બોલિવૂડમાં એવી ઘણી ઓછી અભિનેત્રીઓ છે જે પોતાના કાર્યને લઇને સફળ થઇ છે. દિવ્યા દત્તા તેમાની એક છે. દરેક ફિલ્મોમાં સાઇડ રોલમાં જોવા મળતી દિવ્યા પોતાના રોલને લઇને વધારે અસર ઊભી કરી દેતી હોય છે. ભાગ મિલ્ખા ભાગમાં મિલ્ખાસિંહની બહેનના પાત્રમાં તેને લોકોએ ખૂબ જ વખાણી હતી. જોકે એક સમય એવો હતો કે દિવ્યાને ફિલ્મમાં જે પણ રોલ મળે તે સ્વીકારી લેતી હતી અને આજે પરિસ્થિતી એવી છે કે તેના માટે ફિલ્મોમાં ખાસ રોલ લખવામાં આવે છે. ફિલ્મો સિવાય તે ટેલિવિઝન શો સાવધાની ઇન્ડિયામાં પણ એન્કર તરીકે છેલ્લા એક વર્ષથી જોવા મળી રહી છે. હવે આ શોમાં ડર કર નહીં, ડટ કર સામનો કરો તેવી નવી થીમ આવી છે ત્યારે દિવ્યા દત્તા સાથે થયેલી મુલાકાતમાં ફિલ્મ, કરિયર વિશેની વાતચિત….

 

દિવ્યા સાવધાન ઇન્ડિયા શોને હોસ્ટ કરવાનું કોઇ ખાસ કારણ.

મેં પહેલેથી જ મનમાં વિચાર્યું હતું કે એવો શો જ હોસ્ટ કરીશ જેમાં કોઇ ખાસ હેતુ સર થતો હોય. તેવામાં મારી પાસે આ શોને હોસ્ટ કરવાની ઓફર આવી અને મેં તે સ્વીકારી લીધી. મને સાવધાન ઇન્ડિયા શોને હોસ્ટ કર્યાને એક વર્ષ જેટલો સમયગાળો વિતી ગયો છે. મને એક વાતનો ગર્વ છે કે આજે મને મહિલાઓના અવાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો ખૂબ ધ્યાન દઇને વાતો સાંભળે છે. જયારે તમને આ પ્રકારની જવાબદારી મળે છે તે તો ખૂબ મોટી બાબત બની જાય છે. મને આ વાતનો આનંદ છે. મને લાગે છે કે ટેલિવીઝનનો બેસ્ટ શો હું હોસ્ટ કરી રહી છું.

     

કેવી રીતે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઇ અને અસરકારક પાત્રો મળવા લાગ્યા.

તમને જાણીને નવાઇ લાગશે કે મારા કુટુંબમાં મોટાભાગે બધા જ લોકો ડોક્ટર્સ છે. હું એક સ્ટાર્સની કોમ્પિટીશનમાં સિલેક્ટ થઇ ગઇ હતી. તે પછી મુંબઇ આવી ત્યારે કોઇ ગોડફાધર હતું નહીં. તેથી પોતાની જર્નીની શરૂઆત જાતે જ શરૂ કરી. ભૂલો કરતા કરતા, નવું શીખતા આગળ વધતી. ફિલ્મોમાં રોલ્સ ક્યારેય તમારા માટે લખાતા નથી પણ તે રોલ્સને કેવી રીતે યાદગાર બનાવવા તે કલાકારના હાથની વાત છે. તેની જવાબદારી હોય છે. મારે પોતાની જાતને જાતે જ સાબિત કરવાની હતી. તે સમયે મારી સાથે બીજુ કોઇ ઊભુ નહોતું. તે મારી પોતાની જ જવાબદારી હતી. મને પહેલેથી જ એક્ટીંગ ખૂબ જ પસંદ હતી. જે વસ્તુ તમને કરવાની ઇચ્છા હોય, જે કરીને આનંદ મળતો હોય, તેમાં હંમેશા તમે તમારું બેસ્ટ જ આપવાનો પ્રયત્ન કરો છો. તેથી હું માનું છું કે મારું પેશન અને મારી જાતને સાબિત કરવું આ બંને બાબતો મારામાં મિશ્રણ હતી, જે મને અહીં સુધી લઇ આવી છે.

દિવ્યા ઇન્ડસ્ટ્રીમાં જર્ની કેવી રહી છે.

હું પોતે ખૂબ જ જીદ્દી છું કે જો કોઇ મારી સાથે સપોર્ટમાં ન ઊભુ રહે તો હું પોતાના માટે જ ઊભી રહી જાઉં છું. તે સિવાય મને મારી મમ્મીનો હંમેશા સપોર્ટ મળ્યો છે. તેને મારા પર ખૂબ વિશ્વાસ હતો અને મારે તે સાબિત કરવો હતો. શરૂઆતથી નાના નાના રોલ કરી કરીને, મારા કામને જોઇને ઇન્ડસ્ટ્રીના લોકોને મારા પર વિશ્વાસ આવી ગયો કે આને આપણે આગળ લાવી શકીયે છીએ. આજે ઇન્ડસ્ટ્રીમાં વીસ વર્ષ પૂરા કરવાની તૈયારીમાં છું ત્યારે પરિસ્થિતી એવી છે કે પહેલા જે રોલ લખાતા હતા તે હું ભજવતી હતી અને હવે મારા માટે ફિલ્મોમાં સ્પેશિયલ રોલ ઉમેરવામાં આવે છે અને લખવામાં આવે છે. તેથી હું એટલું કહીશ કે મારી આ જર્ની ખૂબ જ સુંદર રહી છે. હું જ્યારે પાછું વળીને જોઉં છું તો મને મારા કામનો આનંદ અને સંતોષ મળે છે. મારા દર્શકો મને ખૂબ પસંદ કરે છે, તેમની પણ હું ખૂબ આભારી છું. તેઓ મને આગળ લાવ્યા છે.

