવિષ્યમાં તેમની સાથે કામ કરવાની તક મળી શકે તેવી શક્યતાઓ છે. તે ઉપરાંત મોડલિંગ અને હિન્દી સિરિયલોમાં પણ એક્ટિવ છે. મૂળ કોડિનારના ચિરાગની મુંબઇ અને પછી સાઉથની ફિલ્મોની સફર વિશે જાણીયે. સાથે જ ગુજરાતી ફિલ્મ જી વિશે પણ થયેલી તેમની સાથેની વાતચિત.

અભિનય ક્ષેત્રમાં આવવાનું શામાટે પસંદ કર્યું, શેનાથી પ્રેરિત થયા?

મારા પરિવારમાં કોઇ અભિનયમાં નથી. હું તો મારા હોમટાઉન કોડીનારમાં હતો. તેથી એક્ટિંગ કરવાનો વિચાર મારા મનમાં ક્યાંથી આવ્યો તે ચોક્કસપણે કહી શકું તેમ નથી. હું અમદાવાદમાં મારા ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ પૂરો કરવા માટે આવ્યો. ફેશન ડિઝાઇનિંગમાં મારું ખાસ મન ન લાગ્યું, તો મેં મોડલિંગ કરવાનું શરૂ કર્યું. મોડલિંગમાં ત્યારે `મિ. ગુજરાત’ માટેની કોમ્પિટિશન ચાલતી હતી. મેં ભાગ લીધો. હું `મિ. ગુજરાત’ ટાઇટલ જીત્યો. મેં ફેશન ડિઝાઇનિંગ છોડીને મોડલિંગ શરૂ કર્યું, તેમાં રેમ્પવોક, ફેશન શો વગેરેમાં ભાગ લેવા લાગ્યો. હું મુંબઇ આવ્યો. અહીં મોડલિંગ શરૂ કર્યું, મેં ટીવી સિરિયલ્સ અને એડ માટે ઓડિશન્સ આપવાનું શરૂ કર્યું..

મુંબઇ ક્યારે આવ્યા અને પહેલી સિરિયલ ક્યારે મળી?

હું મુંબઇ 2013ની સાલની આસપાસમાં શિફ્ટ થયો હતો. લગભગ 2014માં અને મને એક દિવસ સપને સુહાને લડકપન કે માટે ચાન્સ મળ્યો અને મેં ત્યાંથી મારા અભિનયની શરૂઆત કરી. તે ઉપરાંત મેં `પોરસ’ સિરિયલમાં કામ કર્યું, જે સોની ટીવી પર પ્રદર્શિત થતો હતો. એ લગભગ દોઢ વર્ષ ચાલ્યો હતો. એ પછી મેં `વિઘ્નહર્તા ગણેશ’ સિરિયલમાં પણ કામ કર્યું.

સ્ટ્રગલ ઓછી કરવી પડી?

મારા સદનસીબે ખાસ સ્ટ્રગલ ન કરવી પડી અને મને તરત બ્રેક મળી ગયો. આ સિરિયલ `સપને સુહાને લડકપન કે’ પછી મને સાઉથનું એક મૂવી મળ્યું. એના માટે એ લોકો મુંબઇમાં કાસ્ટિંગ કરતા હતા અને મેં ઓડિશન આપ્યું અને એ મૂવીમાં પણ મારી પસંદગી થઇ ગઇ. જોકે મારો રોલ નાનો જ હતો, પણ રોલ સારો હતો. એ મૂવીનું ટાઇટલ `અનજાન’ હતું અને એ મારું ફર્સ્ટ મૂવી હતું. એ તેલુગૂ ફિલ્મ કર્યા પછી તમિલ ફિલ્મ મને મળી. એ પછી મને સિરિયલ મળી અને મેં ઘણી સિરિયલમાં કામ કર્યું. જેવી કે, `સીઆઇડી’, `શપથ’, `આહટ’, `લવ બાય ચાન્સ’ વગેરે અને તેની સાથે સાથે હું સાઉથની ફિલ્મોમાં પણ કામ કરતો હતો.

તમે સાઉથમાં કામ મેળવી લીધું, કોઇ કોન્ટેક્ટ હતા?

તમિલમાં મેં જે ફિલ્મ કરી હતી `અનજાન’, તેનું શૂટિંગ મુંબઇમાં હતું અને ત્યારે મુંબઇના મારા એક મિત્ર કાસ્ટિંગ કરતો હતો. તેણે મને એક ફિલ્મ માટે ઓડિશન આપવાનું કહ્યું અને મેં ઓડિશન આપ્યું. અનજાન ફિલ્મ રીલિઝ થયા પછી મને સાઉથ ઇન્ડસ્ટ્રી તરફથી કોલ્સ આવવા લાગ્યા. તો તે પછી મેં સાઉથમાં તમિલમાં કામ કર્યું હતું. મેં એક ફિલ્મ કરી 2019માં અને એ ફિલ્મ બ્લોકબસ્ટર રહી. લગભગ 125 કરોડની કમાણી કરી અને તેમાં હું અને રજનીકાંત સર હતા. હું પહેલાં પણ રજનીકાંત સરને મળી ચૂક્યો હતો અને એમણે પહેલાં મારી ફિલ્મ પણ જોઇ હતી. એ ફિલ્મ જોઇ ત્યારે રજનીકાંત સરે યુનિટને કહ્યું કે તેઓ મને મળવા ઇચ્છે છે. એ ફિલ્મમાં તેમનું કેરેક્ટર લેજન્ડ હતું. અમે મળ્યા ત્યારે સૂર્યા અને મોહનલાલ પણ હતા. આ બધા મોટા અભિનેતાઓને કારણે મારું કેરેક્ટર ખૂબ સ્ટ્રોંગ બન્યું. એ પછી મને ઘણી ઓફર્સ મળી અને ઘણી ફિલ્મો મેં સાઇન કરી છે. એ પછી મેં એક ફિલ્મ કરી જેનું શૂટિંગ અત્યારે અમદાવાદમાં ચાલુ છે.

તમે અત્યાર સુધીમાં તમિલ-તેલુગૂ ફિલ્મો લગભગ કેટલી કરી છે?

મેં અત્યાર સુધીમાં આઠેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. અત્યારે જે ફિલ્મ કરી રહ્યો છું તે મોટા ભાગે મારી નવમી ફિલ્મ છે.  

ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યા છો તો એ વિશે કહેશો?

હું `જી’ ફિલ્મ જે કરી રહ્યો છું તેમાં હું એક એસ.પી. બન્યો છું. એક સ્ટ્રોંગ પોલીસ ઓફિસર જે આખા ગુજરાતને રીપ્રેઝન્ટ કરી રહ્યા છે. તેનું એક ઉદાહરણ આપું તો અમદાવાદમાં હમણાં જ જે પત્થરબાજી થઇ, તેમાં ઘણા પોલીસવાળા ઇજા પામ્યા હતા. આવા અનેક અનસીન હીરો છે આપણા ગુજરાતમાં, જેમની વાત હજી સુધી બહાર નથી આવી. ગુજરાત પોલીસ પર આવી કોઇ ફિલ્મ નથી બની. જ્યારે મને આની ઓફર આવી ત્યારે મને લાગ્યું કે એસ.પી. સમ્રાટ એવા પોલીસ ઓફિસર છે, જેમણે આખા ગુજરાતને રીપ્રેઝન્ટ કર્યું. તેમનામાં પણ અનેક બાબતો છે. તેની પત્ની માટે, પિતા માટે, દેશ માટે તેમની લાગણી છે, જે અલગ અલગ લાગણી છે તે દર્શાવી છે. આ પાત્ર ખરેખર ખૂબ સારું છે. તેના ડાયલોગ્સ પણ એટલા જ સારા છે.

એક્શન મૂવી છે, આમાં પોલીસ ઓફિસરની વાત છે, તો એના માટે તમારે કોઇ ખાસ તૈયારીઓ કરવી પડી હતી?

મેં કહ્યું એમ મેં આમાં પોલીસ ઓફિસરની ભૂમિકા અદા કરી છે. મેં આના માટે મિક્સ માર્શલ આર્ટની તાલીમ લીધી. એક્શન માટે મારે અન્ય કોઇ ખાસ તૈયારી કરવાની જરૂર નથી પડી. અલબત્ત, જ્યારે આસિસ્ટન્ટ કમિશ્નર પોલીસની વાત આવી તો મેં એકાદ-બે આવા પોલીસની મુલાકાત લીધી. તે એમની બોડી લેંગ્વેજ સમજવા માટે કે ઓન ડ્યૂટી-ઓફ ડ્યૂટી તેઓ કઇ રીતે વાત કરે છે, બેસે છે, હરે-ફરે છે. એક અભિનેતા તરીકે એ જરૂરી છે. વળી, કોઇ એક પાત્રને તમે રજૂ કરી રહ્યા હો ત્યારે કોમ્પ્રોમાઇઝ ન કરી શકો.

બોલિવૂડ કે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં કયા કલાકારથી પ્રેરિત છો ?

બોલિવૂડમાં તો અમિતાભ બચ્ચન છે, જેમને હું ફોલો કરું છું. એમણે એમની જવાનીમાં જે રોલ કર્યાં છે એનાથી હું ખૂબ પ્રેરિત છું. અત્યારે જે ગુજરાતી જી ફિલ્મ કરી રહ્યો છું. ત્યારે મને એવી ઘણી કોમેન્ટ્સ મળી રહી છે. આવી સરખામણી તો ન કરી શકાય. પણ લોકો કરી રહ્યા છે. જ્યારે સાઉથમાં હું રજનીકાંત સરને ફોલો કરી રહ્યો છું. આ બંને લેજન્ડ કલાકારોથી હું ઇન્સપાયર થાઉં છું.

ફિલ્મ `જી’નો અનુભવ કેવો રહ્યો?

`જી’નો અનુભવ ખરેખર સારો રહ્યો. કેમ કે મેં સાંભળ્યું હતું કે સારી ફિલ્મો બનતી નથી. કામ સારું થતું નથી. મારા મનમાં આવું જ હતું. જ્યારે પ્રોડ્યુસરે મને ઓફર કરી ત્યારે મેં પહેલો પ્રશ્ન એ જ પૂછ્યો કે ફિલ્મનો વિષય શું છે. ઘણી વાર એવું બને કે શરૂઆતમાં ખૂબ સારું લાગે અને પછી અડધી ફિલ્મે જ રસ ન રહે. જ્યારે મેં સાંભળ્યું કે આ ટાઇપનો વિષય છે અને ટેક્નિકલી પણ તેઓ ખૂબ સજ્જ છે, હું સેટ પર ગયો ત્યારે મને બિલકુલ એવું ન લાગ્યું કે હું કોઇ ગુજરાતી ફિલ્મના સેટ પર છું. મેં જોયું કે તેઓ દરેક રીતે તૈયાર છે. મને લાગ્યું કે તેઓ વેલ ઓર્ગેનાઇઝ્ડ છે. આ ફિલ્મ સાથે મારી ઘણી આશા છે. ઘણા વખતે એક સારી ગુજરાતી ફિલ્મ આવી છે. જોકે હવે તો ગુજરાતીમાં ઘણી સારી ફિલ્મો આવી રહી છે. જેમ કે. `હેલ્લારો’ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો.

Loading

Spread the love

Leave a Comment