બોલિવૂડમાં કંગનાનું નામ હવે ટોચ પર પહોચી ગયું છે. તેની ફિલ્મોના કારણે તેને જે સફળતા મળી તે અવર્ણનીય રહી છે. ફિલ્મ ‘ફેશન’, ‘ક્વીન’ અને ‘તનુ વિડ્સ મનુ રીટર્ન્સ’ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યા છે. હંમેશા પોતાના લુકના કારણે અને દરેક ફિલ્મોમાં પોતાના નવા અવતારના કારણે જાણીતી કંગના ફિલ્મોની સફળતા દ્વારા બોલિવૂડમાં એક અલગ સ્થાન મેળવી ચૂકી છે. હવે તે તેની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા – ધ ક્વીન ઓફ ઝાંસી’ માટે ચર્ચામાં છે. જે રાણી લક્ષ્મીબાઇના જીવન પરની બાયોપિક ફિલ્મ છે. હાલમાં જ તેનું ટ્રેલર લોન્ચ થયું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. બોલિવૂડમાં બોલ્ડ, બબલી અને બિન્દાસ ગણાતી કંગના વિશે જાણીયે.

નાના શહેરની નિડર યુવતી

હિમાચલ પ્રદેશના એક નાના શહેરમાંથી આવેલી કંગનાએ બોલિવૂડમાં પોતાના આપબળે સફળતા મેળવી છે. તે નાના શહેરમાંથી મુંબઇમાં આવી ત્યારે ફક્ત એક જ વાત વિચારતી હતી કે તે પોતાની રીતે આગળ વધે અને તેનું જીવન વ્યવસ્થિત રીતે જીવી શકે. તેના કોઇ ગોડફાધર નથી. આપબળે પોતાનું સ્થાન બોલિવૂડમાં જમાવી રાખવું અને સફળતા મેળવવી તે દરેક માટે મુશ્કેલ છે પણ કંગનાએ પોતાની આવડત દ્વારા સાબિત કરી દેખાડ્યું કે નાના શહેરની યુવતી પણ બોલિવૂડમાં સફળ થઇ શકે છે.

કરિયરનો ગ્રાફ ઉંચો – નીચો

2006માં ‘ગેંગસ્ટર’થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેની એક્ટીંગની નોંધ ત્યારથી જ લેવામાં આવી હતી. ફિલ્મ ‘ફેશન’માં પણ તેને પસંદ કરવામાં આવી, ત્યારબાદ ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ’, ‘તનુ વિડ્સ મનુ’ અને ‘શૂટ આઉટ એટ વડાલા’ તેમજ ‘રાઝ-2’, ‘ ક્રિસ 3’, ‘રજ્જો’, ‘ક્વીન’ અને ‘રિવોલ્વર રાની’, ‘તનુ વિડ્સ મનુ-2’, ‘સિમરન’ જેવી સફળ ફિલ્મોમાં પોતાની એક્ટીંગનો જાદુ પાથર્યો છે. પોતાના કામ અને કરિયરના ગ્રાફને કંગના હજી ઉપર લઇ જવા માગે છે. ‘કાઇટ્સ’, ‘ડબલ ધમાલ’, ‘નો પ્રોબ્લેમ’, ‘રાસ્કલ’ જેવી અનેક ફિલ્મો ફ્લોપ રહી તેનાથી તે ક્યારેય ધરે બેસી નથી રહી. તે પોતાને એક વર્કીંગ લેડી માને છે અને કામને સતત શોધે છે. થોડી ફ્લોપ ફિલ્મો તેના કરિયર પર કોઇ અસર કરતી નથી. કંગના જીવનમાં નિષ્ફળતાને ક્યારેય પોતાના પર હાવી થવા દેતી નથી. જેના કારણે તે આજ સુધી ફિલ્મમાં પોતાની એક અલગ ઇમેજને જાળવીને ચાલી રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેનું ભવિષ્ય ન પણ રહે તો તેની સામે પણ તેને કોઇ તકલીફ નથી. તેના કરિયર કરતા વધારે તેના માટે મન મુજબ જીવન જીવવું વધારે મહત્વનું છે.

મહિલા કેન્દ્રીત ફિલ્મોની સફળ અભિનેત્રી

કંગના પોતાની ફિલ્મોમાં એક અલગ જ ઇમેજ ઊભી કરી દે છે. ‘ક્વીન’ને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી અને ત્યારપછી તે ‘સિમરન’ લઇને આવી. તેને લોકો તેના લુક અને નવા કિરદાર અને બિન્દાસ એક્ટીંગ માટે ખાસ પસંદ કરે છે. પોતાની દરેક ફિલ્મમાં થોડી નટખટ અને બિન્દાસ પાત્રને પસંદ કરનારી કંગના પહેલી એવી હિરોઇન છે, જે દરેક ફિલ્મ દ્વારા તેની નવી જ ઇમેજ ઊભી કરી દે છે. મહિલાકેન્દ્રી ફિલ્મો હવે બોલિવૂડમાં સફળતાનો સ્વાદ ચાખી ચૂકી છે અને વિદ્યા બાલન પછી કંગના તેનું એકમાત્ર ઉદાહરણ છે. મહેશ ભટ્ટ દ્વારા કંગનાને વાઇલ્ડ ફ્લાવરનો ખિતાબ આપવામાં આવ્યો છે.

