એક્ટર અભિષેક બચ્ચને પોતાની કરીયરની શરૂઆતમાં એક ડઝન ફ્લોપ ફિલ્મોનો સામનો કર્યો છે. ફ્લોપ ફિલ્મોનું લિસ્ટ લાંબુ થતું ગયું તે પછી યુવા, એલઓસી-કારગીલ અને રનની થોડી સફળતા પછી થોડી રાહત તો થઇ પણ ખાસ વાત ઇન્ડસ્ટ્રીમાં બની નહીં. ગુરૂમાં તેમના રોલના વખાણ થયા પણ તે પછી કોઇ પરફેક્ટ રોલ તેમના માટે લખાયો કે મળ્યો હોય તેવું બન્યુ નહીં. વારંવાર ફ્લોપ થઇ રહેલી ફિલ્મોના કારણે અભિષેક હવે ફિલ્મોમાંથી બ્રેક લેતા જોવા મળી રહ્યા છે. 2014માં હેપ્પી ન્યુ યર પછી 2016માં હાઉસફુલ 3માં જોવા મળેલા અભિષેક હવે અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્જીયામાં લીડ રોલમાં જોવા મળશે. લવ ટ્રાઇન્ગલ સ્ટોરીમાં તે તાપસી પન્નુ સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. અભિષેક સાથે થયેલી ફિલ્મ અને કરીયરની કેટલીક વાતો.

 • અભિષેકની પોતાની ઇચ્છાઓ શું છે. કઇ ઇચ્છાઓ પૂરી થવાની બાકી છે.

મારી પોતાની ઇચ્છા એ છે કે હું રોજ સવારે ઊઠીને કામ પર જાઉં અને ફિલ્મો બનાઉં તે મારી પોતાની ઇચ્છા છે. ઘણી બધી ઇચ્છાઓ એવી છે કે હજી પૂરી થવાની બાકી છે પણ હું તેની વિશે ક્યારેય કોઇની સાથે વાત કરવાનું પસંદ કરતો નથી. હું માનું છું કે જો તમે તમારી ઇચ્છાઓ વિશ્ બીજા સાથે વાત કરશો તો તે સારી રીતે પૂરી થઇ શકશે નહીં.

 • મનમર્જીયામાં તમારા પાત્ર વિશે જણાવો.

ફિલ્મમાં મારા પાત્રનું નામ રોબી છે, જે લંડનમાં એક બેન્કર છે. તે ત્યાં કામ કરે છે. ફિલ્મમાં તે પોતાના માતા-પિતા પાસે અમૃતસર પાછો ફરે છે કારણકે તે લગ્ન કરવા ઇચ્છે છે. લગ્ન માટે માતા-પિતાના કહેવાથી રાજી થયો છે. તે રુબી નામની યુવતીને મળે છે અને તેને પસંદ કરવા લાગે છે. તેને રુબી સાથે પ્રેમ થઇ જાય છે. થોડા સમય પછી તેને ખબર પડે છે કે રુબી કોઇ બીજાને પ્રેમ કરે છે. ફિલ્મમાં પછી તે લવ ટ્રાઇન્ગલ કેવી રીતે આગળ વધે છે, તે ફિલ્મની વાર્તા છે.

 • અભિષેક બ્રેક લઇ લઇને ફિલ્મોમાં જોવા મળે છે, તેનું શું કારણ છે.

તેનું કારણ એ છે કે હું થોડો સમય રાહ જોઇને પરિસ્થીતીને સમજવા અને જોવા માગતો હતો. મને લાગતું હતું કે મારા કામમાં ક્યાંકને ક્યાંક એક કમ્પેલનસન્સી આવી ગઇ છે. જેને હું અટકાવવા માગતો હતો.

 • અભિષેક તમે ફિલ્મોના પાત્રની પસંદગી કઇ રીતે કરો છો.

મારા માટે બે બાબતો છે, ક્યારેક સામે ચાલીને કામ શોધવું પડે છે તો ક્યારેક ફિલ્મોની ઓફર સામેથી આવતી હોય છે.

 • અમિતાભજી આજેપણ ખૂબ એક્ટીવ અને ગ્રેસફૂલ જોવા મળે છે. તેમની પાસેથી શું ટીપ્સ લો છો કે તેમની કઇ બાબતોને ફોલો કરો છો.

તેઓ મારા માટે હંમેશાથી એક માર્ગદર્શક રહ્યા છે. ફક્ત એક પિતા તરીકે જ નહીં પણ એક કલાકાર તરીકે પણ હું તેમની પાસેથી ઘણુ શીખવાનો પ્રયત્ન કરું છું. તેઓ મારા માટે હંમેશાથી પ્રેરણા હતા, છે અને રહેશે. મારા કામને લઇને ઘરમાં માતા-પિતા અને પત્ની સાથે ચર્ચાઓ કરું છું. વાતો થાય છે પણ ટીપ્સ ક્યારેય લીધી નથી. રેગ્યુલર કામની વાતો હંમેશા થતી હોય છે.

 • ઘરમાં પણ ફિલ્મી વાતાવરણ છે તો ક્યારેય ફિલ્મોના પ્રોજેક્ટ કે ફિલ્મ પસંદ કરવા અંગે ચર્ચા કરો છો.

