જીવનમાં અનેક લોકોનું આવન જાવન થતું હોય છે, પણ તેમાંથી કોઇ એક જ એવું ખાસ હોય છે, જેના માટે મનમાં કૂંણી લાગણીનું સિંચન થાય છે. તે વ્યક્તિથી બધાથી ખાસ બની જાય છે. તેની સાથે દરેક પળની વાતો કરવાની અને સુખ દુખ વહેચવાની ઇચ્છા થાય છે. આવી વ્યક્તિ તમારા માટે ખાસ છે અને તે શા માટે તમારા માટે ખાસ છે, તે તમારું મન જાણતું જ હોય છે પણ લાગણીની રજૂઆત અને સામેવાળી વ્યક્તિને કર્યા વિના રહેતા નહીં. આપણા જીવન સાથે જોડાયેલી દરેક વ્યક્તિનું આપણા જીવનમાં શું મહત્વ છે અને તમને તેની કેટલી જરૂર છે, તે જો સમયાંતરે જણાવતા રહીયે તો સંબંધોમાં એક હૂંફ જળવાઇ રહે છે.
પ્રાચી અને સાંકેત એક જ કંપનીમાં સાથે નોકરી કરતા હતા. પરિચયમાં આવ્યા અને તેમને લાગ્યું કે બંને એકબીજા માટે જ બન્યા છે. બંનેએ પરિવારની અનુમતિથી સગાઇ કરી લીધી. લગ્નને હજી વાર છે. બંનેએ એકબીજાને એક વચન આપી દીધુ છે તે પૂરતું છે તેવું તેમને લાગે છે. સાંકેત પ્રાચી કરતા સિનિયર છે અને દેખાવમાં પણ સ્માર્ટ છે. તેથી તેની ઓફિસમાં અન્ય યુવતીઓમાં તે હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પ્રાચી પણ સુંદર અને દેખાવડી છે પણ સિંપલ છે. ઓફિસમાં તેમની વચ્ચેના સંબંધ વિશે જાણકારી નથી. તેઓ વધારે જાણકારી આપવા માગતા પણ નથી કારણકે પર્સનલ રીલેશન અને પ્રોફેસનલ રીલેશનને જોડવા માગતા નથી. સાંકેત ઓફિસમાં પ્રાચીનો બોસ છે, તો ક્યારેક તેના કામને લઇને તેને ટોકવી પણ પડે છે, તો તેમાં તેઓ પોતાના અંગત સંબંધને વચ્ચે લાવતા નથી.
ઓફિસમાં નેહા કરીને નવી યુવતી જોઇન થાય છે. તેને સાંકેતની અંડરમાં ટ્રેનિંગ માટે મૂકવામાં આવે છે. પ્રાચીની કેબીનની સામે જ સાંકેતની કેબીન છે. તેથી નેહાના આવ્યા પછી પ્રાચી તેની કેબીન તરફ વધારે ધ્યાન આપવા લાગી. નેહા થોડી બિન્દાસ યુવતી છે, તો તે હસી હસીને અને મસ્તી મજાકથી સાંકેત સાથે વર્તન કરતી હોય છે. પ્રાચીને આ પસંદ નથી પણ તે પોતાના પર્સનલ સંબંધને અહીં લાવવા માગતી નથી. સાંકેતને પ્રાચીના મનની હાલતનો અંદાજો આવી ગયો હતો. તેણે પોતે પણ ઘણીવાર પ્રાચીને તેની કેબિનમાં જોતા જોઇ હતી. બંનેની આંખ સામેસામે ટકરાતા પ્રાચી મોં ફેરવી લેતી તેવું ઘણીવાર બન્યું. પ્રાચી સાંકેતને ખૂબ પ્રેમ કરે છે અને સાંકેતને પણ પ્રાચી જેવી સુંદર, સુશીલ અને ભણેલી યુવતી જ પત્નીના રૂપમાં જોઇએ છે. જે વાત પ્રાચીને સમજાતી નહોતી.
સાંકેત પરિસ્થિતીને પામી ગયો અને તેણે પ્રાચી માટે તેની આવનારી બર્થડે પર કઇક સ્પેશિયલ કરવાનું વિચાર્યું. સાંકેતે જ પ્રાચીને બંનેના સંબંધોની જાણ ઓફિસમાં ન કરવાનું જણાવ્યું હતું. તેથી પ્રાચીને તેના પર વિશ્વાસ હોવા છતાંય તે ક્યાંક ડામાડોળ થતો હોય તેવો અંદેશો સાંકેતને આવી ગયો હતો. પ્રાચીનો જન્મદિવસ હતો અને સાંકેતે આગલી રાત્રે બાર વાગ્યે તેને વિશ ન કર્યું. જેનાથી પ્રાચીનો મૂડ ખૂબ જ ખરાબ થઇ ગયો. તેણે સાંકેતને ફોન પણ કર્યા પણ એકપણ ફોન તેણે ઉપાડ્યો નહીં. પ્રાચી ઓફિસ આવી તો સાંકેત રજા પર હતો તેવું જાણવા મળ્યું. પ્રાચીએ નેહા વિશે પૂછ્યું તો તે પણ રજા પર હોવાનું જાણવા મળ્યું. પ્રાચીને આખો દિવસ કામમાં મન લાગ્યું નહીં.
