ભારત દેશમાં સાડી સૌથી લોકપ્રિય રહેલી છે. ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મોટભાગની મહિલાઓ ઘણીવાર સાડીને પોશાક તરીકે ધારણ કરે છે. જોકે સાડીનું સૌથી વધારેનું આકર્ષણ તેના બ્લાઉઝ અને તેની ડિઝાઇન પર રહેલું છે. જે રીતે વસ્ત્રો પહેરીયે છીએ તેમાં વૈવિધ્ય દેખાય છે તેમ જ સાડી સાથે બ્લાઉઝમાં તે વિવિધતાને તમે સ્પષ્ટ રીતે અપનાવી શકો છો.
ફેશન અને સમય બંને હંમેશા બદલાતા જ રહે છે, તેથી સાડીની સાથે બ્લાઉઝની ફેશનમાં પણ ઘણો ફેરફાર અને આકર્ષણ જોવા મળી રહ્યું છે. આપણે જૂદી જૂદી 26 રીતે સાડી પહેરી શકીયે છીએ, જેમાં સાડીને સંપૂર્ણ બનાવનારા બ્લાઉઝની કટ ફેશનમાં દર વર્ષે નવીનતા જોવા મળે છે.
સમય પ્રમાણેની માંગ
હવે યુવતીઓને ફેશનમાં વધારે ખુલ્લા બ્લાઉઝની ડિઝાઇન પસંદ નથી. હાલમાં ટ્રેન્ડ પ્રમાણે ગળા પરની નેકલાઇનમાં અને પીઠના ભાગની ડિઝાઇનમાં વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. પીઠ પર ઊંચી હોય તેવી કટમાં હવે ‘યુ’ કે ‘વી’ આકાર મૂકવો કે લો કટમાં ‘યુ’ કે ‘વી’ શેઇપ રાખવો સામાન્ય બની રહ્યું છે. શરીરનો આગળનો અને પાછળનો ઉપર તરફનો ભાગ વધારે પ્રમાણમાં ઠંકાયેલો રહે તેવી હાલની ફેશન છે. જોકે પીઠના ભાગમાં ઉપરની તરફથી બ્લાઉઝને બંધ કરીને વચ્ચેના ભાગમાં ડિઝાઇનર કટ આપવામાં આવે છે.
સિરિયલોમાં લોકપ્રિય ફેશન
હાલમાં સિરિયલોમાં પહેરાતા કલાકારો દ્વારાના બ્લાઉઝની ફેશન ખૂબ જ પ્રચલિત છે. તેમાં પણ સ્ટાર પ્લસની સિરિયલ ‘યે હૈ મહોબ્બતે’ની બે એક્ટ્રેસ દિવ્યંકા ત્રિપાઠી અને અનિતા હસનંદાનીની સાડી પરના બ્લાઉઝની ફેશને તો ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. અનિતા મોટાભાગે લોન્ગ સિલ્વ, સાઇડ સિલ્વ, કટ સ્લિવ, ફ્રિલ સ્લિવ, વન સાઇડેડ કેપ સ્લિવ અને વન સાઇડેડ સ્લિવલેસ જેવી અનેક પેટર્ન પહેરતી જોવા મળે છે. જ્યારે દિવ્યંકા બંધ ગળાના વર્કવાળા બ્લાઉઝ સાથે જોવા મળે છે. તો કલર્સ ચેનલ પરની સિરિયલ ‘સિલસિલા બદલતે રીશ્તો કા’માં દ્રષ્ટિ ધામીની સાડી અને બ્લાઉઝની પેટર્ન પણ ખૂબ આકર્ષણ ઊભુ કરી રહી છે. તે બ્લાઉઝની પેટર્નમાં અવનવા પ્રયોગો કરે છે. જેમાં રફલ સ્લિવ, પફ્ડ સિલ્વ, શર્ટ કોલર સ્ટાઇલ પેટર્ન, બેલ સ્લિવ જેવી અનેક પેટર્ન જોવા મળે છે. લોકો સિરિયલોમાંથી સાડી, ડ્રેસીસ કે ઘરેણાને લઇને કે કોઇપણ પ્રકારના મેકઅપથી વધારે અને જલદી આકર્ષિત થતા હોય છે. જેના કારણે આ બધી પેટર્ન હવે યુવતીઓ અને મહિલાઓ પણ ઝડપી અપનાવી રહી છે.