ફિલ્મી વાતાવરણ છે પણ ક્યારેય કોઇ એકબીજાના પ્રોજેક્ટ અંગે કે ફિલ્મોના રોલ અંગે ચર્ચા કરતા નથી. તેનું કારણ એ છે કે દરેક વ્યક્તિ પોતાના કામને લઇને ખૂબ જ વ્યસ્ત રહે છે. તેથી એકસાથે સમય મળવો ખૂબ મુશ્કેલ છે. જ્યારે એકસાથે રહેવાનો સમય મળે છે, ત્યારે કામ અંગેની ચર્ચા કરવાનું પસંદ કરતા નથી.

 • તમે વરાયટી રોલ પસંદ કરી રહ્યા છો. કોમેડી જોનર પણ કરી ચૂક્યા છો. શું કારણ છે.

તમે જો એક જ પ્રકારની ફિલ્મો કરતા રહો તો તમારા જે દર્શકો છે, તે તમારા પાત્રથી જલ્દી કંટાળી જશે. પછી તે લોકો અન્ય કલાકારને જોવાનું પસંદ કરવા લાગે છે. તેથી પાત્રમાં વરાયટી આવતી રહે તે ખૂબ જરૂરી છે.

 • અભિષેક હજી સુધી ઇન્ડસ્ટ્રીમાં જોઇએ તેવું સ્થાન બનાવી શક્યા નથી, તેનું કારણ આપ પોતે શું માનો છો.

(વિચારીને થોડો સમય શાંત રહીને) જો આ વાતનો જવાબ ઇન્ડસ્ટ્રીમાં કોઇની પાસે પણ હોય તો ફિલ્મી દુનિયામાં ફક્ત હીટ ફિલ્મો જ બનતી હોત. જીવનમાં નિષ્ફળતા મળે તો સફળતા માટે સતત પ્રયત્ન કરતા રહેવો જોઇએ. આપણે જે કામ કરીયે છીએ તે જ સાચું છે, તેમ વિચારીને જ કાર્ય કરતા હોઇએ છીએ. બીજા લોકો આપણા કામને લઇને શું વિચારી રહ્યા છે તે આપણે ક્યારેય વિચારતા નથી. મારું પણ કંઇક આવું જ છે. જે વસ્તુ ઉપર જાય છે, તે નીચે પણ આવે જ છે. આ હકીકતને સમજવાની જરૂર છે. હું ફિલ્મોમાં કામ કરતો રહેવા માંગુ છુ અને મારી જૂની ફિલ્મોમાં શું ભૂલ થઇ તેને નવી ફિલ્મોમાં કઇ રીતે સુધારી શકું તે ધ્યાન રાખુ છું. મારું બેસ્ટ વર્ક કઇ રીતે આપી શકું તે વધારે મહત્વનું છે. કોઇપણ કલાકાર સફળ થવા માટેની સીધી પ્રક્રિયા શું છે, તે જાણતો નથી. તેથી તે પોતાના પાત્રમાં પોતાનું સંપૂર્ણ રેડવાનો પ્રયત્ન કરે છે.

 • શું પિતા અમિતાભજી સાથેની સરખામણીના કારણે તમને લોકોએ ઓછા પસંદ કર્યા હોય તેવું માની શકાય.

ના, મને એવું જરાપણ લાગતું નથી કે પિતા અમિતાભજી સાથેની સરખામણીના કારણે હું અસફળ રહ્યો છું. જો તેમની સાથે મારી સરખામણી થઇ હોય તો તે મારા માટે ગર્વ લેવા જેવી બાબત છે કારણકે દર્શકોને મારામાં તેમના કોઇક અંશ છૂપાયેલા જોવા મળ્યા હશે, કે લોકો તે જોવા માગતા હશે.

 • તમારી ફિલ્મો ફ્લોપ થવાનું કારણ કોને ગણો છો.

જો કોઇ ફિલ્મમાં મારું કામ સારું હોવા છતાંય મારી ફિલ્મ લોકોને પસંદ ન આવે તો તેમાં મારો વાંક છે. જો મારું કામ સારું હશે તો ફિલ્મ લોકોને પસંદ પડશે. જે ફિલ્મોનો બિઝનેસ સારો રહ્યો છે, તે ફિલ્મોની સફળતાનો શ્રેય મેં લીધો જ છે અને સાથે જ જે ફિલ્મો નિષ્ફળ રહી તેનો શ્રેય પણ પોતે જ લીધો છે. આ એક પ્રકારનું ટીમવર્ક હોય છે. જો તમારી ફિલ્મ સફળ થાય તો તો તે સારી જ વાત છે પણ જો નિષ્ફળ રહે તો તેમાં કરેલી ભૂલોમાંથી શીખવું, સમજવુ અને તે પછીની ફિલ્મોમાં શું ફેરફાર કરવા તે વિચારીને આગળ વધવું જોઇએ. કોઇપણ ફિલ્મ ફ્લોપ થાય તો તેના કારણે એકબીજા પર આરોપ લગાવવા જેવી બાબત મને પસંદ નથી.

 • ઇડસ્ટ્રીમાં છેલ્લા કેટલાય સમયથી બાયોપિકનું વાતાવરણ છે, કોઇ ઓફર છે.

ના, હાલમાં મને કોઇ ઓફર મળી નથી પણ જો એવી કોઇ ઓફર આવશે તો હું જરૂરથી કરવા માગીશ.

 

Loading

Spread the love

Leave a Comment