કોઇ પ્રકારના ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના બોલિવૂડમાં આવીને તાપસી પન્નૂએ એક ઉત્કૃષ્ટ અભિનેત્રી તરીકે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ફિલ્મ `મનમર્જિયાં’ હોય કે `મુલ્ક’, કે `પિંક’ અથવા `જુડવા-2’, આ દરેક ફિલ્મમાં તાપસી પન્નૂ એક નવી જ શૈલી, એક અલગ જ ભૂમિકામાં જોવા મળી છે. તાપસીની સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે એ ઉત્કૃષ્ટ હિરોઇનોમાંની એક ગણાતી હોવા છતાં એનામાં સ્ટાર્સ જેવો એટિટ્યૂડ નથી જોવા મળતો. એ ખોટા દેખાડાથી ખૂબ દૂર છે. તાપસીએ મોટા ભાગે ઇશ્યૂ બેઝ્ડ ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાં એની ભૂમિકા સ્ત્રીની ગરિમા સાથે સંકળાયેલી હોય છે. પોતાના અંગત જીવનમાં પણ તાપસી નારીની ગરિમા અને સ્વતંત્રતા માટે ખૂબ આગ્રહી છે. આજકાલ તાપસી ફરી સમાચારમાં ચમકી રહી છે કેમ કે એ અનેક ઓફબીટ ફિલ્મોમાં અભિનય કરી રહી છે. એની ફિલ્મ `બદલા’ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રીલિઝ થઇ છે. આ ફિલ્મને સુજોય ઘોષે નિર્દેશિત કરી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન એડવોકેટની મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સંકળાયેલ વાતો તાપસી પન્નૂ સાથે.

— ફિલ્મ `બદલામાં તું સોલો હિરોઇન છે. ફિલ્મના તારા પાત્ર નયના શેઠી માટે તેં કોઇ ઓડિશન આપ્યું હતું?   

હું અને ઓડિશન? ઇમ્પોસિબલ! મારો રેકોર્ડ છે કે મેં આજ સુધી જેટલા પણ ઓડિશન્સ આપ્યાં છે, તેમાં ક્યારેય સિલેક્ટ નથી થઇ. જો ડિરેક્ટરને મારી નિપુણતા પર અવિશ્વાસ હોય તો એ મને સિલેક્ટ ન કરે એ મારું વલણ હોય છે. મારે ફિલ્મ `બદલા’ માટે ઓડિશન આપવાનું હોત તો હું એ ફિલ્મમાં અભિનય કરત જ નહીં.

— ડિરેક્ટર સુજોય ઘોષે તને કેવી રીતે સિલેક્ટ કરી?

સૌ જાણે છે કે ફિલ્મ `બદલા’ શરૂ થઇ ત્યારે કેટલાક ફેરફાર થયા કર્યા હતા. મને આ ફિલ્મની ઓફર અન્ય કોઇ રોલ માટે મળી હતી. ફિલ્મમાં પહેલાં એ જ દર્શાવવાનું હતું કે એક યુવતીનું ખૂન થાય છે. મેં નિર્માતાને કહ્યું કે વાર્તામાં જો યુવતીના મર્ડરને બદલે યુવાનનું મર્ડર થતું દર્શાવાય તો એ યુવતી (નયના શેઠી)ની ભૂમિકા ભજવવા ઇચ્છું છું, જે બદલો લેવા માગે છે. મારી વાત એમણે માની લીધી અને હું નયના શેઠી માટે આ ફિલ્મમાં ફાઇનલ થઇ ગઇ. શરૂઆતમાં આ ફેરફાર ડિરેક્ટર સુજોય ઘોષને ગમ્યો નહીં, એ આ ફિલ્મ કરવા માટૈ તૈયાર નહોતા. એ પછી મેકર્સે વકીલ (બાદલ ગુપ્તા)ના રોલ માટે અમિતાભ બચ્ચનને સાઇન કર્યા ત્યારે સુજોય ઘોષ ફિલ્મ કરવા માટે તૈયાર થયા.

— ફિલ્મના પોસ્ટર પર લખેલું છે કે, `હર બાર માફ કરના અચ્છા નહીં હોતા. તારા મનમાં ક્યારેય કોઇના પ્રત્યે બદલો લેવાની ભાવના રહી છે?

જીવનમાં આપણને સારા-ખરાબ દરેક પ્રકારના લોકો મળે છે. જો કોઇ આપણી સાથે ખોટી રીતે વર્તન કરે અથવા ગેરવર્તન કરે તો એના પ્રત્યે બદલો લેવાની ભાવના રાખવાથી મારા મનમાં નેગેટિવિટી-નકારાત્મકતા ઉત્પન્ન થશે, જે મારા માનસિક સ્વાસ્થ્ય માટે તો સારી નથી. આમ પણ બદલો લેવો એ એક ઇમોશન છે. લાગણી છે. જીવનના દરેક તબક્કે બદલો લેવાની આપણી રીત અલગ અલગ હોય છે. નાનપણમાં ગુસ્સો આવે ત્યારે ફ્રેન્ડ્સ સાથે બાળકો ફાઇટ કરે છે. થોડા ઘણા અંશે કોલેજ લાઇફમાં પણ આવા ગુસ્સા અને બદલાનું આદાન-પ્રદાન થયા કરતું હોય છે. પ્રૌઢ થયા પછી બદલાની ભાવના માત્ર મનમાં જ રહે છે.

