ફેશનનો ટ્રેન્ડ બદલાતો રહે છે. જે રીતે આઉટફીટમાં નવી નવી ફેશનનો સમાવેશ થતો રહે છે, તે જ રીતે જ્વેલરીનો પણ નવી ડિઝાઇન અને ટ્રેન્ડ જોવા મળે છે. કોઇપણ પ્રસંગે જે રીતે પહેરવેશ પર ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે, તે જ રીતે જ્વેલરીને પણ ખાસ મહત્વ આપવામાં આવે છે. લગ્નસિઝન હોય કે કોઇપણ સારો પ્રસંગ હોય જ્વેલરી તમારા વ્યક્તિત્વને વધારે સુંદર બનાવે છે. ઘણીવાર એકની એક અને એકસરખા પ્રકારની જ્વેલરી પહેરીને તમને પણ કંટાળો આવી જતો હશે. તેવામાં જ્યારે કોઇ તમારી જ્વેલરીને નોટીસ કરીને ટીપ્પણી કરે ત્યારે વધારે અપમાનજનક બની જતું હોય છે.
ઘરના પ્રસંગમાં અને લગ્નસિઝનમાં આવા અનુભવો વારંવાર થતા હોય છે. તેથી હવે આ બધી જ બાબતોમાંથી બચવા માટે હવે તમે કઇક નવું ટ્રાય કરો. આજે આપણે આ સિઝનની ટ્રેન્ડીં જ્વેલરી વિશે વાત કરીશું. જે ક્યારેય આઉટ ઓફ ફેશન થતી નથી. તો આ પ્રકારની જ્વેલરીને ખરીદીને તમે પણ સિઝન પ્રમાણે નવી સ્ટાઇલ અને ડિઝાઇન સ્વીકારી લો.
- મોતીવાળી ચાંદબાલી (ગોળાકાર બુટ્ટી)
જો તમે લગ્નમાં કે કોઇ પ્રસંગમાં પ્લાઝો સૂટ કે અનારકલી ડ્રેસ પહેરવાનું વિચારી રહ્યા હો તો તેની સાથે તમને અનકટ પોલકી અથવા તો મોતીવાળી ચાંદબાલી ખૂબ શોભશે. આ દરેક યુવતીના ચહેરા પર સારી લાગે છે. તમને અલગ લુક આપવાની સાથે ચહેરા પર ચાર ચાંદ લગાવી દેશે. ઘણી યુવતીઓ હેવી ડ્રેસ કે સાડી પર ફક્ત ચાંદબાલી જ પહેરે છે. તે પછી ગળામાં નેકલેસ પહેરવાનું ટાળે છે, તેનું કારણ કે ચાંદબાલીથી જ ચહેરાને ખૂબ જ હેવી લુક મળી જાય છે. જેના કારણે બીજી જ્વેલરી ન પહેરીયે તો પણ ચાલી શકે છે. ગોળાકાર સાઇઝની મોટી બુટ્ટી હોવાના કારણે તે વધારે હેવી લુક આપે છે અને ચહેરા પર ફક્ત તેના પર જ ફોકસ રહે છે. આજકાલ બોલિવૂડમાં પણ ચાંદબાલી પહેરવાનો ખૂબ ટ્રેન્ડ છે.
- ટેનિસ બ્રેસલેટ
જો તમે પાર્ટીમાં જઇ રહ્યા હો તો ટેનિસ બ્રેસલેટ ટ્રાય કરી શકો છો. સફેદ હિરાવાળા વ્હાઇટ ગોલ્ડ કે પ્લેટીનમના ટેનિસ બ્રેસલેટ વેસ્ટર્ન ગાઉનની સાથે પહેરવાથી તમને આકર્ષક લુક આપશે. તે ઉપરાંત સોનેરી કે વ્હાઇટ ગોલ્ટમાં રંગબેરંગી રત્નજડીત કંગન કે બ્રેસલેટ લગ્નપ્રસંગે ટ્રેડિશનલ કપડાંની સાથે પહેરવાથી ખૂબ સુંદર દેખાશે. સોનાના તરાવાળા બ્રેસલેટ કે કંગન પણ આ પ્રસંગે પહેરી શકાય છે. જે યુવતીઓને રેગ્યુલર કંગન કે બંગડી પહેરવાનું પસંદ ન હોય તેમના માટે આ બ્રેસલેટ સૌથી બેસ્ટ ઓપ્શન છે.
