હાલમાં થોડા સમય પહેલા જ શરૂ થયેલી સિરિયલ અલાદ્દીન બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. તેમાં મુખ્ય પાત્ર ભજવનાર સિદ્ધાર્થ ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. જોકે સિદ્ધાર્થ આ પહેલા ચક્રવર્તી અશોકા સમ્રાટમાં યુવા અશોકાનું પાત્ર, પેશ્વા બાજીરાવમાં યુવા શિવાજીનું પાત્ર અને ચંદ્રનંદીની સિરિયલમાં યુવા બિંદુસરાના લોકપ્રિય પાત્ર ભજવી ચૂક્યો છે. હવે અલાદ્દીન – નામ તો સુના હી હોગા સિરિયલમાં મુખ્ય અલાદ્દીનના પાત્રમાં જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ સાથે થયેલી કેટલીક વાતચીત.
શું તું નાનો હતો ત્યારે તે અલાદ્દીનને જોયો હતો?
હા, હું નાનો હતો ત્યારે અલાદ્દીનને જોયો હતો. બાળપણથી હમણાં સુધી અલાદ્દીન મારાં મનગમતાં પાત્રમાંથી એક છે. હું તે જ ભૂમિકા ભજવી રહ્યો હોવાની મને બેહદ ખુશી છે.
અલાદ્દીન દરેક બાળકનું સપનું હોય છે. તું સોની સબ હવે અલાદ્દીન બન્યો છે ત્યારે કેવું લાગે છે
મને બેહદ ખુશી અને રોમાંચ છે. મારે માટે આ અત્યંત રસપ્રદ અને નવું છે. અલાદ્દીનની ભૂમિકા તે પાત્ર થકી મારી પ્રતિભા બતાવવાની ઉત્તમ તક મને મળી છે. અલાદ્દીનને દુનિયા આખી ઓળખે છે.
અલાદ્દીન જેવી એપિકમાં કામ કરવા વિશે તારો અનુભવ કેવો છે?
મારા અગાઉના અનુભવોમાં ગુસ્સાવાળા, ઝનૂની અને સદાબહાર પાત્રોનો સમાવેશ થાય છે. જોકે અલાદ્દીનનું પાત્ર સાવ અલગ છે અને મેં અગાઉ ભજવ્યાં છે તેનાથી સાવ જૂદું છે. મને ઘણું બધું શીખવા મળ્યું છે. દરેક શો માંથી મને શીખવા મળે છે. દરરોજ હું કશુંક નવું શીખું છું અને મારાં દ્રશ્યોને સુધારું છું, જેથી દુનિયાભરના લોકો અલાદ્દીન વિશે ચર્ચા કરતા થઈ જાય.
આ ભૂમિકાની તૈયારી કરવા માટે કોઈ વર્કશોપ કર્યું છે?
હા, કારણ કે મારે માટે તેની લાઈન્સ અને કોમિક ટાઈમિંગ થોડું મુશ્કેલ હતું. સૌથી સારી વાત એ છે કે લાઈન્સ અને શોનું સ્ક્રીનપ્લે અત્યંત રસપ્રદ છે. જો તમે કશું નહીં કરતા હોય અને તે લાઈન્સ જ બોલો તો પણ તમને મજા આવશે. આથી વર્કશોપ ચાલુ હતા ત્યારે અમે લાઈન્સ વાંચતાં અને પોતાની ઉપર જ હસતા હતા. તેમાં મજા આવતી. અમારા ડીરેક્ટર બહુ સારા છે. તેઓ ઝીણવટપૂર્વક ધ્યાન રાખે છે. અલાદ્દીનમાં બધી પ્રતિક્રિયાઓ અને ક્રિયાઓ અસલ છે. કોઈ બિનજરૂરી કોમેડી તેમાં નથી. તેમાં લય અને ડાયલોગ્સ ખુદ બોલકણા અને સ્માર્ટનેસ ધરાવે છે. આ બધુ મુશ્કેલ હતું, પરંતુ અમારા ડીરેક્ટરે બે અઠવાડીયા સુધી વર્કશોપ કરાવ્યું, જેનું પરિણામ સારું છે અને તેનાથી મને કેટલી મદદ થઈ છે તે હવે સમજવા લાગ્યો છું.
તારા સેટ વિશે શું કહેશે?
અમારો સેટ કોઈ પણ એપિક શોના સેટિંગની જેમ ભવ્ય છે. સૌથી સારી વાત એ છે કે અમારા કલાકારો અદભુત છે. લોકો સારા હોય ત્યાં બધું સારું હોય છે.
તને અલાદ્દીનની ભૂમિકા ભજવવાની છે એવું કહેવામાં આવ્યું ત્યારે તારી પ્રતિક્રિયા કેવી હતી?
