માર્ચના પહેલા અઠવાડિયાને વુમન્સ વીક તરીકે દેશભરમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. જોકે તેના માટે ખાસ દિવસ આઠ માર્ચ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન કેટકેટલીય મહિલાઓને તેમના કાર્ય બદલ બિરદાવવામાં આવે છે. તેમનું સન્માન કરવામાં આવે છે. નવા જમાનામાં ઉજવાતા ડેય્ઝ પ્રમાણે આ દિવસોમાં વ્યક્તિ પોતાની માતા, બહેન, પત્ની, દિકરીની સાથે આ દિવસનું સેલિબ્રેશન કરે છે. આજે આપણે ગુજરાતી ફિલ્મ, થિયેટર અને સિરિયલો સાથે જોડાયેલી કેટલીક લોકપ્રિય મહિલાઓ પાસે આજના સમયની મહિલાઓ માટેના વિચારો જાણીશું.
- દરેક મહિલા એ પાવર હાઉસ છે – ભાવિની જાની
ગુજરાતી થિયેટર, સિરિયલ કે પછી ફિલ્મોમાં જાણીતું નામ ભાવિની જાનીનું છે. તેમનું કહેવું છે કે, દરેક મહિલા તે જ્યાં પણ હોય, જે પણ કાર્ય કરતી હોય, તે ગૃહિણી હોય કે વર્કિંગ વુમન હોય કે કોઇપણ ક્ષેત્રમાં હોય તે પોતાની આજુબાજુના વિસ્તારને ઊજાગર કરવાની ક્ષમતા ધરાવે છે. ઇશ્વરે તેને આ શક્તિ આપી છે. તે પોતાનામાં જ પાવર હાઉસ છે. આજની ગૃહિણીને કે ગામડાંમાં રહેતી મહિલાઓને માટે એટલું કહીશ કે, તમે આજની મોર્ડન સ્ત્રીઓની જેમ ભલે જીવન ન જીવી શકતા હો, નોકરી કરવી કે અંગ્રેજી બોલતા તમને ન આવડતું હોય પણ તમે તમારા ઘરના મેનેજર છો. ઘરને સંભાળવું, કુટુંબને, બાળકોને સંભાળવા તે સૌથી મુશ્કેલ કાર્ય છે. આજની આધુનિક મહિલાઓને એટલું જ કહીશ કે ક્યારેય આંધળુ અનુકરણ ન કરશો. સોશિયલ મિડીયાનો જરૂરીયાત પૂરતો જ ઉપયોગ કરવો. આજના યુથની વાત કરું તો ખૂબ જ હોશિયાર છે. તેમને પોતાની લાઇફમાં શું કરવું, કઇ દિશામાં જવું તે બધી જ ખબર છે. આજની દરેક દિકરીને જો સાચું માર્ગદર્શન મળે તો તેનામાં તમે ઝાંસીના દર્શન કરી શકો છો.
- દરેક મહિલાનું યોગદાન શ્રેષ્ઠ હોય છે – આરતી પટેલ
ગુજરાતી થિયેટર, ફિલ્મો અને સિરિયલોની સાથે જ પ્રોડ્યુસર તરીકે પણ સફળ રહેનાર આરતી પટેલને લોકો આર.જે. તરીકે પણ ઓળખે છે. ‘લવની ભવાઇ’ જેવી સુંદર ફિલ્મ પ્રોડ્યુસર કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ મહિલા પ્રોડ્યુસર તરીકેનો એક અલગ દાખલો બેસાડ્યો છે. તેઓ કહે છે કે, દરેક મહિલાનું તેના જીવનમાં આપેલું યોગદાન શ્રેષ્ઠ હોય છે. તેનામાં જે શક્તિ છૂપાયેલી છે, તેને પારખવાની જરૂર તેને પોતાને છે. દરેક સ્ત્રી પાસે વિવિધલક્ષી કાર્ય કરવાની ક્ષમતા રહેલી છે, જે તેનામાં જન્મની સાથે જ કુદરતી રીતે જોડાઇ ગયેલી હોય છે. તે એક સાથે પાંચ કાર્યો કરી શકે છે. તેનામાં છૂપાયેલી આ આવડતને તેણે પોતાને આગળ લાવવામાં પણ ઉપયોગી બનાવવી જોઇએ. તેના માટે તેણે બહાર નીકળવું કે કમાણી કરવી તે જરૂરી નથી. તેનામાં છૂપાયેલી એ આવડત અને શક્તિને ઓળખવાની જરૂર છે. હું પોતે એવું માનું છું કે પુરુષ સમોવડી થવામાં મજા નથી પણ આપણે આપણી શક્તિઓ દ્વારા અલગ તરી આવીયે તેમાં વધારે આનંદ છે.
