મહિલા દિન નિમિત્તે દરેક વ્યક્તિ તેના જીવનમાં મહિલાનું શું મહત્વ છે, તે ખાસ જણાવે છે. એક રીતે જોઇએ તો મહિલા વિના દરેક પુરુષનું જીવન અધૂરું છે. દરેક પુરુષના જીવનમાં પહેલી મહિલા તેની માતા હોય છે, બીજી તેની બહેન અને ત્રીજી તેની પ્રેમિકા કે પત્ની સ્વરૂપે હોય છે, ત્યારબાદ દિકરીરૂપે તે પ્રવેશે છે. આમ એક પુરુષના જીવનમાં એક સ્ત્રી કે મહિલા અલગ અલગ સંબંધથી તેના જીવનમાં પ્રવેશતી હોય છે. આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કેટલાક જાણીતા ચહેરાઓ પાસેથી જાણીયે કે તેમના જીવનમાં મહિલાઓનું શું મહત્વ રહેલું છે.

  1. એક્ટર મલ્હાર ઠાકર –

મારી લાઇફમાં મહિલાનું મહત્વ ઘણુ રહ્યું છે. તેઓ હંમેશા ખૂબ જ સપોર્ટીવ હોય છે. કેરીંગ હોય છે. દરેક પુરુષોએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ કે તમારા મનમાં ચાલતા પ્રશ્નોનો ઉકેલ ન આવતો હોય, ફ્રસ્ટેડ થયા હો અથવા તો ખૂબ જ ખુશ હો તો આ તમામ બાબતો કોઇની સામે ઠાલવવી હોય તો તેમાં મહિલા સૌથી વધારે મહત્વ ધરાવે છે. તમે તેની સાથે તમારા સુખ અને દુખ વહેંચી શકો છો. મારા સ્કુલ ગ્રપની દરેક યુવતી હંમેશા મારા સપોર્ટમાં રહી છે. મારા માટે તેમનું મહત્વ ઘણું રહ્યું છે. જીવનમાં માતાનું મહત્વ તો હંમેશા હોય છે કારણકે તમને માનસિક રીતે સૌથી સારી રીતે તમને સમજી શકે છે. સાથે જ આજની મહિલાઓ વિશે એટલું જ કહીશ કે દરેક ક્ષેત્રમાં તેઓ આગળ વધી રહી છે. અનેક મહિલાઓ વિશે વાંચુ છું કે સાંભળું છું તો જાણને આનંદ થાય છે કે તેઓ દિવસે ને દિવસે પાવરફુલ બની રહી છે. આજની મહિલા માનસિક અને શારીરિક રીતે ખૂબ પાવરફુલ છે. આપણા સમાજ માટે તે ગર્વની વાત છે. તેઓ પોતાના ક્ષેત્રમાં જે સિદ્ધિઓ સર કરી રહી છે તે ખૂબ જ અનોખી વાત છે. પુરુષની સાથે તો ક્યારેક તેમનાથી આગળ નીકળીને તે પોતાને સિદ્ધ કરી રહી છે. આજની મહિલા માટે એટલું કહી શકાય કે તે ફક્ત ઘરને જ નહીં દુનિયાને પણ સાચવી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.

  1. ડિરેક્ટર સંદિપ પટેલ –

મારા જીવનમાં મારી માતાએ મને શાળા-કોલેજના સમયથી જ એવું શીખવાડ્યું છે કે જ્યાં સૈદ્ધાંતિક રીતે, શ્રેષ્ઠ રીતે બોર્ડ ઉપર તમારું નામ આવે તેવા સ્થળે જ ભણવું. તેના કારણે હું ઝેવિયર્સમાં ડિપ્લોમાં ડ્રામેટિક્સમાં દાખલ થયો. મારી કરિયર મારી માતાના કારણે છે. મારા જીવનમાં પત્ની આરતીનો પ્રવેશ થયો અને તેણે મને મારું સાચું મહત્વ સમજાવ્યું છે કે હું શું કરી શકું છું. ઘણા પુરુષોને જીવનભર તેઓ શું કરી શકે છે તે સમજાતું નથી. તે તેને એક સ્ત્રી જ સમજાવી શકે છે. તેનામાં શું આવડત છે, તેની શું કિંમત છે. તારે જીવનમાં શું કરવું જોઇએ. આરતી પછી મોટી દિકરી આરોહીએ મને નવી ટેક્નોલોજી સાથે કઇ રીતે આગળ વધવું જોઇએ, કેવી રીતે અપગ્રેડ થવું જોઇએ તેની સંપૂર્ણ સમજ અને ચેલેન્જ આપીને મને અપગ્રેડ લેવલ પર લઇ આવી. મને સંગીત ખૂબ વ્હાલુ છે. મારી બીજી દિકરી સંજના જ્યારે સંગીતની ટ્યુન્સ વગાડતી હોય ત્યારે શાંતિનો, આનંદનો જે અનુભવ મને થાય છે, તેવો ક્યારેય થયો નથી. જીવનમાં હું જે કઇ છું તે આ બધાના લીધે છું. આ ઉપરાંત પણ અન્ય બે સ્ત્રીઓ રૂપા પંડિત અને એક્ટર હિતેન કુમારની પત્ની સોનલ મહેતાએ મને જીવનમાં ખૂબ પ્રેરણા આપી છે.

