ફૂલોની સુંદરતાને વધારે ખાસ બનાવવા માટે પ્લાન્ટ કન્ટેનર્સનું મહત્વનું યોગદાન રહેલું છે. સુંદર ફૂલોને જો સ્ટાઇલિશ પ્લાન્ટ કન્ટેનર્સમાં સજાવવામાં આવે તો ઘરનો દરેક ખૂણો શોભી ઊઠે છે. આજકાલ ફૂલ કે છોડની સજાવટ માટે ડિઝાઇનર કન્ટેનર્સ અને વાસને ઇન્ટિરીયરમાં ખાસ મહત્વનું સ્થાન આપવામાં આવી રહ્યું છે. ટેરાકોટા, સિરેમિક, સ્ટીલ, વુડન, કોંક્રીટ, સ્ટોન અને ફાઇબર જેવા મટીરીયલમાંથી બનેલા કન્ટેનર્સમાં પ્લાન્ટ્સને રાખવાનું પસંદ કરવામાં આવે છે. તમારા ઘરના ઇન્ટિરીયર ડેકોરેશનમાં એક ડિફરન્ટ લુક, સ્ટાઇલ અને કલર જોવા મળશે.
ટેરાકોટા પ્લાન્ટર્સ
ટેરાકોટા પ્લાન્ટર્સ પ્લેઇન અને આર્ટીસ્ટિકલ ડિઝાઇન બંનેમાં મળે છે. હાલમાં મોટાભાગે તેના પર ભગવાન ગણેશની આકૃતિની ડિઝાઇન વધારે બનાવવામાં આવે છે. તે ઉપરાંત વેલ અને ફૂલોની ડિઝાઇન પણ હોય છે. ટેરાકોટામાંથી બનાવવામાં આવતા કૂંડા ફૂલછોડ માટે વધારે અનુકૂળ હોય છે. તે ઉપરાંત ગેરુ રંગના ટેરાકોટાના કૂંડા ગાર્ડનમાં રાખવા માટે વધારે યોગ્ય છે. તેમાં ખાસ સાચવવા જેવી બાબત એ છે કે સમયાંતરે તેના પર કલર કરતા રહેવું જોઇએ.
સિરેમિક કન્ટેનર્સ
આ કન્ટેનર્સ અનેક રંગોમાં, ટેક્સ્ચરમાં અને પ્રિન્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત વધારે હોય છે અને ડેલિકેટ હોય છે. તેને એવી જગ્યાએ ગોઢવો જ્યાં તૂટવાની શક્યતા નહીવત્ હોય. ઠંડા વાતાવરણમાં તે ઝડપથી ક્રેક થઇ જાય છે. તેની ચમક જળવાઇ રહે તે માટે તેને સોપવોટરથી ઘોવાના હોય છે. સિરેમિકના પહેલા એકસરખા પ્રકારના વા આવતા હતા પણ હવે તેમાં પણ નવીન પ્રકારના વિવિધતાવાળા જોવા મળે છે.
મેટલ કન્ટેનર્સ
તે સ્ટીલ, આયન, કોપર, ક્રોમ અને બ્રોન્ઝ વગેરે વિવિધ મટીરિયલમાં મળે છે. આ કન્ટેનર્સને કાટથી બચાવવાની ખાસ જરૂર હોય છે. તેના માટે રસ્ટ રેસિસ્ટેંટ કોટીંગ બેસ્ટ ગણાય છે. કોપર પ્લાન્ટર્સને સાફ કરવા માટે નાઇટ્રીક એસિડ, સોલ્ટ અને વિનેગરના સોલ્યુશનનો ઉપયોગ કરવો જોઇએ. બ્રાસ પ્લાન્ટર્સને બ્રાસો પોલીસ કરીને સાફ રાખવા જોઇએ. ક્રોમ પ્લાન્ટર્સને સાફ કરવા માટે ફોઇલને વાળીને કોકમાં ભીના કરીને સાફ કરી શકો છો. મેટલના પ્લાન્ટર્સ ઘરમાં રાખવાથી મોર્ડન લુક મળે છે. મોટી હોટલ અને રેસ્ટોરામાં પણ મેટલના વાશ વધારે જોવા મળે છે.
કોંક્રીટ અને સ્ટોન પ્લાન્ટર્સ
આવા પ્લાન્ટર્સ ઘરની બહાર બનેલા ગાર્ડન માટે યોગ્ય ગણાય છે. તેમાં ઊંડા મૂળવાળા છોડવાઓ કે વેલ રોપી શકાય છે. તે વજનમાં ખૂબ જ ભારે હોય છે. તેને ઘરન બહાર જ રાખવામાં આવે છે. હવે તો કોંક્રીટ અને સ્ટોન પ્લાન્ટર્સ પર પણ ઘણુબધુ સારું આર્ટીસ્ટિક વર્ક કરવામાં આવે છે. જેના કારણે આઉટડોર ગાર્ડનને પણ અલગ લુક આપી શકાય છે.
વુડન પ્લાન્ટર્સ
વુડન પ્લાન્ટર્સ ઘરના ઇન્ટિરીયરમાં આજકાલ સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. કેટલુંક લાકડું જેવું કે રેડવુડ, કેદાર વગેરે ફુગરહિત હોય છે. તેમાં ફુગ થતી નથી. આ સિવાયના લાકડામાં પ્લાસ્ટિક લગાવવામાં આવે છે. આ પ્રકારના પ્લાન્ટર્સમાં છોડવાઓના બદલે પ્લાસ્ટિકના શોમાં આવતા ફુલો લગાવવા જોઇએ. આર્ટીફિશિયલ ફુલ, વેલ અથવા તો પછી રોજ બદલી શકાય તેવા નેચરલ ફ્લાવર્સ રાખો. જેના કારણે ભેજ ન લાગે અને તે ખરાબ ન થાય. જો તમે ઇચ્છો તો તેની અંદરના ભાગમાં કલર કરી શકો છો.
આ રીતે વિવિધ પ્રકારના પ્લાન્ટર્સ તમે તમારા ઘર, ઓફિસ કે કોઇપણ સ્થળની સજાવટમાં ઉપયોગમાં લઇ શકો છો. સાથે જ તેની સંભાળ રાખવાનું પણ ચૂકશો નહીં.
મેધા પંડ્યા ભટ્ટ