- ટેમ્પલ જ્વેલરી
ટેમ્પલ જ્વેલરીમાં દેવી-દેવતાઓની સુંદર આકૃતિઓ બનેલી હોય છે. તેવા પ્રકારના આભુષણો જેવાકે હાર, કાનબૂટ્ટી, દામણી, કમરબંદ અને કાનફૂલ ખૂબ જ લોકપ્રિય છે. ભારતના દરેક રાજ્યની દુલ્હનો દ્વારા લગ્નપ્રસંગે તેને ખાસ પસંદ કરવામાં આવે છે. પારંપરિક પીળી સાડી સાથે સોનાના બનેલા ટેમ્પલ જ્વેલરી પહેરો. તમને શાહી લુક જેવું ફીલ થશે. સાઉથમાં અને બોલવૂડમાં સૌથી વધારે લોકપ્રિય ગણાતી હોય તો તે ટેમ્પલ જ્વેલરી છે. જેનાથી ખૂબ જ આકર્ષક લુક તો મળે જ છે, સાથે જ ખૂબ હકારાત્મક ઊર્જા મળી રહે છે.
- હીરાની – મોતીવાળી જ્વેલરી
હીરાની સાથે મોતી લગાવેલી જ્વેલરી અલગ જ આકર્ષક અને સુંદર લુક આપે છે. ક્યારેક મોતીજડીત જ્વેલરી સેટની પસંદગી કરો અથવા તો સોનાની જ્વેલરીની સાથે કે પછી અન્ય હીરાની જ્વેલરીની સાથે મોતીકામ કરેલી જ્વેલરી પહેરો. તેનાથી તમને બીજા કરતા એકદમ અલગ લુક મળશે. નવવધૂ પોતાના લગ્નમાં આ પ્રકારના ઘરેણા પહેરવા પર ખાસ પસંદગી ઉતારતી હોય છે. જેનાથી સૌથી અલગ તરી આવે. કોઇપણ પ્રકારના બ્રાઇડલવેર સાથે હીરાની જ્વેલરી ખૂબ જ સુંદર લાગે છે. તેનાથી પરી જેવો લુક મળે છે. હીરાના ચોકર પણ આ પ્રસંગ માટે ખાસ મળી રહેતા હોય છે. તમે જો ઇચ્છો તો તમારી જ્વેલરી સાથે ટ્રેન્ડી લુક મેળવવા માટે રંગીન પથ્થર જડેલી જવ્લેરી પણ પહેરી શકો છો.
- ચોકર્સ
ચોકર્સ આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. લહેંગા-ચોળી હોય કે પારંપરીક સાડી પહેરી હોય, દરેકની સાથે ચોકર્સ શોભી ઊઠે છે. સફેદ હીરાજડીત ચોકર્સ અથવા રૂબી કે નીલમ જડીત ચોકર્સ, બે કે ત્રણ સેરવાળું ચોકર્સ તમારા લાઇટવેટ લહેંગા સાથે તમને ખૂબ જ સુંદર લુક પ્રદાન કરે છે. ખાસ કરીને રીસેપ્શન કે પાર્ટીમાં તેને યુવતીઓ પહેરવાનું ખાસ પસંદ કરે છે.
- ટીકો – નથણી
તમે જો ડિઝાઇનર ડ્રેસ કે સાડી પહેરવાના હો તો સાથે માથે ટીકો લગાવી શકો છો, તેનાથી પણ ચહેરાનો લુક વધારે સુંદર લાગશે. મોતીનો ટીકો, ડાયમંડ ટીકો કે પછી રાજસ્થાની ટીકો તેના માટે પસંદ કરી શકો છો. હાલમાં તો સિંગલ મોતીનીસેર અને ત્રણ મોતીની સેરવાળા મોતીના ટીકાની એક તરફ પહેરવાની ફેશન પણ ખૂબ ચાલે છે. જેનાથી ટ્રેન્ડી લુક મળે છે. સાથે જ તમે મેચિંગ નથણી પણ પહેરી શકો છો. હવે તો નથણીમાં પણ રજવાડી, ડાયમંડ, કુંદન તેમજ સોનાની નથણી ખૂબ પ્રચલિત છે. તેમાં પણ હવે તો મોટી સાઉથની નથણી લોકો પહેરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. જો સેર ન પહેરવી હોય તો પણ નથ મોટી જ પહેરવાનું પસંદ કરે છે.