ટીવી સિરિયલોના જાણીતા લેખક અને ડિરેક્ટર ઘર્મેશ મહેતાથી બધા જ પરીચિત છે. સૌથી લોકપ્રિય સિરિયલ તારક મહેતાના ઉલટા ચશ્માના 500 જેટલા એપિસોડ તેમણે ડિરેક્ટ કરેલા છે. તે સિવાય અનેક સિરિયલો તેમના ફાળે જાય છે. થોડા સમય પહેલા પપ્પા તમને નહીં સમજાય નામની ગુજરાતી ફિલ્મ પણ તેમણે બનાવી હતી. હવે ફરીથી ચિલઝડપ નામની કોમેડી થ્રિલર ફિલ્મ લઇને તેઓ આવ્યા છે. ધર્મેશ મહેતા સાથે તેમના ચિલઝડપ નાટકથી લઇને ફિલ્મ સુધીની સફરને લઇને થયેલી વાતચિત.

તમે ચિલઝડપ નાટકમાં પહેલાં પણ કામ કર્યું છે?

`ચીલઝડપ’ ફિલ્મ મૂળ તો નાટક આધારિત છે. આ નાટક 1988માં આવ્યું હતું, જેના પરથી ફિલ્મ બની છે. આ નાટક આઇઆઇએનટીએ રજૂ કર્યું હતું અને વીરમભાઇએ લખ્યું હતું. મારું ફર્સ્ટ પ્લે અને ત્યારે હું બેક સ્ટેજ પર કામ કરતો હતો. સ્ટાફને ચા આપતો હતો, ચંપલ સરખા મૂકતો હતો. આ નાટક અને કામ માટે મને ત્રીસ રૂપિયા એક શોના મળતા હતા. ત્યારથી લઇને મારી આ જર્ની ચાલી છે. મારા માટે આ ફિલ્મ ખૂબ મહત્વની છે. તેની સાથે હું ભાવનાત્મક રીતે ખૂબ કનેક્ટેડ છું.

નાટકમાં ક્યાંય કટ કે રી-ટેક આવતા નથી અને તમે ઓગણીસ દિવસમાં જ આ ફિલ્મ બનાવી. આ ફિલ્મ કેટલી પડકારરૂપ પણ રહી. શું નવું જોવા મળશે?
હા, આ આખી ફિલ્મ ફૂલ ઓફ એક્શન ફિલ્મ છે. આમાં એક્શન ભરપૂર પ્રમાણમાં છે, જે તમને જોવા મળશે અને તેમાં તમને અનેક લોકેશન પણ જોવા મળશે. આમાં બેંક રોબરી, એક્શન, ફાયરિંગ, ડોગ સ્ક્વોડ લોકેશનમાં સિદ્ધપુર વગેરેનો સમાવેશ થાય છે. મેં આ ફિલ્મનું એટલું યોગ્ય રીતે પ્લાન કર્યું અને આખો સ્ક્રીનપ્લે લખ્યો. ડાયલોગ લખવા એ મારો વિષય નહોતો. આથી વિકીએ ફિલ્મના ડાયલોગ્સ લખ્યા, મેં આ બધું પ્રોપર પ્લાનિંગથી કર્યું અને બધુ ખૂબ સારી રીતે એક પછી એક કામ કરતો ગયો. નસીબજોગે મારી ટીમ ઘણી સારી છે. સૌના સારા સાથ-સહકારથી આ ફિલ્મ ઓગણીસ દિવસમાં બની ગઇ અને સુંદર રીતે બની ગઇ એ વાતનો મને ખૂબ આનંદ છે.


તમે ફિલ્મ ખૂબ ઝડપથી બનાવી છે એટલે બેક ટુ બેક સતત કાર્યરત રહેવું પડે, તેના માટે શું કંઇ કહેશો?
હા, આ ફિલ્મ બનાવવા દરમિયાન હેક્ટિક તો ખૂબ રહી છે અને ગુજરાતી ફિલ્મ હોવાથી બજેટનો પણ ખ્યાલ રાખવો પડે. આથી મેં પ્લાન કરીને આખી ફિલ્મની ડિઝાઇન કરી. આથી મેં પ્રોપર પ્લાનિંગ કર્યું અને મારી ટીમ ઘણી સારી હોવાથી મારા પ્લાનિંગ પ્રમાણે સૌએ કામ કર્યું અને મારી ડિઝાઇન મુજબ જ આખી ફિલ્મ શૂટ થઇ ગઇ. એ મારા માટે ખૂબ મહત્વની વાત છે.

