પત્રકાર સમાજનો સાચો અરીસો છે અને તેમાં એવા મહિલા પત્રકારોમાં કેટલાક જાણીતા નામ છે, જે સચોટ કાર્ય કરીને વાચકો સુધી સાચી વિગતોને લઇને આવ્યા છે. લોકપ્રિય થયા છે અને આજેપણ પોતાના કાર્ય દ્વારા લોકો સમક્ષ હકીકતોને ઉજાગર કરી રહ્યા છે. મહિલા દિનના ખાસ અવસર પર આજે કેટલીક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મહિલા પત્રકારો વિશે જણાવીશ કે જેમણે પોતાના કાર્યમાં ઉત્તમ કરીને દેખાડ્યું છે.

 1. બરખા દત્ત

ભારતમાં અત્યંત પ્રભાવશાળી અને પ્રેરણાત્મક ગણાય એવા પત્રકારોમાં બરખા દત્ત આજની તારીખે પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. 2008 માં, 2004 ની સુનામીના કવરેજ માટે, તેઓ એવી મહિલા પત્રકારોમાંનાં એક છે, જેનું નામ `રાડિયા ટેપ્સ કોન્ટ્રોવર્સી’માં સંડોવાયું હતું. ભારતીય ટેલિવિઝન જર્નાલિસ્ટ અને લેખિકા બરખા દત્તે 21 વર્ષ સુધી `એનડીટીવી’ની ટીમ સાથે કામ કર્યું છે. તેમણે જાન્યુઆરી, 2017માં આ ચેનલ છોડી. `એનડીટીવી’ ચેનલમાં બરખા દત્ત `વી ધ પીપલ’ તેમ જ દૈનિક પ્રાઇમ ટાઇમ શો `ધ બક સ્ટોપ્સ હીયર’ નામના એવોર્ડ વિજેતા એવા ટોક-શોનું હોસ્ટિંગ કરતાં હતાં. 1999માં જ્યારે કારગિલ યુદ્ધ છેડાયું ત્યારે બરખા દત્ત ફ્રન્ટ-લાઇન પર આપણા ભારતીય જવાનો સાથે જઇને યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ આપનારાં પ્રથમ ભારતીય મહિલા પત્રકાર હતાં. તેમણે ભારતીય ટેલિવિઝન પર બે અત્યંત લોકપ્રિય શો `વી ધ પીપલ’ અને `ધ બક સ્ટોપ્સ હીયર’ દ્વારા મેળવેલી લોકપ્રિયતા ઉપરાંત, અનેક પદવી અને એવોર્ડ્ઝ મેળવ્યાં છે. મનમોહન સિંહની અધ્યક્ષતા હેઠળની સરકાર દ્વારા દત્તને પદ્મ શ્રી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનોનું રીપોર્ટિંગ કરતી વખતે બરખાએ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઇડલાઇન્સની મર્યાદા તોડીને પોતાના અહેવાલમાં `હુમલાખોરો’ અને `ભોગ બનનારાઓ’ને ટેલિવિઝન પર `હિંદુઓ’ અને `મુસ્લિમો’ તરીકે ઓળખ આપી. અલબત્ત, એમનાં કેટલાક કાર્યો બદલ એમને નકારાત્મક પ્રતિભાવ પણ મળ્યો અને ખૂબ ટીકા પણ થઇ. 2008માં મુંબઇમાં થયેલા હુમલા વખતે બરખાએ એ ઘટનાઓની સંવેદનશીલતાને ઝકઝોરી નાખે એ રીતે કેટલાય લોકોનાં જીવ જોખમમાં મૂકીને હોટલમાં રહેલા લોકોને લાઇવ ટેલિવિઝન પર ઓળખ દ્વારા મૃત્યુના કારણ દર્શાવ્યા હતા. 2011માં બ્રિટા ઓમે લખ્યું હતું કે બરખાની કટ્ટર બિનસાંપ્રદાયિકતા વિશે ખૂબ ટીકા થઇ હતી, કાશ્મીરી પંડિતોનો વિશ્વાસઘાત કરવાને કારણે, કારગિલ મતભેદના રીપોર્ટિંગમાં ઉપરછલ્લો રાષ્ટ્રવાદ અને હિંદુત્વ પ્રત્યે નરમાશ દાખવવાને લીધે ખૂબ ટીકા થઇ હતી. `એનડીટીવી’ અને બરખા દત્તે કારગિલ યુદ્ધના અહેવાલને `કટ માય ટીથ રીપોર્ટિંગ ધ કારગિલ વોર’ ગણાવ્યાં હતાં. પોતે કારગિલ સુધી જઇ આવ્યાં તેનું શ્રેય બરખા દત્ત દરેક ભારતીયને આપે છે.

