વલસાડથી અમદાવાદ આવવા માટે રાણકપુર એક્સપ્રેસમાં હું ચડી. ટી.સીને જગ્યા માટે ભલામણ કરી ત્યારે તેણે મને એસ-9 માં 11 નંબર પાસે જવા માટે કહ્યું કારણકે ત્યાં એક વ્યક્તિ ભરૂચ ઉતરવાની હતી. કહેલી જગ્યાએ પહોંચતા થોડીવાર ઊભી રહી તે દરમિયાન ત્યાં બેઠેલા એક મહિલાએ મને બેસવા માટે કહ્યું. તેમની સામે સ્મિત કરી હું તેમની બાજુમાં બેસી ગઇ. સામાન્ય પરીચયથી વાતચિતની શરૂઆત થઇ અને તે સુરતની એક પ્રતિષ્ઠિત શાળામાં શિક્ષિકા હોવાનું જાણવા મળ્યું. વાતચિતનો દોર ચાલ્યો અને થોડા સમયના સાથની મુલાકાત મિત્રતામાં ફેરવાઇ અને તેમણે પોતાના જીવનની કેટલીક વ્યથાને ટૂંકમાં રજૂ કરી. જેને હું આપ સમક્ષ ટૂંકમાં જ રજૂ કરી રહી છું.
દિપ્તીબહેનને કોઇપણ કારણ જણાવ્યા વગર તેમના પતિએ છુટાછેડા આપવા જણાવ્યું, પરંતુ આ આઘાતને જીરવી જઈ તેમણે પોતાના દીકરાના ચહેરાને જોઇને જ જીવવાનું નક્કી કરી લીધું.
એક શિક્ષિત કુટુંબમાં અને બ્રાહ્નણ પરિવારમાં જન્મેલા દિપ્તીબહેનને નાનપણથી જ ભણવામાં ખૂબ રસ હતો. પિતા એક શાળામાં શિક્ષક હતા અને માતા ઘરે ટ્યૂશન ક્લાસિસ ચલાવતા હતા. એકમાત્ર સંતાન એવા દિપ્તીબહેન ભણતરની સાથે ઇત્તર પ્રવૃત્તિઓમાં પણ રસ લેતા. દિપ્તીબહેન કહે છે, ‘કોલેજના ત્રીજા વર્ષમાં યોજાયેલા યુવક મહોત્સવમાં મારી મુલાકાત રાજન સાથે થઇ. અમે બંને અલગ કોલેજમાં ભણતા હતા પણ સુરતમાં હતા એટલે મળવું મુશ્કેલ નહોતું. હું આર્ટસ ગ્રેજ્યુએટ થઇ અને મેં એમ.એ જોઇન કર્યું. રાજન પણ એમ.કોમમાં જોડાયો. મને બી.એડ.માં એડમિશન મળી જતાં મેં તે પણ શરૂ કરી દીધું. એ સમય દરમિયાન રાજને સારી નોકરી શોધી લીધી અને મને પણ સારી નોકરી મળી ગઇ.
અમે બંને સેટ થઇ ગયા એટલે મેં મારા ઘરે રાજન સાથેના લગ્નની વાત કરી. રાજન બધી રીતે વ્યવસ્થિત હતો પણ તેની જાતિ સામે મારા ઘરનાને વાંધો હતો. તે પટેલ હતો અને હું બ્રાહ્નણ હતી. ઘરનાના વિરોધ વચ્ચે મેં એની સાથે લગ્ન કરી લીધા. અમે બંને અલગ ભાડેના ઘરમાં રહેવા લાગ્યા. શરૂઆતમાં તો ઘરસંસાર સારો ચાલ્યો પણ એક વર્ષ પછી ધીમે ધીમે મને રાજનનું અસલી સ્વરૂપ દેખાવા લાગ્યું. તે મોડેથી ઘરે આવવા લાગ્યો. હું કારણ પૂછું તો ગમે તેવા જવાબો આપે. ક્યારેક મને મારવા પણ લાગતો. મારા માટે એનું આ સ્વરૂપ નવું હતું. એ સમયમાં હું ગર્ભવતી બની અને એનું મારા તરફનું વર્તન બદલાયું અને મને લાગ્યું કે તેને બાળકની જવાબદારી આવશે એવું ભાન થઇ રહ્યું છે.
મેં થોડા સમય પછી એક દીકરાને જન્મ આપ્યો. મેં મારી નોકરીમાં રજા મૂકી હતી પણ હવે તો બાળકની જવાબદારી હોવાથી મારે શું કરવું એ પ્રશ્ન મોટો હતો. મેં મારા સાસુને સાથે રહેવા માટે કહ્યું તો એના જવાબ રૂપે મારે રાજનનો માર ખાવો પડ્યો. એક દિવસ એણે મને ડિવોર્સ પેપર પર સાઇન કરવા કહ્યું અને હું માનસિક રીતે ભાંગી પડી. મને ક્યારેય સમજાયું નહીં કે એણે મને શા માટે છોડી અને મેં પૂછ્યું પણ નહીં. મારા માતા-પિતાને છોડીને જેના આધારે જીવન જીવવા આવી હતી, તેણે જ મને નિરાધાર બનાવી દીધી.
એનાથી છુટી થઇ ગઇ અને સુરતની જ એક મહિલા સંસ્થામાં રહેવા ચાલી ગઇ. ત્યાંની મહિલાઓએ મારી વાત સાંભળી અને બાળકના ઉછેરની જવાબદારી ઉપાડી લીધી, હું ફરીથી મારી નોકરીમાં જોડાઇ ગઇ. મારા માતા-પિતાને બધી હકીકત ખબર પડતા તેમણે મને પાછી બોલાવી લીધી. હવે હું મારા અને દીકરાના જીવનને આગળ કેમ ધપાવવું એ વિશે વિચારવા લાગી.
મેં એમ.એડ. અને પીએચ.ડી. કર્યું. મારી નોકરી મારા માટે મોટું હથિયાર હતું અને એમાં જ સફળતા મેળવીને આજે હું જીવનમાં આગળ વધી છું અને એક સારી શાળામાં પ્રિન્સપલ તરીકે ફરજ બજાવું છું. જીવનનો ખૂબ લાંબો સમય માતા-પિતાની અને દીકરાને સાથે હસતા રમતા કાપ્યો છે. મારો દીકરો આજે ૨૪ વર્ષનો થઇ ગયો છે અને એમ.બી.એ. કરીને એક સારી કંપનીમાં નોકરી કરી રહ્યો છે. મને એક વાત સમજાઇ છે કે જો હું ભણી ન હોત તો કદાચ મેં આટલી હિંમત ના કરી હોત. જીવનમાં ભણતર જ દરેક જગ્યાએ કામ લાગે છે એ હું દરેકને કહું છું અને મારા દીકરાને પણ સમજાવું છું. જો જીવનમાં ભણતર હશે તો તમે ક્યારેય પોતાને નિરાધાર ફિલ નહીં કરો. વ્યક્તિનો નહીં પણ તમારી પોતાની આવડત તમારી સાથે રહેશે અને તમને મદદરૂપ બનશે.
( સત્યઘટના પર આધારીત હોવાથી પાત્રના નામ બદલ્યા છે. )
મેધા પંડ્યા ભટ્ટ