નાટક પરથી ફિલ્મ બનાવવાનો વિચાર કઇ રીતે આવ્યો.
1988માં નાટક આવ્યું ત્યારે તેનું નામ `ચીલઝડપ’ હતું. જેમાં હું બેકસ્ટેજ કરતો. 2000ની સાલમાં એક નાટક મેં પ્રોડ્યુસ કર્યું હતું. એ નાટકનું નામ `હાથચાલાકી’ હતું, `ચીલઝડપ’ નાટકનો વિષય મને ખૂબ જ પ્રિય હતો. જ્યારે ફિલ્મની વાત નીકળી ત્યારે રાજુભાઇ હતા, મેં કહ્યું કે આપણે એક ફિલ્મ બનાવીએ. ત્યારે પહેલું જ નામ હતું `ચીલઝડપ’. મેં કહ્યું કે આપણે આ બનાવીએ. બહુ મજા આવશે, એકદમ અલગ વિષય છે. પાંચ-દસ મિનિટમાં તો બધું નક્કી થઇ ગયું. તરત વીરમભાઇને ફોન કર્યો વીરમભાઇ કહે સારું, હું તૈયાર છું. અને પછી તો `ચીલઝડપ’ની જર્ની શરૂ થઇ.

તમે ફિલ્મમાં કેરેક્ટર્સ ખૂબ સમજી-વિચારીને પસંદ કર્યા છે. નાટકના પાત્રો મુજબ પસંદગી કરી છે?
હા, આમાં એવું બન્યું કે કોમેડી રોલ હોવાથી જિમી તો મારા મનમાં પહેલાંથી નક્કી હતો. એને વાત કરી એટલે એણે તરત મારી વાત સ્વીકારી લીધી. બીજા રોલ માટે દર્શનભાઇ મને પરફેક્ટ લાગ્યા. મને થયું કે જો આ રોલ દર્શનભાઇ કરે તો જ ચાલે કેમ કે એ એક આગવુ સ્થાન ધરાવે છે અને સિનિયર પણ છે. ઉપરાંત, એ વર્સેટાઇલ અભિનેતા છે. એ હ્યુમર પણ ખૂબ સમજીને કરે છે. હવે મારા કેરેક્ટરની વાત કરું તો, મારા કેરેક્ટરમાં મેં એકદમ તળપદી ભાષાનો ઉપયોગ કર્યો છે. મારું પાત્ર ગોહિલ જે મૂળ સૌરાષ્ટ્રનો છે. એને રજૂ કરવા માટે એવો કોઇ કલાકાર મને જણાયો નહીં જે સૌરાષ્ટ્ની તળપદી ભાષાનો ઉપયોગ કરી શકે એવો કોઇ કલાકાર મારા ધ્યાનમાં ન આવ્યો. મેં દર્શનભાઇને વાત કરી તો એમણે કહ્યું કે હું આ રોલ કરીશ. એવી જ રીતે મને વિલન તરીકે એવો કોઇ કલાકાર હજી મળ્યો નહોતો. હું વિચાર કરતો હતો કે વિલન તરીકે કોને લઉં? અચાનક મને વિચાર આવ્યો સુશાંત સિંહનો. મેં તરત એમને કોલ કર્યો. એમને વાત કરી તો એમણે મને પૂછ્યું, અરે, આ તો ગુજરાતી ફિલ્મ છે? મૈં કર પાઉંગા? તો મેં કહ્યું હા સર. એમણે કહ્યું, આપકો કોન્ફિડન્સ હૈ? તો મેં જવાબ આપ્યો, હા, સર મુજે કોન્ફિડન્સ હૈ કિ આપ યે કર પાઓગે અને તરત જ એમણે હા કહી દીધી. ફિલ્મમાં સુશાંત સિંહે એટલું સરસ કામ કર્યું છે કે વાત ન પૂછો.

ગુજરાતી ભાષામાં આ પહેલી સસ્પેન્સ કોમેડી થ્રિલર ફિલ્મ છે?
હા, થ્રિલર કોમેડી જોનરની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે એટલે ઘણાબધા લોકોએ મને કહ્યું કે તમે આવું કરી શકશો? મેં જવાબ આપ્યો કે હા. આમાં એવું હોય છે કે તમે પ્રેક્ષકોને જેટલું નવું આપો એટલું તેઓ નવું જોશે. દર વખતે એકનું એક સાસુ-વહુ, રડારોળ વગેરે બધું જોઇને હવે પ્રેક્ષકો કંટાળી ગયા છે. એ આઉટ-ડેટેડ થઇ ગયું છે. વળી, આજકાલ લોકો માટે એટલું બધું કોન્ટેન્ટ છે લોકો માટે વેબ-સીરિઝ છે. એમાં જો આપણી ગુજરાતી ઇનડસ્ટ્રીને ગ્રો કરવી હશે તો કંઇક નવું આપવું પડશે. મેં ખૂબ વિચારીને આ ફિલ્મ બનાવી છે. પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવી છે. મારા માટે આ ફિલ્મ બનાવી નથી, પ્રેક્ષકો માટે બનાવી છે. બીજા શબ્દોમાં કહું તો, આ ફિલ્મ ગુજરાતી થાળી સમાન છે. એમાં બધું જ છે. ઊંધિયું,રસ, પૂરી, વગેરે બધું જ છે. પ્રેક્ષકોને તે જોવાની ખરેખર ગમશે.