 1. શીલા ભટ્ટ

વરિષ્ઠ મહિલા પત્રકાર શીલા ભટ્ટ નેશનલ એડિટર તરીકે `ઇન્ડિયન એક્સપ્રેસ’માં જોડાયાં હતાં. કોઇ પ્રકારનો ખોટો દંભ નહીં, માત્ર સખત મહેનત અને શુદ્ધ પત્રકારત્વ સાથે શીલા ભટ્ટ છેલ્લા ત્રણ દાયકાથી પ્રિન્ટ, ટીવી અને ઇન્ટરનેટ વગેરે માધ્યમનો અનુભવ ધરાવે છે. તેમણે `સ્ટાર’ અને `ઇન્ડિયા ટુડે’ જેવી સંસ્થાઓ સાથે પણ કામ કર્યું છે.

માત્ર ઓગણીસ વર્ષની વયે રીપોર્ટિંગ કરવાની શરૂઆત કરનાર શીલા ભટ્ટ મુખ્યત્વે ભારતીય સમાજના હાંસિયામાં ધકેલાઇ ગયેલા મુદ્દાઓ પર `રેડિફ.કોમ’ અને `ઇન્ડિયા એબ્રોડ’ પર લખે છે, જેના તેઓ હાલમાં ન્યૂઝના સીનિયર ઇડિટોરિયલ ડિરેક્ટર છે. તેમણે ગુજરાતી સાપ્તાહિક `અભિયાન’ની સ્થાપના કરી, તેનું એડિટિંગ અને પબ્લિશિંગનું કામ સંભાળ્યું. તે પછી તેમણે `ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી એડિશન પણ લોંચ કરી અને તેમાં ચાર વર્ષ સુધી સીનિયર એડિટર તરીકે કામ કર્યું. છેલ્લે `સ્ટાર ટીવી’નાં એડિટર તરીકે તેઓ `સ્ટાર ન્યૂઝ’ના કન્ટેન્ટનું સુપરવિઝન કરતાં અને કેટલાક લોકપ્રિય સાપ્તાહિક પ્રોગ્રામ્સનું પ્રોડક્શનનું કામ પણ કરતાં હતાં. શીલા ભટ્ટને વર્ષ 1993માં `ચમેલી દેવી જૈન એવોર્ડ’ મળ્યો છે, જેને તેમણે મણિમાલા અને અલકા રઘુવંશી સાથે શેર કર્યો.

 1. શીલા રાવલ

ઇન્વેસ્ટિગેટિવ ક્રાઇમ જર્નલિઝમનું નામ આવે ત્યારે મહિલા પત્રકારોનું નામ ઘણું ઓછું સાંભળવા મળે, પરંતુ તેમાં પણ ભારતની પ્રથમ મહિલા પત્રકાર શીલા રાવલનું નામ અગ્રક્રમે છે. શીલા એકમાત્ર એવાં મહિલા પત્રકાર છે, જેમણે ભારતના અંડરવર્લ્ડના તમામ મુખ્ય માફિયા બોસીસ દાઉદ ઇબ્રાહિમ, છોટા રાજન, છોટા શકીલ, ઇકબાલ મિર્ચી, અબુ સાલેમ અને અરૂણ ગવળી સાથે વાત કરી છે. એ એવાં પ્રથમ ભારતીય પત્રકાર છે, જેમણે વિશ્વના ભયાનક આતંકવાદી અને 26-11 મુંબઇના હુમલામાં દોષી ડેવિડ કોલ્મન હેડલીની પત્ની ફૈઝા ઉતાલાહનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. ત્રણ દાયકાની પોતાની કરિયરમાં શીલા રાવલે 2000ની સાલમાં બેંગકોકમાં ક્રૂરતાપૂર્વક થયેલા હુમલાનો ભોગ બનેલા છોટા રાજનના ન્યૂઝ સૌપ્રથમ આપ્યાં હતાં, દાઉદ ઇબ્રાહિમની દીકરીના લગ્નમાં દુબઇમાં હાજરી આપી હતી અને એ સૌપ્રથમ વ્યક્તિ છે, જેણે કુખ્યાત ગેંગસ્ટર અબુ સાલેમની ધરપકડ અને તેની સોંપણી પછી તેની પત્ની સમીરા જુમાનીનો ઇન્ટરવ્યુ લીધો હતો. હાલમાં એ દિલ્હીમાં `એબીપી ન્યૂઝ’માં ઇન્વેસ્ટિગેશન એડિટર તરીકે કાર્યરત છે. તેમણે `ઇન્ડિયા ટુડે’, `ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’, `ફેમિના’ અને `ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઓફ ઇન્ડિયા’માં પણ લેખ લખ્યાં છે. આ ઉપરાંત, તેમણે વિવિધ પ્રાદેશિક ભાષામાં પ્રકાશિત થતાં દૈનિક, સાપ્તાહિક અને પાક્ષિક જેવાં કે, `ગુજરાત સમાચાર’, `ચિત્રલેખા’, `અભિયાન’, `ભાસ્કર’, `અમર ઉજાલા’, `મહાનગર’ અને `મહારાષ્ટ્ર ટાઇમ્સ’ સાથે પણ કામ કર્યું છે.