બિન્દાસ સ્વભાવના કારણે ચર્ચામાં

થોડા સમય પહેલા બોલિવૂડમાં કંગનાના એક ઇન્ટરવ્યૂહ પછી ઘણુ ખરું વાતાવરણ વાઇલ્ડ બનાવી દીધું છે, જેના કારણે ઘણા લોકો તેનાથી દૂર થવા લાગ્યા હતા. જોકે કંગના બિન્દાસ બનીને કહે છે કે ડરી ડરીને જીવવાની તેને આદત નથી. તેના સ્ટેટમેન્ટ પછી તેને કોઇ ફિલ્મમાં કામ આપશે કે નહીં તેની પણ તેને ચિંતા રહેતી નથી. બોલિવૂડના કેટલાક મહારથીઓ સાથે તેણે સંબંધ બગાડી લીધા છે. જોકે તેના માટે કરિયર કરતા પણ વધારે મહત્વનું નીડર બનીને જીવન જીવવાનું છે. હાલમાં કંગના માટે તેની ફિલ્મ મણિકર્ણિકા ખૂબ મહત્વની છે. તે તેનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

મણિકર્ણિકા ફિલ્મની રીલીઝ તારીખોમાં અટવાયેલી

કંગનાએ પોતાની આગામી ફિલ્મ મણિકર્ણિકાના શૂટીંગ દરમિયાન કહ્યું હતું કે, કોઇપણ વ્યક્તિની અંદર દેશભક્તિ હોવી જ જોઇએ. તે રાણી લક્ષ્મીબાઇનું પાત્ર ભજવીને ખૂબ જ ખુશ છે. તે આ ફિલ્મને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ માને છે. કંગનાની આ ફિલ્મ ઘણાબધા કારણોના લીધે ચર્ચામાં રહી છે. તેની વાર્તાને લઇને અનેક વિવાદો પણ થયા અને તથ્યોમાં ફેરફાર કરીને રજૂ કરવાની વાતો પણ ઊડી હતી, જે ઘટના પછીથી ઠંડી પડી ગઇ હતી. આ ફિલ્મ તેની રીલીઝ ડેટના કારણે અટવાયેલી હતી, જે હવે જાન્યુઆરીમાં રીલીઝ થવા જઇ રહી છે. નિર્માતાઓ તેની રીલીઝ ડેટના કારણે પણ પાછળ રહ્યા. તેઓ અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0ની રીલીઝ ડેટની રાહ જોઇ રહ્યા હતા. આ બંને ફિલ્મો ક્લેશ થશે તેવી અફવા પહેલા ઊડી હતી. પહેલા 27 અપ્રેલ અને પછી 15 ઓગષ્ટે આવવાની હતી. આ ફિલ્મ ખૂબ જ મોટા બજેટ પર તૈયાર કરવામાં આવી છે. નિર્માતા પોતે ઇચ્છે છે કે કોઇપણ સુપરસ્ટાર સાથે ક્લેશ ન થાય. તેથી અંતે જાન્યુઆરી 19માં રીલીઝ થવા જઇ રહી છે.

સ્ટાઇલીશ જીવન પસંદ

કંગનાનું હંમેશાથી કહેવું છે કે તેને કોઇ જજ કરે તે માટે તે નથી. તે ખૂબ જ સ્ટાઇલીશ પર્સન છે. તેને ઘરમાં કે બહાર સ્ટાઇલીશ ડ્રેસીંગ કરવું ગમે છે. ફેન્સી ફૂડ ખાવાનું ગમે છે. જો તેને લાગે કે તેનું સલાડ કે ડ્રેસ ફેન્સી નથી તો તે બહાર જઇને મનગમતું સલાડ અને ડ્રેસ ખરીદી લે છે. તે રોજ એક જ કપમાં ચ્હા પણ પીવાનું પસંદ કરતી નથી. તેને તેના જીવનમાં રોજબરોજની દરેક વસ્તુમાં વરાયટી અને સ્ટાઇલ પસંદ છે. કંગનાએ મનાલીમાં એક ખૂબ જ સુંદર ઘર બનાવ્યું છે. તેને ત્યાં રહેવું અને વારંવાર ત્યાં જવું ખૂબ જ પસંદ છે.

સિંગલ છું, સુખી છું

કંગના હંમેશા કહે છે કે, શા માટે લોકો મારા લગ્ન કરાવવા માગે છે, તે જ સમજાતું નથી. હું સિંગલ છું તેનાથી હું ખૂબ જ ખુશ છું. હાલના સમયમાં હું કોઇપણ પ્રકારના રિલેશનશીપમાં જોડાવા માગતી નથી. એક એક્ટ્રેસ તરીકે હું ખૂબ જ બીઝી છું. જોકે કંગના ઋતિક રોશન સાથેના રીલેશનને લઇને ખૂબ વિવાદમાં રહી તે પણ તે સ્વીકારે છે.

કમ્પેરીઝનમાં પડતી નથી

કંગના ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય કોઇ હિરોઇન સાથે પોતાની તુલના કરતી નથી. તે સ્પષ્ટ કહે છે કે, હું નાનપણથી જ બોલ્ડ છું અને દરેક બાબતમાં મારા પોતાના વિચારો અને નિર્ણય હોય છે. મારા વિચારો બધા કરતા અલગ હતા અને છે. લોકો મને જે કહેશે તેનાથી હું ઊલટું જ કરીશ તેવી મારી એકપ્રકારની માનસિકતા છે. એ જ રીતે મેં ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય ધ્યાન આપ્યું નથી. હું ફક્ત મારા કામથી જ કામ રાખું છું. મેં ક્યારેય વિચાર્યું પણ નથી અને ધ્યાન પણ નથી આપ્યું કે કઇ હિરોઇન શું કરી રહી છે, કે કેટલી સફળ છે. હું જે વિચારું છું તે જ કરું છું. તેનું જે પણ પરિણામ આવે તેના માટે હું પોતાને જ જવાબદાર ગણુ છું.

 

 

Loading

Spread the love

Leave a Comment