ફિલ્મમાં ઉષા ઉથ્થુપે પણ ગીત ગાયાં છે અને લાગે છે કે બહું મોટી વાત છે?
હા, એ બહુ મોટી વાત છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મ માટે આટલા મોટા અને પ્રખ્યાત ગાયિકાએ પોતાનો સ્વર આપ્યો છે, એ ખરેખર ઘણું સારું છે. હું માત્ર મારા માટે નથી કહેતો, પણ આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ ઘણી મોટી બાબત છે. બીજા શબ્દોમાં કહું તો, ગુજરાતી ફિલ્મ માટે આ ગર્વની વાત છે કે હિંદી ફિલ્મનાં પ્રખ્યાત ગાયિકા ઉષા ઉથ્થુપે આમાં ગીતો ગાયાં છે.

સુશાંતસિંહને ગુજરાતી શીખવાડવું કેટલું મુશ્કેલ રહ્યું
મને એ ખ્યાલ હતો કે સુશાંત ગુજરાતી નહોતા. તો એમણે પૂછ્યું, ગુજરાતી છે? મેં જવાબ આપ્યો હા. અમે મળ્યા. ફિલ્મ માટે નવી ભાષા શીખવાનો તેમનો ઉત્સાહ હંમેશાથી રહ્યો છે. તેઓ હિન્દી સિવાય સાઉથની અનેક ભાષાની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. અમારું કામ શરૂ થયું. ગુજરાતી ડાયલોગ માટે અમે સાથે બેસતાં. હું બોલતો એ સાંભળતા અને આમ ખૂબ ટૂંક સમયમાં જ બીનગુજરાતી હોવા છતાં એમણે ગુજરાતીમાં એટલી સારી રીતે પ્રયત્ન કર્યો. આમાં એમણે સરસ કામ કર્યું છે. તેમને હવે ગુજરાતી ભાષા સ્પષ્ટ સમજાય છે.

હવે બોલિવૂડના કે સાઉથના ઘણા કલાકારો, પ્રોડ્યુસર, સિંગર્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે. એના કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તમે કયા સ્થાને જુઓ છો? શું ફાયદો થશે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો આવા બોલિવૂડ કે સાઉથના સારા ફિલ્મ ડિરેક્ટર્સ કે પ્રોડ્યુસર્સ આવશે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી મોટી થશે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે. જે જરૂરી પણ છે કેમ કે ભારતમાં ગુજરાતી ભાષા સિવાય દરેક પ્રાદેશિક ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. જો છેલ્લા બે-પાંચ વર્ષ પહેલાંની વાત કરું તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. હવે લોકો ખૂબ રરસપૂર્વક ગુજરાતી ફિલ્મ જોવા જાય છે. કેટલીક વાર તો એકસાથે સિત્તેર-એંસી લોકો સાથે મળીને ગુજરાતી ફિલ્મ જોવા જાય છે અને આ બાબત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘણી સારી બાબત છે. આપણા સૌ ગુજરાતી માટે ગૌરવની વાત છે.

તમે આ પહેલાં અલગ જોનરની ફિલ્મ બનાવી હતી. તો તમને અલગ અલગ વિષય સાથે ફિલ્મ બનાવવાનું ગમે છે કે તમે માત્ર પ્રયોગ કરો છો?
મને ગમે છે અને મારી આમાં નિપુણતા પણ છે કેમ કે મારું બેકગ્રાઉન્ડ થિયેટર છે. થિયેટરમાં મેં સરિતા જોષીને આસિસ્ટ કર્યાં છે, સુરેશને આસિસ્ટ કર્યાં છે એટલે દરેક જોનર સાથે હું કમ્ફર્ટ ફીલ કરું છું. આથી જ તમે જુઓ તારક મહેતાની સિરિયલ ફૂલ કોમેડી સિરિયલ છે, તો `બા, બેબી બહૂ’ એકદમ ઇમોશનલ સિરિયલ હતી. પપ્પા તમને નહીં સમજાયમાં ફાધર-સનની કોમેડી છે. ચિલઝડપ કોમેડી થ્રિલર છે. નવી જે ફિલ્મ કરી રહ્યો છું તે સંપૂર્ણપણે લવસ્ટોરી છે. અલગ અલગ જોનરમાં કામ કરવાનું મને પોતાને ગમે છે. ખરેખર કહું તો મારે કોઇ એક ઇમેજમાં બેધાઇને રહેવું નથી. હું ગમે તે જોનરમાં કામ કરી શકું છું.

Loading

Spread the love

Leave a Comment