સાન્યા મલ્હોત્રાએ એની ત્રણ વર્ષની કરિયરમાં ત્રણ ફિલ્મો `દંગલ’, `પટાખા’ અને `બધાઇ હો’ દ્વારા પ્રેક્ષકો અને ક્રિટિક્સના દિલમાં આગવું સ્થાન બનાવી લીધું છે. ટૂંક સમયમાં જ એ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ `ફોટોગ્રાફ’માં જોવા મળશે. વર્ષ 2016માં રીલિઝ થયેલી આમિર ખાનની ફિલ્મ `દંગલ’થી સાન્યા મલ્હોત્રાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મની ભવ્ય સફળતા પછી સાન્યા સ્ટાર બની ગઇ. એ પછીના વર્ષોમાં એની બે ફિલ્મો `પટાખા’ અને `બધાઇ હો’ રીલિઝ થઇ. `બધાઇ હો’ ફિલ્મે પણ સો કરોડની કમાણી કરી, તો બીજી ફિલ્મ `પટાખા’માં પોતાની અલગ પ્રકારની ભૂમિકા માટે સાન્યાની ખૂબ પ્રશંસા થઇ. અલબત્ત, એની આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન ખાસ ન રહ્યા. હવે આ વર્ષે સાન્યા વર્સેટાઇલ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ `ફોટોગ્રાફ’માં જોવા મળશે. ફિલ્મમાં સાન્યાનું પાત્ર કેવું છે? ફિલ્મનું નામ `ફોટોગ્રાફ’ છે, તો શું અંગત જીવનમાં પણ એને ફોટોગ્રાફી કરવી ગમે છે? નવાઝુદ્દીન સાથે અભિનય કરવાનો અનુભવ કેવો રહ્યો? એ હવે પછી શું કરી રહી છે? ફિલ્મ `ફોટોગ્રાફ’ અને એની કરિયર સાથે સંકળાયેલી ખાસ વાતચીત સાન્યા મલ્હોત્રા સાથે.

ફિલ્મ `ફોટોગ્રાફ’માં એવી શી ખાસિયત લાગી કે જેના લીધે તેં આ ફિલ્મ સ્વીકારી?

પહેલી વાત તો એ જ હતી કે મને ડિરેક્ટર રિતેશ બત્રા અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરવાની તક મળી રહી હતી. તે સાથે જ જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી, ત્યારે મને મારું કેરેક્ટર તેમાં ખૂબ જ સારું લાગ્યું, જે સારી રીતે લખવામાં આવ્યું છે. સૌથી મોટી વાત એ હતી કે `દંગલ’ ફિલ્મ પછી મારા પર બીજી ફિલ્મ સાઇન કરવા અંગે થોડું પ્રેશર હતું કે બીજી ફિલ્મ પણ સારી હોવી જોઇએ. મને લાગ્યું કે રિતેશ અને નવાઝુદ્દીનથી વધારે સારું બીજું શું હોઇ શકે? આ કારણથી પણ મેં ફિલ્મ ફોટોગ્રાફ સ્વીકારી લીધી.

ફિલ્મમાં તારા રોલ વિશે પણ જણાવ. તેં આ રોલ માટે કેવી રીતે તૈયારી કરી?

ફિલ્મમાં હું ગુજરાતી યુવતી બની છું, જે વ્યવસાયે સી.એ. છે. જ્યારે હું કોલેજમાં હતી ત્યારે ભણવામાં ખાસ હોશિયાર નહોતી. આથી મને સી.એ.નો સી પણ ખબર નહોતી. મારા પાત્રને સમજવા માટે મેં સી.એ.ના ક્લાસ અટેન્ડ કર્યાં, ત્યાં જઇને મને સમજાયું કે સી.એ.ના સ્ટુડન્ટ કઇ રીતે ભણે છે? શું વિચારે છે? હું દિલ્હીની હોવાથી ગુજરાતી ભાષાની પણ મને ખાસ જાણકારી નહોતી. એ માટે મેં ગુજરાતી ડાયલોગ કોચની મદદ લીધી.

ફિલ્મનું નામ `ફોટોગ્રાફ’ છે. તને ફોટોગ્રાફીમાં રસ છે?

ફોટોગ્રાફીનો શોખ મને કોલેજકાળમાં ખૂબ જ હતો. મને યાદ છે, મેં માગણી કરી તેથી પપ્પા મારા માટે એક કિંમતી કેમેરો લઇ આવ્યા હતા. મને ફોટોગ્રાફીનો શોખ ફેસબુકને કારણે લાગ્યો. વાસ્તવમાં એ દિવસોમાં ફેસબુકના ફોટોગ્રાફી પેજ ખૂબ પોપ્યુલર હતા. મને પણ એનો ચસકો લાગ્યો હતો. ત્યારે તો હું પણ એમ જ વિચારતી હતી કે હું ફોટોગ્રાફર બનીશ.

નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરવા બાબતે કેટલી નર્વસ હતી?

હું નર્વસ થવા કરતાં વધારે ડરેલી હતી. વાસ્તવમાં, હું નવાઝજીને પહેલાં ક્યારેય મળી નહોતી. મને રિતેશજીએ પણ એમને મળવાની ના કહી હતી. એમણે કહ્યું કે તમારા બંનેની પહેલી મુલાકાત સેટ પર જ થશે. એની પાછળ એમની કોઇ સ્ટ્રેટેજી હતી. નવાઝજી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ માણસ છે. હું નહોતી ઇચ્છતી કે એમને એવો ખ્યાલ આવે કે મને એમનો ડર લાગી રહ્યો છે. મારી જાતને કમ્ફર્ટ કરાવવા માટે મેં એમના વિશે ખૂબ હોમવર્ક પણ કર્યું. એ કઇ રીતે પોતાના પાત્રને જીવંત કરે છે એ જાણવા માટે એમના અનેક ઇન્ટરવ્યૂ સાંભળ્યા.

તારી છેલ્લી ફિલ્મ `બધાઇ હો’ હિટ રહી. તું એક્ટરમાંથી સ્ટાર બની ગઇ. કેવું લાગે છે?

સાચે જ ફિલ્મ `બધાઇ હો’ની સફળતાથી મને ખૂબ આનંદ થયો છે, પણ હું નથી માનતી કે આની ક્રેડિટ માત્ર મને જ જાય છે. હું તો માત્ર એનો એક હિસ્સો હતી. રહી વાત એક્ટરમાંથી સ્ટાર બનવાની, તો હું એ માટે એટલું જ કહીશ, કે હું એક્ટરના લેબલથી પણ ખુશ છું. મને લોકો સ્ટાર ન કહે તો પણ કંઇ વાંધો નથી.

તારી ફિલ્મ પટાખા બોક્સ ઓફિસ પર જોઇએ એવી સફળ ન નીવડી. તને લાગે છે કે એ ફિલ્મ સાઇન કરીને તેં ભૂલ કરી?

આજ સુધી મેં જે કંઇ કર્યું છે, તેમાંથી મને ઘણુંબધું શીખવા મળ્યું છે. હું કોઇ વેલ ટ્રેઇન્ડ એક્ટર નથી. જો મારી વાત કરું તો, `પટાખા’ અત્યાર સુધીની મારી ફિલ્મોમાંથી સૌથી ગમતી ફિલ્મ છે. એમાં મારું પાત્ર પણ ખૂબ મુશ્કેલ હતું. મારા પાત્રની ક્રિટિક્સે પ્રશંસા પણ કરી હતી. મને ક્યારેય એવું નથી લાગ્યું કે એ ફિલ્મ કરી તે મારી ભૂલ હતી.

ફિલ્મ પસંદ કરવામાં તું શું ધ્યાન રાખે છે? તારી આગામી ફિલ્મ કઇ હશે?

સૌથી પહેલી વાત તો એ કે હું એ જ ફિલ્મ સાઇન કરું છું, જે મને સારી લાગે છે. બીજી વાત, હું તેમાં મારા કેરેક્ટરને જોઉં છું કે મને એમાં એક્સપ્લોર થવાની કેટલી તક મળે એમ છે. તે પછી ડિરેક્ટર કોણ છે તેને પણ મહત્વ આપું છું. ડિરેક્ટરને ધ્યાનમાં રાખીને જ હું આગામી ફિલ્મ અનુરાગ બાસુજી સાથે કરી રહી છું. મેં અનુરાગજી સાથે એક જાહેરખબરમાં કામ કર્યું હતું. આ ફિલ્મનું નામ હજી નક્કી કરવામાં આવ્યું નથી.

સફળતાનું શ્રેય કોને આપશે?

હું આજે જે સ્થાન પર છું, તેનું સંપૂર્ણ શ્રેય મારા પેરેન્ટ્સને આપું છું. એમણે કાયમ મારો સાથ આપ્યો. જ્યારે હું મુંબઇ આવવાની હતી, ત્યારે મારી માતાની ઇચ્છા હતી કે હું વધારે નહીં તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરી લઉં. કોને ખબર મને કામ મળે કે ન મળે. જોકે મારા પપ્પાએ કહ્યું કે તું કંઇ વિચાર ન કર અને જા, પ્રયત્ન કર. ક્યારેક તો કામ મળી જ જશે. મારી માતા મારી રોલમોડલ રહી છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે મને આવા પેરેન્ટ્સ મળ્યા છે.

Loading

Spread the love

Leave a Comment