કોઇ પણ ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, એના માટે ઘરની સજાવટ ખૂબ મહત્વ ધરાવે છે. હાઉસવાઇફ ઘરમાં હોય તો તેને ઘરમાં રહેવામાં મજા આવે અને વર્કિંગ વુમન હોય તો ઓફિસેથી ઘરમાં પગ મૂકતાંની સાથે જ ઓફિસના કામનો તમામ થાક દૂર થઇ જાય. આવી સજાવટ જ્યારે અતિથિ જુએ ત્યારે એમને તો એમ જ થાય ને કે વાહ કેવી સુંદર રીતે ઘર સજાવ્યું છે…! ફ્લોરલ ડેકોરેશનની આ જ ખૂબી છે કે તેના દ્વારા લોકોને તાજગી અને સુંદરતા બંને મળે છે.

આપણે ત્યાં એક વણલખ્યો નિયમ છે કે તહેવાર નજીક આવતો હોય ત્યારે બધાં ઘરની અન્ય કરતાં અલગ લાગે એ રીતે સજાવટ કરવામાં લાગી જતાં હોય છે. જોકે એવું જરૂરી નથી કે તમે માત્ર તહેવાર હોય ત્યારે જ ઘરને સુંદર રીતે સજાવો અને બાકીના દિવસોમાં રેગ્યુલર રીતે જેમ ફર્નિચર, શો-પીસ વગેરે ગોઠવ્યા હોય તે એ જ રીતે રહેવા દો. વાસ્તવમાં થોડા થોડા સમયે ઘરની સજાવટમાં ફેરફાર કરતાં રહેવાથી ઘર સુંદર લાગવાની સાથે તમારું મન પણ પ્રસન્ન રહે છે. એમાંય જો તમે અલગ અલગ થીમ્સનો ઉપયોગ ઘરની સજાવટમાં કરો તો તો વાત જ ન પૂછો. તમારું પોતાનું દિલ તો ખુશ થશે સાથે જ જોનારા પણ બે ઘડી તમારી કરેલી સજાવટની પ્રશંસા કર્યા વિના નહીં રહે. ચાલો ત્યારે, જાણીએ ફ્લોરલ થીમથી કરવામાં આવતા ડેકોરેશન વિશે, જેના દ્વારા તમે ઘરને આકર્ષક લુક પ્રદાન કરી શકો છો.

ફ્લાવર ડેકોરેશન થીમ

ફ્લાવરથી એટલે કે ફૂલોથી તમે ઘરમાં કઇ જગ્યાએ કેવી રીતે ડેકોરેશન કરો છો તે મહત્વનું છે. એ માટે રૂમમાં જે પણ એક્સેસરીઝ પસંદ કરો તે ખૂબ સમજી-વિચારીને લો. ફ્લાવર થીમમાં નાની નાની માટલી આવે છે, તેના પર સુંદર કલરથી પેઇન્ટિંગ કરીને તેને ફૂલોથી સજાવી શકો છો. લિવિંગ કે ડ્રોઇંગ રૂમમાં રજાના દિવસે અથવા તો મહેમાન આવવાના હોય ત્યારે કેન્ડલ્સ અથવા નાના નાના દીવડાથી ફૂલની પાંખડીઓથી સજાવી તેને સુંદર લુક આપી શકો છો. ફ્લાવર થીમ તમે પસંદ કરી હોય ત્યારે ઘરના પડદાની પસંદગી કરતી વખતે ફ્લોરલ ડિઝાઇન પસંદ કરો. બ્રાઇટ કલર્સ અને ફ્લોરલ પ્રિન્ટ ધરાવતા પડદા તમારા ઘરની સજાવટમાં વધારો કરશે.

લિવિંગ રૂમના ફર્નિચરમાં પણ ફ્લોરલ થીમને અનુરૂપ પસંદગી કરો. એ માટે લાઇટ કલરનું ફર્નિચર પસંદ કરો. આજકાલ દીવાલ પર વોલપેપર અને વોલ સ્ટીકર લગાવવાનો ટ્રેન્ડ પોપ્યુલર છે. એવામાં દીવાલ પર બ્રાઇટ કલર્સ ધરાવતા ફ્લાવરના વોલપેપર અથવા વોલ સ્ટીકર લગાવી શકો. એ માટે બ્રાઇટ યલો કલરનાં સૂર્યમુખી અથવા ઘેરા ગુલાબી કલરનું ગુલાબના વોલ પેપર કે સ્ટીકરની પસંદગી કરી શકો છો. પછી જુઓ, આપોઆપ જ તમારા મનમાં પેલું ગીત ગુંજી ઊઠશે…. `ફૂલોં કે શહર મેં હો ઘર અપના…;.

Loading

Spread the love

Leave a Comment