ઓફિસેથી ઘરે જતા તેના મનમાં એનેક વિચારો ઊભરાતા હતા પણ તે કઇ જ સમજી શકતી નહોતી. ઘરે પહોંચી તો તેના મમ્મી પપ્પાએ બહાર જમવા જવા માટે ફોર્સ કર્યો. મન ન હોવા છતાંય તેમને ખોટું ન લાગે તે માટે પ્રાચી બહાર જમવા માટે ગઇ. તેઓ હોટલમાં પહોચ્યા ત્યારે તેના માતા-પિતા તેને હોલ તરફ લઇ જવા લાગ્યા. પ્રાચીનું મન હતું નહીં એટલે તે કશું જ વિચાર્યા વિના ચાલવા લાગી. ત્યા જઇને જોયું તો સાંકેત, નેહા અને આખો ઓફિસ સ્ટાફ ત્યાં હાજર હતો. બધાએ નેહાને વીશ કર્યું અને વેલકમ કર્યું. સાંકેતે બધાની હાજરીમાં તેમના સંબંધોને જાહેર કર્યા અને સાથે જ લગ્નની તારીખ પણ જાહેર કરી દીધી. પ્રાચીના મનમાં એકસાથે અઢળક પ્રેમ સાંકેત માટે ઊભરાઇ આવ્યો. તેને પોતાના વિચારો અને સાંકેત પર શંકા કરવા માટે શરમ આવવા લાગી.
સાંકેત પ્રાચીની પાસે ગયો અને કહ્યું કે, ‘તારા મનની પરિસ્થિતી હું સમજી ગયો હતો. તેથી જ તારા મનનું સમાધાન કરવાનો નિર્ણય કર્યો. સવારે તારા મમ્મી પપ્પા સાથે પંડિતજી પાસે જઇ લગ્નની તારીખ નક્કી કરાવી. નેહાએ સવારે અહીં આવી હોટલમાં બધુ સંભાળી લીધુ. તારા માટે મનમાં એક અલગ જ સ્થાન છે અને તે હું તને ઝડપથી કહી દેવા માગતો હતો. જો વધારે મોડુ કરવા જાત તો કદાચ તને ગૂમાવી દેત. હું આપણા સંબંધને હંમેશા પ્રેમથી જીવાડવા માંગુ છું. તને ક્યારેય મારા માટે શંકા થાય તે પહેલા જ તેનું સમાધાન થઇ જાય તેવા જ પ્રયત્નો હું કરીશ. મારા જીવનમાં સૌથી વધારે તારું મહત્વ રહેલું છે. મને સૌથી વધારે તું જ ગમે છે. જીવનની દરેક સવારે જ્યારે સૂર્ય ઊગે તો તારી સાથે જ તેના કિરણોને જોવા છે અને આથમતા સૂરજને પણ તારા બાહોપાશમાં રહીને નિહાળવો છે. દરેક પથ પર તું મારી સાથે હો એ જ ઇચ્છા છે, તેથી જ તો તું મારા માટે ખાસ છે.’ સાંકેતની વાતો સાંભળી પ્રાચીની આંખમાં આંસુ આવી ગયા.
આપણે પણ આવી પરિસ્થિતીમાંથી પસાર થતા જ હોઇએ છીએ. આપણા પ્રિય પાત્રને ક્યારેક ને ક્યારેક આપણા માટે શંકા થાય તે સ્વાભાવિક છે કારણકે તેમાં તેનો પ્રેમ છૂપાયેલો હોય છે. શંકાનું સમાધાન ઝડપથી થઇ જાય તો સંબંધ જળવાઇ રહે છે પણ જો તેમાં સામ સામે દોષારોપણ થાય તો સંબંધ બગડતા વાર લાગતી નથી. જેને પ્રેમ કરીયે તેના મનની પરિસ્થિતી સમજવી પણ જરૂરી છે. જો તે પ્રમાણે તેને પ્રેમથી સાચવી લઇશું તો સંબંધ ખરેખર મધુર બની રહેશે. તો હવે તમે તમારા પ્રિય સંબંધને કઇ રીતે સાચવશો તે તમે નક્કી કરજો.