 1. ચિત્રા સુબ્રમણ્યમ ડ્યુએલા

ભારતીય પત્રકાર ચિત્રા સુબ્રમણ્યમને ભારતભરમાં `બોફોર્સ-ઇન્ડિયા હોવિત્ઝર ડીલ’ (બોફોર્સ કૌભાંડ)ના ઇન્વેસ્ટિગેશન કરવા માટે આગવી ઓળખ મળી. બોફોર્સ કૌંભાંડ માટે માનવામાં આવે છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 1989ની ચૂંટણીમાં હરાવવાનું મોટું યોગદાન હતું. ચિત્રા `ધ ન્યૂઝ મિનિટ’ – ઓનલાઇન ન્યૂઝ વેબસાઇટના કો-ફાઉન્ડર અને મેનેજિંગ એડિટર પણ છે. તે `રીપબ્લિક ટીવી’ના અર્નબ ગોસ્વામીના એડિટોરિયલ એડવાઇઝર પણ છે. તેમના કાર્ય માટે તેમને કેટલાક એવોર્ડ્ઝ પણ પ્રાપ્ત થયાં છે, જેમાં પત્રકારત્વમાં સૌથી વધારે મહત્વ ધરાવતા `બી.ડી. ગોએન્કા એવોર્ડ’ અને `ચમેલી દેવી એવોર્ડ’નો સમાવેશ થાય છે.

 1. શ્વેતા સિંઘ

`આજ તક’ ન્યૂઝ ચેનલના ચહેરા તરીકે શ્વેતા સિંઘનું નામ ખૂબ જાણીતું છે. એ સ્પોર્ટ્સ જર્નલિઝમ માટે જાણીતા છે. શ્વેતાએ ન્યૂઝ એન્કર તરીકેના એના નોંધનીય કાર્ય માટે અનેક એવોર્ડ્ઝ અને આગવી ઓળખ પ્રાપ્ત કર્યાં છે. એને ભારતમાં સૌથી વધુ પ્રેરણાત્મક મહિલા પત્રકારી ગણવામાં આવે છે. શ્વેતાએ પોતાની કરિયરની શરૂઆત પટના યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશનનું પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવા દરમિયાન જ કરી હતી. 1998માં ઇલેક્ટ્રોનિક મીડિયામાં પદાર્પણ કરતાં પહેલાં શ્વેતાનું નામ અનેક વાર `ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’, `પટના’ અને `હિંદુસ્તાન ટાઇમ્સ’ના આર્ટિકલ્સમાં વાંચવા મળ્યું છે. એણે 2002માં `આજ તક’ ન્યૂઝ ચેનલમાં જોડાતાં પહેલાં `ઝી ન્યૂઝ’ અને `સહારા’ ચેનલ માટે પણ કામ કર્યું છે. સ્પોર્ટ્સ સંબંધિત સમાચારોને આવરી લેવાની નિપુણતા માટે શ્વેતા પ્રખ્યાત છે. એના શો `સૌરવ કા સિક્સર’ને સ્પોર્ટ્સ જર્નલિઝમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SJFI) દ્વારા 2005માં બેસ્ટ સ્પોર્ટ્સ પ્રોગ્રામ માટેનો એવોર્ડ પણ મળ્યો હતો. તે ઉપરાંત ENBA એવોર્ડ – બેસ્ટ પ્રોડ્યુસર 2013, ENBA બેસ્ટ બિઝનેસ શો, NT એવોર્ડ બેસ્ટ એન્કર, બેસ્ટ ટોક શો પણ મેળવ્યા છે.

 1. શીરિન ભાન

ભારતીય પત્રકાર અને ન્યૂઝ એન્કરમાં એક જાણીતું નામ શીરિન ભાનનું પણ છે. એ `સીએનબીસી-ટીવી18’ના મેનેજિંગ એડિટર છે. શીરિન ભાનને પંદર વર્ષનો અનુભવ છે, જેમાંથી ચૌદ વર્ષ તો એમણે કોર્પોરેટ ટ્રેકિંગમાં, પોલિસી ન્યૂઝ અને ઇવેન્ટ્સ કવર કર્યાં છે, જે ભારતમાં વ્યવસાયની વ્યાપકતાને વર્ણવે છે. શીરિને પોતાની કરિયરની શરૂઆત કરણ થાપરના પ્રોડક્શન હાઉસ ઇન્ફોટેનમેન્ટ ટેલિવિઝન માટે ન્યૂઝ-રીસર્ચર તરીકે કરી હતી. એણે કેટલાક શો જેવા કે `યંગ ટર્ક્સ’, `ઇન્ડિયા બિઝનેસ અવર’, `ધ નેશન્સ બિઝનેસ’ અને `પાવર ટર્ક્સ’ જેવા કેટલાક લોકપ્રિય શો પ્રોડ્યુસ અને એન્કર કર્યાં છે. એણે `સીએનબીસી-ટીવી18’ના ગ્રાઉન્ડ ઇવેન્ટ્સ જેવા કે મેનેજિંગ ઇન્ડિયા બ્રેઇનસ્ટોર્મ અને સીએનબીસી ઇન્ડસ્ટ્રી વેક્ટર્સનું એન્કરિંગ પણ કર્યું છે. એને 2005માં FICCI વુમન ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. મહિલા મેગેઝિન ફેમિનાએ પોતાના સપ્ટેમ્બર 2005ના અંકમાં શ્વેતાનો સમાવેશ 20 બ્યૂટીફૂલ ફેસીસ ઓફ ધ યરમાં કર્યો હતો. ડિસેમ્બર 2008ના વેર્વે મેગેઝિનના અંકના કવર પર પણ શીરિન ચમકી ચૂકી છે. વોગના ઓક્ટોબર 2008ના અંકમાં શીરિને 50 મોસ્ટ બ્યૂટીફૂલ વીમનમાં પણ સ્થાન મેળવ્યું છે. જ્યારે 2009માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા શીરિનને 2009ના યંગ ગ્લોબલ લીડર્સમાંની એક તરીકે ઓળખાવવામાં આવી છે.

 1. ગૌરી લંકેશ

ગૌરી લંકેશ પત્રકાર હોવાની સાથોસાથ જમણેરી પક્ષ હિંદુત્વ રાજકારણનાં વિવેચક અને એક્ટિવિસ્ટ હતાં. તેઓ પોતાના પિતાએ કન્નડમાં શરૂ કરેલાં દૈનિક `લંકેશ પત્રિકા’નાં એડિટર હતાં. તેમણે પોતાનું અલગ સાપ્તાહિક `ગૌરી લંકેશ પત્રિકા’ પણ શરૂ કર્યું હતું. તેઓ ભારતીય સમાજના અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ સામે અવાજ ઉઠાવતાં હતાં અને આના જ પરિણામે 2017ના સપ્ટેમ્બરની પાંચમી તારીખની રાત્રે બેંગ્લોરમાં તેમના જ ઘરની બહાર ગોળી મારી દેવામાં આવતાં તેમનું દુઃખદ અવસાન થયું. ભારતીય જર્નલિઝમ અને ભારતીય સમાજમાં તેમનું યોગદાન ઉચ્ચતમ હતું અને તે સદાય યાદ રહેશે. તેમણે ભારતીય સમાજ અને રાજકારણને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રામાણિકતાપૂર્વક કામ કર્યું એ જ તેમનો એવોર્ડ હોવા ઉપરાંત, તેમનો રીવોર્ડ અને સિદ્ધિ છે.

 

ભારતનાં પ્રથમ ચાર મહિલા પત્રકારો

અંગ્રેજોના શાસનકાળ દરમિયાન અનેક યુવા મહિલા ક્રાંતિકારીઓએ આઝાદીની ચળવળ દરમિયાન ન્યૂઝલેટર લખવાનું શરૂ કર્યું હતું અને આઝાદ ભારતની પ્રારંભિક મહિલા પત્રકારોમાં કેટલીક મહિલાઓએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આજે તમારી સમક્ષ સ્વતંત્ર ભારતની પ્રથમ એવી ચાર મહિલા પત્રકારો વિશે જણાવીએ છીએ.