- દરેક મહિલા બહુર્મુખી પ્રતિભાવાળુ જીવન જીવે છે – સુજાતા મહેતા
ગુજરાતી થિયેટરનો લોકપ્રિય ચહેરો અને ફિલ્મોની અભિનેત્રી સુજાતાજીથી દરેક પરીચિત છે. તેઓ કહે છે કે, મહિલાઓ તો રોજ પોતાનો મહિલા દિન સેલિબ્રેટ કરતી જ હોય છે. જોકે હવે મહિલાદિનનું મહત્વ વધી રહ્યું છે, તે આનંદની વાત છે. વુમન્સ ડેના દિવસથી હું મારી સુજાતા રંગરંગીલીની નવી જર્ની શરૂ કરવા જઇ રહી છું. મહિલા પોતાની રીતે આગળ આવે તે ખૂબ જરૂરી છે. મહિલા બધે જ છે. તેના અનેક નામ છે, દિકરી, પત્ની, માતા, દાદી, પ્રેમિકા, બહેન, કાકી, માસી, ફોઇ, તેના માટે ‘તેરે રંગ હજાર’ કહી શકાય. મનુંષ્યની આખી જાતમાં કલરફુલ અને વર્સેટાઇલ (બહુમુખી) જીવન કોઇ જીવતું હોય તો તે ફક્ત મહિલા છે. લગ્ન પહેલા, લગ્ન પછી, ઘરમાં, ઓફિસમાં દરેક મોરચે તે લડે છે, જીવે છે, આનંદ કરે છે અને કરાવે છે. સાથે જ કહીશ કે, આજની જનરેશન ખૂબ જ સ્માર્ટ છે. એકસાથે અનેક વસ્તુઓ શીખે છે. પણ તેમનામાં સહનશક્તિ ખૂબ ઓછી છે. તે જાળવવી જરૂરી છે. તેમનામાં લડવાની હિંમત છે પણ સહનશક્તિ નથી.
- તમારા પર વિશ્વાસ રાખીને આગળ વધો – આરોહી પટેલ
‘પ્રેમજી’, ‘લવની ભવાઇ’ અને હાલમાં જ આવેલી ફિલ્મ ‘ચાલ જીવી લઇએ’ની હિરોઇન આરોહી પટેલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફળ ફિલ્મોની અભિનેત્રીની હારોળમાં પ્રથમ સ્થાને છે. તે કહે છે કે, જ્યારે પણ મહિલા તરીકે કોઇને બેસ્ટ જોઉં તો તે ફક્ત મારી મમ્મી જ છે. તેણે મને મારા કાર્યક્ષેત્રમાં દરેક તબક્કે પ્રેરણા પૂરી પાડી છે. તેને મેં એકસાથે અનેક કાર્યો કરતા જોઇ છે. માતા તરીકે, પત્ની તરીકે, અભિનેત્રી તરીકે, લેખિકા તરીકે, આર.જેં તરીકે અને પ્રોડ્યુસર તરીકે પણ તેણે પોતાની તમામ ફરજો ખૂબ સુંદર રીતે પૂરી કરી છે. તેથી મહિલાઓની વાત કરું તો એક યુવતી તરીકે મને દરેક મહિલાઓ માટે ખૂબ જ માન છે. મહિલાઓ અનેક કાર્ય એકસાથે કરી શકે છે. મહિલાઓ પાસે જે શક્તિ છે, તે કોઇની પાસે નથી પણ તેનો ક્યા અને કઇ રીતે ઉપયોગ કરવો તે પણ આપણને ખબર હોવી જોઇએ. તેનું ધ્યાન આપણે પોતે જ રાખવાનું છે. મને સ્પાઇડરમેનનો એક ડાયલોગ ખૂબ ગમે છે, ‘મહાન શક્તિઓની સાથે ઘણી બધી જવાબદારીઓ પણ આવે છે.’ આજની યુવતીઓને પણ ખાસ કહીશ કે, જીવનમાં હંમેશા પોતાની મહેનતથી સફળતા મેળવવાનો પ્રયત્ન કરો. તમારા પર વિશ્વાસ રાખીને આગળ વધો. યુવતીઓ કે મહિલાઓ દુનિયાને બદલી શકે છે. આપણે નવું શીખીયે છીએ અને શીખવી પણ શકીયે છીએ. બાળકને જન્મ આપીને તેને મોટું કરીયે છીએ. આપણા થકી દુનિયા છે.
- ઇશ્વરે સ્ત્રીનું સર્જન ન કર્યું હોત તો દુનિયાનું અસ્તિત્વ જ ન હોત – મોરલી પટેલ
ગુજરાતી સિરિયલોનું લોકપ્રિય નામ છે. મોરલી પટેલ વ્યક્તિગત રીતે એવું માને છે કે, મહિલા દિન ફક્ત એક દિવસનો હોય તે અજુગતુ લાગે છે. મહિલાઓ માટે તો 365 દિવસ હોવા જોઇએ. તેની લાગણી, માન, વિશિષ્ટતા, અસ્તિત્વ, માન, સન્માન માટે તો કદાચ આખી જીંદગી ઓછી પડે. આજે મહિલા એટલે કે સ્ત્રી, જો ઇશ્વરે તેનું સર્જન જ ન કર્યું હોત તો આ દુનિયાનું અસ્તિત્વ જ ન હોત. આ એક દિવસ મહિલાઓને માન, સન્માન, શુભેચ્છાઓ અપાય છે. તેમના માટે સારુ લખવું, બોલવું આ બધી એક દિવસ પૂરતી હોય છે, જે મને ખૂંચે છે. ખરેખર તો આ લાગણી રોજબરોજના જીવન સાથે વણાયેલી હોવી જોઇએ. તમામ પુરુષવર્ગે તે સ્વીકારવું જોઇએ. સાથે જ મહિલાને પણ મહિલા માટે આવી જ લાગણી હોવી જોઇએ. અત્યારની યંગ જનરેશનને પણ કહીશ કે વૈચારીક આઝાદી રાખો. મોર્ડનિઝમમાં વસ્ત્રોથી મોર્ડન થવાને બદલે વિચારોથી મોર્ડન બનવું જોઇએ. વિચારો મોર્ડન રાખવાથી, પ્રેક્ટિકલ વિચારો રાખવાથી, સમજણ શક્તિ રાખવાથી એકબીજાનું માન-સન્માન જળવાઇ રહે છે. દરેક મહિલાને કહીશ કે આ દિવસે તમે તમારી જાતને ન્યાય આપવાનો પહેલો પ્રયત્ન કરજો. તેમાં જે આત્મસંતોષ મળશે, તેવો ક્યાંય નહીં મળે.
- સમયની સાથે મહિલાઓએ પોતાને વધુ સક્ષમ બનાવી છે – પ્રાંજલ ભટ્ટ
ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અર્બન ગુજરાતી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી પ્રાંજલ છે. તે પોતે મહિલા દિન નિમિત્તે કહે છે કે, મહિલાઓ માટે ક્યારેય એક દિવસ એવો નક્કી કરેલો હોતો નથી. આજની મહિલા માટે દરેક દિવસ હેપી વુમન્સ ડે છે. આજની મહિલા દરેક રીતે સક્ષમ બની છે. ભણતરની સાથે ગણતર પણ છે. પહેલા મહિલાઓ શક્તિ તરીકે, નારી તરીકે, ગરવી નાર તરીકે જાગૃત હતી પણ આજે બેવડી જવાબદારી સાથે મહિલાઓ કામ કરતી પણ થઇ છે. પહેલાના સમય પ્રમાણે પણ મહિલાઓ સક્ષમ હતી અને આજના સમય સાથે આગળ વધીને મહિલા પોતાની વિચારશૈલીથી આગવું પ્રતિભા સંપન્ન સ્વરૂપ હંમેશા દર્શાવતી આવી છે. આજની યંગ જનરેશનને એટલું જ કહીશ કે, ટૂંકા ગાળાની સફળતા મેળવવા શોર્ટકટ અપનાવવો તેના કરતા મહેનત કરીને, અથાગ પરિશ્રમ કરીને આગળ વધો. મહેનતની સાથે સફળતા મળતી જ હોય છે. જીવન કેવી રીતે જીવવું તે તમે પોતે નક્કી કરો. પોતાના માટે, સમાજ માટે, દેશ માટે કંઇક સારું કરવાનો પ્રયત્ન કરો. તમારી અંતરઆત્માને કંઇક સારું કાર્ય કર્યાનો અહેસાસ થાય તેવું જીવન જીવો.