— તારી સાથે ખોટું કરનારાને તું માફ કરી દે છે?

હું સામાન્ય માણસ છું. કોઇ સાધુ-મહાત્મા નથી કે જેમણે મારી સાથે ખોટું અથવા ગેરવર્તન કર્યું હોય એ દરેકને માફ કરી દઉં. જોકે હું વિચારું છું કે હું બદલો નહીં લઉં, પણ નસીબ ગેરવર્તનનો બદલો એની રીતે દરેકને આપે છે. તમે જેવું વાવશો, તેવું લણશો. નેગેટીવીટીને મનમાં રાખવી એ આપણા માનસિક વિકાસ માટે યોગ્ય નથી.

તેં અમિતાભ બચ્ચન સથે ફિલ્મ `બદલા પહેલાં 2016માં `પિંકમાં પણ કામ કર્યું છે. મહાનાયક સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? એમની સાથે ફિલ્મ કરવા દરમિયાન તેં કોઇ પ્રકારનું પ્રેશર અનુભવ્યું હતું?

એક વાત પહેલાં જ જણાવી દઉં કે અમિતાભ સર સાથે `પિંક’નું શૂટિંગ શરૂ થયું, તેના માત્ર બે જ દિવસમાં હું એમની સાથે ખૂબ સારી રીતે હળી-મળી ગઇ હતી. એમના અંગે મારા મનમાં જે ખચકાટ હતો, એ બધો દૂર થઇ ગયો. અમિત સર સાથે એક પ્રેમાળ સંબંધ બંધાઇ ગયો. અમે બંને સેટ પર એકબીજા સાથે વાતો કરતા રહેતાં. એ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર મારી પોસ્ટ પર રિએક્ટ કરતા. સેટ પર એ દરેક વ્યક્તિની ચિંતા કરે છે અને તેનું ધ્યાન રાખે છે. સૌની સાથે અમિતાભ સરનો વ્યવહાર આદરભર્યો હોય છે.

અમિતાભ બચ્ચન અભિનયના શહેનશાહ છે, છતાં એ રિહર્સલ કરે છે.

અમિતસર વિશે શું તું કહીશ?  

અમિત સર અને અભિનય એક સમીકરણ સમાન છે. છતાં સર ખૂબ રિહર્સલ કરે છે. `બદલા’માં અમારે બંનેએ લગભગ આખી ફિલ્મમાં એક સાથે એક જ ફ્રેમમાં કામ કરવાનું હતું. મારી આદત એવી છે કે હું રિહર્સલ નથી કરતી. સ્પોન્ટેનિયસ એક્ટિંગ કરવામાં માનું છું, પણ અમિત સર રિહર્સલ કરે છે. મને લાગે છે કે વારંવાર રિહર્સલ કરવાથી એનર્જી વેસ્ટ થાય છે, જે ફાઇનલ ટેક સુધી રહેતી નથી, પણ અમિત સર મને કહેતા, `આવો, મેડમ. એક વાર તો રિહર્સલ કરીએ તમારી સાથે.’ અમિત સર ખૂબ ઓછી માત્ર બે-ચાર કલાકની જ ઊંઘ લે છે. તેમના માટે આરામ શબ્દ જાણે છે જ નહીં. હું એમને કહેતી, `સર, આરામ કરો. તમારે થોડી ઊંઘની જરૂર છે, રિહર્સલ કરવાની નહીં.’ છતાં એ પોતાના કામને પોતાના ભગવાન, પોતાની પ્રામાણિકતા, પોતાનો ધર્મ માને છે. મને સમજાતું નથી કે આટલી ઉંમરે પણ એમને આટલી એનર્જી ક્યાંથી મળે છે? સાચે જ દુનિયા માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે અમિત સર.

— તારી દરેક ફિલ્મમાં તારું પાત્ર અલગ જ પ્રકારનું હોય છે. તું આ નિર્ણય કઇ રીતે કરે છે?

એવું ચોક્કસ કંઇ કહી ન શકાય. `નામ શબાના’, `પિંક’, `મુલ્ક’ જેવી ફિલ્મોમાં મારા અભિનય અને ફિલ્મની પ્રશંસા કરવામાં આવી. કદાચ એટલા માટે કે મારી એવી જ ઇમેજ બનતી ગઇ. મેકર્સે પણ મને એવા જ રોલ ઓફર કર્યાં – અ વુમન વિધ સ્ટ્રોંગ સ્પાઇન. હકીકત તો એ છે કે હવે પ્રેક્ષકો પણ મૂર્ખ અભિનેત્રીને જોવા ઇચ્છતા નથી. ભલે એ ગમે એટલી ગ્લેમરસ કેમ ન હોય? હું તો નોનફિલ્મી બેકગ્રાઉન્ડ-પરિવારની છું. મારા કોઇ ગોડફાધર-મેન્ટર નથી. આથી મારા માટે લખવામાં આવેલા રોલ અને વાર્તા મને મળવાની નહોતી. મને જે પણ ઓફર્સ મળી, તેમાંથી જ પસંદગી કરતી ગઇ. જોકે એ વાતનો આનંદ છે કે મારી પસંદગી પોતાના અસ્તિત્વના આધારે, આપબળે જીવન જીવતી એક સશક્ત સ્ત્રીના પાત્રો જ હોય છે.

 

 

Loading

Spread the love

Leave a Comment