‘ઝીરો’ ફિલ્મ 2018ના વર્ષની શરૂઆતથી જ પોતાની પબ્લિસીટી માટે તૈયાર થઇ ગઇ હતી. વર્ષના પહેલા જ મહિનામાં કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’નું ટીઝર અને પોસ્ટર લોન્ચ થયું હતુ. ત્યારબાદ નવેમ્બરમાં તેનું ટ્રેલર લોન્ચ થતાની સાથે જ લોકપ્રિય બની ગયું. આ ફિલ્મ 21 ડિસેમ્બર 2018માં રીલીઝ થવા જઇ રહી છે. શાહરૂખની ફિલ્મ  ‘ઝીરો’નું પોસ્ટર અને ટીઝર નવા વર્ષમાં રીલીઝ થતાની સાથે જ ફિલ્મ ચર્ચામાં છે. હવે જોઇએ કે વર્ષ 2018ના અંત ભાગમાં આ ફિલ્મ શું કમાલ કરી દેખાડે છે. જોકે ટ્રેલર જોતા શાહરૂખ અને અનુષ્કાની એક્ટીંગના વખાણ થશે તેવું લાગી રહ્યું છે.

દરેક પ્રકારના રોલ ભજવ્યા છે શાહરૂખે

શાહરૂખે ફરીથી એકવાર પોતાના પાત્ર માટે ચેલેન્જ લીધી છે. તે પોતાની આવનારી ફિલ્મમાં ઠીંગુજીનો રોલ કરતા જોવા મળશે. આ પહેલા પણ તેમણે અલગ અલગ પ્રકારના રોલ ભજવીને દર્શકોને ચોંકાવી દીધા છે. ફિલ્મ ‘ડર’ અને ‘બાઝીગર’માં વિલનનું પાત્ર ભજવીને સૌને અચંબામાં મૂક્યા હતા. તો વળી ‘ડુપ્લીકેટ’ જેવી ફિલ્મોમાં તે કોમેડી રોલમાં પણ જોવા મળ્યો હતો. ‘સ્વદેશ’માં નાસાના વૈજ્ઞાનિક તરીકે અને ‘ચક દે ઇન્ડિયા’માં હોકી કોચ તરીકે તો વળી, ‘માય નેમ ઇઝ ખાન’માં સિન્ડ્રોમ પિડીત વ્યક્તિનું પાત્ર ભજવીને લોકોને વિચારતા કરી દીધા હતા. વળી, કિંગ ખાને પોતાની રોમેન્ટિક ફિલ્મો ‘દિલ તો પાગલ હૈ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘મહોબ્બતે’, ‘કભી ખુશી કભી ગમ’ દ્વારા દર્શકોનો પ્રેમ મેળવ્યો. હવે ફરીથી તે એક નવા જ અવતારમાં દર્શકો સમક્ષ આવવા તૈયાર છે. શાહરૂખ પોતાની ફિલ્મ ‘ઝીરો’નું શૂટીંગ શરૂ કરી ચૂક્યો છે. આ વખતે શાહરૂખ નવી ટેક્નિક અને નિર્દેશક આનંદ એલ રાય સાથે કઇ નવું કરવા જઇ રહ્યો છે. શાહરૂખ પોતાની આ ફિલ્મમાં વીએફએક્સ ટેક્નિક દ્વારા પોતાનો લુક ચેન્જ કરશે. જોકે આ પહેલા તે ફિલ્મ ‘રાવન’ અને ‘ફેન’માં તેનો ઉપયોગ કરી ચૂક્યો છે. જોકે આ ફિલ્મનું નામ પહેલા ડોર્ફ હતું અને હવે ‘ઝીરો’ કરવામાં આવ્યું છે. ફિલ્મ 21 ડિસેમ્બरेરે રીલીઝ થવાની છે.

દરેક હિરોઇન સાથે જોડી હિટ

શાહરૂખ ખાનની જોડી અત્યાર સુધીમાં દરેક અભિનેત્રી સાથે જામી છે. માધુરીથી લઇને અનુષ્કા સુધી તેણે જોડી બનાવીને સફળ ફિલ્મ આપી છે. જોકે સૌથી વધારે શાહરૂખની જોડી કાજોલ અને જૂહી ચાવલા સાથે વધારે લોકપ્રિય રહી. આજની અભિનેત્રીઓની વાત કરીયે તો દિપિકા હોય કે અનુષ્કા દરેક હિરોઇન સાથે તે પરફેકટ મેચ બની રહે છે. જોકે ઇન્ડસ્ટ્રીમાં દિપીકા અને અનુષ્કા સિવાય એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે પોતાની કરિયરની શરૂઆત શાહરૂખ ખાન સાથેની ફિલ્મથી ડેબ્યૂ કરીને કરી અને આજે સફળતાની ટોચ પર બિરાજમાન છે.

ઝીરોએ મચાવી છે ધૂમ

વર્ષ 2018ની શરૂઆતમાં જ બોલિવૂડના કિંગ ખાને પોતાના ફેનને ઝીરો ફિલ્મનું ટીઝર ભેટરૂપે રીલીઝ કર્યું. આ ફિલ્મ બોલિવૂડની બાકીની ફિલ્મો કરતા ખૂબ જ અલગ છે, કારણકે તેમાં શાહરૂખ જે પાત્ર ભજવવાના છે, તે ખૂબ જ અલગ પ્રકારનું છે. આ ફિલ્મને આનંદ એલ.રાય ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ એક ઠીંગણા વ્યક્તિનું પાત્ર ભજવતો જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર ફેનને ખૂબ જ પસંદ આવ્યું છે. જાન્યુઆરીમાં ટીઝર રીલીઝ થયાના બાર કલાકની અંદર જ તેને યુ ટ્યૂબ પર 3.2 કરોડથી વધારે વખત જોવામાં આવ્યું છે. તેનું પોસ્ટર પણ સામે આવ્યું હતું. આ ફિલ્મની વાર્તા અલગ પ્રકારની છે. કોઇકના જીવનની ખામીઓનો પણ આનંદ મનાવવામાં આવે છે. આ ફિલ્મના ટીઝરમાં શાહરૂખ ખાન એક લાંબા દેખાતા વ્યક્તિને પડકાર આપતા પાર્ટીમાં નાચતા જોવા મળે છે. તેમાં એક ડાયલોગ પણ છે, જેમાં તે લોકો દ્વારા પોતાને ઝીરો કહેવાના જવાબમાં કઇક કહી રહ્યા છે. તે કહે છે કે, હમ જીસકે પીછે લગ જાતે હૈ ઉસકી લાઇફ બદલ દેતે હૈ. શાહરૂખ ખાને પણ તેને શેર કરતા લખ્યું છે કે – ‘ટીકટે લીયે બૈઠે હૈ લોગ મેરી જીંદગી કી, તમાશા પૂરા હોના ચાહીયે’. શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો સોશિયલ મીડીયાથી લઇને યૂ ટ્યૂબ પર ધૂમ મચાવી રહી છે. જોકે ટ્રેલર રીલીઝ થયા બાદ તો ફિલ્મ ખરેખર સારી સ્ટોરી લઇને આવી રહી છે તે સ્પષ્ટ થઇ જાય છે.

આનંદ એલ.રાય અને શાહરૂખ પહેલીવાર સાથે

ઝીરો ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન અને આનંદ એલ.રાય પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા એવી છે કે કોઇના જીવનની ખામીઓનું પણ ઉજવણી કરે છે. શાહરૂખને આ ફિલ્મ માટે લેવા પર આનંદ રાયે કહ્યું કે, ‘મારી પાસે શાહરૂખ સિવાય અન્ય કોઇ વિકલ્પ હતો જ નહીં કારણકે આ ફિલ્મના પાત્ર માટે મારે એક સમજદાર અભિનેતાની જરૂર હતી, જેની પાસે ખુશી ખુશી દરેક વસ્તુ કરવાની ઇચ્છા અને ધગશ હોય. તેમણે કહ્યું કે જો ફિલ્મનો અભિનેતા ઠીંગણી વ્યક્તિ છે, પણ આ ફિલ્મની વાર્તા કોઇપણ વ્યક્તિની શારીરિક વિવશતાથી વધારે વ્યક્તિની ભાવનાત્મક અપૂર્ણતા વિશે વધારે દર્શાવે છે.’

