દર વર્ષે પાંચ માર્ચના રોજ દેશભરમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. મહિલાને ધ્યાનમાં રાખીને અનેક ફંક્શન અને એવોર્ડ સમારંભ થાય છે. આવી બાબતોમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ પાછળ રહી નથી. આપણે હિન્દી સિનેમાની વાત કરીયે તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતથી જ મહિલા કેન્દ્રીત ફિલ્મોને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે જ્યારે મહિલા કેન્દ્રીત ફિલ્મો બની છે ત્યારે તેને લોકપ્રિયતા પણ એટલી જ મળી છે. છેલ્લા કેટલાય વર્ષોથી મહિલા કેન્દ્ગીત ફિલ્મોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
મધર ઇન્ડિયા (1957)
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી લોકપ્રિય અને આજેપણ લોકોને પસંદ છે, તેવી પહેલી મહિલા કેન્દ્રીત ફિલ્મ મધર ઇન્ડિયા (1957)માં બની. જેમાં નરગીસના માના પાત્રને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. એક સ્ત્રી પોતાના પતિના સહારા વિના પોતાના બંને દિકરાનો ઉછેર કેવી રીતે કરે છે. સમાજની કુદ્રષ્ટિનો ભોગ બનતી હોવા છતાંય કેવી રીતે પોતાને સાચવી રાખે છે અને અંતે પોતાના જ દિકરાનો જીવ લે છે. કેવી પરિસ્થિતીનો સામનો કરી પોતાનું જીવન પસાર કરે છે. એક ભારતીય સ્ત્રીમાં કેટલી શક્તિ છૂપાયેલી છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તે ફિલ્મમાં દર્શાવ્યું હતું.
મિર્ચ મસાલા (1987)
આ ફિલ્મમાં સ્મિતા પાટીલનું પાત્ર આજેપણ લોકોને યાદ છે. એક ગામડાની ગરીબ સ્ત્રી જેનો પતિ તેને છોડીને પરદેશ જાય છે અને ગામના પુરુષોનો અને એક પોલિસ અધિકારીનો સામનો કરવામાં તે કેટલી હિંમત દર્શાવે છે, તે દર્શાવ્યું છે. એકલી સ્ત્રીને કોઇપણ પુરુષ પામવા મથે અને સફળ થાય જ તે જરૂરી નથી અને સ્ત્રી કોઇનાથી ડરીને જીવતી નથી તેનું સ્પષ્ટ ઉદાહરણ આ ફિલ્મમાં દર્શાવ્યું છે. કહેવાય છે કે સ્ત્રી તે અન્ય સ્ત્રીની દુશ્મન છે પણ જ્યારે કોઇ સ્ત્રીની આબરૂની વાત આવે ત્યારે સ્ત્રીઓ એકજૂથ થઇને સામનો કરી બળવો પોકારી શકે છે તે પણ આ ફિલ્મમાં દર્શાવ્યું છે.
દામિની (1993)
મિનાક્ષી શેષાદ્રીની આ ફિલ્મની મુખ્ય હિરોઇન હતી. જેમાં તે એક સામાન્ય ગરીબ યુવતીને ન્યાય આપાવવા માટે પોતાના જ સગા દિયર વિરુદ્ધ લડત ઉપાડે છે. જેમાં તેના પતિ અને સાસરીયા તેની વિરુદ્ધમાં હોય છે. સંધર્ષ, સહનશીલતા અને સચ્ચાઇને આ ફિલ્મમાં ખૂબ જ નિકટતાની દર્શાવી છે. આજના સમયમાં સચ્ચાઇનું કોઇ મહત્વ નથી ત્યારે સાચું બોલવાથી કેટલું સહન કરવું પડે છે અને અંતે તમે કઇ રીતે સફળ થાવ છો, તે આ ફિલ્મમાં દર્શાવ્યું છે.
બેન્ડીટ ક્વીન (1994)
આ ફિલ્મ ડાકુરાણી ફુલનદેવીની બાયોપિક છે. જેમાં સીમા વિસ્વાસ મુખ્ય પાત્રમાં છે. ચંબલના ગામડાની યુવતીના બાળપણથી લઇને, તેના લગ્નજીવન, તેની સાથે થયેલા વર્તન, ભેદભાવ, જાતિવાદની વાત આ ફિલ્મમાં જોવા મળે છે. આંતરિયાળ ગામડાઓમાં નીચલી જાતિના લોકો સાથે થતા વર્ત અને શોષણની વાતો આ ફિલ્મમાં દર્શાવાઇ છે. જેની સામે યાતનાનો ભોગ બનેલી મહિલા કેવી રીતે અવાજ ઊઠાવે છે અને લોકોનવો સામનો કરે છે તે જોવા મળે છે.
અસ્તિત્વ (2000)
આ ફિલ્મમાં તબ્બુએ એક પત્ની અને માતાના પાત્રમાં જે અભિનય કર્યો તે ખરેખર વખાણાયો હતો. એક સ્ત્રીનું ઘરમાં, પતિની નજરમાં, બાળકોની નજરમાં શું સ્થાન છે અને તેનું પોતાનું અસ્તિત્વ શું છે, તે સમજાવવામાં આવ્યું છે. સ્ત્રીના જીવનમા અચાનક કઇક પરિવર્તન આવે તો લોકો તેના તરફ કેવું વર્તન કરે છે, તે જોવા મળે છે. સ્ત્રીનું પોતાનું સાચુ અસ્તિત્વ શું છે, તેની સચોટ વ્યાખ્યા આ ફિલ્મમાં રજૂ કરાઇ છે.
લજ્જા (2001)
આ ફિલ્મમાં એક સાથે અનેક મહિલા પાત્રોની વાત છે. મનીષા કોઇરાલા, રેખા, માધુરી દિક્ષિત, મહિમા ચૌધરી આ ફિલ્મમાં હતા. તે દરેકની પરિસ્થીતી અલગ હોય છે અને તેમને પુરુષ પ્રધાન સમાજની જે યાતનાનો ભોગ બનવું પડે છે, તેની સામે એક સ્ત્રી અવાજ ઊઠાવે છે, તે ફિલ્મમાં દર્શાવ્યું છે.
દોર (2006)
આયશા ટાકિયાની આ ફિલ્મમાં વિધવા વિવાહના મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. તે ઉપરાંત વિધવા થવાથી તે સ્ત્રીએ સમાજની કેટકેટલીય મુશ્કેલીઓને સહન કરવી પડે છે, તે પણ દર્શાવવામાં આવ્યું છે.
નો વન કિલ્ડ જેસિકા (2011)
એક યુવતીનું કારણ વિનાનું મૃત્યુ અને તેની સામે તેની બહેનની લડત અને સાથે જ એક મહિલા પત્રકારનો સપોર્ટ આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. રાની મુખર્જી અને વિદ્યા બાલનની આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય રહી હતી. જે સત્યઘટના આધારીત ફિલ્મ રહી છે. જેમાં ન્યાય મેળવવા માટે જ્યારે કોઇ મહિલા આગળ આવે છે અને ન્યાયનો સાથ આપવા માટે મહિલા ઊભી થાય છે, ત્યારે કેવી રીતે લોકો તેમને અટકાવે છે, તે દેખાડવામાં આવ્યું છે.
ઇંગ્લીશ વિંગ્લીશ(2012)
શ્રી દેવીએ આ ફિલ્મથી કમબેક કર્યું અને ફિલ્મની વાર્તા લોકોને ખૂબ સ્પર્શી ગઇ. એક અંગ્રેજી ન જાણનાર સ્ત્રી સાથે તેના બાળકો અને પતિ દ્વારા કેવી રીતે વર્તન કરવામાં આવે છે અને તે જ સ્ત્રી જ્યારે અંગ્રેજી શીખીને લકોની વચ્ચે પોતાની એક ઓળખ મેળવે છે, ત્યારે ઘરના લોકોનું વર્તન કેટલું બદલાઇ જાય છે, તેનું સ્પષ્ટ ઉદાહરણ આ ફિલ્મમાં જોવા મળ્યું છે. એક સ્ત્રી ઇચ્છે તો કઇપણ કરી શકે છે, કઇપણ મેળવી શકે છે.
ક્વીન (2014)
કંગના રનૌતની આ ફિલ્મ બાદ યુવતીઓની વિચારવાની દિશા બદલાઇ ગઇ છે, તેમ કહીયે તો ખોટું નથી. લગ્ન તૂટી જાય તે યુવતી પોતાના હનીમૂન પર એકલી જ ફરવા નીકળી પડે છે અને જીવનનો સૌથી સુંદર સમય તે પોતાને સમજવામાં અને પોતાને પ્રેમ કરવામાં પસાર કરે છે, તે આ ફિલ્મમાં દર્શાવ્યું છે. એક યુવતી કે સ્ત્રી કોઇના આધારે નહીં પણ એકલી પણ દેશ-દુનિયા ફરી શકે છે તે આ ફિલ્મમાં જોવા મળ્યું છે.
પીકૂ (2015)
પિતા અને પુત્રીના સંબંધોની અને વાસ્તવિકતાની વાત આ ફિલ્મમાં છે. દિપીકા પાદુકોણ દ્વારા એક દિકરીની જવાબદારી, પિતાની ઉંમર પ્રમાણેને તેમને સમજવાની ક્ષમતા અને સહનશક્તિ, મોટી ઉંમરની વ્યક્તિ સાથેનું વાણી,વર્તન અને વિચારની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. એક દિકરી માટે તેના પિતાની જવાબદારી કેટલી મહત્વની છે, તે દર્શાવતી આ ફિલ્મ છે.
નીલ બટ્ટે સન્નાટા (2015)
માતા અને દિકરીના જીવનની વાત આ ફિલ્મમાં દર્શાવી છે. સ્વરા ભાસ્કર ફિલ્મમાં એક કામવાળીના પાત્રમાં છે, જેને પોતાની દિકરીને ભણવવાની ઇચ્છા છે કારણકે તેનું ભણતર બાળપણમાં જ છૂટી ગયું હતું. માતા અને દિકરી વચ્ચે ભણતરને લઇને ચાલતા સંઘર્ષ અને દિકરીને ભણાવવા માટે તેના દ્વારા આપવામાં આવેલી ચેલેન્જને એક માતા સ્વીકારીને તેને કઇ રીતે ભણતર તરફ વાળે છે, તેનું સચોટ ઉદાહરણ આ ફિલ્મ છે.
પીંક (2016)
સમાજમાં એકલી રહેતી યુવતીઓ માટે લોકોના વિચારો અને દ્રષ્ટિ શું હોય છે, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. કઇ રીતે પોતાના પર લાગેલા આરોપને ત્રણ યુવતી સમાજના પુરુષો સામે લડત આપીને જીતે છે, તેના પરની આ ફિલ્મ છે. તાપસી પન્નુ આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં છે.
દંગલ (2016)
આમિર ખાનના મુખ્યપાત્રના અભિનયવાળી આ ફિલ્મમાં દિકરીઓને ભણાવવાની અને આગળ લાવવાની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ એક બાયોપિક છે. દિકરી અને દિકરા વચ્ચેના ભેદને નાબીદ કરીને કઇ રીતે એક પિતાએ પોતાના સમાજની ચિંતા કર્યા વિના દિકરીઓને આગળ વધારી તે ખાસ મહત્વનું છે.
નિરજા (2016)
નિરજા ભનૌતની બાયોપિક આ ફિલ્મમાં સોનમ કપૂર મુખ્ય પાત્રમાં હતી. એક મહિલા કઇ રીતે નિડર રહીને પોતાની જવાબદારીની નિભાવે છે તે આ ફિલ્મમાં જોવા મળે છે.
સરબજીત (2016)
એક બહેન, એક મહિલાની પોતાના ભાઇને પાકિસ્તાનની જેલમાથી છોડાવવાના સંઘર્ષને આ ફિલ્મમાં ખૂબ જ સરસ રતે દર્શાવાયો છે. ઐશ્વર્યા રાય દ્વારા ભજવાયેલા બહેનદલવીર સિંહના મુખ્યપાત્રવાળી આ ફિલ્મ સત્યઘટના પર આધારીત છે. તેમાં એક મહિલાના સંધર્ષની વાત છે, જેના કારણે તે પાકિસ્તાન સુધી તેના ભાઇને મળવાની પહેલ કરે છે. જુસ્સા અને સચ્ચાઇની એક લડત દર્શાવાઇ છે. બાઇ પ્રત્યેનો પ્રેમ અને હિંમતની વાત છે.
લિપસ્ટીક અંડર માય બુરખા (2017)
સૌથી વધુ ચર્ચામાં રહેલી આ ફિલ્મ ઘમા સમય બાદ રીલીઝ થઇ હતી. ચાર અલગ અલગ ઉંમરની મહિલાની વાત અને પરિસ્થીતીનું વર્ણન આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. પોતાને મળેવા જીવનમાં પોતાની સ્વતંત્રતા શોધતી મહિલા પોતાના સપનાને જીવવાની અને જીતવાની વાત કરતી મહિલા કઇ રીતે છેલ્લે પોતાની જાત સાથે સમાધાન કરી લે છે, તે આ ફિલ્મમાં જોવા મળે છે.
પદ્માવત (2018)
રાણી પદ્માવતીના જીવન પર આધારીત આ ફિલ્મમાં દિપિકા પાદુકોણ મુખ્ય પાત્રમાં છે. અનેક વિવાદો બાદ ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને છોડીને આ ફિલ્મ દરેક સ્થળે રજૂ થઇ છે. રાણી પદ્માવતીના પતિધર્મ અને નીડરતાની વાત આ ફિલ્મમાં છે.
આ સિવાય 2017માં મહિલા કેન્દ્રીત ફિલ્મો રજૂ થઇ જે દરેકને સારી સફળતા મળી છે. નામ શબાના (તાપસી પન્નુ), બેગમજાન (વિદ્યા બાલન), અનારકલી આરાહ (સ્વરા ભાષ્કર), નૂર (સોનાક્ષી સિન્હા), માત્ર (રવીના ટંડન), મોમ (શ્રી દેવી), સિક્રેટ સુપરસ્ટાર (ઝાયરા વસીમ), હસીના-અ ક્વીન ઓફ મુંબઇ (શ્રદ્ધા કપૂર), સિમરન (કંગના રનૌત), તુમ્હારી સુલૂ (વિદ્યા બાલન).
બોક્સ —
અન્ય મહિલા કેન્દ્રીત ફિલ્મોની યાદી
અનુભવ(1971), અંકુર(1973), આંધી(1975), ભૂમિકા(1977), પાર(1984), રુદાલી(1993) મૃત્યુદંડ(1997), આસ્થા(1997), અર્થ(1998), ફિઝા(2000), બવંડર(2000), ચાંદની બાર(2001), શક્તિ ધ પાવર(2002), માતૃભૂમિ(2003), જાગો(2004), પીંજર(2003), બ્લેક(2005), વોટર(2005), પરિણિતા(2005), પેજ -3(2005), આજા નચ લે(2007), પ્રોવોક્ડ-અ ટ્રુ સ્ટોરી(2006) ધ ગર્લ ઇન યલો બોટ(2010), ચક દે ઇન્ડિયા(2007), ફેશન(2008), હિરોઇન(2012), 7 ખૂન માફ(2011), ટર્નીંગ 30(2011), ધ ડર્ટી પિક્ચર(2011), કહાની(2012), લક્ષ્મી(2014) મેરી કોમ(2014), ગુલાબ ગેંગ(2014), હાઇવે (2014), મર્દાની(2014), બોબી જાસૂસ(2014), રિવોલ્વર રાની(2014), NH10(2015), બેબી(2015), પરછેદ(2016).
મેધા પંડ્યા ભટ્ટ