બ્લાઉઝની નવી પેટર્ન – સ્ટાઇલ
જોકે હાલમાં તો અન્ય કેટલીક પેટર્નના બ્લાઉઝીસ પણ વધારે લોકપ્રિય બની રહ્યા છે. જેમકે જેકેટ બ્લાઉઝ, જેમાં જેકેટ સ્ટાઇલનું મટીરીયલ પ્રિન્ટેડ હોય છે અને તેને કોન્ટ્રાસ્ટ કલરની સાડી સાથે પહેરવામાં આવે છે. પેપલમ સ્ટાઇલ બ્લાઉઝ મોટાભાગે પ્રસંગોમાં ખાસ પહેરવામાં આવે છે. તેના પર કરવામાં આવતી ફ્લોરલ એમ્બ્રોડરી પણ ખાસ મહત્વની છે. સિમ્પલ બોર્ડરવાળી સિલ્કની સાડી સાથે તેને પહેરી શકો છો. હાલમાં બેલ સ્લિવની પણ ફેશન ખૂબ જોવા મળી રહી છે. બ્રોકેડના ક્લોથમાંથી તે ખૂબ સુંદર રીતે ડિઝાઇ થઇ શકે છે અને તેને કોઇપણ ડિઝાઇનર સાડી સાથે પહેરી શકો છો. ઉપરાંત ઓફ શોલ્ડર બ્લાઉઝ પણ લોકપ્રિય છે, જેમાં નેટની સાડી કે જ્યોર્જટની સાડી, શિફોનની સાડી સાથે બ્લાઉઝની આ પેટર્નને વધારે પસંદ કરવામાં આવે છે. ફેશનની દુનિયામાં કેપ બ્લાઉઝની પેટર્ન પણ પાર્ટીઝ સાડી સાથે પહેરવામાં વધારે લોકપ્રિય છે. જે સિલ્કની સાડી સાથે વધારે પહેરવામાં આવે છે. આ સિવાય અનેક સ્ટાઇલ છે, જેમાં હાઇ રફલ બ્લાઉઝ, શર્ટ બ્લાઉઝ, હેવી રફલ બ્લાઉઝ, સિક્વન્સ કટ આઉટ બ્લાઉઝ, શીર નેક રફલ બ્લાઉઝ, ક્રિઝ ક્રોસ નેક સાડી બ્લાઉઝ, જેકેટ બ્લાઉઝ વગેરે છે.
હવે મોટાભાગના બ્લાઉઝમાં નેકલાઇન પણ રાખવામાં આવે છે, જેના કારણે ફિટીંગ વ્યવસ્થિત જળવાઇ રહે છે. જોકે એમ્બ્રોડરી કરેલી, ઝરી-ભરતકામવાળી અને આભલા મૂકેલા બ્લાઉઝની ફેશન વર્ષોથી લોકપ્રિય છે. શુભ પ્રસંગોમાં પોણીયા બાંયના બ્લાઉઝમાં સાડી પહેર્યા પછી આગળનો ભાગ ઢંકાયેલો રહે છે, તેથી પીઠના ભાગમાં વિવિધ પેટર્ન કરાવવામાં આવે છે. દોરી, કટ પ્લેટ વગેરે જોવા મળે છે. ફ્રેન્ચ વર્ક, બીડ, વર્ક ક્રોસ સ્ટીચ, પેચ વર્ક વગેરે પણ ડિઝાઇનમાં આકર્ષણ ઊભુ કરે છે. દરેક યુવતીઓએ તેના રંગ, શરીર, સાડીનો પ્રકાર અને પ્રસંગને ધ્યાનમાં રાખીને બ્લાઉઝની ડિઝાઇનની પસંદગી કરવી જોઇએ.