દરેક ક્ષેત્રમાં પ્રથમ પ્રયત્ન નિષ્ફળ જાય તો નિરાશા જીવનમાં ઘેરી વળે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કેટલાક કલાકારો સાથે આવી જ ઘટના બની હતી. બોલિવૂડમાં એન્ટ્રી કરતાની સાથે પહેલી ફિલ્મ ફ્લોપ રહી હોય તેવામાં કઇ રીતે ટકી રહેશું તે પ્રશ્ન પહેલા મૂંઝવતો હોય છે. કોઇ ન્યૂકમરની ડેબ્યૂ ફિલ્મ રીલીઝ થાય છે, ત્યારે તેના ઉત્સાહ બેવડો હોય છે. જ્યારે પહેલી જ ફિલ્મ ફ્લોપ થઇ જાય ત્યારે તે કલાકાર ખૂબ નિરાશ થઇ જાય છે. આવા જ કેટલાક બોલિવૂડના કલાકારો જે નિષ્ફળતા પછી સફળ રહ્યા છે, છતાંય તેમને પોતાની પહેલી એટલે કે ડેબ્યૂ ફિલ્મ ફ્લોપ રહ્યાનું દુખ આજેપણ છે. તેમની પાસેથી જ તેમનું તે સમયનું દુખ કેવું રહ્યું હતું તે જાણીયે.

  1. કેટરીના કૈફ

મને બોલિવૂડ ફિલ્મોનો પહેલેથી જ ક્રેઝ રહ્યો છે. હું હંમેશાથી જ બોલિવૂડની ફિલ્મોમાં કામ કરવા ઇચ્છતી હતી. હું જ્યારે મોડલિંગ કરી રહી હતી, તે સમયે ફિલ્મમેકર કૈઝાદે મને જોઇ હતી. તેમના કારણે જ જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફે મને તેમની ફિલ્મ ‘બૂમ’ માટે સિલેક્ટ કરી હતી. બોલિવૂડમાં મને પહેલી ફિલ્મ મળી હતી, તેને લઇને હું ખૂબ ખુશ થઇ ગઇ હતી. ફિલ્મ ‘બૂમ’માં મારો રોલ વધારે નહોતો તેમ છતાંય બોલિવૂડમાં મારી એન્ટ્રી થઇ રહી હતી, તે વિચારીને જ હું ખૂબ ખુશ હતી. અફસોસ કે મારી એ ફિલ્મ ફ્લોપ થઇ અને હું ખૂબ નિરાશ થઇ ગઇ હતી. તે સમયે મને એવું લાગ્યું હતું કે જાણે મારું સપનું તૂટી ગયું હતું. તે પછી હું પાછી લંડન જતી રહી હતી પણ મેં મારું મોડલિંગનું કામ ચાલું રાખ્યું હતું. તે દરમિયાન મેં એક સાઉથ ઇન્ડિયન ફિલ્મ કરી. અચાનક મને ફિલ્મ ‘મૈને પ્યાર ક્યો કિયા’ મળી. તે ફિલ્મ સારી ચાલી. તે પછી ‘નમસ્તે લંડન’માં કામ કરીને મને ખૂબ લોકપ્રિયતા મળી. હું માનું છું કે મારી પહેલી ફિલ્મ નિષ્ફળ હોવાના કારણે હું નિરાશ થઇ હતી પણ મેં મહેનત કરી અને પોતાના પર વિશ્વાસ રાખ્યો. જેના કારણે આજે સફળ બની છું.

  1. અક્ષય કુમાર

મેં ફિલ્મોમાં તક મેળવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા છે. ફિલ્મમેકર્સની ઓફિસોના આંટાફેરા ખૂબ કર્યા છે. પ્રોડ્યુસર અને ડિરેક્ટર્સની કલાકો સુધી રાહ જોતો હતો. ઘણા ફિલ્મમેકર્સ હતા જમણે મારું અપમાન કર્યું હતું પણ કેટલાક સારા પણ હતા જેમણે મારા કાર્યને પ્રોત્સાહન આપ્યું હતું. પ્રમોદ ચક્રવર્તીએ મને તેમની ફિલ્મમાં પહેલી તક આપી હતી, જેને હું મારા જીવનમાં ક્યારેય ભૂલી શકીશ નહીં. તેમની ફિલ્મ ‘સોગંધ’ દ્વારા મેં પહેલીવાર કેમેરા સામે કામ કર્યું હતું. નસીબજોગે તે ફિલ્મ ફ્લોપ થઈ હતી. મારા માટે ફિલ્મ ‘સોગંધ’ જીવનભર ખાસ રહેશે. જોકે તે ફિલ્મ હોવાનું દુખ મને ખૂબ થયું હતું પણ તેના પછી આવેલી ફિલ્મ ‘ખેલાડી’ હિટ રહી હતી. પછીથી મને ઇન્ડસ્ટ્રીમાં એક સારી એવી ઓળખ મળી હતી.

  1. શ્રદ્ધા કપૂર

મારા કરિયરની શરૂઆત અમિતાભ બચ્ચન સરની સાથે ફિલ્મ ‘તીનપત્તી’થી થઇ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ નિવડી નહીં. પહેલી જ ફિલ્મની નિષ્ફળતાએ મને ખૂબ જ નિરાશ કરી હતી. તે પછી મારી બીજી ફિલ્મ ‘લવ કા ધી એન્ડ’ પણ ફ્લોપ રહી હતી. શરૂઆતની બે ફિલ્મોની નિષ્ફળતાએ મને ખૂબ નિરાશ કરી દીધી હતી. હું ઘણા સમય સુધી મારા રૂમની બહાર નહોતી નીકળી. તેવામાં મારા કુટુંબે મને ખૂબ સપોર્ટ કર્યો હતો. મેં પણ પોતાને તૂટવા દીધી નહીં અને પોતાના પર વિશ્વાસ જાળવી રાખ્યો. મારી એક્ટીંગસ્કીલને વધારે બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો અને ફિલ્મ માટે ઓડિશન આપતી રહેતી. તેવામાં મારી ત્રીજી ફિલ્મ ‘આશિકી -2’ આવી જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી. તે પછી એક પછી એક ફિલ્મો આવતી રહી અને દર્શકોનો પ્રેમ મને મળતો રહ્યો. ધીમે ધીમે મારો એક્ટીંગ ગ્રાફ પણ ઉપર જતો જોવા મળી રહ્યો છે.

  1. રણબીર કપૂર

જ્યારે મેં બોલિવૂડમાં ડેબ્યુ કર્યું તો દરેકની નજર મારા પર હતી. લોકોની મારી પાસેથી ખૂબ અપેક્ષા હતી. રાજકપૂરનો પૌત્ર અને ઋષિ કપૂર-નીતૂજીનો દિકરો હોવાના કારણે લોકોને મારી પાસે જે અપેક્ષા હતી તે મારા માટે ખૂબ મોટી ચેલેન્જ હતી. મારી પાસે પણ એવી જ આશા રાખવામાં આવી હતી કે હું તેમની જેમ સતત સફળ કાર્ય કરીશ. ફિલ્મ ‘સાંવરીયા’ માટે ખૂબ જ મહેનત કરી હતી પણ અફસોસ કે તે ફિલ્મ ચાલી નહીં. તે સમયે મારી ખૂબ ક્રિટીસીઝમનો સામનો કરવો પડ્યો. તે સમયે દુખી થવાના બદલે એક્ટીંગ અને ફિલ્મોના સિલક્શન પર વધારે ધ્યાન આપવાનું પસંદ કર્યું. આ વાત મને વધારે કામમાં આવી અને આગળ જતા મને સારી ફિલ્મો અને સફળતા મળી. અત્યાર સુધીના કરીયરમાં મારી અનેક ફિલ્મો સફળ રહી છે, તો કેટલીક નિષ્ફળ પણ રહી છે. આવામાં મેં સફળતા અને નિષ્ફળતાને સરળતાથી લેવાનું શીખી લીધુ છે.

બોક્સ

  • બોલિવૂડના શહેંનશાહ તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનની 1969માં આવેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ નિષ્ફળ રહી હતી.
  • ધક ધક ગર્લ માધુરી દિક્ષિતની 1984માં આવેલી પહેલી બોલિવૂડ ફિલ્મ અબોધ ફ્લોપ રહી હતી.
  • બોલિવૂડના સુલતાન તરીકે ઓળખાતા સલમાન ખાનની ડેબ્યુ ફિલ્મ 1988માં આવેલી ‘બીવી હોતો ઐસી’ હતી, જે ફ્લોપ રહી હતી.
  • બ્યૂટીક્વીન ઐશ્વર્યા રાય બચ્ચનની બોલિવૂડની શરૂઆતની ફિલ્મ નિષ્ફળ રહી હતી. જેમાં 1997માં આવેલી ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ હતી. તમિલ કમર્શિયલ ફિલ્મ ‘જીન્સ’ થી તેને થોડીઘણી લોકપ્રિયતા મળી હતી.
  • સૈફ અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ પરંપરા પણ ખૂબ જ ખરાબ રીતે નિષફળ રહી હતી.
  • કાજોલની બોલિવૂડની ડેબ્યુ ફિલ્મ 1992માં આવેલી ‘બેખૂદી’ હતી. જે ખૂબ ખરાબ રીતે ફ્લોપ રહી હતી.
  • રાની મુખર્જીની બોલિવૂડની એન્ટ્રી સાથેની પહેલી બે ફિલ્મો જ ફ્લોપ રહી હતી. જેમાં મહેંદી અને રાજા કી આયેગી બારાતનો સમાવેશ થાય છે.
  • કરીના કપૂરને પહેલા કહોના પ્યાર હૈ ફિલ્મ મળી હતી પણ તેણએ ફિલ્મ રેફ્યૂઝીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનું વધારે પસંદ કર્યું. 2000માં આવેલી આ ફિલ્મ ખૂબ ખરાબ રીતે ફ્લોપ રહી હતી.

Loading

Spread the love

Leave a Comment