પ્રેમ એક અદભૂત અનુભૂતિ છે. જ્યારે કોઈ વ્યક્તિ આવી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેના હૃદયની હાલત ખૂબ જ કોમળ હોય છે. પણ આવા સમયે મનથી વધારે બુદ્ધિથી કામ લેવું જોઈએ. આ સંસારમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે પ્રેમની અનુભૂતિ ન કરી હોય. લગભગ દરેક માણસને કોઈનો પ્રેમ પામવાની ઈચ્છા જરૂર હોય છે. એટલે જ્યારે જીવનમાં કોઈનો પ્રેમ મળે છે ત્યારે તે પોતાના જીવનને સાર્થક ગણે છે. જ્યારે કોઈ જોડે પ્રેમ થઈ જાય તો તેને પ્રગટ કર્યા વગર નથી રહેવાતું.

પ્રેમ પ્રગટ કરવા માટેની રીતો ઘણી છે. જેમ કે, ફૂલ મોકલવા, પત્ર અથવા ગ્રીટિંગ્સ મોકલવા, ડિનર પર લઈ જવા આમંત્રણ આપવું, ચોકલેટ આપવી વગેરે. પરંતુ સાચો પ્રેમી પોતાના હૃદયની વાત સીધી પ્રેમિકાને કહીને પણ પ્રેમનો એકરાર કરી શકે છે. પ્રેમ એક કોમળ અનુભૂતિ છે. પ્રેમ કરવાવાળાને પ્રેમ ખૂબ જ અસ્વસ્થ કરી મૂકે છે. પ્રેમ એક મર્યાદામાં જ કરવો જરૂરી છે. પરંતુ આજકાલના બદલાયેલાં વાતાવરણને કારણે પ્રેમનો અર્થ જ બદલાઈ ગયો છે. આજકાલ માત્ર દેખાડવા માટે પ્રેમ કરાતો હોય છે. ઘણા ચાલાક લોકો પ્રેમને માત્ર આનંદ અને ટાઈમપાસ કરવાનું સાધન માને છે. આવા લોકો પોતે બીજા કરતાં શ્રેષ્ઠ છે તેવું સાબિત કરવા તથા મિત્રો ઉપર પ્રભાવ પાડવા કોઈની કોમળ ભાવના સાથે રમત રમે છે અને પછી તેમના મુશ્કેલીભર્યા સમયમાં તેમને એકલાં મઝધારમાં છોડી દે છે. આવા માણસોનો સ્વભાવ જ આવો હોય છે.

ઘણીવાર આપણે સામેવાળાના હૃદયની વાત સમજી જ નથી શકતા અને મૂંઝાયેલા રહીએ છીએ કે તે આપણને પ્રેમ કરે છે કે નહીં? અને કરે છે તો કેટલો? આજના યુગમાં સાચો પ્રેમ ખૂબ જ ઓછાને મળતો હોય છે. આપણા મનમાં ઘણીવાર સવાલ ઉદ્ભવે છે કે શું આપણે આપણા સાથી ઉપર વિશ્વાસ મૂકી શકીએ? શું આપણે આંધળો વિશ્વાસ મૂકીશું તો ભવિષ્યમાં પસ્તાવું તો નહીં પડે ને?

સાચા પ્રેમને ઓળખી ન શકવાથી યુવતીઓ ક્યારેક સંબંધની લક્ષ્મણરેખા પણ પાર કરી લે છે. તેઓ માનતી હોય છે કે તેઓ બંને એકબીજાને સાચો પ્રેમ કરે છે અને ક્યારેય એકબીજાનો વિશ્વાસઘાત નહીં કરે. પણ જ્યારે સાચી હકીકત સામે આવે છે ત્યારે ઘણુ મોડું થઇ ગયું હોય છે. કેટલીક યુવતીઓ તો આત્મહત્યા પણ કરી લે છે. પ્રેમમાં માણસ પોતાની ભાવના ઉપર કાબૂ રાખી નથી શકતો. આપણે લગભગ રોજ એવી ઘટના સાંભળીએ છીએ, જેમાં કાં તો યુવતી આત્મહત્યા કરવા વિવશ થઈ જાય છે અથવા પોતાના પ્રેમી દ્વારા બ્લેકમેલ કરાવાથી તેની બધી અઘટિત વાતો માનવા માટે લાચાર થઈ જાય છે.

આવું યુવકો સાથે પણ બનતું હોય છે. યુવતીઓ ક્યા હેતુસર તેની સાથે પ્રેમ સંબંધથી જોડાયેલી છે, તે સ્પષ્ટ રીતે સમજી શકાતું નથી. પૈસા અને મોજશોખ કરવા પાછળ ઘેલી બનેલી આજની યુવતીઓ પોતાના જીવનનો થોડો સમય સારી રીતે પસાર કરવા માટે યુવકોને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે. તેની સાથે હરેફરે છે, તેના સમય અને પૈસાનો ઉપયોગ કરી અંતે તેનાથી સારું કોઇ પાત્ર મળી જતા યુવકને કોઇપણ કારણ દર્શાવી તેનાથી છૂટી થઇ જાય છે. પ્રેમમાં અતિશય લાગણીશીલ બનેલા યુવક માટે પણ આઘાત જીરવવો અઘરો બની જતો હોવાથી ક્યાંતો તે ખોટી આદતોના રવાડે ચડે છે અથવા તો બદલો લેવાનું વિચારતો રહે છે.

યુવતીઓ યુવકોની સરખામણીમાં વધારે ભાવુક હોય છે. તેમનું હૃદય નાની અમથી વાતમાં પણ ભાંગી જાય છે. બધા પ્રેમીઓ વેલેન્ટાઈન ડે ને પ્રેમ પ્રકટ કરવાનો દિવસ ગણે છે. આ દિવસે તમે પણ તમારા પ્રિયપાત્રને ભેટ આપી તમારા પ્રેમનો એકરાર કરી લીધો હશે. પ્રેમની ઊંડાઈને માપી શકાતી નથી અને પ્રેમનું શબ્દોમાં વર્ણન થઈ નથી શકતું. પણ આ મૃદુ સંબંધ બાંધતી વખતે અને સાચી વ્યક્તિની પસંદગી કરતી વખતે તમારે તમારા સાથીને બુદ્ધિની એરણ પણ ચકાસવી જોઈએ.

આવી પરીસ્થિતીમાં બંને પક્ષોને માનસિક આધાત પહોંચતો હોય છે. પ્રેમમાં પાગલ બની જવા કરતા થોડી સમજદારી દાખવવી ખૂબ જરૂરી છે. કોઇ વ્યક્તિના મનની વાતોને આપણે જાણી શકતા નથી પણ તમને તમારો સાથી કેટલો પ્રેમ કરે છે એ નીચેની બાબતો પરથી પણ જાણી શકાય.

  • પ્રેમમાં સહુથી વધારે અગત્યની વસ્તુ વિશ્વાસ છે. જો તમારા પ્રેમીનો પ્રેમ સાચો હશે તો તે તમારી ઉપર હંમેશાં વિશ્વાસ કરશે.
  • તે તમને ક્યારેય અનુચિત કામ કરવાનું નહીં કહે.
  • તે તમારા બાહ્ય દેખાવ કે સુંદરતાની જગ્યાએ તમારા સારા સંસ્કાર અને અંદરની સુંદરતાને વધારે પસંદ કરશે. તમે જ્યારે તેની સાથે હો ત્યારે બીજી કોઈ યુવતીનાં વખાણ નહીં કરે અને તેની બીજી સ્ત્રીમિત્રોના ગુણોનું તમારી સામે વર્ણન નહીં કરે.
  • તે તમારા બધા નિર્ણયોને મહત્વ આપશે અને તમારા કામ પ્રત્યે પણ ધ્યાન આપશે.
  • વખતો વખત તમને સરપ્રાઈઝ ગિફ્ટ આપીને, ફોન કરીને કે ડેટિંગ દ્વારા તમારી નજીક આવવાનો પ્રયત્ન કરશે.
  • તમને તે વારંવાર અનુભવ કરાવશે, કે તમે જ તેની જિંદગી છો.
  • જો તમે તમારી કોઈ સ્ત્રીમિત્રનાં વખાણ તેની પાસે કરશો તો તે વાતનો વિષય બદલી નાખશે.
  • તે તમારાં માતાપિતા, ભાઈબહેન સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરશે અને સાથે સાથે તમારા મિત્રોને પણ પસંદ કરશે.
  • તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો સરળતાથી તેને નજરઅંદાજ કરશે અને તમારા પ્રત્યે તેના વર્તનમાં કોઈ ફરક નહીં પાડે.
  • તે હંમેશાં તમારો શુભચિંતક હશે. તમારી ઉન્નતિને તે પોતાની ઉન્નતિ માનશે અને રાજી થશે.
  • તે તમારી દરેક ઈચ્છાને માન આપશે. તમારા પ્રત્યે ભાવુક રહેશે.
  • જો કોઈ તમારા વિશે ઘસાતું બોલશે તો તે સહન નહીં કરે.
  • મુશ્કેલી અને તકલીફના કપરા સમયે તમારો સાથ આપશે અને તમને હિંમત આપશે.
  • જો કોઈપણ કારણવશ તમારા બંનેના લગ્ન ન થઈ શકે, તો પણ એ માટે તમને જવાબદાર નહીં માને ને તમારી મિત્રતા ટકાવી રાખશે.
  • તે પોતાના વિશે કોઈ ખોટી વાત નહીં કરે અને સાચી વાત જ જણાવશે.

 

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment