દેવેન ભોજાનીને દરેક ગુજરાતી ઓળખે જ છે. માલગુડી ડેય્ઝના એક એપિસોડ દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરનાર દેવેન ભોજાની એનેક સિરિયલો અને ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે. તેમણે ઘણી લોકપ્રિય સિરિયલો કરી છે, જેમાં ખિચડી દરેકને યાદ હશે. બા, બહુ ઔર બેબી, સારાભાઇ વર્સીસ સારાભાઇ, એક મહલ હો સપનો કા, ઓફિસ ઓફિસ, મિસિસ તેંડુલકર જેવી અત્યારસુધી આવી રહેલી કોમેડી સિરિયલોમાં તે જોવા મળ્યા જ છે. અત્યાર સુધી એક એક્ટર તરીકે રહ્યા બાદ હવે પહેલીવાર ડીરેક્ટર તરીકે ફિલ્મ કમાન્ડો 2 દ્વારા બોલિવૂડમાં પોતાની નવી ઇમેજ બનાવવાનો પ્રયત્ન તેઓ કરવા જઇ રહ્યા છે. દેવેન ભોજાણી સાથે થયેલી રૂબરૂ વાતચિત.

પહેલી ફિલ્મ ડિરેક્ટર તરીકે કમાન્ડો 2 ના અનુભવ વિશે કઇક કહો.

એક્શનની સાથે આ એક સરસ વાર્તા લઇને આવી રહી છે. કાળા નાણાનો વિષય લીધો છે. દર્શકો છેલ્લે સુધી સીટ પરથી ઊભા નહીં થાય તેવું હું ચોક્કસ કહી શકું એમ છું. ફિલ્મમાં અદાનું પાત્ર હૈદરબાદનું છે. તે કરપ્ટ કોપ તરીકેનું છે. ફિલ્મમાં સસપેન્સની સાથે સાથે એક્શન છે અને સાથે હ્યુમર, રોમાન્સની સાથે એક કમ્પલીટ પેકેજ દર્શકોને  મળશે.

વિપુલ શાહ સાથેનો કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

મારી એક કોમેડિયન તરીકેની ઇમેજ રહેલી છે. ટેલિવિઝનમાં કે ફિલ્મોમાં મને કોમેડી રોલમાં જ લોકોએ જોયો છે. ઘણા ઓછા લોકો જાણે છે કે હું ટેલિવિઝનમાં છેલ્લા બાર-પંદર વર્ષથી ડિરેક્શન પણ કરી રહ્યો છું. ડિરેક્શનમાં મેં અલગ અલગ જોનર કર્યા છે. જેમાં લવ સ્ટોરી, ફેમીલી ડ્રામા, એક્શન ડ્રામા પણ હતા. એક્શન મારા માટે સાવ નવું જોનર નથી. નવું ફક્ત મારા માટે એ હતું કે ટેલિવિઝનના ડિરેક્શનમાંથી ફિલ્મોની દુનિયામાં આવવું. હું અને વિપુલ ખૂબ જૂના મિત્રો છીએ અને મારામાં કેટલી કાબેલિયત છે, તે મારા કરતા વધારે જાણે છે. તેથી તેણએ મારામાં વિશ્વાસ રાખીને જવાબદારી સોંપી.

કમાન્ડો 2માં ડીરેક્ટર તરીકે ક્યો સીન સૌથી મુશ્કેલ રહ્યો હતો.

ટ્રેલરમાં એક બારીમાંથી વિદ્યુત જાય છે. તેની વાત કરીશ. હું અને ટીમ જ્યારે લોકેશન શોધી રહી હતી ત્યારે આ બારી જોઇ તો તે ખૂબ જ નાની હતી. મને થયું કે આ બારીના બદલે સેટ તૈયાર કરી લઇએ. પહેલી ફિલ્મ કમાન્ડોમાં વિદ્યુત જે રીતે ગાડીની બારીમાંથી બહાર નીકળે છે, તે સ્ટંટને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. મને લાગ્યું કે આવું જ કંઇક આ ફિલ્મમાં પણ ફરીથી થવું જોઇએ. વિદ્યુતે કહ્યું કે આપણે તેનાથી પણ વધારે સારું કરીયે અને તેનાથી પણ ઓછી જગ્યામાંથી બહાર નીકળવાનો સ્ટંટ કરીએ. તેણે આ સીન માટે બેથી ત્રણ મહિનાનું રીહર્સલ કર્યું. જ્યારે અમે લોકોશન માટે બેંગકોક ગયા તો બીજી બધી જગ્યાઓ ફાઇનલ થઇ ગઇ પણ જે બારીની વાત હતી તે ખૂબ જ નાની હતી. જેની આરપાર નીકળવું અસંભવ હતું. વિદ્યુતની પર્સનાલીટી અને હાઇટબોડીને ધ્યાનમાં રાખીને તેના માટે શક્ય નહીં બને તેવું લાગતું હતું. અમે એવું વિચારી રહ્યા હતા કે એક ખોટી દિવાલ ઊભી કરી દઇશું અને વિદ્યુતે જે સાઇઝની બારીમાંથી નીકળવાનું રીહર્સલ કર્યું છે, તે સાઇઝની બારી બનાવી દઇશું. આ વાત વિદ્યુતે સાંભળી. તેણે કહ્યું કે મને તે બારી દેખાડો. બે દિવસ પછી ત્યાં શૂટીંગ હતું અને તેણે કહ્યું કે બે દિવસમાં હું વધારે પ્રેક્ટીશ કરી લઇશ. બે દિવસ તેણે ખૂબ પ્રેક્ટીશ કરી અને શૂટીંગના દિવસે બારીની આરપાર નીકળવાનું તેણે એક જ શોટમાં પતાવી દીધું.

બોડી ડબ્લસ વિના હિરો શૂટ કરતો હોય ત્યારે ડિરેક્ટર તરીકે કેટલું મુશ્કેલ બની જાય છે.

ખૂબ જ મુશ્કેલ હોય છે. પોતાના જીવને જોખમમાં મૂકીને કોઇ કામ કરે ત્યારે થોડો ડર રહેતો હોય છે. ગમે ત્યારે કંઇપણ થઇ શકે છે. જોકે વિદ્યુતની એક ખાસિયત છે કે તે ખૂબ જ સમજી વિચારીને એક્શન અને સીનના શોટ કરે છે. સાથે જ પ્રોડ્યુસર તરીકે વિપુલ સેટ પર ખૂબ સાવધાની રાખે છે. સેટ પર ડોક્ટર્સ, એમ્બ્યુલન્સ રહેતા હોય છે. તે ઉપરાંત સેફ્ટી માટે પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે, જેનાથી એક લિસોટો પણ શરીર પર ન પડે અને સાથે જ સખત મહેનત અને સતત પ્રેક્ટિશ રહેતી હોય છે.

 મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment