બેગમજાન ફિલ્મ આજના સમયની ફિલ્મ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભૂતકાળ તરફ નજર નાખીયે તો 35 વર્ષ પહેલા શબાના આઝમીની આવી જ ફિલ્મ મંડી આવી હતી. જેમાં રુક્મણી નામનું પાત્ર શબાના આઝમીએ ભજવ્યું હતું. શ્યામ બેનેગલ અને શ્રીજીત મુખર્જી બંનેમાં હંમેશા થોડીઘણી સમાનતા જોવા મળી છે, જેના કારણે હંમેશા શ્રેષ્ઠ ફિલ્મો અને રાષ્ટ્રીય પુરસ્કાર સુધીની સમાનતા જોવા મળે છે. જોકે પાકિસ્તાની લેખક ગુલામ અબ્બાસની લઘુકથા પર શ્યામબાબૂએ ફિલ્મ મંડીમાં જે પ્રકારે એક વેશ્યાવાડાની માલકણ રુક્મણીની વાત કરી હતી, જેમાં તેની અલગ દુનિયા, દેશ, સ્વાભિમાન અને સ્વામિત્વની ભાવનાઓ જોવા મળી હતી. તેવી જ ફિલ્મ 35 વર્ષ પછી શ્રીજીત મુખર્જી લઇને આવ્યા છે. જેમાં વિદ્યા બાલન મુખ્ય પાત્રમાં જોવા મળી રહી છે. ફરીથી એકવાર મહિલાઓની સ્થિતી અને તાકત પર વિચારવા મજબૂર કરી દે તેવી આ ફિલ્મ છે. જો એક સ્ત્રી ઇચ્છે તો સશક્ત અને આત્મનિર્ભર રહીને પણ પોતાનું જીવન જીવી શકે છે. તે સ્થળ દેહવેપારનું કેન્દ્ર જ કેમ ન હોય પણ તે પોતાનું રાજ તે સ્થળ પૂરતું પણ ચલાવી જ શકે છે.

હમ પાંચ સિરિયલમાં પાંચ બહેનોમાંની એક એવી રાધિકાના પાત્રમાં સરળ અને ઇન્ટેલિજન્ટ જોવા મળેલી વિદ્યાએ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન મેળવી લીધું છે. પરિણીતા, પા, લગે રહો મુન્નાભાઇ, નો વન કિલ્ડ જેસિકા, ઇશ્કિયા, ડર્ટી પિક્ચર, કહાની , કહાની 2, જેવી સફળ ફિલ્મો અને દરેક ફિલ્મોમાં પોતાના અલગ જ પાત્રનો પરિચય તેણે આપ્યો છે. ફિલ્મ ડર્ટી પિક્ચર અને કહાની તેમજ કહાની 2 પછી તો તે ટોચના સ્થાને પહોંચી ગઇ છે. અત્યારે વિદ્યા દરેક ડાયરેક્ટરોની પહેલી પસંદ છે. વિદ્યાની ઇમેજ અત્યારે એવી છે કે તે કોઇપણ રોલ પ્લે કરી શકશે કારણકે વિદ્યા પોતાના દરેક પાત્રને દિલથી ભજવે છે.  વિદ્યા બાલન વિશે એક ધારણા બંધાઇ ગઇ છે કે તેની દરેક ફિલ્મમાં તેનો રોલ કંઇક અલગ જ હોય છે. તે મેથડ એક્ટીંગમાં વિશ્વાસ રાખે છે. તેને તેના પાત્રમાં ખોવાઇ જવાની આદત છે. દરેક વખતે મહિલા કેન્દ્રી ફિલ્મ દ્વારા છવાઇ જતી વિદ્યા માટે ક્યાં સુધી ફિલ્મો બનશે તેવો પ્રશ્ન મનમાં આવે છે કારણકે મહિલા કેન્દ્રી ફિલ્મો ઘણી ઓછી બનતી હોય છે. હાલમાં તે પોતાની રીલીઝ થયેલી ફિલ્મ બેગમજાનના કારણએ વધારે ચર્ચામાં છે. તેનું આ ફિલ્મનું પાત્ર ખૂબ જ લાઉડ છે. જોકે હંમેશા દમદાર પાત્ર ભજવ્યા પછી નાની ઉંમરની અભિનેત્રીઓ પણ માનસિક રીતે પરિપક્વ બની જતી હોય છે. શબાનાએ પણ પોતાની યુવા વયે જ આ પ્રકારના પાત્ર ભજવવા પર પસંદગી ઢોળી હતી અને વિદ્યાએ પણ આ પ્રકારનું પાત્ર ભજવીને લોકોને ફરીથી પોતાની દમદાર એક્ટીંગના દર્શન કરાવી દીધા છે. બેગમજાન વિશે વધારે વિદ્યા પાસેથી જ જાણીયે.

તમારા અને શબાનાજીમાં શું સમાનતા લાગે છે.

મારી અને શબાનાજીમાં એક જ સમાનતા છે કે અમે બંને મુંબઇની સેંચ ઝેવીયર્સ સ્કુલમાંથી જ ભણ્યા છીએ. એક્ટિંગની વાત કરું તો હું તેમની સુઝી પહોંચી શકું તેમ પણ નથી. અમારા બંનેનું પાત્ર ફિલ્મમાં એકસરખી સમાનતા દર્શાવે છે પણ પરિસ્થિતી અને વિષયવસ્તુ તેને અલગ અલગ ભાગમાં વહેંચે છે. મેં મંડી ફિલ્મ જોઇ છે અને શબાનાજી તો આમપણ મારી ફેવરેટ કલાકારા છે. તેથી તેમની સાથેની તુલના વિશે તો હું વિચારી શકું જ નહીં.

મોટી ઉંમરના અને પડકારૂપ પાત્રો ક્યારેય અસુરક્ષા માટે કારણભૂત બને છે.

ના, જરાય નહીં. જ્યારે શ્રીજીતે મને મંડી ફિલ્મ દેખાડી હતી તો હું પાગલ બની ગઇ હતી. તે સમયે તો સ્ક્રિપ્ટ પણ લખાઇ નહોતી. હું આ પાત્ર ભજવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. જ્યારે મોટી ઉંમરના પાત્ર ભજવવાની વાત છે, તો મેં ફિલ્મ પામાં પણ 10-12 વર્ષના દિકરાની માનું પાત્ર ભજવ્યું છે.

તમને લાગે છે કે આ ફિલ્મ ડર્ટી ફિલ્મનો ઇતિહાસ ઊભો કરશે. જેને દર્શકોની સાથે ક્રિટીક પણ પસંદ કરશે.

આ પ્રકારનું વિચાર્યું તો નહોતું પણ ટ્રેલર લોન્ચ થયા પછી જે પ્રકારની પ્રતિક્રિયાઓ મને મળી તેના પરથી લાગ્યું કે કદાચ એવું બની શકે. ફિલ્મ ડર્ટી પિક્ચરની વાત કરું તો તેની વાર્તા ફક્ત મારી આજુબાજુ જ રહેલી હતી. જ્યારે ફિલ્મ બેગમજાનમાં મારી સિવાય મહિલાઓની એક ટોળી પણ છે. જેમાં દરેકની પોતાની એક અલગ જ વાત છે. આ ફિલ્મમાં જે દર્દ અને જુસ્સો જોવા મળી રહ્યો છે, તે દર્શકોને એકવાર વિચારતા કરી દેશે.

આ ફિલ્મની મૂળ વાર્તા રાજકાહિની જોઇ છે. બંનેમાં કેટલી બાબતો સામાન્ય જોવા મળે છે.

વિભાજનની વાત કરું તો તે રેખાઓ બંગાળથી લઇને પંજાબ થઇને ગઇ હતી. રાજકાહિની બંગાળની પ્રાદેશિક ફિલ્મ હતી. જ્યારે બેગમજાન પંજાબના પાત્ર પર આધારિત હોવાથી થોડી અલગ છે. તેનું જીવન અને બોડી લેંગ્વેજ પણ અલગ છે. બંને પાત્રો બે શરીર અને એક આત્મા જેવા છે. શ્રીજીતને જે ભૂલો રાજકાહીનીમાં દેખાઇ હતી તે તેણે બેગમજાનમાં સુધારી દીધી છે.

રાજકાહિની જો ભૂલો સાથે પણ રાષ્ટ્રીય પુરસ્કાર જીતી શકે તો બેગમજાનમાં સુધારો કરીને શ્રીજીત તેને ક્યાં પહોંચાડશે.

ઘણુ આગળ જઇ શકે છે. મેં મારી લાઇફમાં આ પ્રકારના પાત્ર વિશે ક્યારેય વિચાર્યું પણ નહોતું. એક વેશ્યાવાડની સશક્ત અને બિન્દાસ માલકણ માટે તેના કોઠાના ઉંબરાની બહાર થોડે સુધીની સીમા રેખા સુધી તેનો અધિકાર હતો અને તે તેની માલકણ હતી. જો આ ફિલ્મને લોકો પસંદ કરે અને એવોર્ડ મળે છે, તો તેનો પૂરો શ્રેય શ્રીજીતને ફાળે જ જાય છે.

શ્યામ બેનેગલ મંડી ફિલ્મ માટે શબાનાજીને સાચા મંડી બજારમાં લઇ ગયા હતા. તમે આ પ્રકારનું કોઇ રીચર્સ કર્યું હતું.

ના, મેં ઘણા ઉપન્યાસ વાંચ્યા છે અને ફિલ્મ મંડી અને રાજકાહીની પણ જોઇ છે. તે સિવાય શ્રીજીતની ટીમે આ પાત્રને ભજવવા માટે જે રીસર્ચ કર્યું તે પૂરતું હતું. મારા માટે મારા અત્યારના ભજવેલા તમામ પાત્રઓ કરતા આ પાત્ર ભજવવું ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું. મને એ વાતનો આનંદ છે કે દર્શકોએ તેને પસંદ કર્યું છે.

આ પ્રકારની ફિલ્મો બને છે પણ શું તેનાથી વેશ્યાઓ પ્રત્યેની વિચારઘારામાં ફરક આવી શકે છે. રાજકારણ વિશેની તમારી મહત્વકાંક્ષા અને વિચારસરણી શું છે.

રાજકારણની વાત કરું તો હું એક કલાકાર છું અને કોઇ પાર્ટી સાથે જોડાઇને હું મારા દર્શકોમાં વહેંચાઇ જવા માગતી નથી. મારો કલાકાર ધર્મ માનવતાનું સમર્થન કરતા દરેક રાજનૈતિક વિચારોનું સમર્થન કરે છે. ફિલ્મની બેગમજાન  કોઢાના બહારની દુનિયાને પોતાનો દેશ, પોતાના નિયમો અને પોતાનો કાયદો માનતી હતી. તેને ભારત-પાકિસ્તાનના ભાગલા સાથે કોઇ લેવાદેવા હતી નહીં.

પરિણિતાથી લઇને બેગમજાન સુધીની મહિલા પ્રધાન ફિલ્મો દ્વારા બીજી અભિનેત્રીઓને કેટલું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

થોડા સમય પહેલા જ અનારકલી ઓફ આરા, નામ શબાના, પૂર્ણા અને હવે બેગમજાન આટલી બધી મહિલા પ્રધાન ફિલ્મોનું આટલા ઓછા સમયમાં રીલીઝ થવું ખૂબ સારી બાબત છે. કહાની ફિલ્મ કરતી વખતે મને ઘણા લોકોએ ફિલ્મ ન કરવા માટે સલાહ આપી હતી પણ તે ફિલ્મે જે કમાલ દેખાડ્યું છે, તે ખૂબ જ સારું હતું. હવે આ પ્રકારનો ટ્રેન્ડ ચાલ્યો છે.

તમારા માટે દરેક પાત્રમાં ઢળી જવું કેટલું સરળ અને મુશ્કેલ છે. વિશાલ ભરદ્વાજે પણ આવી કોમેન્ટ કરી છે.

આવા નિર્દેશકના વિચારો માટે ખૂબ મોટી બાબત છે. તેનાથી મને આનંદ છે. ફિલ્મ ઇશ્કિયામાં તે મારા નિર્માતા હતા. મને તેમની સાથે અને અનુરાગ કશ્યપની સાથે કામ કરવાની ખૂબ ઇચ્છા છે. પાત્રની વાત કરું તો હું પહેલેથી જ મારા દરેક પાત્રને પૂરતો ઓળખવાનો પ્રયત્ન કરું છું. શૂટીંગ સમયે હું પૂરેપૂરી પાત્ર પર નિર્ભર હોઉં છું. વળી, ટીમનો પણ ખૂબ સપોર્ટ રહે છે. તેથી હું મારું બેસ્ટમાં બેસ્ટ આપવાનો પૂરતો પ્રયત્ન કરું છું.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment