ગ્લેમરની રોશની દરેકને પોતાના તરફ આકર્ષે છે પણ તેની પાછળ રહેલા સંધર્ષની કોઇને ખબર હોતી નથી. ફિલ્મ આશિકી 2 કર્યા પછી શ્રદ્ધા એક વિલન, હૈદર, એબીસીડી 2, અગ્લી, બાગી, રોક ઓન 2 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેને હવેના સમયની અગ્રણી અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે. શિવંગી અને શક્તિ કપૂરની દિકરી શ્રદ્ધાની પહેલી બે ફિલ્મો તીન પત્તી અને લવ કા ધ એન્ડ સફળ રહી નહોતી. આશિકી 2 તેની રોમેન્ટીક ફિલ્મ હતી. આ ફિલ્મ પછી લાખો દિલોની ધડકન બની ચૂકેલી શ્રદ્ધા તેના જીવનમાં પ્રેમને ખૂબ જ મહત્વ આપે છે. તે પોતાને ખૂબ જ રોમેન્ટિક યુવતી માને છે. પ્રેમ પ્રત્યેના તેના વિચારો વિશે તે હંમેશા કહે છે કે પ્રેમ હંમેશા ભવ્ય હોવો જોઇએ. શ્રદ્ધાએ સફળતાની સાથે અસફળતાના દિવસો પણ જોયા છે. હવે તે સફળતાના સ્વાદનો આનંદ લઇ રહી છે. તેનું કહેવું છે કે તે જમીન સાથે જોડાયેલી રહી છે અને રહેશે.

 

— તારી ગણતરી સફળ અભિનેત્રીઓની યાદીમાં થવા લાગી છે, કેવું લાગે છે.

મને ડર લાગે છે, આવનારા સમયમાં જો મને કામ નહીં મળે તો શું થશે. કામ વિના ફરવાનું કેવું લાગશે. મારી સાથે પહેલા આવું બની ચૂક્યું છે. તીન પત્તી અને લવ કા ધી એન્ડ ફિલ્મોની અસફળતાની ફિલિંગ મે અનુભવેલી છે. હું તે સમય દરમિયાન સંપૂર્ણ રીતે ભાંગી પડી હતી અને મારા રૂમમાં ભરાઇને રહેતી હતી. આ સમય દરેક આર્ટીસ્ટ માટે ખૂબ મુશ્કેલ હોય છે. આશિકી 2 મારી ત્રીજી ફિલ્મ હતી.

— મુશ્કેલીના સમયમાંથી બહાર કેવી રીતે નીકળી શકી.

મારી મમ્મીએ મારા રૂમમાં આવીને મને કહ્યું કે બહાર નીકળવાનું શરૂ કર. જીમ અને ડાન્સ રેગ્યુલર જવાનું રાખ. બીજું બધુ ઉપરવાળાને સોંપી દે. તેની વાતોએ એવો જાદુ કર્યો કે હું જૂની વાતોને ભૂલીને આગળ વધવાનો પ્રયત્ન કરવા લાગી. મારા મનમાં જે ડર હતો તે દૂર થઇ ગયો અને હું ખુશ રહેવા લાગી. મારા પિતાએ પણ મારો આ સમયે ખૂબ સાથ આપ્યો. મારી હિંમતને વધારવાનો પ્રયત્ન કર્યો. એક દોસ્ત, ગાઇડ અને સિનિયરની જેમ મને સમજાવી. કડક ડિસીપ્લીનવાળું જીવન જીવવાનું જણાવ્યું. પછી મેં જીવનને નવી રીતે જીવવાની શરૂઆત કરી.

એક સેલિબ્રીટી માટે ફ્રી બેસી રહેવું તેની માનસિકતા પર ખૂબ અસર કરે છે. કામ વિના બેસી રહેવું તમને તોડી નાખે છે. તેવામાં જીયા ખાન સાથે જે થયું તેવી ઘટનાઓ પણ બની શકે છે. તેવા સમયે જો તમારું પોતાનું કોઇ તમારી સાથે હોય તો અલગ વાત છે. જો એકલા હો તો પણ તમારા મિત્રો સાથેનો સંપર્ક છોડવો જોઇએ નહીં. આશા છોડવી નહીં કારણકે જીવથી મોટી કોઇપણ વસ્તુ હોતી નથી. એક વાત ક્યારેય ભૂલવી નહી કે પાનખર આવે પછી વસંત આવે જ છે.

— શક્તિજી તારી કઇ બાબતો પર રોકટોક કરે છે.

આમ તો તે મારી સાથે ફ્રેન્ડલી વધારે રહે છે પણ ખાવા-પીવાની બાબતમાં તે જરાપણ ચલાવી લેતા નથી. હું વધારે ખોરાક લેવા લાગું તો તરત જ તેના પર રોક લગાવી દે છે.

— શક્તિ કપૂરની દિકરી હોવાનો શું ફાયદો છે.

આજે હું જ્યાં છું ત્યાં પોતાની રીતે જ પહોંચી છું. મેં તેમના નામનો ખોટો ઉપયોગ ક્યારેય કર્યો નથી. હા, તેમણે તે તમામ સુવિધાઓ મને જણાવી અને પૂરી પાડી છે, જે એક સ્ટ્રગલિંગ અભિનેત્રીને જોઇએ છે. નાનપણથી મને ફિલ્મી વાતાવરણ મળ્યું. હું પોતે પણ ખૂબ ઉત્સાહી રહી છું. દરેક વસ્તુને બારીકાઇથી પરખવી અને તેના વિશે કોઇ મત બાંધવો મારી ટેવ રહી છે. સેટ પર જવું અને ત્યાં સમય પસાર કરવો મને ખૂબ ગમતું હતું.

— અભિનેત્રી બનવાની ઇચ્છા વિશે ક્યારે વિચાર આવ્યો.

હું નાનપણથી જ એક્ટટ્રેસ બનવા માગતી હતી. 10માં ધોરણ પછી એક સમય એવો પણ આવ્યો કે મને લાગવા લાગ્યું કે લોકો એમ ન કહેવા લાગે કે આતો એક્ટરની દિકરી છે એટલે એક્ટ્રેસ બનવું મારા માટે સરળ બની જશે. હું થોડો સમય તો મૂઝવણમાં રહી પણ પછી તો એક્ટ્રેસ બનવા તરફ જ મારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરી લીધું. મને નાનપણથી જ લોકોને એક્ટીંગ કરતા જોવાનું ગમતું હતું. જે બાકી હતું તે ઘરના વાતાવરણ અને પપ્પા પાસેથી શીખવા મળી ગયું. તેઓ નાનપણથી જ મને શીખવાડતા હતા કે એક્ટીંગનું દુનિયા શું છે. તેઓ પોતે પણ એફટીઆઇઆઇથી પાસઆઉટ થયેલા છે. તેથી તેમને ફિલ્મના નિર્માણથી લઇને અદાકારી સુધીની દરેક બાબત વિશેની જાણકારી છે.

— રીલ લાઇફના પ્રેમ વિશે તો લોકો જોતા જ રહેશે. રીયલ લાઇફના પ્રેમ વિશે કઇક જણાવ.

હું પણ એ સમયની ખૂબ આતુરતાથી રાહ જોઇ રહી છું જ્યારે કોઇ મારું દિલ ચોરી લેશે. હાલમાં તો હું સિંગલ છું અને સમય આવે ત્યારે પ્રેમ પણ થશે અને તે વખતે હું દિલ ખોલીને તેની ઘોષણા કરવામાં પણ પાછળ નહીં રહું.

— આદિત્ય સાથેની રજાગાળવાની વાતો વિશે શું કહીશ.

બધુ જ બકવાસ છે. તે હસમુખ વ્યક્તિ છે. અમે એકસરખી ઉંમરના છીએ. તે લોકો સાથે હળીમળીને વાતો કરે છે. ઘણા પ્રતિભાશાળી છે. તેમનો સ્વભાવ મારા જેવો જ છે. તે સારા એક્ટર અને સારા મિત્ર છે.

— આદિત્ય સાથે ફરીથી દેખાવા જઇ રહી છો. શું આ ફિલ્મની સ્ટોરી સાથે રીલેટ કરો છો.