મને અલાદ્દીનની ભૂમિકા આપવામાં આવી છે એવી માહિતી મળતાં મારી ખુશીનો કોઈ પાર નહોતો. હું બહુ ખુશ થયો. ગ્રેટ, અલાદ્દીન! મારી ફેન્ટસી- મેજિક, જીની, દીવો આ બધું સાકાર થશે એવી મારી પ્રતિક્રિયા હતી. જોકે અમુક વાર હું એવું વિચારતો પણ હતો કે તે કઈ રીતે કરીશ? અલાદ્દીન અત્યંત સદાબહાર હતો અને અત્યંત ઊર્જાવાન હતો. હું તે ઓનલાઈન જોતો ત્યારે જાસ્મિન સાથે તેની કેમિસ્ટ્રીનું નિરીક્ષણ કરતો, જેનાથી મને એવો વિચાર આવ્યો કે હું આ કઈ રીતે સિદ્ધ કરી શકીશ? હું હજુ શીખી રહ્યો છું. વાસ્તવમાં અમે વર્કશોપ કરતા હતા ત્યારે મને ડીરેક્ટરે એવું કહ્યું કે, તેં આજ સુધી જે પણ કર્યું છે તે ભૂલી જા. હવે તું અલાદ્દીન છો. આથી હું અલાદ્દીન છું એવું પોતાને યાદ અપાવતો રહું છું. પરફોર્મર તરીકે હું બહુ ખુશ છું અને અત્યંત રોમાંચિત છું, કારણ કે મને હવે કશુંક નવું અજમાવવા મળી ગયું છે.
જો તને 3 ઈચ્છાઓ પૂછવામાં આવે તો?
મારી પ્રથમ ઈચ્છા મારા શો સારા અને લોકપ્રિય બની રહે એવી રહેશે. મારી બીજી ઈચ્છા ભારત અને તેના રહેવાસીઓનો વધુ વિકાસ થાય, તેઓ સુરક્ષિત રહે, ક્યાંય સમસ્યા ન રહે. વિસ્ફોટો અને હુમલાઓ ન થાય… વાસ્તવમાં હું તે કોઈ પણ દેશમાં નહીં થાય એવું ચાહું છું, કારણ કે તેમાં નિર્દોષ લોકો માર્યા જતા હોય છે… આથી લડો નહીં એવો મારો સંદેશ છે. હું સ્વચ્છ દેશ, સ્વચ્છ રસ્તા, ઉત્તમ વાતાવરણ, માનવતાનું મૂલ્ય અને કોઈ ભેદભાવ નહીં એવું વાતાવરણ ચાહું છું. હું વિદેશમાં જાઉં છું ત્યારે ત્યાંની ગલીઓ અને બીચીસ એકદમ સ્વચ્છ જોઉં છું, પરંતુ અહીં સર્વત્ર કચરો જોવા મળે છે. ત્રીજી ઈચ્છા બધા જ કાયમ માટે ખુશ રહે એવી છે.
અલાદ્દીન તારા અન્ય શોથી અલગ કઈ રીતે છે?
અન્ય શોથી તે અલગ છે, કારણ કે હું આ શોમાં છું. (જોક કરે છે). આ શોમાં એકશન અન્ય શોથી સાવ અલગ છે. હું જે એકશન દશ્યો ભજવવાનો છું તે હોલીવૂડની ફિલ્મોની જેમ દર્શકોને એકદમ રિયલ લાગશે. અહીં એકશન દશ્યો હું જાતે ભજવી રહ્યો છું. મેં કોઈ ડુપ્લિકેટનો ઉપયોગ કર્યો નથી. કોરિયોગ્રાફીમાં પણ હું મારી જાતે જ કરું છું. ડીરેક્ટર અહીંથી ત્યાં ભૂસકો મારવા કહે છે ત્યારે સામાન્ય શોમાં લોકો ફક્ત સામાન્ય ભૂસકો મારે છે. હું ભૂસકો મારતો નથી. હું સ્પ્લિટ કરું છું અથવા કંઈક રસપ્રદ કરું છું. આથી આ એક્રોબેટિક્સ વિઝયુઅલ્સ જોવાનું સારું લાગે છે. શોમાં બધા લોકો એકબીજા સાથે સારો સંબંધ ધરાવે છે. કોમેડી અને લોકોને હસાવવા અને ખુશ રહેવું તે સોની સબનું અવિભાજ્ય અંગ છે, પરંતુ અહીં અમે ફક્ત સાધારણ કોમેડી રાખી નથી, પરંતુ તેમાં વવિધ તત્વો છે. આમાં ભરપૂર એકશન, સ્ટંટ્સ, રોમાંચક દશ્યો સાથે ગુણવત્તાયુક્ત કોમેડી રહેશે. બધાં પાત્રો લોકપ્રિય છે અને અમે તેને વધુ બહેતર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ. સૌથી સારી વાત એ છે કે આ આધુનિક શો છે. આમાં અમુક સમકાલીન ડાયલોગ્સ પણ છે. તમને તે સાંભળીને દેખીતી રીતે જ મજા આવશે.
તું અવનીત સાથે ફરીથી કામ કરી રહ્યો છે. આ અનુભવ કેવો રહ્યો?
અવનીત અને મારી વચ્ચે બહુ સારું બને છે. અમે ઓનસ્ક્રીન અને ઓફફસ્ક્રીન પણ એકબીજાને સારી રીતે સમજીએ છીએ. અમે એકબીજાને બહુ મદદ કરીએ છીએ. તે બહુ સુંદર છે, સમજદાર અને મહેનતુ છે. તેને યાસ્મિનની ભૂમિકા મળી તેની ખુશી છે, કારણ કે અમે લૂક ટેસ્ટ કરતાં હતાં ત્યારે તે રાજકુમારી યાસ્મિન જેવો ડ્રેસ પહેરીને આવી હતી. મારાથી કહેવાઈ ગયું વાહ! તે એકદમ યાસ્મિન જેવી લાગે છે. તે આ ભૂમિકામાં બંધબેસે છે. તે મારી બહુ સારી ફ્રેન્ડ છે. તેની સાથે શો કરી રહ્યો છું તેથી મને ખુશી છે.