  1. એક્ટર યતિન પરમાર-

દરેક મહિલાઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા. દરેક પુરુષના જીવનમાં મહિલાઓનું ખૂબ મહત્વ રહેલું છે. તે માતા તરીકે, બહેન તરીકે હોય કે પછી ફ્રેન્ડ તરીકે હોય, દરેક પુરુષના જીવનમાં તેમનું ખૂબ જ મોટું યોગદાન રહેલું હોય છે. મારી પોતાની વાત કરું તો મારા જીવનમાં મારી માતા અને પત્નીનું ખૂબ જ મહત્વ અને સહકાર રહેલો છે. દરેક મુશ્કેલીના સમયમાં તે બંને મારા પીઠબળ બનીને મારી સાથે ઊભા રહ્યા છે. એવા ઘણા પુરુષો હશે જેમને કપરા સમયમાં તેમની માતા, બહેન અને પત્ની તરફથી પૂરતો સપોર્ટ મળ્યો હશે અને આજે તેઓ ખુશહાલ અને સફળ જીવન જીવી રહ્યા હશે. પુરુષના જીવનને પૂર્ણ કરવા માટે તેના જીવનમાં એક સ્ત્રીનું હોવું જરૂરી છે. આજની મહિલાની વાત કરું તો તેના માટેની વ્યાખ્યા ખૂબ મોટી બની જાય છે. હું ફક્ત એટલું જ કહી શકું કે, તે પુરુષ સાથે ખભેખભો મિલાવીને ચાલે છે. તે નબળી નથી પણ સબળી છે. પોતાના નિર્ણયો જાતે લઇ શકે છે. ખૂબ સશક્ત છે.

 

  1. એક્ટર હેમાંગ દવે-

આજના દિવસે દરેક મહિલાને હેપી વિમેન્સ ડે. બધા જ પુરુષોને પણ હેપી વિમેન્સ ડે કારણકે મહિલાઓ વિના પુરુષોનું કોઇ અસ્તિત્વ જ નથી. મારી લાઇફમાં ખૂબ જ મહત્વની મહિલાઓમાં મારા દાદી, મમ્મી, બહેન અને પત્ની છે. તે સિવાય મારી ઘણીબધી મહિલા મિત્રો પણ છે, જેમણે ડગલે ને પગલે મને સાથ આપ્યો છે. હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે હું મારા દાદી સાથે રહી શક્યો. જેમનું થોડા મહિલાઓ પહેલા જ અવસાન થયું. મારા અત્યાર સુધીના સમયમાં તેમની સાથે રહ્યો. તેમણે મને ખૂબ જ પ્રેમ, હૂંફ અને લાગણીથી ઉછેર્યો. છેલ્લા દસ વર્ષથી હું મારા માતા-પિતા સાથે નહીં પણ દાદા-દાદી સાથે રહેતો હતો. મા તેના સંતાનો માટે જેટલું કરે તે ઓછું જ ગણતી હોય છે. મારી માતાએ મને દરેક ડગલેને પગલે મદદ કરી છે, પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. જ્યાં હું પાછો પડતો ત્યાં હિંમત આપી છે. મારી બહેન લગ્ન પછી સાસરે હોવા છતાંય અમારી વચ્ચેનું જે બોન્ડિંગ છે, તે હૂંફ પૂરું પાડે છે. મારી પત્નીની વિશે કહીશ કે, લગ્ન પછી મારા ઘરમાં આવ્યા પછી તેણે મને જે સાથ-સહકાર આપ્યો છે, તેવું આજના સમયમાં ઘણી ઓછી સ્ત્રીઓ આપે છે. મારી એક્ટીંગ કરીયરની શરૂઆત લગ્ન પછી થઇ પણ એક કલાકાર તરીકે તે મને અને મારા કાર્યને સંપૂર્ણ રીતે સમજી શકે છે. તેની સમજણમાં ક્યારેય ફરીયાદ હોતી નથી. ઘર ચલાવે છે, દિકરાને સાચવે છે, નોકરી કરે છે. ખરેખર મને તેના માટે માન છે. મહિલાઓ વગર પુરુષો અધૂરા છે. મહિલાઓ હંમેશાથી પુરુષોને આત્મવિશ્વાસ અને મનોબળ પૂરું પાડનાર બની છે.

 

Loading

Spread the love

Leave a Comment