હિન્દી ફિલ્મોમાં આપણે ઘણીવાર ગરબા જોયા છે. ગરબા રમતા કલાકારોને પણ જોયા છે. તેઓ ખૂબ સરળતાથી સ્ટેપ્સ કરી લેતા હોય છે. ગુજરાતી ન હોવા છતાંય સારી રીતે ગુજરાતી ગરબાની ધૂન પર ગરબા રમવા ખૂબ મુશ્કેલ કાર્ય છે. બોલિવૂડના અનેક કલાકારોને ગરબાના સ્ટેપ્સની પ્રેક્ટિસ કરવી પડી છે અને અન્ય ડાન્સ ફોર્મ કરતા આ ખૂબ અઘરું સાબિત થયું છે. કેટલીક ફિલ્મોના ગીત પર આજેપણ આપણે નવરાત્રીમાં ઝૂમતા હોઇએ છીએ. આ ફિલ્મોમાં કલાકારોને તે ગરબાના ગીત પર ડાન્સ કરવામાં અને શીખવામાં કેટલી મુશ્કેલીઓ પડી તેની વિશે જાણીયે.

 

  1. ઐશ્વર્યા રાય – સલમાન ખાન

‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મ ખૂબ લોકપ્રિય થઇ હતી અને તેનું ગરબા ગીત ‘ઢોલી તારો ઢોલ બાજે….’ના તાલે તો આજેપણ ખેલૈયાઓ ઝૂમી ઊઠે છે. જોકે આ ગીતના શૂટીંગને અને પ્રેક્ટીસને મળીને ચાર દિવસનો સમય લાગ્યો હતો. પહેલા સામાન્ય બે તાળીના ગરબાની પ્રેક્ટીસ કરાવવામાં આવી હતી. ફિલ્મમાં ખાસ કોઇ ગુજરાતી કલાકાર હતું નહીં પણ ફિલ્મ બનાવનાર સંજય લીલા ભણસાલી પોતે જ ગુજરાતી હોવાથી કોઇ કચાસ બાકી રાખવા માગતા નહોતા. ગીતની લાઇન્સ પ્રમાણેના સ્ટેપ્સ શીખવાડવામાં આવતા હતા. જેમાં ખેલૈયાઓની સાથે સ્પીડ ફોર્મમાં જ ગરબા કરવાના હતા. જે સ્ટેજ પર ગરબા કરવામાં આવ્યા હતા તેમાં સંભાળવું પડે તેમ હતું. હીંચ, રાસ, અવનવી ગરબાની સ્ટાઇલ્સ તેમાં જોવા મળે છે. નવરાત્રીમાં ગરબા હંમેશા ફાસ્ટ રહ્યા છે, તેથી આ ગીત પણ ફાસ્ટ ફોર્મમાં જ રાખવામાં આવ્યું હતું. કલાકારોને ગરબા શીખવાડવા માટે ગુજરાતથી ખાસ ગરબા સ્ટેપ્સના સ્પેશિયાલિસ્ટ બોલાવવામાં આવ્યા હતા અને બેકગ્રાઉન્ડમાં રમતા લોકો તે ટીમના જ લેવામાં આવ્યા હતા. જોકે ઐશ્વર્યા ફક્ત આ એક જ ફિલ્મમાં ગરબા રમતી જોવા મળી નથી. ‘આ અબ લૌટ ચલે’ ફિલ્મમાં તે અક્ષય ખન્ના સાથે ‘યે હૈ પ્યાર…..’ ગીતમાં રાસ રમતી જોવા મળી છે. જેમાં પરદેશમાં ગરબાની રમઝટ કેવી રીતે માણવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું હતું. જોકે તે ગીત એટલું લોકપ્રિય રહ્યું નહોતું.

  1. દિપીકા પદુકોણ

ફિલ્મ ‘રામલીલા’નું ગીત ‘નગારા સંગ ઢોલ બાજે…’ લોકોને એટલું બધુ પસંદ છે કે જ્યારે પણ તે ગીત નવરાત્રીમાં સાંભળવા મળે ત્યારે તે ફિલ્મના સ્ટેપ્સ પ્રમાણે જ લોકો રમવાનું શરૂ કરી દે છે. આ ગીત કરતા પહેલા સંજય લીલા ભણસાલીએ અલગ અલગ પાંચ થી છ ગરબાના ગીતો પર પ્રેક્ટિસ કરાવી હતી. દિપીકાને તે સમયે ધૂન પ્રમાણે અને સાઉન્ડ પ્રમાણે ગરબાના સ્ટેપ્સ શીખવાડવામાં આવતા હતા. જેના માટે આ વખતે પણ સંજય લીલા ભણસાલીએ ગુજરાતના ગરબા માસ્ટર્સને તેમની ટીમ સાથે બોલાવ્યા હતા. તેનું શૂટીંગ જૂહુમાં કરવામાં આવ્યું હતું. ગરબા મોટા ભાગે વધારે લાઉડ જોવા મળે છે. સાથે જ તેના સ્ટેપ્સ પણ એ મુજબના રાખવામાં આવે છે.