સાવધાન ઇન્ડિયા એક જાગૃતતા ફેલાવતો શો છે, તો પોતે આ શો બાદ કેટલી જાગૃત બની છો.

ઘણીબધી બાબતો જીવનમાં એવી હોય છે કે તમે તેને ધ્યાન પર લેતા નથી. અજાણ્યો મોબાઇલ કોલ ઉપાડી લો છો. તેમાં તમે ટ્રુ કોલર લગાવી શકો છો. સાઇબર ક્રાઇમના સમયમાં ચમે જેની સાથે વાત કરો છો તે વ્યક્તિ કેટલી યોગ્ય છે, તે વાતનું ધ્યાન રાખવું પડે છે. હું પહેલા ઘણીવાર દરવાજો પણ ખુલ્લો મૂકીને ઘરમાં આવી જતી હતી. જેનાથી પોતે હવે જાગૃત બની છું. જ્યારે હું શોમાં કોઇ સ્ટોરી કહું છું કે લોકોને જણાવું છું તો ક્યાકને ક્યાંક તે તમારા મનમાં પણ અસર કરતી હોય છે. તે સમયે તમે કેટલા બેજવાબદાર છો, તેનો તમને ખ્યાલ આવે છે. હું પોતે એક વર્ષમાં ખૂબ જ એલર્ટ થઇ ગઇ છું.

એજ્યુકેશનમાં છોકરીઓ આગળ વધી રહી છે પણ અવેરનેસની બાબતમાં હજી જાગૃત નથી. તેનું શું કારણ.

એવું નથી કે કોઇને જાણકારી નથી. છોકરીઓ ઘણીબધી બાબતો વિશે જાણે છે પણ તેને વ્યક્ત કરી શકતી નથી. અમારી નવી સિઝન પણ એ જ કહે છે કે ડરીને નહીં પણ ડટ કર સામનો કરો. આપણે ક્યાંકને ક્યાંક ડરી જઇએ છીએ. આપણે પહેલા સમાજ શું વિચારશે તે વિચારીયે છીએ. ઘરના લોકો, મમ્મી પપ્પા શું કહેશે તે વિચારીયે છીએ. કોઇ મને હેરાન કરે છે, તેવું જો કહી દઇએ તો મારું કોલેજ જવાનું બંધ કરાવી દે શે અથવા તો પોલીસમાં જઇશું તો લોકો શું વિચારશે. આવી બધી બાબતોનો ડર મનમાં રહે છે. હાલમાં જ દિલ્હીમાં જે કરુણાનો કેસ બન્યો તેના કારણે હું ખૂબ જ ડિસ્ટર્બ થઇ છું કારણકે આ બધી બાબતોને કારણે જ તે યુવતી પોલિસમાં ફરીયાદ કરી શકી નહોતી અને તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું. તેને બચાવવા પણ કોઇ આગળ આવ્યું નહીં.

શું લોકોમાં અવેરનેસ નથી તેવું કહી શકાય.

ઇન્ટરનેટના સમયમાં લોકોમાં અવેરનેસ નથી તેવું કહી શકાય નહીં. પોતાને જાગૃત કરવાની જરૂર છે. લોકો પહેલ કરતા નથી પણ કોઇ પહેલ કરે તો જોડાવા માટે તૈયાર રહે છે. મેં આવી જ એક ફિલ્મ મંજુનાથ કરી હતી, જેમાં એક સ્ટુડન્ટની વાત હતી. એક સ્ત્રી પોતાના પતિ સાથે ફક્ત આ વાતની સામાન્ય ચર્ચા કરે છે અને તેમાંથી પોતાના જૂનિયર માટે અવાજ ઉઠાવે છે. તેને પોતાનો અધિકાર અપાવે છે. આપણને હંમેશા મારો અવાજ ન હોવો જોઇએ તેવું લોકોમાં છે. ભારતમાં નાની બાબતોને લઇને જાગૃત થવાની જરૂર છે. પોતાને વ્યક્ત કરવાની જરૂર છે. મનમાં કોઇ મુશ્કેલી હોય તો તે વ્યક્ત કરતા શીખવાની જરૂર છે.

આવનારી ફિલ્મો કઇ છે.

મારી એક ફિલ્મ ઇરાદા કરીને આવશે જેમાં નસરુદ્દીન શાહ અને અસરદ વારસીની સાથે છું. તે પછી નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે ફિલ્મ બાબુમુસાય બંદુકબાઝ, શ્યામ બેનેગલની અગલી ફિલ્મ, ત્યારબાદ સરકસ પરની એક ફિલ્મ રામસિંહ ચાર્લીમાં અને ટેનિસ પર આધારિત એક ફિલ્મમાં રણવીર સૌરીની સાથે તેમજ હોલિવૂડની એક અને પંજાબીની એક ફિલ્મ છે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment