હાલમાં વિકી કૌશલ પોતાની ફિલ્મોના પાત્રથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. આમ તો ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે પણ તેના કાર્ય અને પાત્રની ખાસ નોંધ ફિલ્મ રાઝીમાં લેવામાં આવી. જેમાં તે આલીયા ભટ્ટના પાકિસ્તાની પતિના પાત્રમાં હતા. ત્યારબાદ ચર્ચામાં રહેલી લસ્ટ સ્ટોરીઝ અને પછી સૌથી વધારે લોકપ્રિયતા તેમને સંજુ ફિલ્મમાં રણબીર કપૂરના ખાસ ગુજરાતી મિત્ર કમલેશના પાત્ર દ્વારા મળી. જોકે વિકીએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ગેંગ ઓફ વાસેપુરમાં આસિસટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. તે પછી અનેક ફિલ્મોમાં કલાકાર તરીકે કામ કર્યા બાદ તેની એક્ટીંગને રમન રાધવનમાં પણ વખાણવામાં આવી. હવે વિકી પોતાની ફિલ્મ મનમર્ઝીયામાં કઇક અલજ અંદાજમાં જોવા મળવાના છે. તો તેમની સાથે થયેલી રૂબરૂ વાતચિતના કેટલાક અંશ.
વિકીની પોતાના જીવનની મરજી શું છે.
મારા જીવનની પહેલી મરજી એક્ટર બનવું હતું તે મેં પૂરી કરી લીધી છે. મને યુ.એસ.એ.થી ઇન્જિનિયરીંગની આગળની સ્ટડી માટેનો લેટર આવ્યો હતો અને તે ફાડીને હું આ ફિલ્ડમાં આવ્યો છું. મેં જીવનમાં મારા દિલે મને જે કહ્યું તે જ સાંભળ્યું છે.
મનમરર્જીયામાં તમારા પાત્ર વિશે જણાવો.
વિકી જ નામ છે મારા પાત્રનું અને તે ડી.જે. છે. એકદમ કેરફ્રી યુવક છે. કંઇપણ કરતા પહેલા વિચારતો નથી. ભૂરાવાળવાળી હેરસ્ટાઇલ અલગ છે. કાનની પાછળ અને હાથ પર બનાવેલા ટેટુ ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે. એકદમ કલરફુલ બોય છે. તે સ્ટ્રોંગ છે. તેનું પાત્ર એવું છે કે તમને સતત તેની તરફ જોડીને રાખશે. તેનામાં લાઇવનેસ વધારે જોવા મળશે. તે અટકતો જ નથી. તેના જીવનમાં તેનો કોઇ ધ્યેય નથી. તે આજમાં જીવે છે. સાથે જ તે કમિટમેન્ટથી ડરે છે. જીવનભર નિભાવવાના સંબંધો અને કામથી તે ડરતો ફરે છે. સ્પષ્ટ રીતે નિર્ણય લઇ શકે તેવો વ્યક્તિ નથી. જે મારા માટે ખૂબ મજાનું રહ્યું. ખૂબ જ દિલફેંક પાત્ર હતું. હું સતત બે મહિના આ પાત્ર સાથે અમૃસરમાં શૂટીંગ દરમિયાન જીવ્યો છું તેથી મારામાં ક્યાંક ને ક્યાંક તે પાત્ર રહી ગયું છે. પહેલા કરતા થોડો વધારે મનમૌજી બની ગયો છું.
આસિસટન્ટ ડિરેક્ટરમાંથી એક્ટીંગમાં કઇ રીતે આવવાનું થયું.
ખરેખર તો હું એક્ટીંગ કરવા માટે જ આવ્યો હતો. તે પહેલા હું પડદા પાછળની દુનિયા વિશે જોવા અને જાણવા તેમજ સમજવા માગતો હતો. હું એક્ટર બનવા માટે જ આસિસટન્ટ ડિરેક્ટર બન્યો હતો. હું કેમેરાની સામે જાઉં તે પહેલા કેમેરાની પાછળ શું થાય તે શીખવા માગતો હતો. મેં પહેલેથી જ નક્કી કર્યું હતું કે ફક્ત એક જ ફિલ્મમાં એ.ડી. તરીકે રહીશ. ફિલ્મમાં કામ કરવા માટે ઘણુબધુ ટેક્નિકલ નોલેજ હોવું ખૂબ જરૂરી હોય છે.
થિયેટર પણ કર્યું છે, તો હજી પણ તેમાં કાર્યરત છો.
ના, હું હવે તેના માટે સમય ફાળવી શકતો નથી. થિયેટર એક એવી વસ્તુ છે કે તેના માટે તમારે કમિટમેન્ટ આપ્યું હોય તો તે કરવું પડે છે. તેની રિહર્સલમાં પ્રોપર બે મહિના તો તમારે આપવા જ પડે છે. જો નાટક નવા શરૂ કરો તો તેના પછીના પાંચ કે છ મહિના શોઝ બુક કરવા પડતા હોય છે, તો તેમાં તમે બીઝી થઇ જતા હો છો.