 1. વિદ્યા મુન્શી

ભારતની પ્રથમ મહિલા પત્રકાર તરીકે વિદ્યા મુન્શીનું નામ વિસ્તૃત રીતે લેવાય છે અને તેમણે કેટલાક અખબારો અને મેગેઝિન્સમાં કામ કર્યું હતું. જેમાં દસ વર્ષ સુધી સતત રુસી કરાંજિયાના `બ્લિટ્ઝ’ સાથે તેઓ જોડાયેલાં રહ્યાં હતાં. જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટી ભારતમાં હજી ગેરકાયદેસર ગણાતી હતી. તેઓ 1942માં ગ્રેટ બ્રિટનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયાં હતા. તેમણે અનેક મહત્વની ઘટનાઓ વિશે લખ્યું હતું. જેનાથી એ દિવસોમાં પણ રાષ્ટ્રીય સ્તર પર તેમની નોંધ લેવામાં આવી હતી. આમાં બે કેનેડિયન પાયલોટ્સ જેઓ સુંદરબનમાંથી સોનાની દાણચોરીનો પ્રયત્ન કરતા હતા અને આસનસોલમાં ચિનાકુરી ખીણમાં થયેલી દુર્ઘટનાનો સમાવેશ થાય છે.

 

 

 1. હોમાઇ વ્યારાવાલા

ભારતનાં પ્રથમ મહિલા ફોટો જર્નલિસ્ટ વ્યારાવાલા `ડાલ્ડા 13’ તરીકે વધારે લોકપ્રિયતા ધરાવતા હતા. તેમણે 1930માં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે કેટલાક પ્રખ્યાત ભારતીય રાજકારણીઓના ફોટોઝ લીધા હતા, જેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, મહમ્મદ અલી જિન્નાહ અને ઇન્દિરા ગાંધીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કેટલાક આઇકોનિક ફોટોગ્રાફ્સ પણ લીધા હતા અને તેમના મોટા ભાગના ફોટોગ્રાફ્સ `ડાલ્ડા 13’ ઉપનામ હેઠળ પ્રકાશિત થયા હતા.

 

 

 1. પ્રતિમા પુરી

1965માં દૂરદર્શન દ્વારા પાંચ મિનિટનું ન્યૂઝ બુલેટિન પ્રસારિત કરવાનું શરૂ કર્યું અને પ્રતિમા પુરી ભારતના પ્રધમ ટેલિવિઝન ન્યૂઝ રીડર બન્યાં. તેમની કેટલીક ઉત્કૃષ્ટ કામગીરીમાં યુરી ગગર સ્પેસમાં જનાર પ્રથમ માનવના ઇન્ટરવ્યૂનો સમાવેશ થાય છે. અલબત્ત, તેમના વિશે વધારે જાણવા નથી મળતું પણ એ સમયે પ્રતિમા પુરી એક આઇકોનિક વ્યક્તિ હતાં. જ્યારે કલાકારો અને નૃત્યાંગનાઓને માનની નજરે જોવામાં આવતાં નહોતાં, એવા સમયે પ્રતિમા જેવાં મહિલા ન્યૂઝ રીડરે ભારતની યુવા મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યાં હતાં.

 

 1. દેવયાની ચૌબલ

ભારત જેવા દેશમાં સિનેમા માટે પણ ઘણા લોકો મા શબ્દનો ઉપયોગ કરે છે અને આ ક્ષેત્રમાં પ્રથમ અને સૌથી લોકપ્રિય મહિલા પત્રકાર તરીકે જો કોઇનું નામ લેવાતું હોય તો તે છે, દેવયાની ચૌબલ. ધનાઢ્ય પરિવારમાંથી આવતાં હતા. 1960 અને 1970માં લોકપ્રિય ફિલ્મ મેગેઝિન `સ્ટાર એન્ડ સ્ટાઇલ’માં તેમની દર પખવાડિયે પ્રકાશિત થતી નિયમિત કોલમ `ફ્રેન્કલી સ્પીકિંગ’ દ્વારા, વધારે પ્રખ્યાત અને લોકપ્રિય બન્યા. પોતાના લખાણમાં હિંગ્લિશ (અંગ્રેજી ભાષાની કોલમમાં હિંદી શબ્દપ્રયોગ)નો ઉપયોગ કરનારાં એ પ્રથમ મહિલા પત્રકાર હતાં.

 

Loading

Spread the love

Leave a Comment