ઓકે જાનુના ડિરેક્ટર સાદ અલીએ ફરીથી એકવાર હીટ જોડીને પરદા પર લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમને ખબર છે કે આ ફિલ્મના પાત્ર માટે અમે યોગ્ય છીએ. સમયની સાથે ઘણીબધી બાબતો બદલાતી હોય છે. આજકાલ લોકો કોઇપણ પ્રકારનું કમીટમેન્ટ કરતા ડરે છે. હું પણ કઇક એવો જ અનુભવ કરી રહી છું કે હું પણ આવું કરવામાં સક્ષમ છું. આ એક દુવિધા છે. આપણા માતા પિતાને કોની સાથે પોતાનું જીવ વિતાવવું તે નિર્ણય લેવામાં વધારે સમય લાગ્યો નહોતો. હવેની જનરેશન કોઇપણ સંબંધમાં આગળ વધતા પહેલા વિચાર કરે છે. હવે અમે સૌથી પહેલા પોતાનો વિચાર કરીયે છીએ.

— આજે પણ પેરન્ટ્સ લિવ ઇન રિલેશનશીપનો વિરોધ કરે છે.

મારી જ એક દોસ્તની મમ્મીએ તેને લગ્ન પહેલા લિવ ઇન રીલેશનશીપમાં રહેવાની સલાહ આપી હતી.  કેટલાક માતા પિતા સ્વતંત્ર વિચારો ધરાવતા હોય છે.

— જો લાઇફમાં એવી વ્યક્તિ મળી તો શું ફિલ્મની જેમ તેની સાથે જીવન વિતાવવાનું પસંદ કરીશ.

હું જ્યારે એવી કોઇ વ્યક્તિને મળીશ કે જેને હું પ્રેમ કરતી હોઇશ, તેની સાથે સમય પસાર કરવા માગતી હોઇશ. તો મને તેની સાથે લિવ ઇનમાં રહેવામાં કોઇ જ વાંધો નથી.

— તારા માતા-પિતા તેના માટે તેયાર ન થયા તો.

મારા મમ્મી પપ્પા મારા માટે ખૂબ જ પ્રોટેક્ટીવ છે અને આજેપણ હું તેમના માટે એક નાની બાળકી જેવી જ છું. મારી દરેક ખૂશી તેમના માટે ખૂબ મહત્વની છે.

— તારા વિશે એવું સાંભળ્યું છે કે તું દરેક નવી વસ્તુ શીખવાનો ઉત્સાહ રાખે છે પણ અધૂરું જ રાખે છે. આવું કેમ.

મેં નાનપણમાં ઘણીબધી વસ્તુઓ એકસાથે શીખવાની શરૂઆત કરી દીધી હતી. દસ વર્ષ સુધી પિયાનો શીખી, સંગીત પણ શીખી, પણ તેને આગળ કન્ટીન્યુ કરી શકી નહીં. જૂહુંમાં પ્રાયમરી સ્કુલમાં ભણી અને પછી બોસ્ટન જતી રહી. હું માનું છું કે દરેક કલાકારે ઘણીબધી વસ્તુઓ શીખવી જોઇએ. ત્યારે જ તે સંપૂર્ણ કલાકાર બની શકે છે.

— ઇન્ડસ્ટ્રીમાં ઘણા પ્રતિસ્પર્ધી છે, તું કોનાથી અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે.

મારા મત પ્રમાણે મારી સ્પર્ધા મારા પોતાની સાથે છે. હું ટાઇપકાસ્ટ બનવા માગતી નથી. મારી શરતો પ્રમાણએ કામ કરવા ઇચ્છું છું. મારા માટે સ્ટારડમ કે સક્સેસ જ આખી જીંદગી નથી. હું સારું કામ કરવા ઇચ્છું છું. મને જે દિવસે લાગશે કે આ સ્પર્ધામાં હું મારો સમય બગાડી રહી છું તો ત્યારપછી પોતાને કોઇ અન્ય દિશામાં વાળી લઇશ.

— આવનારી ફિલ્મો કઇ છે.

હાફ ગર્લફ્રેન્ડ છે અને હસીના – ધ ક્વીન ઓફ મુંબઇ કરી રહી છું. તે સિવાય કેટલીક સ્ક્રિપ્ટ વાંચી છે. હજી સુધી ફાઇનલ કરી નથી.

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment