ભારતીય સ્ત્રીના શરીર પર પોશાક તરીકે સાડી જે રીતે શોભી ઊઠે છે, તેવો અન્ય કોઇ જ પોશાક શોભતો નથી. નાનપણથી જ બાળાઓ મમ્મીનો દુપટ્ટો લઇને સાડીની જેમ પહેરવાનો કાલોઘેલો પ્રયત્ન કરીને ફરતી જોવા મળે છે. મોટા થયા પછી દરેક યુવતીને સાડી પહેરવા તરફ અનોખુ આકર્ષણ હોય છે. જેના કારણે આજેપણ કોલેજમાં ટ્રેડીશનલ ડે વખતે દરેક યુવતીઓ સાડીમાં જોવા મળે છે. તો કોર્પોરેટ ઓફિસોમાં પણ તહેવારના દિવસે લેડીઝ સ્ટાફ સાડીમાં જોવા મળે છે. તહેવાર અને પ્રસંગના સમયે દરેક યુવતી અને મહિલાની પહેલી પસંદ સાડી હોય છે. જોકે હવે તો સાડીની ડિઝાઇનમાં અને તેને પહેરવાની સ્ટાઇલમાં પણ ઘણી આધુનિકતા જોવા મળે છે.

ઇતિહાસ

1968માં બાંગ્લાદેશથી આવેલા કુટુંબોને મદદ કરવાના હેતુસર સુશીલા તીકમનીએ તેમની સ્ત્રીઓને ભરતકામ શીખવ્યું. આપમેળે ડિઝાઈનર બનેલા સુશીલાજીની સાડીઓ સગા-સબંધીઓને ખુબ જ પસંદ આવતા તેમને સાડીઓના ઓર્ડર મળવા લાગ્યા. આમ, સેવાના હેતુથી શરૂ થયેલા કામકાજે ધીરે-ધીરે વ્યવસાયનું સ્વરૂપ લઈ લીધું. આજે કોલકત્તા સ્થિત તેમના મુખ્ય ઉદ્યોગ વિકસીને વટવૃક્ષ બની ગયો છે અને હજારો કારીગરોનો જીવનનિર્વાહ પણ અહીંથી જ ચાલે છે. આધુનિક કાપડ, નવીનતમ ડિઝાઇન, આકર્ષક બનાવટ અને પરંપરાગત ભરત, પ્રિન્ટ અને ભાતભાતના સુભગ સંગમ એટલે પિતાંબરીની સાડીઓ, ઘાઘરા અને સલવાર-કમીઝ, પરંપરાગત પ્રિન્ટિંગ પદ્ધતિ અને કારીગરીનું ઉત્કૃષ્ટ કામ દર્શાવતી આ સાડીઓ આપણી સમક્ષ આપણો સમૃદ્ધ વારસો ઉભો કરેલ છે.

પ્રાચીન પરંપરાગત ડિઝાઇન તથા કલાકૃતિને આધુનિક જરૂરિયાત અનુસાર ફેરબદલ કરીને એક નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કાપડના વણાટ, રંગપૂરણી તથા તેની બનાવટમાં ઘણા પ્રયોગો કરવામાં આવે છે. સલવાર, સાડી કે ઘાઘરા, ક્રેપ અને જ્યોર્જટના કાપડના ખૂબ જ સુંદર દેખાય છે. ક્રેપ અને જ્યોર્જેટમાં ડિઝાઇન તથા વિવિધ વણાટકામની બદલી કરીને એક નવી રેંજ બહાર પાડવામાં આવે છે. આ રેન્જના રંગો પણ મનમોહક હોય છે. આ સાડીની સાથે બ્લાઉઝ પીસ પણ આવે છે, જેથી સાડી-બ્લાઉઝનો રંગ જુદો ન થઈ જાય.

પ્રદેશ પ્રમાણે સાડીના પ્રકાર

જરદોશી, આરી, બાદલા, બીડ વર્ગ, ગોટા, કટવર્ક, કાથા તથા કુંદન જડેલી વિવિધ શિફોન, જ્યોર્જેટ અને ક્રેપની સાડીઓ એકમેકથી ચડીયાતી બનતી જાય છે. આ પ્રકારની સાડીમાં ભારતના વિવિધ પ્રાંતોની પ્રખ્યાત હસ્તકળાને સમાવવામાં આવી છે. ભાગલપુર, મલાઇસિલ્ક, દુપિયન, બનારસ, જમદાની તથા ઓરીસ્સા અને આંધ્રપ્રદેશનું પરંપરાગત સિલ્ક બાંધણી, લહેરીયા અને શિબોરીની પણ હાલમાં ફેશન છે. ઓર્ગન્ઝા, બંગાળી સુતરાઉ તથા કોટાની વિવિધરંગી ડિઝાઇનર સાડી અને તેમાં ભરતકામની ઉત્કૃષ્ટ કારીગરી મનમોહી લે છે.

સમય પ્રમાણે બદલાતી ફેશન

સાડીઓની  દુનિયામાં રોજ અવનવી ડિઝાઇન્સ અને નીતનવા મટીરીયલ તથા આકર્ષક રંગો રોજેરોજ જોવા મળે છે. આજની ડિઝાઇન આવતીકાલે જૂની થઇ જાય છે અને ફેશન ટ્રેન્ડ સાથે કદમ મીલાવીને રોજેરોજ કઇક નવું ગ્રાહકોને મળે છે. ઘાઘરા-ચોળીમાં જરદોશી વર્કની સાથે આજકાલ વિવિધ રંગીન રત્નો, હીરા તથા કુંદન જડવાની ફેશન ચાલી રહી છે. ક્રશ્ડ ક્રોસ, જ્યોર્જેટ, નેટ, ટીશ્યુ વગેરે જેવા ભારે મટીરીયલમાં ઘાઘરાનું એક અવનવું કલેક્શન છે. કેટલાક ઘાઘરામાં તો ભારે બ્રોકેડ અને જરદોશીનું કામ હોય છે. જેમને કપડાંની ચોક્કસ પ્રકારની જ પસંદગી હોય તેમના માટે નેટની સાથે લાયક્રા પણ મળે છે. અહીં મળતી સાડીના રંગો મહિલાને વધારે આકર્ષક બતાવવાના બદલે તેના વ્યક્તિત્વને નીખારે છે.

 

નવવધુની પણ પહેલી પસંદ સાડી

નવવધુનું સૌંદર્ય તો સાડીમાં ખીલી ઊઠે છે. તેથી જ મોટાભાગની યુવતીઓ લગ્નના દિવસે સાડી પહેરવાનું પસંદ કરે છે. સાથે જ લગ્ન પ્રસંગે અન્ય મહિલાઓ પણ સાડી પહેરવાનું જ વધારે પસંદ કરતી હોય છે. મોટાભાગે નવવધુના શરીર સૌષ્ઠવ અને પસંદ પ્રમાણે બનારસી, કાંજીવરમ રે પૈઠણી સાડીમાંથી કોઇ એક પસંદ કરીને ચોરીના ફેરા ફરતી વખતે પહેરે છે. નવવધુની સાડીમાં એમ્બ્રોડરી અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. તે સિવાય કુંદન વર્ક અને જરદોસી વર્ક પણ ક્યારેય જોવા મળે છે. જોકે હવે એમ્બ્રોડરી સાથે મોતી, સ્વરોવસ્કી, ક્રિસ્ટલ, રંગીન રત્નો તથા સોના ચાંદીના તારનો ઉપયોગ કરીને સુંદર સાડી તૈયાર કરવામાં આવે છે. એક સમયે લાલ, કેસરી, રાણી, મરુન કે લીલા રંગની સાડીઓ પસંદ કરવામાં આવતી હતી. હવેના સમય પ્રમાણએ પીચ, સી ગ્રીન, સ્કાય, ડલ ગોલ્ડ અને સિલ્વર જેવા રંગો પર પસંદગી ઊતારવામાં આવે છે.

Loading

Spread the love

Leave a Comment