નિર્દેશક આનંદે આ પહેલા તમિલ સુપરસ્ટાર ધનુષ અને અભિનેત્રી સોનમ કપૂરને લઇને ફિલ્મ ‘રાંઝણા’ બનાવી હતી. આ ફિલ્મ યુપીના બનારસ પ્રદેશની દર્શાવવામાં આવી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ નામના મેળવી હતી. તે પછી કંગના અને આર.માધવનને લઇને ‘તનુ વિડ્સ મનુ’ બનાવી હતી. જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જેમાં એક અલ્લડ છોકરીના પાત્રમાં જોવા મળેલી કંગનાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. તે ફિલ્મની સફળતા પછી તેની સિક્વલ પણ બની જે પણ ખૂબ સફળ અને ચર્ચામાં રહી હતી.

‘ઝીરો’ ફિલ્મ વિશે શાહરૂખનું કહેવું છે કે, ‘આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહ્યો છું અને કરવી જ પડે છે. વધારે આનંદ એ વાતનો છે કે એક નવી ટેક્નોલોજી દ્વારા ફિલ્મ બની રહી છે અને મારી વીએફએક્સ કંપની આ કામ કરી રહી છે. આ ફિલ્મ દ્વારા ભારતમાં એક નવી ટેક્નિકની શરૂઆત થવા જઇ રહી છે. કામ વધારે છે અને અમારી પાસે સમય ઓછો છે. મને એ વાતનો પણ આનંદ છે કે ફરીવાર એક સારી ટીમ સાથે કામ કરી રહ્યો છું.’

કૈટરીના અને અનુષ્કા સાથે ફરી એકવાર શાહરૂખ

‘ઝીરો’ ફિલ્મમાં અનુષ્કા અને કૈટરીના ફરીથી શાહરૂખ સાથે જોવા મળશે. આ પહેલા જબ તક હૈ જાન ફિલ્મમાં બંનેની સાથે તે જોવા મળ્યો હતો. યશ ચોપરાની આ ફિલ્મમાં બંને અભિનેત્રીઓએ પોતાની સારી અભિનય ક્ષમતાનું પ્રદર્શન કર્યુ હતું. જેમાં અનુષ્કા ચુલબુલા પ્રકારના પાત્રમાં હતી અને કૈટરીના એક સિરિયસ રોલમાં હતી. જેમાં શાહરૂખ એક ‘ફૌજી’ તરીકે જોવા મળ્યો હતો. અનુષ્કા આ પહેલા ‘રબ ને બના દી જોડી’માં અને ‘હૈરી મેટ સેજલ’માં શાહરૂખની સાથે જોવા મળી હતી. ‘રબને બનાદી જોડી’ ફિલ્મે ખૂબ લોકપ્રિયતા મેળવી હતી અને તે અનુષ્કાની ડેબ્યુ ફિલ્મ હતી. અનુષ્કાએ સલમાન ખાન સાથેની ફિલ્મ ‘સુલતાન’માં પણ સારુ પરર્ફોમન્સ આપ્યું હતું. હવે જોવાનું એ છે કે અનુષ્કા આ ફિલ્મમાં પોતાના પાત્રના ક્યા નવા રંગને દર્શકો સમક્ષ લાવશે. ‘ટાઇગર ઝીંદા હૈ’ની સફળતા પછી ફરીથી કૈટરીના કૈફની ડિમાન્ડ વધી ગઇ છે. જેમાં કૈટરીનાની એક્શનની ખૂબ ચર્ચા થઇ રહી છે. ‘ઝીરો’ ફિલ્મમાં કૈટરીના કેવા પાત્રમાં જોવા મળે છે તે તો સમય બતાવશે પણ શાહરૂખ સાથે તેમની જોડી જામશે તે જરૂરથી કહી શકાય.

Loading

Spread the love

Leave a Comment