થિયેટરની શરૂઆત ક્યારથી કરી. કેવી રીતે.
હું જ્યારે એ.ડી તરીકે કામ કરી રહ્યો હતો ત્યારે મનોજ બાજપેયી, રીચા ચડ્ડા, નવાઝુદ્દીનજી તે દરેકને થિયેટરની વાતો કરતા સાંભળતો હતો. તેમની વાતો સાંભળીને મને પણ લાગ્યું કે થિયેટર જરૂરી છે. તે સમયે મારી પાસે સમય હતો. હહું ફક્ત 22 વર્ષનો જ હતો. મને પડદા પર આવવાની કોઇ ઉતાવળ પણ નહોતી. બસ એક જ વાત હતી કે જ્યારે પણ આવું ત્યારે પૂરેપૂરી તૈયારીની સાથે જ આવું. મેં થિયેટર કરવાનું શરૂ કર્યું. માનવ કોલ, રજત કપૂર, શહેનાઝ પટેલ, રાહુલજી જેવા લોકો સાથે નાના મોટા દરેક થિયેટર્સ ગ્રુપ સાથે કામ કર્યું. તેમાં હું એક્ટીંગથી લઇને બેકસ્ટેજ, પ્રોડક્શનનું મોટાભાગનું મને જે કરવા મળે તે બધુ જ કાર્ય કરતો હતો. સ્ટેજ પર કોઇ એક્ટર કઇ ભૂલી જાય તો ડિરેક્ટર યાદ કરાવવા નથી આવતો. થિયેટર કરવાથી તમે પોતાના પ્રત્યે વધારે જાગૃત બની જાઓ છો.
વિકી તમે ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છો, તો રાઝી પછી જ વધારે હાઇલાઇટ થયા તેનું શું કારણ.
2015માં મારી પહેલી ફિલ્મ લીડ રોલમાં આવી હતી તેનું નામ મશાન હતું. તે પછી આ ત્રણ વર્ષમાં મને કરણ જોહર, મેઘના ગુલઝાર, રાજકુમાર હિરાણી, અનુરાગ કશ્યપ જેવા દિગ્ગજો સાથે કામ કરવાનીં તક મળી તો તે મારા માટે સારી જ વાત છે. ત્રણ વર્ષમાં જ આવી તક મળવી મુશ્કેલ છે. વળી, રમન રાધવન ફિલ્મમાં પણ મારા પાત્રને વખાણવામાં આવ્યું હતું. તે સિવાય મારી જે પણ ફિલ્મો આવી છે તેમના કારણે મને વધારે લોકપ્રિયતા મળી છે. તે પછી મશાન , રમન રાધવન હોય કે ઝુબાન હોય. આ ફિલ્મોને જોવા માટે ખાસ પ્રકારનો દર્શકવર્ગ છે. તે વિષયો અલગ હતા, તેથી દરેક વર્ગ તે જોવાનું પસંદ કરે તેવું નહોતું. રાઝી, સંજુ, લસ્ટ સ્ટોરીઝ, લવ પર સ્કેવર ફીટ ફિલ્મો મારી આ વર્ષે જ રીલીઝ થઇ છે. આ વર્ષે મારી એકસાથે ફિલ્મો આવવાથી પણ લોકોની નજરમાં આવવું સ્વાભાવિક હતું. તે સિવાય આ ફિલ્મો લોકપ્રિય પણ વધારે થઇ જે સૌથી વધારે મારા માટે મહત્વનું બની ગયું. મારા દરેક પાત્ર લોકોની નજરમાં આવ્યા અને ફિલ્મો હિટ થવાથી તે પાત્રને પણ વધારે હાઇટ મળી ગઇ.
શું તમારી ફિલ્મના અલગ અલગ પાત્ર તમને લોકપ્રિયતા અપાવવામાં સફળ રહ્યા.
એક કલાકાર તરીકે મારો હંમેશા પ્રયત્ન રહે છે કે મેં પહેલી ફિલ્મમાં જે પાત્ર ભજવ્યું હોય તો તે પછીની ફિલ્મમાં હું તેનાથી અલગ પ્રકારનું પાત્ર ભજવું. આજકાલના દર્શકો બદલાઇ ગયા છે. તેમને કઇક નવું નવું જોવામાં રસ છે. અત્યારના દર્શકોને એકના એક પાત્રમાં કલાકારને જોવાનું ગમતું નથી. તેમને જો કલાકારના પાત્રમાં કઇક નવું ન લાગે તો પસંદ આવતું નથી. એક જ પ્રકારનું જોવા માટે તેઓ હવે ટેવાયા નથી.