જોકે ભણસાલીએ હંમેશા પોતાની ફિલ્મમાં ફિલ્મી ગરબા ક્યારેય દર્શાવ્યા નથી. તે ગરબા ગીત પાછળ ખૂબ મહેનત કરે છે અને કલાકારો પાસે કરાવે છે. દિપીકા ફક્ત કથત ડાન્સ ફોર્મ વિશે જ જાણકારી ધરાવતી હતી. જે તેણે ઓમ શાંતિ ઓમ વખતે શીખ્યા હતા. જોકે તેણે આ ગરબા સ્ટાઇલ પણ ઝડપથી શીખી લેશે તેવો દ્રઢ નિર્ણય કર્યો હતો. રીહર્સલ વખતે ભણસાલી ગીતનું રેર્કોંડીંગ કરીને જ લઇ ગયા હતા. તેની ધૂન ગરબા માસ્ટર્સ અને દિપીકાને સંભળાવી. આવી ધૂન આ પહેલા ક્યારેય કોઇએ સાંભળી નહોતી. ગીત સાંભળ્યા પછી દરેકને થયું કે નગારા સોંગ જ કરવું છે. ભણસાલીને આ ગીતમાં ફોકમાં એક પ્રકારનું પાગલપણુ જોઇતું હતું. દિપીકાને આ ગીતના શૂટીંગ દરમિયાન બેક પેઇન થયું હતું અને પગમાં દુખાવાની સાથે સાથે પગના તળીયા છોલાઇ ગયા હતા. પગમાં સોજા થઇ જતા હતા. તેના પગમાંથી લોહી પણ નીકળતું હતું. દિપીકા પોતે કહે છે કે તેના માટે આ ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. તેમ છતાંય તેણે ખૂબ સારી રીતે તે શીખીને દર્શકોને આ ગીત અને તેના ડાન્સના દિવાના બનાવી દીધા.

  1. જેકી ભગનાની – ક્રિતીકા કામરા

થોડા સમય પહેલા જ આવેલી ફિલ્મ ‘મિત્રો’માં પણ ‘કમરીયાં…’ ગીતને ગરબાના ફોર્મમાં લેવામાં આવ્યું હતું. આ ગીત માટે પણ ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. જોકે ગીતમાં ગરબાના સ્ટેપ્સ વધારે જોવા મળતા નથી પણ ગીત નવરાત્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ગીતમાં ફિલ્મી ગરબાના સ્ટેપ્સ કરવામાં આવ્યા છે. જોકે જેકીએ જે રીતે ડાંડીયાને પોતાની આંગળી પર ફેરવ્યા છે, તેમાં તેને ખૂબ પ્રેક્ટિસ કરવી પડી હતી. સાથે જ ગરબાના સ્ટેપને મોર્ડન ડાન્સનો ટચ આપવામાં આવ્યો હતો.

 

  1. આયુષ શર્મા – વરીના હુસેન

ફિલ્મ ‘લવયાત્રી’માં ગુજરાતનું કલ્ચર દેખાડવામાં આવ્યું હતું તેથી ગરબા હોય તે સ્વાભાવિક છે. જોકે તેમાં હિરો આયુષ ગરબા ટીચર જ બન્યો છે. તેને ગરબાના સ્ટેપ્સ શીખવા મુશ્કેલ તો રહ્યા હતા પણ એન્જોય પણ એટલા જ કર્યા. થોડા દિવસ માટે રોજ સવારે બરોડાનું એક ગરબા ગ્રુપ તેમને પ્રેક્ટિસ માટે આવતું હતું. તેમની સાથે અડધા દિવસ સુધી પ્રેક્ટિસ કરવામાં આવતી. શૂટીંગ શરૂ થવાના એક મહિના પહેલા બંને કલાકારો બરોડા શિફ્ટ થયા હતા અને ગરબાના ખાસ ક્લાસિસની ટ્રેનિંગ લીધી હતી. જેમાં શરૂઆતમાં આયુષના પગ દુખવા, તળિયા છોલાઇ જવા તેમજ પગમાં સોજા આવવા જેવી તકલીફો રહી હતી પણ પછી રેગ્યુલર પ્રેક્ટિસથી તે સારુ થઇ ગયું હતું.

 

 

 

Spread the love

Leave a Comment